Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણા બગીચામાં કચરો કોણ નાખે છે?

આપણા બગીચામાં કચરો કોણ નાખે છે?

25 February, 2021 11:55 AM IST | Mumbai
Jayesh Chitalia

આપણા બગીચામાં કચરો કોણ નાખે છે?

આપણા બગીચામાં કચરો કોણ નાખે છે?

આપણા બગીચામાં કચરો કોણ નાખે છે?


બીજાઓ વિશે આપણે પોતે જ એટલુંબધું વિચારી લઈએ છીએ કે આપણા આ વિચારોના આધારે આપણે સામેની વ્યક્તિ સાથે ન કરવાનું કરી નાખતા હોઈએ છીએ, જેમાં મોટા ભાગે આપણી ભીતર ચાલતા ઉકળાટ-ખળભળાટ-અજંપાની લાગણી જ વ્યક્ત થઈ જાય

રવિ તેના દોસ્ત વિજયના ઘરે જઈ રહ્યો છે‍. આજે રવિને વિજયની કાર જોઈએ છે. તેને ત્યાં ગામથી મહેમાન આવ્યા હોવાથી તેમને ફરવા લઈ જવાનો રવિનો વિચાર છે એથી રવિને થયું કે આજે વિજયને કહું કે તે એક દિવસ માટે પોતાની કાર આપે. રસ્તામાં ચાલતાં-ચાલતાં રવિ વિચારતો જાય છે, વિજય શું કહેશે? કાર આપશે? કે પછી નહીં આપવા માટે બહાનું કાઢશે? કે કાર તો મારો ભાઈ લઈ ગયો છે. તે તો હવે રાતે મોડેથી આવશે! અથવા કહેશે કે કાર તો મેં સર્વિસ માટે ગૅરેજમાં મોકલી છે. બે દિવસ પછી મળશે યા પછી કહેશે કે આજે તો અમારી ફૅમિલીએ બહાર ફરવા જવાનું નક્કી કર્યું છે અથવા અમારે એક મૅરેજમાં જવાનું છે. આવાં એક યા બીજાં સાચાં-ખોટાં બહાનાં વિજય કાઢશે તો? આમ વિચાર કરતાં-કરતાં રવિ આખરે વિજયના મકાનની નીચે પહોંચી જાય છે અને પછી વિજયના નામની મોટેથી બૂમ પાડે છે. બૂમ સાંભળીને વિજય પોતાના ઘરની ગૅલરીમાં આવે છે અને નીચે રવિને જુએ છે. વિજય કંઈ કહે એ પહેલાં જ રવિ તેને જોરથી કહી દે છે ‘જા, નથી જોઈતી તારી કાર!’ આમ કહીને રવિ ત્યાંથી નીકળી જાય છે અને વિજય વિચારમાં પડી જાય છે કે આ રવિને કાર માટે શું થઈ ગયું? તે કેમ આવું બોલીને ચાલ્યો ગયો!
આપણી અંદર રવિ અને વિજય
આવા રવિ અને વિજય આપણી આસપાસ હોય જ છે, તો ક્યારેક આપણે પોતે રવિ અથવા વિજય હોઈએ છીએ. મોટા ભાગે દરેક માણસ રોજ જેમ બીજાઓ સાથે વાતચીત કરે છે એમ પોતાની સાથે પણ વાતચીત કરતો હોય છે. આપણી આજુબાજુ ચાલતા કે પસાર થતા અથવા બસ-ટ્રેનમાં બેઠેલા માણસોનું નિરીક્ષણ કરીએ તો ઘણી વાર આપણને તેઓ એકલા-એકલા ગણગણ કરતા, ક્યારેક તો મોટેથી બોલતા પણ જોઈએ છીએ. આપણી આજકાલની ટીવી સિરિયલ્સમાં જુઓ તો કેટલાંય પાત્રો એકલાં-એકલાં યા મનમાં વાતો કરતાં જોવા મળે છે,
જેમાં સતત બીજા વિશેના વિચાર ચાલુ હોય છે. આ વાતો તેઓ ભલે એકલા કરતા હોય, મનમાં જ કરતા હોય, પરંતુ સંવાદ બીજા સાથે પણ ચાલતા હોય છે. આ બીજામાં એક વ્યક્તિ કે એથી વધુ વ્યક્તિ પણ હોઈ શકે. એટલું જ નહીં, એ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓના સંવાદો પણ પેલી એકલી-એકલી વાતો કરતી વ્યક્તિ જ બોલતી હોય છે. જેમ ઉપરના કિસ્સામાં વિજયને ખબર જ નહોતી કે રવિને શું થયું છે? એમ એકલા વાત કરનારા વિશે બીજાને ખબર ન હોય એ પણ સહજ છે છતાં આપણી અંદર આવી વાતચીત સતત ચાલતી હોય છે.
ભીતર કોલાહલ
ગુજરાતીમાં એક બહુ જૂની અને જાણીતી કહેવત છે કે ‘મનમાં જ પરણે ને મનમાં જ રાંડે’ - અર્થાત્ વિધવા થઈ જાય. ખરેખર તો આપણે જેટલા ભીતરથી અશાંત કે અસંતોષી હોઈએ એટલું આપણી સાથે આવું થવાનું પ્રમાણ વધુ રહે છે. ભલે બહારથી આપણે લોકોને શાંત દેખાતા રહીએ, પરંતુ આપણી ભીતર સતત કોલાહલ હોઈ શકે છે. આપણે ઘણા માણસોને જોઈએ છીએ કે તેઓ બેઠા હોય કે વાત કરતા હોય ત્યારે તેમના પગ હલ-હલ કરતા હોય, જે તેમના મનમાં ચાલતા અજંપા-અશાંતિ કે કોલાહલની સાક્ષી પૂરતા હોય છે. રસ્તામાં ચાલતા જઈ રહ્યા હોઈએ અને આપણને સામેથી પસાર થતી બીજી વ્યક્તિ કંઈ પણ કારણ વિના દુશ્મન જેવી લાગે છે, ક્યાંક એ વ્યક્તિ પ્રત્યે આપણો અણગમો છતો થઈ જાય છે અથવા એ અણગમાની લાગણી આપણે ભીતર અનુભવવા લાગીએ છીએ. એ વખતે એ સામેની અજાણી વ્યક્તિ નહીં, પરંતુ આપણા મનમાં એ સમયે ચાલતા કોઈ નકારાત્મક ભાવો-લાગણીઓની વાતચીત સતાવતી હોય છે.
આપણી હાઉસિંગ સોસાયટી હોય કે ઑફિસ હોય, ટ્રેનમાં પાસેના મુસાફરો હોય કે મેળામાં ભેગા થયેલા માણસોની મેદની હોય, આપણને મોટા ભાગે આપણી ભીતર ચાલતા ઉશ્કેરાટ તેમ જ ખળભળાટ સતાવ્યા કરતો હોય છે, જેને પરિણામે આપણે બીજા કોઈની પણ સાથે કારણ વિના ઝઘડા કરી બેસીએ છીએ. વાસ્તવમાં આપણી ભીતર જેકાંઈ ચાલતું હોય છે એ સ્વભાવ બનીને આપણી બહાર પ્રગટ થયા કરે છે. આપણે મનોમન જ બીજાને સારા કે ખરાબ માનતા થઈ જઈએ છીએ.
બીજા શું વિચારશે?
કહેવાય છે કે આપણે બીજા આપણા વિશે શું વિચારશે એ વિષયમાં એટલુંબધું વિચારતા રહીએ છીએ કે આપણા પર ત્યાં સુધી કટાક્ષ થઈ શકે કે બીજાઓ શું વિચારે છે એ આપણે જ વિચારી લઈશું તો બીજાઓ શું કરશે કે તેમણે શું કરવાનું બાકી રહેશે? ખરેખર તો બીજાના વિચારોની ચિંતા પરોક્ષપણે તો આપણા અહંકાર અને દંભની સાક્ષી પૂરતી બાબતો ગણાય. કેટલીક વાર આપણા વિશે પણ લોકો આવું જ કંઈક વિચારતા હોય છે‍; જેમાં આપણે કેવા સ્વાર્થી, કપટી, ચાલાક, કંજૂસ, ખડૂસ વગેરે મનાતા હોઈશું. જ્યારે ખરેખર તો આપણા મનમાં એવું કંઈ જ ન ચાલતું હોય. આપણે આવો કપટી, ચાલાક, કંજૂસ કે ખડૂસ તરીકેનો વ્યવહાર કરવાના ન હોઈએ, અને આવો આપણો કોઈ ઈરાદો પણ ન હોય. એ જ રીતે આવું આપણે બીજા વિશે વિચારતા હોઈએ ત્યારે સામેની એ વ્યક્તિ પણ એવી હોય નહીં છતાં આપણે તેના વિશે સ્વાર્થી, કપટી, કંજૂસ, ખડૂસ કે ચાલાકનાં વિશેષણ લગાવી દીધાં હોય એમ બની શકે.
વિચારોનો કચરો
હકીકતમાં આપણે દિવસભર સતત વિચારોના બગીચામાં કચરો વધુ નાખતા રહીએ છીએ, જ્યારે આ બગીચામાં આપણે સુંદર-સુગંધીદાર પુષ્પ રોપી શકીએ, ખીલવી શકીએ છીએ, પરંતુ આપણી ભીતર રહેલી ઈર્ષ્યા, દંભ, અહમ્, લાલચ, ભયની નકારાત્મક લાગણીઓ આપણને ગેરમાર્ગે દોરતી રહે છે, જેને લીધે આપણે ઉપરના પ્રસંગ મુજબ રવિ બની જઈએ છીએ, જે વિજયનો જવાબ જાણ્યા વિના જ પોતાનો અભિપ્રાય બાંધી લે છે અને નિર્ણય પણ લઈ લે છે. આમ કરીને આપણે જાતને અને બીજાઓને જાણતાં-અજાણતાં અન્યાય કરી બેસીએ છીએ એવું બની શકે છે.
આપણી જાત સાથે પૉઝિટિવ વાતો થાય તો બીજાઓ સાથે આપણો વ્યવહાર-સંબંધ પણ પૉઝિટિવ બની શકે. બીજાઓ સાથે સુમેળ પણ વધી શકે. સમાજ કે જગત વધુ સુંદર લાગી શકે. ‘દૃષ્ટિ એવી સૃષ્ટિ’ કહેવત સમજી લઈએ તો સાર્થક.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)



આપણને મોટા ભાગે આપણી ભીતર ચાલતા ઉશ્કેરાટ તેમ જ  ખળભળાટ સતાવ્યા કરતો હોય છે, જેને પરિણામે આપણે બીજા કોઈની પણ સાથે કારણ વિના ઝઘડા કરી બેસીએ છીએ. વાસ્તવમાં આપણી ભીતર જેકાંઈ ચાલતું હોય છે એ સ્વભાવ બનીને આપણી બહાર પ્રગટ થયા કરે છે. આપણે મનોમન જ બીજાને સારા કે ખરાબ માનતા થઈ જઈએ છીએ


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2021 11:55 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK