Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડ્રગ-સ્મગલિંગ રોકવા ‘કિલો 17’ કેવી રીતે ઉપયોગી બની શકે છે?

ડ્રગ-સ્મગલિંગ રોકવા ‘કિલો 17’ કેવી રીતે ઉપયોગી બની શકે છે?

18 May, 2022 12:36 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

હૅરી ફર્ગ્યુસનની બુક ‘કિલો 17’ માત્ર એક ફિક્શન નથી પણ હૅરીએ નૅશનલ ઇન્વેસ્ટિગેશન સર્વિસની ડ્યુટી દરમ્યાન કઈ રીતે સત્તર હજાર કિલો ડ્રગ્સ બનાવી શકે એટલું રૉ-મટીરિયલ પકડવાનું કામ કર્યું હતું એ અનુભવનો નિચોડ છે

ડ્રગ-સ્મગલિંગ રોકવા ‘કિલો 17’ કેવી રીતે ઉપયોગી બની શકે છે?

બુક ટૉક

ડ્રગ-સ્મગલિંગ રોકવા ‘કિલો 17’ કેવી રીતે ઉપયોગી બની શકે છે?


સૌથી પહેલાં તો એક નાનકડી સ્પષ્ટતા. હૅરી ફર્ગ્યુસન નામ જ સર્જનાત્મક તાકાત ધરાવે છે, કારણ કે આ જ નામની એક વ્યક્તિએ સંશોધન કરીને જગતના તાત એવા ખેડૂતોને ટ્રૅક્ટરની ભેટ આપીને કૃષિક્રાન્તિમાં અદ્ભુત દાખલો બેસાડ્યો તો આ જ નામની બીજી વ્યક્તિએ દુનિયાની સામે પુરવાર કર્યું કે તમારી તૈયારી હોય, તમારી ક્ષમતા હોય તો તમે દુનિયાની સૌથી સ્ટ્રૉન્ગ એવી ડ્રગ્સ-કાર્ટલ સામે પણ બાથ ભીડી શકો છો અને જીતી શકો છો. હા, ‘કિલો 17’ના ઑથરનું નામ પણ એ જ છે જે નામ ટ્રૅક્ટરના જનકનું હતું. હૅરી ફર્ગ્યુસન. આપણે જે હૅરીની વાત કરીએ છીએ એ હૅરી પ્રોફેશનલી રાઇટર નહોતા પણ નૅશનલ ઇન્વેસ્ટિગેશન સર્વિસ સાથે જોડાયેલા હતા. બ્રિટિશ સિક્યૉરિટી સાથે જોડાયેલા હૅરી ફર્ગ્યુસને પોતાની સર્વિસ દરમ્યાન અનેક કામ એવાં કર્યાં કે જેને લીધે તે નૅશનલ હીરો બન્યા અને એ જ હીરોઇઝમે તેમને પોતાના એક્સ્પીરિયન્સ શૅર કરવાની પ્રેરણા આપી, જેમાંથી ત્રણ બુકનું સર્જન થયું. પણ આ ત્રણ બુકમાંથી ‘કિલો 17’ એવી બુક બની, જાણે કે એ ડ્રગ્સ માફિયાઓને ઝબ્બે કરવાની ટેક્સ્ટ બુક હોય. હૅરી કહે છે, ‘એકવીસમી સદીની શરૂઆતમાં ઑલમોસ્ટ માફિયા-રાજ પૂરું થઈ ગયું હતું પણ એમ છતાં દુનિયા સામે એક નવો પડકાર શરૂ થવાનો હતો, જે હતો ડ્રગ્સનો. ડ્રગ-ડીલિંગની શરૂઆત તો નેવુંના દશકથી જ થઈ ગઈ હતી પણ એ ધીમે-ધીમે એ સ્તર પર વધવા માંડી કે જેની કોઈએ કલ્પના નહોતી કરી.’
હૅરીએ ૧૯૯૨માં જ બ્રિટિશ ગવર્નમેન્ટને ચેતવણી આપી હતી કે જો અત્યારથી જ કડક કાયદાઓ બનાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ડ્રગ્સ માફિયા એ સ્તર પર સ્ટ્રૉન્ગ થશે કે એ દેશની સરકાર સુધ્ધાં નક્કી કરતા થઈ જશે. હૅરીની વાતમાં તથ્ય હતું અને એ તથ્ય તમને પણ ‘કિલો 17’ વાંચતાં સરળતાથી સમજાય છે.
હૅરી મેટ ક્રાઇમ | હૅરી ફર્ગ્યુસને પોતાની કરીઅરની શરૂઆત અન્ડરકવર એજન્ટ તરીકે કરી અને બ્રિટન વતી ૧૪ દેશોમાં જઈને તેણે ડ્યુટી કરી. મજાની વાત એ છે કે ૧૪ દેશોમાં પોતાની ડ્યુટી દરમ્યાન હૅરી ફેક પાસપોર્ટ પર પચાસથી વધુ દેશમાં અવરજવર પણ કરી આવ્યો. અમેરિકાએ હૅરીની આ કરીઅર દરમ્યાન ચાલીસથી વધારે મેડલો પણ આપ્યા. પોતાની આ અન્ડરકવર એજન્ટની કરીઅરની પૂર્ણાહુતિ પછી અમેરિકાએ જ હૅરીની સર્વિસ ચાલુ રાખતાં તેને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ટ્રાન્સફર કર્યો અને પહેલા જ વર્ષે હૅરીએ અમેરિકાને ચેતવણી આપી કે દારૂ, સોનું અને વેપન હવે આઉટડેટેડ છે; ડ્રગ્સ ઇન-થિંગ છે અને માફિયાઓ વચ્ચે ડ્રગ્સની લેવડદેવડ મોટી માત્રામાં થાય છે. હૅરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે પદાર્થ જીવ લેવાની ક્ષમતા ધરાવે છે એની અમુક ક્ષમતાને માઇલ્ડ કરીને એનો નશો કરવાની શરૂઆત અમેરિકાથી થઈ અને અમેરિકાએ પોતાની તાકાત બમણી કરવા માટે એ બિઝનેસ ચાલુ રાખવા દીધો, જેને લીધે આજે દુનિયા આખી હેરાન થાય છે. 
હૅરીની વાત ખોટી નથી. તમે જુઓ, આજે દર અઠવાડિયે ગુજરાતમાંથી હજારો કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાય છે, જે દેખાડે છે કે ડ્રગ્સનું ચલણ કયા સ્તર પર વિસ્તરી રહ્યું છે. એક સામાન્ય અંદાજ એવો મૂકવામાં આવે છે કે આવતાં વીસ વર્ષમાં પૃથ્વીને દરેક દસમો માણસ ડ્રગ્સ લેતો થઈ જાય એવી શક્યતા છે. પોતાની નૅશનલ સિક્યૉરિટીની જવાબદારીમાંથી બહાર આવ્યા પછી પણ બ્રિટિશ સરકારે હૅરીને નિવૃત્ત કરવાને બદલે સતત એની સેવાનો લાભ લીધો અને હૅરીને કસ્ટમથી માંડીને એક્સરસાઇઝ અને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન જેવા ડિપાર્ટમેન્ટમાં ડ્યુટી આપવામાં આવી તો સાથોસાથ જેમ્સ બૉન્ડ જે ગ્રુપ માટે કામ કરતો દેખાડવામાં આવ્યો છે એ MI6માં પણ તેને મૂકવામાં આવ્યો.
એક્સ્પીરિયન્સ બન્યા એજ્યુકેશન | હા, એવું જ બન્યું હૅરી ફર્ગ્યુસન સાથે. ‘કિલો 17’ અને એ પછી બીજી બે બુકના આધારે હૅરીને અનેક દેશની સિક્યૉરિટી એજન્સીએ સ્પેશ્યલ ટ્રેઇનર તરીકે બોલાવ્યો. સાથોસાથ ‘કિલો 17’ના આધારે અનેક દેશોએ હૅરીની પાસે ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવાની ટિપ્સ પણ લીધી. 
હૅરીની આ જ બુકે તેને પ્રોફેશનલ રાઇટર પણ બનાવ્યો. ‘કિલો 17’ અને ‘લિમા-3’ નામની બે બુક પછી બીબીસીએ હૅરીને સ્ટાફ પર લીધો અને હૅરી પાસે સ્પાય-સ્ટોરી લખાવી, જેના આધારે ત્રીસ એપિસોડની સિરિયલ પણ બીબીસીએ બનાવી. તમને જાણીને નવાઈ લાગશે પણ ‘કિલો 17’ના રાઇટ્સ માટે એક સમયના ભોજપુરી ઍક્ટર રવિ કિશને પણ ટ્રાય કરી હતી અને હૅરીનો કૉન્ટૅક્ટ કર્યો હતો પણ રવિ કિશનના દુર્ભાગ્ય, બીબીસીએ એના રાઇટ્સ લઈ લીધા હતા. ચાર્લ્સ શોભરાજની લાઇફ પરથી ‘સર્પન્ટ’ બનાવ્યા પછી હવે બીબીસી ‘કિલો 17’ પર વેબ-સિરીઝ બનાવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2022 12:36 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK