ઉંબરો ઘર અને બહાર વચ્ચેની એક હિમાલયન સરહદ છે. આ સરહદ ઘરમાંથી બહાર જનારાને સૂચવે છે - જોજે ઘરની અંદરની વાત બહાર લઈ નહીં જતો અને બહારથી ઘરમાં આવનારાને સૂચવે છે - જોજે બહારની કોઈ વાત ઘરમાં સાથે લઈ જવાની નથી. ઘર ઘર રહેવું જોઈએ અને બહાર બહાર રહેવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર
ઘરનો ઉંબરો ઓળંગતી વખતે, આવતાં-જતાં બન્ને વેળાએ ઉંબરાનો અવાજ સાંભળો છો? ઘરમાં જેટલા કલાકો સૌ પરિવારજનો સાથે રહીએ છીએ એટલો જ સમય આપણે બહાર રહીએ છીએ. ઘરના કલાકોમાં તો નિદ્રાવસ્થાના કલાકોની બાદબાકી પણ કરવી જોઈએ. બહારની દુનિયામાં આપણે જે સરવાળા કરીએ છીએ એનો ભાગાકાર પણ કરવો જોઈએ એવું ક્યારેય વિચાર્યું છે?
ઘર અને સરનામું : આજકાલ આપણે સૌ હવે વિઝિટિંગ કાર્ડ ખિસ્સામાં રાખીને ફરીએ છીએ. ડ્રૉઇંગરૂમના ફર્નિચરની જેમ જ વિઝિટિંગ કાર્ડ પણ નવાં-નોખાં બને છે. સરનામા ઉપરાંત ધંધાદારી વિગતો, ઈ-મેઇલ, www આવું ઘણુંબધું એમાં હોય છે. જોકે આ સરનામાં છે, ઘર નથી. ઘર વિશે આપણા મૂર્ધન્ય કવિ સદ્ગત નિરંજન ભગતે ક્યાંક લખ્યું છે: ઘર તમે કોને કહો છો? અને આ પ્રશ્ન પૂછ્યા પછી કવિ પોતે જ જવાબ આપી દે છે : જ્યાં રોજ ટપાલી ટપાલ આપે છે એને ઘર કહેવાય? જ્યાં ખુલ્લા દિલે શાંતિથી બેસી શકાય એનું નામ ઘર.
દીવાલ પરની ઘડિયાળના કાંટા બરાબર દસ વાગ્યા હોવાનું સૂચન કરે છે. તમારા માટે ઑફિસે જવા ઘરની બહાર નીકળવાનો સમય થઈ ગયો છે. ટાઈની નોટ સરખી કરીને તમે જમણો હાથ ડાઇનિંગ ટેબલ તરફ લંબાવો છો. અચાનક ટેબલ પર પાણી ભરેલા ગ્લાસ સાથે એ હાથ ટકરાય છે અને પાણી ઢોળાય છે. એ સાથે જ તમારું ઇસ્ત્રી-ટાઇટ શર્ટ પણ ભીંજાઈ જાય છે. તમારું મગજ ગરમ થઈ જાય છે.
‘અરે, આ પાણી ભરેલો ગ્લાસ અહીં કોણે મૂક્યો હતો?’
‘એ તો મેં જ તમારા માટે લીંબુ શરબત મૂક્યું હતું.’
‘પાણી ભરેલો ગ્લાસ આ રીતે મુકાતો હશે?’ તમે જોરથી તાડૂકી ઊઠો છો.
તમારી સાત વરસની દીકરી શિયાવિયા થઈ જાય છે. તેનો કોઈ વાંક નથી, પણ તમને તે ગુનેગાર લાગે છે. હવે તમારે શર્ટ બદલવું પડશે. દીવાલ પરના ઘડિયાળના કાંટા સામે જોઈને તમે ચીસ પાડી ઊઠો છો, ‘હૅન્ગર પર લટકતું સફેદ શર્ટ જલદી લાવ!’ પત્ની હાંફળી-ફાંફળી થઈને શર્ટ આપે છે. તમે એ હાથમાં લો છો ત્યાં જ બેબાકળા થઈ જાઓ છો. ‘અરે, આનું એક બટન તો તૂટેલું છે.’ તમે પહેલાં દીકરી પર ગુસ્સે થયા છો અને હવે પત્ની પર તાડૂકો છો. બીજું શર્ટ હવે કબાટમાંથી ખેંચીને તમે બબડતા-બબડતા પહેરી લો છો. ઘરમાં તમારું કોઈ ધ્યાન જ નથી રાખતું એવું તમને લાગે છે. પત્ની કંઈક બોલવા જાય છે તો તમે તેને તોડી પાડો છો. વાત કરવાનો તમને વખત નથી. આજે ઑફિસે મોડું થાય તો બૉસ નારાજ થશે. એક અગત્યની મીટિંગ છે. તમારો મૂડ બગડી ગયો છે. ઑફિસની બૅગ હાથમાં લઈને તમે ઘરની બહાર નીકળવા ઉંબરો ઓળંગો છો.
ઉંબરો એટલે શું?
આજકાલ ઉંબરો એટલે શું એનાથી કદાચ નવી પેઢી પરિચિત ન પણ હોય. હવે લોકો ઘર નથી ખરીદતા, ફ્લૅટ ખરીદે છે. વન બીએચકે, ટૂ બીએચકે, ૨.૫ બીએચકે એવા ફ્લૅટની કિંમત કરોડો રૂપિયા ચૂકવ્યા પછી પણ ઘર નથી બનતું, ફ્લૅટ જ બની રહે છે. ફ્લૅટમાં ઇન્ટીરિયર ડેકોરેશન થાય છે. કરોડો રૂપિયાનો ફ્લૅટ ખરીદ્યા પછી લાખો રૂપિયાનું ફર્નિચર ગોઠવવું પડે છે. આમાં ઉંબરો ભુલાઈ જાય છે. ઉંબરો ઘર અને બહાર વચ્ચેની એક હિમાલયન સરહદ છે. આ સરહદ ઘરમાંથી બહાર જનારાને સૂચવે છે - જોજે ઘરની અંદરની વાત બહાર લઈ નહીં જતો અને બહારથી ઘરમાં આવનારાને સૂચવે છે - જોજે બહારની કોઈ વાત ઘરમાં સાથે લઈ જવાની નથી. ઘર ઘર જ રહેવું જોઈએ અને બહાર બહાર જ રહેવું જોઈએ.
આજના ઉંબરાની વાત
આજે ઉંબરો ઓળંગતી વખતે ઉંબરાની આ વાત કાને ધરી નથી. તમે ગુસ્સે થયા છો. તમે અકળાયા છો. ઘરમાં તમારા વિશે કોઈ ધ્યાન નથી આપતું એ વિચાર મનમાં ઘોળાઈ રહ્યો છે. ઑફિસે પહોંચતાં સુધીમાં કોઈ ને કોઈ સાથે બે-ત્રણ વાર ટકરાઈ જાવ છો. ઑફિસમાં પણ આવું જ ચાલે છે. સાંજ સુધીમાં અણગમાનું એક પોટલું ભરાઈ જાય છે. સાંજે ઘરે પાછા ફરતી વખતે આ પોટલું અહીં જ ઠાલવી દેવું જોઈતું હતું, પણ તમે એમ નથી કર્યું. હવે બને છે એવું કે આ ભારઝલ્લા પોટલા સાથે ઘરમાં દાખલ થઈ જાઓ છો. ડોરબેલનું બટન બીજી વાર દબાવવું પડે છે એ તમને નથી ગમતું. પેલા પોટલાના ભારમાં આપોઆપ જ થોડો વધારો થઈ જાય છે. તમને એની ખબરેય પડતી નથી.
આ વાત તમારા એકલાની નથી. કોઈ પણ દિવસે રાત્રે સૂતી વખતે આ વાત વિચારી જોજો. ઘરનો ઉંબરો ઓળંગતી વખતે, આવતાં-જતાં બન્ને વેળાએ ઉંબરાનો અવાજ સાંભળો છો? ઘરમાં જેટલા કલાકો સૌ પરિવારજનો સાથે રહીએ છીએ એટલો જ સમય આપણે બહાર રહીએ છીએ. ઘરના કલાકોમાં તો નિદ્રાવસ્થાના કલાકોની બાદબાકી પણ કરવી જોઈએ. બહારની દુનિયામાં આપણે જે સરવાળા કરીએ છીએ એનો ભાગાકાર પણ કરવો જોઈએ એવું ક્યારેય વિચાર્યું છે? ઘરમાં જે કંઈ બને છે એ બધું જ આપણને ગમતું હોય એવું જ નથી હોતું. આનું કારણ એક જ હોઈ શકે. ઉંબરનો અવાજ ભુલાઈ ગયો છે. ઘર બનાવતી વખતે આપણે ઉંબરાને ભૂલીને ફ્લૅટ ખરીદીએ છીએ. ૧.૫ બીએચકે, ૨.૫ બીએચકે. આ બીએચકેમાં પૉઇન્ટ ક્યાંથી અને કેવી રીતે આવ્યા એનો આપણે ક્યારેય વિચાર પણ કરી શક્યા નથી. આ પૉઇન્ટની પરિભાષામાં ઉંબરો ઓઝપાઈ ગયો છે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)