° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


ઉમ્મીદ કભી હમેં છોડકર નહીં જાતી જલ્દબાજી મેં હમ હી ઉસે છોડ દેતે હૈં!

16 November, 2020 10:19 PM IST | Mumbai | Pravin Solanki

ઉમ્મીદ કભી હમેં છોડકર નહીં જાતી જલ્દબાજી મેં હમ હી ઉસે છોડ દેતે હૈં!

ઉમ્મીદ કભી હમેં છોડકર નહીં જાતી જલ્દબાજી મેં હમ હી ઉસે છોડ દેતે હૈં!

ઉમ્મીદ કભી હમેં છોડકર નહીં જાતી જલ્દબાજી મેં હમ હી ઉસે છોડ દેતે હૈં!

આજથી નવા વર્ષની શરૂઆત થઈ. સૌરાષ્ટ્રની બોલીમાં આજથી ‘નવું વર્ષ બેઠું.’ જે બેઠું રહે છે એનો વિકાસ થતો નથી. વિકાસ માટે ગતિ જોઈએ અને ગતિ માટે ચાલવું જોઈએ એટલે આપણે કહેવું જોઈએ કે ‘આજથી નવું વર્ષ શરૂ થયું.’ હકીકતમાં તો ગયું વર્ષ બેઠું જ રહ્યું. એટલે જ કાળીચૌદસે કકળાટ કાઢીને નવી આશા, નવા ઉમંગો, નવા વિચારોથી વાતાવરણ ઉમંગમય બને એવું કંઈક લખીશ એવું વિચાર્યું, પણ ‘ધાર્યું ધણીનું જ થાય’ એ ઉક્તિ ખોટી પાડીને લોકોએ પોતાનું જ ધાર્યું કર્યું.
છેલ્લા ચાર દિવસથી રસ્તો જાણે ઘટોત્કચનું માયાબજાર બની ગયો. ચારે બાજુ હૈયેહૈયું હણાય એવી ભીડ. શૅરબજારની જૂની ‘રિંગ’નું દૃશ્ય સામે આવી ગયું. દરેક દુકાનમાં ‘લાવ લાવ’ના હોંકારા-દેકારા સંભળાયા. બે-ત્રણ લોકલ ટ્રેન રદ થઈ હોય અને પછી ચોથી ટ્રેન રવાના થવાની ઘોષણા સંભળાયા પછી જે અંધાધૂંધી-અરાજકતા ફેલાય એવાં જ દૃશ્યો અહીં તાદૃશ્ય થયાં. આ ભીડ વચ્ચે ‘સોશ્યલ ડિસ્ટન્સ’ નામનો શબ્દ કચડાઈ ગયો. માસ્કના લીરેલીરા ઊડી ગયા.
કોરોના નામનો રાક્ષસ ઘડીભર ભીડના પગ તળે છૂંદાઈ ગયો. ચાર દિવસ લોકો માણી લેવાના મૂડમાં જ હતા. ‘ચિત્ત તું ચિંતા શીદને કરે, કૃષ્ણને કરવું હોય એ કરે...’ કવિ દયારામની આ પંક્તિઓ લોકોએ સાર્થક કરી. કોરોનાના ભયની ઐસીતૈસી કરીને લોકોએ જાણે ગમે તેમ કરીને અવસર ઊજવી લેવાનો દૃઢ સંકલ્પ કરી લીધો હોય એવું લાગ્યું.
ઘડીભર લાગે કે લોકોના આવા વલણને દાદ દેવી જોઈએ. મરવાનું તો આજે નહીં તો કાલે તો છે જ. આપણે એકલાએ નહીં, બધાએ મરવાનું છે. તો મળ્યું છે ત્યારે માણી શું કામ ન લેવું? આવી બિન્દાસ વૃત્તિ સારી તો કહેવાય, પણ સાચી તો ન જ કહેવાય. માનવજીવન ઈશ્વરનું શ્રેષ્ઠ વરદાન છે, એને હાથે કરીને, જાણીજોઈને વેડફી નાખવાનો આપણને કોઈ અધિકાર નથી. આ સાહસ નહીં, દુ:સાહસ છે. અણસમજુ વલણ છે. અખતરો નહીં, ખતરો છે, દીવો લઈ કૂવામાં પડવાની અજ્ઞાનતા છે.
ખેર જો બીત ગઈ વો બાત ગઈ. અનેક ભૂલ કર્યા પછી પણ આપણે આપણી આશા જીવંત રાખીને ‘શયદા’ની પંક્તિઓ સાચી પાડવાની છે...
‘જનારી રાત્રિને કહેજો કે સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે...’
દિવાળીના ચાર દિવસ સૌએ પોતપોતાની રીતે ઊજવી લીધા. મેં પણ એ ચાર દિવસ બહાદુરશાહ ઝફરની જેમ વિતાવ્યા, ‘દો આરઝુ મેં કટ ગયે, દો ઇન્તઝાર મેં.’
બાળપણથી મને દિવાળીના ચાર દિવસોમાં સૌથી વધારે પ્રિય અને ગમતો દિવસ ‘ચોપડાપૂજન’નો રહ્યો છે. એની પાછળનું કારણ મારા પિતા છે. તેઓ ચાર ચોપડી ભણેલા, પણ દેશી નામું લખવામાં પાવરધા હતા. હવાલા-માસ્તર તરીકે ઓળખાતા. તેઓ જ્યાં સર્વિસ કરતા એ શેઠના ઘરે ચોપડાપૂજન મારા પિતા હસ્તક જ થાય અને દર દિવાળીએ મને ત્યાં અચૂક લઈ જાય.
આને કારણે ‘સરવૈયું’ શબ્દ હું બાળપણથી જ જાણતો થયો, પણ મારા પિતાએ ‘સરવૈયું’ શબ્દની જે સમજ આપી એ હું કદી ભૂલ્યો નથી. ‘પ્રવીણ, સરવૈયું એટલે તાળો મેળવવો. વર્ષ દરમ્યાન આપણે કેટલું કમાયા અને કેટલો ખર્ચ કર્યો, એ પછી શેષ શું રહ્યું એનો હિસાબ. જે શેષ રહે એને નફો કહેવાય અને જો શેષ ન વધે તો એને નુકસાની કહેવાય.’
આ સમજણ તેમણે મને પ્રારંભમાં આપી. વય વધતાની સાથોસાથ સરવૈયાનાં જુદાં-જુદાં અર્થઘટનો મને સમજાવ્યાં. જમા-ઉધારની સમજ આપી. પછી તો સરવૈયું શબ્દ મારે માટે ધંધા કે ચોપડા પૂરતો મર્યાદિત ન રહ્યો. દરેક વાત, દરેક કાર્ય, દરેક પ્રસંગના અંતે શું મેળવ્યું કે શું ગુમાવ્યું એનો વિચાર માણસે કરવો જ જોઈએ. તેઓ કહેતા કે ‘યાદ રાખ છોકરા, જેમ ધંધામાં સરવૈયું કાઢવું જોઈએ એમ વ્યક્તિગત રીતે દર મહિને આપણો પણ આવક-જાવકનો હિસાબ આપણી આંખ સામે હોવો જોઈએ. આવક-જાવકનું ત્રાજવું સમતોલ હોય એ ઇષ્ટ પરિસ્થિતિ નથી. આવકનું ત્રાજવું નીચું ને જાવકનું ત્રાજવું ઊંચું હોવું જોઈએ. એ સમતોલ થાય એટલે સાવધાન થઈને જેમ બને એમ જલદી આવકનું ત્રાજવું નીચું લઈ આવવાના પ્રયત્ન કરવાના.
મારા કાકાને ત્યાં અનાજ ઉધાર આવતું. બન્ને ભાઈઓ વચ્ચેના સવાંદો આજે પણ મને યાદ છે. ‘ભૂખ્યા સૂઈ જવું સારું, પણ ક્યારેય ઉધાર લઈને ખાવું નહીં, એમ વ્યાજે પૈસા લઈને ક્યારેય ધંધો ન કરવો. ‘લોન’ શબ્દ ઊંધો વાંચશો તો ચેતવણી છે કે ‘ન લો.’ હરામનું લેવાનું નહીં ને હકનું છોડવાનું નહીં.’
મારા પિતા ૪૨મા વર્ષે અવસાન પામ્યા ત્યારે મારી ઉંમર ૨૦ વર્ષની હતી. તેઓ મને અને મારા મિત્ર અરવિંદ ઠક્કરને વારંવાર શિખામણ આપતા કે ‘આ નાટક-કવિતા-બવિતા ઠીક છે, મારી પાસે બેસીને દેશી નામું શીખી લો તો જીવનમાં ક્યારેય દુખી નહીં થાઓ.’
ભાવુક થઈને આ બધું લખાઈ ગયું. આવી યાદો-આવાં સંસ્મરણો સાથે કોઈ તહેવાર જ્યારે જોડાયેલો હોય ત્યારે ભૂલવા માગીએ તોય ભૂલી શકાતું નથી.
છેલ્લે : મારા પિતાએ તેમના મિત્રો સહિત અમને બધાને એક વાર્તા કરી હતી એ આજે પણ અમે કોઈ ભૂલ્યા નથી અને મને શ્રદ્ધા છે કે વાચકો પણ નહીં ભૂલે...
ગામથી દૂર એક શંકરનું મંદિર હતું. રામુ અને મનુ નામના બે ભક્તો દરરોજ મંદિરની સફાઈ કરવા આવે અને બપોરે મંદિરના ઓટલે ભેગા મળીને જમે. એક દિવસ ઓટલે જમવાની તૈયારી કરતા હતા ત્યાં થાક્યોપાક્યો એક મુસાફર આવ્યો. ઓટલે બેસી થાક ખાવા બેઠો. રામુએ પૂછ્યું, ‘ભાઈ પાણી પીવું છે?’ પેલાએ કહ્યું, ‘એ પછી, પહેલાં તો બહુ ભૂખ લાગી છે.’ મનુએ કહ્યું, ‘વાંધો નહીં, મારી પાસે પાંચ રોટલા છે. રામુ પાસે ત્રણ છે, આપણે વહેંચીને નિરાંતે ખાઈશુ.’ રામુએ કહ્યું, ‘રોટલા આઠ છે અને આપણે ત્રણ છીએ, કેવી રીતે વહેંચીશું?’ મનુએ કહ્યું, ‘દરેક રોટલાના ૩ ટુકડા કરીએ તો ૨૪ થશે. બધા ૮-૮ ટુકડા વહેંચીને મજાથી આરોગીએ.’
જમી લીધા પછી મુસાફરે બન્નેનો આભાર માન્યો. જમાડવા બદલ બન્નેને સોનાના ૮ સિક્કા પરાણે ભેટ આપ્યા. મનુએ રામુને કહ્યું કે ‘આપણે બન્ને ૪-૪ સિક્કા વહેંચી લઈએ.’ પણ રામુએ કહ્યું કે ‘મારા તો ત્રણ જ રોટલા હતા અને તારા પાંચ. હું અડધાઅડધનો હકદાર નથી.’ બહુ ખેંચતાણના અંતે તેઓ પૂજારી પાસે ન્યાય કરાવવા ગયા. પૂજારીએ કહ્યું કે ‘હું આવતી કાલે સવારે ન્યાય કરીશ.’
રાતે પૂજારીને ઊંઘ ન આવી. ખૂબ મૂંઝાયા હતા. મોડી રાતે ભગવાન સપનામાં આવ્યા. પૂજારીએ બે હાથ જોડીને પ્રભુને પોતાની મૂંઝવણ દૂર કરવાની વિનંતી કરી. પ્રભુએ કહ્યું કે ‘આ કામ તો બહુ સહેલું છે. રઘુના ત્રણ રોટલા હતા એના નવ ટુકડા થયા એમાંથી આઠ તો તેણે ખાધા, બાકી રહ્યો એક. એ જ રીતે મનુના પાંચ રોટલા હતા જેના પંદર ટુકડા થયા, જેમાંથી આઠ તેણે ખાધા તો બાકી રહ્યા સાત. એટલે રઘુને ભાગે ૧ સિક્કો આવે અને મનુના ભાગે ૭. જેનો જેટલો ત્યાગ, એટલો એનો ભાગ.
પૂજારીનો ચુકાદો સાંભળીને બન્ને તેમના પગે પડી ગયા અને બન્નેએ આઠેઆઠ સિક્કા પ્રભુના ચરણે ધરી દીધા.
આપણું સરવૈયુ આંકડાના આધારે નીકળે છે, ઉપરવાલાના અંતરની ભાવનાને આધારે!

16 November, 2020 10:19 PM IST | Mumbai | Pravin Solanki

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK