Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંબંધોની ગાંઠ તમે કઈ રીતે ઉકેલો છો?

સંબંધોની ગાંઠ તમે કઈ રીતે ઉકેલો છો?

08 January, 2023 01:51 PM IST | Mumbai
Kana Bantwa

સંબંધોમાં પડેલી ગાંઠ પ્રેમથી અને કાળજીથી ઉકેલવી પડે, નહીંતર આ ગાંઠ મડાગાંઠ થઈ જવામાં વાર નથી લાગતી

સંબંધોની ગાંઠ તમે કઈ રીતે ઉકેલો છો? કમ ઑન જિંદગી

સંબંધોની ગાંઠ તમે કઈ રીતે ઉકેલો છો?


એક સાધુની પાસે એક યુગલ આવ્યું અને બંને વચ્ચે થતા ઝઘડા નિવારવા માટે વિનંતી કરી. બંને વચ્ચે કઈ બાબતે માથાકૂટ થાય છે, ઝઘડા કેમ વકરે છે એની વિગતવાર વાત સાધુએ તે યુગલ પાસેથી સાંભળી અને પછી કંઈ પણ બોલ્યા વગર યુવાનની પાસે તેમણે તેનો રૂમાલ માગ્યો. યુવાને પોતાનો રેશમી રૂમાલ સાધુને આપ્યો એટલે તે રૂમાલમાં એક પછી એક ગાંઠ વાળવા લાગ્યા. એક પછી એક ગાંઠ વાળતા સાધુને જોઈને યુગલ આશ્ચર્યમાં પડી ગયું. તેમને સમજાયું નહીં કે સાધુ કોઈ ઉપદેશ, કોઈ સલાહ, કોઈ ઉદાહરણ આપવાને બદલે રૂમાલમાં ગાંઠો શા માટે વાળી રહ્યા છે? થોડી ગાંઠો વાળી લીધા પછી સાધુએ યુગલને રૂમાલ જોવા માટે આપ્યો અને કહ્યું, ‘એને જરા ધ્યાનથી તપાસી જુઓ. તમારો જ રૂમાલ છેને?’

યુગલે હા પડી એટલે સાધુએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘આ એ જ રૂમાલ છે જે તમે મને આપ્યો હતો?’
યુગલે જવાબ આપ્યો, ‘મહારાજ, રૂમાલ અમે આપ્યો હતો એ જ છે.’ 
સાધુએ વળી નવો પ્રશ્ન પૂછ્યો, ‘રૂમાલ જેવો હતો એવો જ છે?’
‘ના મહારાજ, રૂમાલ જેવો આપ્યો હતો એવો નથી. એમાં ગાંઠો છે.’ યુગલે ઉત્તર આપ્યો. 
સાધુએ રૂમાલ પોતાના હાથમાં લઈને એને બંને છેડેથી ખેંચવા માંડ્યો અને બોલ્યા, ‘આપણે આ ગાંઠો કાઢી નાખીએ અને રૂમાલને ફરી હતો એવો જ કરી દઈએ.’ 
યુગલે તરત જ પ્રત્યુત્તર આપ્યો, ‘મહારાજ, આમ ખેંચવાથી ગાંઠો નહીં છૂટે. એ તો ઊલટી વધુ મજબૂત બનશે. પછી એને ખોલવી પણ ખૂબ જ મુશ્કેલ બનશે. ગાંઠો ખોલવી હોય તો એને બરાબર તપાસીને ઢીલી કરવી પડે. તો ગાંઠો ખૂલે.’ સાધુએ મર્માળું હસતાં ઉત્તર આપ્યો, ‘હું પણ તમને એ જ સમજાવવા માગું છું કે સંબંધોમાં પડેલી ગાંઠો ઉકેલવી હોય તો ઢીલ મૂકવી પડે.’



હમણાં ઉતરાણ આવશે એટલે ગુજરાતમાં તો આકાશમાં પતંગો સિવાય કશું નહીં દેખાય. ધાબાઓ પર ચડીને પતંગરસિયાઓ પેચ લડાવશે અને એકબીજાની પતંગ કાપશે. પતંગયુદ્ધ જામશે. પતંગ કાપવા માટે બે રીત અખત્યાર કરી શકાય : ઢીલ આપીને અને ખેંચીને. પતંગયુદ્ધના જાણકારોનું એવું કહેવું છે કે ખેંચીને પતંગ કાપવો એ કષ્ટસાધ્ય કળા છે. ખેંચીને કાપતી વખતે તમારી દોરીમાં હરીફની દોરી બહુ થોડા વિસ્તારમાં ઘસાય એટલે તમારો માંજો કપાઈ જવાની શક્યતા વધુ રહે છે. ઢીલ આપીને પતંગ વધુ સરળતાથી કાપી શકાય. એમાં દોરીને ઢીલ આપતા રહીએ એટલે જ્યાં દોરીમાં કાપો પડ્યો હોય એ ભાગ દૂર જતો રહે અને કપાતાં વાર લાગે. તમે જ્યારે નાના હશો ત્યારે પતંગની દોરી ગૂંચવવાની ઘટનાઓ બહુ બની હશે. ગૂંચવાયેલી દોરીને ખેંચો તો એટલી વધુ ગૂંચવાઈ જાય કે પછી એને કાપવી પડે, ઉકેલાય નહીં. સંબંધોનું પણ આવું જ છે. સંબંધ હોય ત્યાં ચણભણ થાય, સંઘર્ષ થાય એ સ્વાભાવિક છે. મિત્ર સાથે, પત્ની સાથે, સહયોગી સાથે, સહકર્મચારી સાથે, સ્વજન સાથે સંબંધ વણસે ત્યારે સામાન્ય રીતે બંને પક્ષ ખેંચતા જ હોય. ઢીલ મૂકવી એને નાનમ સમજવામાં આવતી હોય. બંને છેડેથી ખેંચવાનું ચાલુ રાખે એટલે ગાંઠ વધુ મજબૂત બને, અંટસ વધુ ઘેરી બને. પછી એ સંબંધ સુધારવા માટે વધુ સમય અને શક્તિની જરૂર પડે.


અમારી બાજુમાં એક દંપતી રહેતું હતું. આમ તો બંને સંસ્કારી અને સારી વ્યક્તિ હતા, પણ બંને વચ્ચે વારંવાર માથાકૂટ થાય. સાવ નાની વાતે બંને વચ્ચે બોલાચાલી થાય અને પછી વાતાવરણ વધુ ને વધુ ઉગ્ર બનતું જાય. એકની દલીલના જવાબમાં બીજાની વધુ તીવ્ર અને ઉગ્ર દલીલ આવે. એક આરોપ સામે બીજો આરોપ આવે. જૂની ઘટનાઓ દરેક ઝઘડા વખતે ફરીથી યાદ દેવડાવવામાં આવે. એકબીજાની ભૂલો યાદ કરાવીને ઘેરવામાં આવે. જેનો પક્ષ નબળો પડતો જણાય એ વધુ ઊંચા અવાજે બોલીને ખાતું સરભર કરવાનો પ્રયત્ન કરે. બેમાંથી કોઈ ઢીલું મૂકે નહીં. બાળકો વચ્ચે પડે પછી બેય અબોલા લઈને શાંત થાય. થોડા દિવસ એકબીજા સામે ઘુરકિયાં કરે. પછી માંડ ગુસ્સો શાંત થાય અને બેય પાછા વહાલથી રહેવા માંડે. બંને વચ્ચે જે વાતે વિખવાદની શરૂઆત થઈ હોય એ બાબત તો સાવ ક્ષુલ્લક હોય. એ બાબતે ઝઘડો થવાની તો કોઈ સંભાવના જ ન હોય, પણ બેય વાતને ખેંચે એટલે ઝઘડો કરવા જેવા મુદ્દાઓ નીકળી આવે. બેમાંથી કોઈને ઢીલું મૂકવાની આદત નહીં. ઢીલું મૂકવાથી પોતાનો પરાજય દેખાશે એવું માનવાને કારણે વાત બગડી જાય.

આવું મોટા ભાગના સંબંધોમાં બનતું હોય છે. શરૂઆતમાં જ જો નાની વાતને સાંભળી લઈએ તો બાજી બગડતી અટકાવી શકાય. મોટા ભાગે ઢીલું મૂકવામાં અહમ્ નડતો હોય છે. હું શા માટે નમતું જોખું? મારી કોઈ ભૂલ જ નથી તો મારે બાંધછોડ શા માટે કરવી? દર વખતે મારે જ નમી જવાનું? એવા પ્રશ્નો બંનેને સમાનરૂપે થતા હોય છે. પોતે જ સાચા છે એ સાબિત કરવાની અપેક્ષા છોડે તે જ ઝઘડા અટકાવી શકે. સાચા હોય તો પણ પોતાની જ વ્યક્તિ પાસે સાચા સાબિત થવું અનિવાર્ય છે? હરિને જીતી જતાં શીખી જાય તેનો ક્યારેય પરાજય થતો નથી. ગુજરાતી ભાષાના સરટોચ હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેની પેલી વાત યાદ છેને, જેમાં પહેલવાન ચીત કરે એ પહેલાં જ દવેસાહેબ ચીત થઈ જતા હતા. આખરે પહેલવાને હાર સ્વીકારી લીધી.


ઝઘડાનું એક મોટું કારણ એકબીજા પર દોષારોપણ કરવાનું હોય છે. દોષારોપણ કરનાર જીતી જવા માટે દલીલો કરતા હોય છે, પોતે સાચા હોય છે એ માટે નહીં. તેઓ સામેવાળાની નબળી બાબતો પર ફોકસ કરીને તેને પાડી દેવા તત્પર હોય છે. આમાં સમસ્યા એ થાય છે કે ઘણી વાર અતિ આક્રમક વ્યક્તિ જ્યારે ઝઘડો કરે ત્યારે એક પક્ષ જો સાવ શાંત રહે કે પાછો હટી જાય તો પણ સામેની વ્યક્તિને તે અપમાનજનક અથવા ત્રાગું લાગે છે અને પરિસ્થિતિ વધુ વણસે છે. આનો અર્થ એ નથી કે નમતું ન જોખવું. લડાઈ રોકવાનો સૌથી સહેલો ઉપાય જ એ છે કે એક પક્ષ શાંત રહે અથવા મૌન થઈ જાય. ઘણા લોકો એકબીજા સાથે લડવાના એટલી ટેવવાળા થઈ ગયા હોય છે કે અમુક અંતરાલે તેમની વચ્ચે તકરાર થાય જ. આવા લોકોએ આ ટેવને ઓળખી લઈને એને નિવારવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.

પ્રેમીઓમાં ઝઘડા ન થાય તો પ્રેમ જાણે ફિક્કો લાગે. પ્રેમીઓ ઝઘડે, સમાધાન કરે અને એવા એક થઈ જાય કે જાણે ક્યારેય લડ્યા જ ન હોય અને પછી ફરી એવા લડે કે કૂતરાં-બિલાડાં શરમાઈ જાય. દરેક ઝઘડો તેમને વધુ નજીક લાવતો લાગે. પ્રેમમાં ઝઘડા સામાન્ય છે. બે અસમાન ધ્રુવો એક થવાની કોશિશ કરે ત્યારે સંઘર્ષ થાય એ સ્વાભાવિક છે. ઝઘડા જ સાબિત કરતા હોય છે કે પ્રેમીઓ એકબીજા વગર જીવી શકે એમ નથી. અલગ પડ્યા પછી રિયલાઇઝ થતું હોય છે કે સામેનું પાત્ર કેટલું અગત્યનું છે, તેના વિના રહેવું કેટલું મુશ્કેલ છે. જોકે બધા સંબંધોમાં પ્રેમીઓ જેવી ફાઇટિંગ અનિવાર્ય નથી. સંબંધો સાચવવા હોય તો વિખવાદ, વિવાદ અને વિસંવાદ ટાળવા પડે. સંબંધોમાં પડેલી ગાંઠો પ્રેમથી અને કાળજીથી ઉકેલવી પડે, નહીંતર આ ગાંઠો મડાગાંઠ થઈ જવામાં વાર લાગતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2023 01:51 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK