રોજ આવી આંખમાં ઝૂલી જવું, કેટલું વસમું તને ભૂલી જવું?

પ્રતીકાત્મક તસવીર
જીવનું આવવું અને જવું એક વિસ્મયી ઘટના છે. વિચાર આવે કે મસમોટા હાથીની વાત તો સમજ્યા, પણ નાના બૅક્ટેરિયામાં જીવ કેવી રીતે સમાતો હશે. આપણી ભીતર એક વિશ્વ ધબકતું હોય છે. એનો અંદાજ મેળવવા ડૂબકી મારવી પડે. સુધીર પટેલ મક્કમતા સાથે શ્રદ્ધાની પણ વાત કરે છે...
કોઈ ટેકણ ન હોય તો કૈં નહીં
ટૂંક પર તમને ટેક લૈ જાશે
ભીતરે એકલા જવું પડશે
બહાર બીજે અનેક લૈ જાશે
દરેકને ક્યાંક જવું હોય છે. સ્થિર ભલે થઈએ, પણ જડ થવાનું નથી. પથ્થર જડ હોય છતાં યોગ્ય વાતાવરણ રચાય તો એમાંથી કૂંપળ ફૂટી શકે. ચોમાસામાં ફુટપાથની બે ટાઇલ્સની વચ્ચેની જગ્યામાં ઘાસ ફૂટી નીકળે છે. સંજોગ અનુકૂળ હોય તો જીવન સંભવે. સંદીપ પૂજારાની પંક્તિઓમાં હકારનો મહિમા છે...
તમે માનો છો જેવું, સાવ એવું પણ નથી હોતું
ન આવે અંત જેનો, ક્યાંય એવું રણ નથી હોતું
શું એની ભવ્યતા છે, જાણવા ભીતર જવું પડશે
હૃદય નામે હવેલીને કોઈ આંગણ નથી હોતું
વાત ભવ્યતાની નીકળે તો જી-૨૦ સમિટની આયોજનાની નોંધ આખા વિશ્વમાં લેવાઈ છે. મોટા પાયે વિચારવું અને પાર પાડવું સહેલું કામ નથી. છાપામાં કૌભાંડની જગ્યા આ પ્રકારના કરતબે અને કૌવતે લીધી છે એ જોઈને આનંદ થાય. જોકે એની સાથે-સાથે કડવી વાણીથી કાન અભડાઈ પણ રહ્યા છે. સનાતન ધર્મ વિશે ડીએમકે પક્ષના નેતાઓએ બેફામ બફાટ ચાલુ રાખ્યો છે. હિન્દુ હોવું ગુનો હોય એવો ભાવ નિર્માણ કરવાની વ્યૂહરચના દેખાઈ રહી છે. કમભાગ્યે આવા બફાટમાસ્ટરોની વચ્ચે જ આપણે જીવવાનું છે. મરીઝ લખે છે...
કડવા અનુભવોનું કથન હો મીઠાશથી
એ બોલચાલ અમારી, એ ભાષા અમારી છે
આ ઘરના એક ખૂણામાં બેસી જવું પડ્યું?
ને ચારે તરફ કેટલી દુનિયા અમારી છે
વૃદ્ધાવસ્થા આવે એટલે ઘરના એક ખૂણામાં ઠીંગરાઈ જવું પડે. શરીર જવાબ દઈ રહ્યું હોય ત્યારે ખમીર ટકાવવું અઘરું છે, અશક્ય નહીં. અમેરિકામાં રહીને ગુજરાતી ભાષાની મશાલને જલતી રાખવાનું પ્રલંબ કાર્ય કરનાર શિક્ષક, સંપાદક અને પ્રખર વિવેચક મધુસૂદન કાપડિયાને કાંદિવલીમાં મળવાનું થયું. નેવું વર્ષની ઉંમરે પહોંચેલા આ વંદનીય વિદ્વાનની સાહિત્ય-નિષ્ઠા અને કર્મશીલતા જોઈને મસ્તક આપોઆપ નમી જાય. કાવાદાવાઓથી અલિપ્ત રહીને આ રીતે કાર્યમાં લિપ્ત રહેનારને મનોજ ખંડેરિયાનો શેર અર્પણ કરવાનું મન થાય...
સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે
નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે
જીવંત કાગળનું અજવાળું તો મઘમઘ મ્હેકથી પ્રસરે
નથી એને જવું પડતું સિફારસ શોધવા માટે
ઈશ્વરે આપણને જે કામમાં નિમિત્ત બનાવ્યા છે એ કામ નિષ્ઠાપૂર્વક કરીએ એ આપણી પૂજા લેખાય. સાહિત્યના પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિમાં કમાણી-બમાણી તો નિમાણી કક્ષાની જ હોય છે. વ્યવહારુ દૃષ્ટિએ સાહિત્ય-પ્રવૃત્ત માણસ પાગલમાં જ ખપવાનો. કામ ઉમદા પણ ઊપજ કંઈ નહીં. કામનો ગણ જેટલો થવો જોઈએ એટલો ન થતો હોય તોય પોતાના લક્ષ્ય માટે કાર્યરત રહેવું અઘરું કામ છે. મહેન્દ્ર જોશી કેટલીક અઘરી વાતો સમજાવે છે...
રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે
કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે
ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો
તોય પંખી પાળવું એ છેક અઘરી વાત છે
બધાને બધું મળતું નથી. એકસરખી મહેનત કરે તોય ફળ જુદું-જુદું મળે. કામમાં કોઈ કહેવાપણું ન હોય છતાં એની સામે વળતર નહીંવત્ હોય ને નોંધ પણ ન લેવાય ત્યારે નિરાશ થવું સ્વાભાવિક છે. જાતને પૂરી શક્તિથી અજમાવીએ છતાં મેળ ન પડે ત્યારે આત્મવિશ્વાસ અળપાઈ જાય. બકુલ રાવળની પંક્તિઓમાં આ દર્દ દેખાશે...
ઘણા માર્ગ છે પણ જવું કઈ દિશાએ?
મથામણમાં પાસેનું ખોયા કરું છું
હકીકત હથેળીથી સરકી રહી છે
ધુમાડાને મુઠ્ઠીમાં પકડ્યા કરું છું
લાસ્ટ લાઇન
રોજ આવી આંખમાં ઝૂલી જવું
કેટલું વસમું તને ભૂલી જવું?
આગમન એનું થશે એ સાંભળી
બંધ દ્વારોનું તરત ખૂલી જવું
જન્મથી મૃત્યુ સુધીની આ સફર
પર્ણ પરથી ઓસનું ઊડી જવું
આ હવામાં તું હજી પડઘાય છે
ધન્ય! તારું જીવતર જીવી જવું
ખોટ મોટી કઈ રીતે સરભર થશે?
માનવી હોવાપણું ખૂટી જવું
કોઈ માસૂમ યાદ આવી જાય ત્યાં
જે સ્થળે હો ત્યાં જ બસ ઊભી જવું
છે હજી જીવંત એ દૃશ્યો બધાં
`સૌમ્ય’ તારું ગામથી છૂટી જવું
ગણપત પટેલ ‘સૌમ્ય’
ગઝલસંગ્રહ : મૌનની ભાષા