° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


ચોરેચૌટે ધાકધમકી

03 July, 2022 08:21 AM IST | Mumbai
Hiten Anandpara

ગુવાહાટી ગયેલા ચાલીસ વિધાયકોની લાશ પાછી આવશે ટાઇપની ટપોરી ટિપ્પણીઓ ટીપી.

ચોરેચૌટે ધાકધમકી અર્ઝ કિયા હૈ

ચોરેચૌટે ધાકધમકી

આ અઠવાડિયું ધાકધમકીનું બની રહ્યું. મહારાષ્ટ્રમાં સત્તા છીનવાઈ જવાનો માહોલ નિર્માણ થતાં શિવસેનાના પ્રવક્તાએ છડેચોક ધાંય-ધાંય ધમકીઓ આપી. ગુવાહાટી ગયેલા ચાલીસ વિધાયકોની લાશ પાછી આવશે ટાઇપની ટપોરી ટિપ્પણીઓ ટીપી. લડાઈ સડક પર પણ લડવામાં આવશે એવી ગર્ભિત ધમકી આપીને વિધાયકોને સીધી રીતે અને જનતાને આડકતરી રીતે ભયભીત કરવામાં આવ્યાં. આમ આદમી તો બિચારો ટીવી જોઈને અને છાપું વાંચીને હેબતાઈ ગયો. શું થયું છે આપણા રાજ્યને? સંજય રાવ તારણ આપે છે...
ચોતરફ ડર, ભયભર્યો માહોલ છે
રાજમાં આ કેવું પોલંપોલ છે
ભાષા બોલાતી કો આતંકી સમાન
ખુરશીની લાલચમાં બગડ્યા બોલ છે
મહારાષ્ટ્રની સત્તાની ઊથલપાથલના સમયગાળામાં બીજી જોરદાર ધમકી ઉદયપુરમાં પાકિસ્તાનપ્રેરિત ધર્મઝનૂનીઓએ આપી. રિયાઝ અને મોહમ્મદ ઘોસે કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરી ધર્મ વિરુદ્ધ બોલનારાઓના સર કલમ કરવાની ધમકી આપી. બિલકુલ તાલિબાની અને ઇસ્લામિક સ્ટેટ પ્રકારની રસમ અને કતલ કરવાની રીત તેમણે અપનાવી. કોબ્રાથી પણ વધારે ઝેરી સાપ આપણા દેશમાં છૂટા ફરે એ નિશાની સારી નથી. એના ડંખ જીવલેણ નીવડે. મેધાવિની રાવલ વાતાવરણને પારખે છે...
ચોતરફ સંશય અને ભયની હવા વર્તાય છે
છે અરાજકતા નરી ને શ્વાસ પણ રૂંધાય છે
તીવ્ર અફવાનાં બજારો વ્યાપ્ત છે ચોમેર જો
ચોરેચૌટે ધાકધમકી, રોફ પણ પડઘાય છે
રાજકારણ હોય કે ધર્મકારણ, બંનેનાં મૂળિયાં બહુ ઊંડાં નીકળે. રમેશ પારેખનો શેર યાદ આવે છે : સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ ક્યાં ને ક્યાંથી નીકળે. સત્તા માટેની લાલસા પતન તરફ દોરી જાય. ધર્મ પ્રત્યેનું ઝનૂન હનન તરફ દોરી જાય. આખરે ઘસરકા વતન પર જ પડવાના. ડરનો કાળોતરો ઓછાયો સતત માથે ઝળૂંબ્યા કરે. ભારતી ગડા મૂળિયાંમાં ઝેર સીંચનારને શોધવાનું સૂચન કરે છે...
જ્યાં સમસ્યાઓનું જંગલ ગાઢ ઘેરું હોય છે
લાગશે ડર, ત્યાં જ ચિત્તા, સાપ, એરું હોય છે
કોઈ પણ ઘટનાનું કારણ ક્યાં સુધી છૂપું રહે
કોઈ પણ સ્થળ પર જવા માટે પગેરું હોય છે
ઉદયપુર ઘટનાનું પગેરું પાકિસ્તાન સુધી લંબાય છે. બેમાંથી એક આરોપીએ પાકિસ્તાનમાં ૨૦૧૪માં તાલીમ લીધેલી. પાકિસ્તાનના સુન્ની ઇસ્લામિક સંગઠન દાવત-એ-ઇસ્લામી અને ચરમપંથી તહરીક-એ-લબ્બેક દળ સાથે આ બંને આરોપીઓ સંપર્કમાં હતા. તેઓ રાજસ્થાનના વિવિધ હિસ્સામાં સ્લીપર સેલ બનાવવામાં પ્રવૃત્ત હતા. પાડોશના તો ઘાતકી જ છે, ઉપરથી ઘરનાય ઘાતકી થાય ત્યારે નુકસાન દેશને થવાનું. આપણી હમદર્દી અને રહમદર્દી સામે જે છરો ઉપાડે એનો કોઈ ભરોસો ન થાય. સાગર ચોટલિયા કહે છે...
હું ગયો’તો ચાહવાને હાથ બે ખુલ્લા મૂકી
પણ ફરી પાછો ફર્યો છું જીવ મુઠ્ઠીમાં મૂકી
મેં તો બસ માણસ બનીને વાત માનસની કરી
ને એ નીકળ્યા કોમવાદી ધાક ચાકુમાં મૂકી
આઇપીસીની કલમ ૫૦૬ પ્રમાણે બે પક્ષકાર વચ્ચે થયેલી લડાઈમાં કોઈ પક્ષકાર અન્યને જાનથી મારી નાખવાની કે શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપે તો તેને બે વર્ષની સજા અને દંડ થઈ શકે. જોકે મોટાં માથાંઓ ધમકી આપે ત્યારે પોલીસ એફઆઇઆરમાં આગળ વધતી નથી. કોઈ ઈમાનદાર પોલીસ અફ્સર કાર્યવાહી કરવા જાય તો ઉપરથી તેને અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સફરની ચીમકી આપીને ચૂપ કરી દેવામાં આવે. ડૉ. સેજલ દેસાઈ આવી જ કોઈ લાચારી બયાં કરે છે...
કોઈ સવાલ ના કર, એવી મળી છે ધમકી
ખોટો પ્રચાર ના કર, એવી મળી છે ધમકી
આ દાવપેચ એના, જીવન હણી જશે પણ
વળતો પ્રહાર ના કર, એવી મળી છે ધમકી
ક્યા બાત હૈ
ધાક ને ધમકીથી ગાડું રોજનું ચાલે નહીં
એક-બે ઊગ્યાં હશે ફળ, પણ વધુ ફાલે નહીં
એક’દી ઊછરી રહેલો જ્વાળામુખી ફાટશે
એ બધું બાળી જશે, જે આપના ખ્યાલે નહીં
ધાર્મિક પરમાર

ડર હતો તો જીતનો, ક્યાં હારથી ડરતા હતા
ધાકધમકીથી નહીં, ના વારથી ડરતા હતા
સામી છાતીએ ઝીલી લીધાં નજરનાં તીરને
આંખ ઢાળી તેં કર્યો એ પ્યારથી ડરતા હતા
દીપક ઝાલા અદ્વૈત નૈરોબી

છે હવામાં ફોરમો પણ શ્વાસમાં અંગાર છે
માનવીનો કેટલો આ ભયજનક અવતાર છે
છે હવે આકાશ નિઃસંતાન, ધરતી વાંઝણી
નામ છે સંસારનું પણ થઈ રહ્યો સંહાર છે
ડૉ. અપૂર્વ શાહ, નવાપુર

કર્મ સારાં હોય જેનાં ઈશથી ડરતા નથી
પાપ શું ને પુણ્ય શું, પંચાતમાં પડતા નથી
છે સહજ સદ્કર્મ એનાં, રાગ છે ના દ્વેષ છે 
ધર્મનો દેખાવ એ જાહેરમાં કરતા નથી
અશોક પટેલ

03 July, 2022 08:21 AM IST | Mumbai | Hiten Anandpara

અન્ય લેખો

પતનના દ્વાર પર

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગયા વખત જેવી ભૂલ ન થાય એની તકેદારી મતદારોએ લેવી ઘટે. રાજકીય પક્ષોની તલવારબાજીમાં અંતે લોહી તો પ્રજાનું જ વહે છે. સંજય રાવ અત્યારથી ચેતવે છે...

31 July, 2022 06:47 IST | Mumbai | Hiten Anandpara

વરસાદી સાંજ છે

મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કેટલાંક રાજ્યોમાં મન એટલું વરસ્યું કે જીવન ખોરંભે ચડી ગયું

24 July, 2022 07:44 IST | Mumbai | Hiten Anandpara

ન હાંસી ઉડાવો

ઈશ્વર હોય કે અલ્લાહ હોય, આપણી આઝાદી આસ્થા પર હાવી ન થવી જોઈએ. ભેદરેખા ચૂકનારો વિદ્રોહ આખરે દ્રોહમાં પરિણમે છે. પ્રતીક ડી. પટેલ પ્રતીકાત્મક થયા વિના સીધુંસટ પરખાવે છે...

17 July, 2022 09:24 IST | Mumbai | Hiten Anandpara

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK