Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પતનના દ્વાર પર

પતનના દ્વાર પર

31 July, 2022 06:47 PM IST | Mumbai
Hiten Anandpara

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગયા વખત જેવી ભૂલ ન થાય એની તકેદારી મતદારોએ લેવી ઘટે. રાજકીય પક્ષોની તલવારબાજીમાં અંતે લોહી તો પ્રજાનું જ વહે છે. સંજય રાવ અત્યારથી ચેતવે છે...

પતનના દ્વાર પર

અર્ઝ કિયા હૈ

પતનના દ્વાર પર


વધારે પડતો મોહ, લાલસા અને અહંકારનું અંતિમ સ્ટેશન કયું? જો એ સ્ટેશનને નામ આપવું હોય તો પતન આપી શકાય. મોટેરાઓ અવારનવાર કહેતા હોય છે કે બધું અહીંનું અહીં જ છે. જેવાં કર્મો કરો એવાં ફળ ભોગવવાં પડે. થોડા મહિનાઓમાં નગરપાલિકાની, વિધાનસભાની અને દોઢેક વર્ષમાં તો લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગયા વખત જેવી ભૂલ ન થાય એની તકેદારી મતદારોએ લેવી ઘટે. રાજકીય પક્ષોની તલવારબાજીમાં અંતે લોહી તો પ્રજાનું જ વહે છે. સંજય રાવ અત્યારથી ચેતવે છે...
સફળતા મપાતી ભલે પૈસા, પદથી
નીતિ, ન્યાય ભુલાય તો એ પતન છે
પ્રજાતંત્ર આપે અધિકાર મતનો
દુરાચારી ચૂંટાય તો એ પતન છે
જે લોકો વિકાસવિરોધી છે, જેમની સોચ પાંઉવડાથી આગળ વધી નથી શકતી, જેમનું ધ્યાન પૈસા ખાવામાં અને બેનામી મિલકતો ઊભી કરવામાં છે તેઓ બધા ઘરે 
કામધંધા વગર બેસવા જોઈએ. પ્રજા પાસે આ તાકાત છે, જરૂર છે એકતાની. એક સારો શાસક તારી શકે અને એક વામણો શાસક ડુબાડી શકે. આપણી છાતીમાં તીર અને પીઠમાં ખંજર ભોંકનાર કષ્ટાચારી અને ભ્રષ્ટાચારી શાસકોને અંકુર બેંકરની શિખામણ મુબારક...
એકલો ને એકલો થઈ જાય છે
ટોચની ઝળહળથી જે અંજાય છે
એ જ પાછા લાવશે એ જાણજે
દાદરા જે ટોચ પર લઈ જાય છે
સોપાન સર કરતી વખતે એ હકીકત ધ્યાનમાં લેવી પડે કે આખરી પગથિયું પૂરું થાય પછી આકાશ આવે. જે તળનું મહત્ત્વ સમજે છે તેને શિખરની સિદ્ધિ અહંકારી બનાવી નથી શકતી. ગર્વ અને ગૌરવમાં જે ફરક ન સમજે તેનું પતન નિશ્ચિત છે. મેધાવિની રાવલ હેલી સાચ-જૂઠના હિસાબ માંડે છે...
હૃદયની ચીસને દાબી પછી 
ભારે વજન લાગ્યું
ગળું ટૂંપ્યું જો સંવેદનનું 
તો ખુદનું હનન લાગ્યું
ને સચ્ચાઈને ટાંગી છે 
જો વધસ્થંભે અહીં સૌએ
અડીખમ જૂથ જુઠાણાંનું 
જોયું તો પતન લાગ્યું
તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે ઈડીના આપખુદ છાંટ ધરાવતા કેટલાક અધિકારોને બહાલી આપી. એને કારણે ઘણા ખાઈબદેલા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો. આ જનમમાં એક ઇચ્છા તો એ ખરી જ કે જે-જે લોકોએ ગોબાચારી કરી છે એ બધા આપણી આંખ સામે જ સળિયા પાછળ ધકેલાય અને એક સામાન્ય કેદીની જેમ સબડે. દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવવાની તડામાર તૈયારી કરી રહ્યો છે ત્યારે એ વાત ધ્યાનમાં લેવી પડે કે કેટલીક વૃત્તિઓ મૃત થશે તો જ આપણને અમૃત સાંપડશે. મનીષા શાહ મૌસમ પરિણામ તરફ નિર્દેશ કરે છે...
કરવું પડે છે રોજ બસ એનું જતન
જાણે હો એ બહુ કીમતી કોઈ રતન
માથે ચડી બોલે છે જ્યારે હુંપણું
થઈ જાય છે આ જિંદગીનું ત્યાં પતન
માથે ચડેલી વૃત્તિઓ માથા કાપવા સુધી પહોંચી જાય એ તાજેતરના સમયમાં તાદૃશ થયું. રસ્તાઓ ધોવાઈ જાય, ભૂવાઓ પડે, પૂર આવે, ઘરો તહસનહસ થઈ જાય એ બધામાંથી આપણે પાછા ઊભા થઈ જઈએ, પણ માણસાઈ ધોવાતી જાય તો એના ઘા લાંબા સમય સુધી રહેવાના. ધર્મનું કામ સુકૂન આપવાનું છે, ઝનૂન રોપવાનું નહીં. મિતા ગોર મેવાડા નમ્રતાથી વાત મૂકે છે...
આદર વગરનો સ્નેહ તો ઉપકાર લાગશે
જીતેલી બાજી પ્રેમની પણ હાર લાગશે
આવો બનીને મિત્ર તો લંબાવું હાથ આ
નહીંતર તમારો ટેકો મને ભાર લાગશે
આપણા સંભવિત પતનને રોકી શકે એવા મિત્રો હોવા જોઈએ. આપણી વાહવાહી ન કરે, પણ રીતસરનું મોઢે ચોપડાવી દે એવા મિત્રોથી આપણાં ચોપડાં ચોખ્ખાં થાય. દરબારો ભરી દાદ ઉઘરાવી રાચવાને બદલે કટિંગ ચા પીતાં-પીતાં મિત્રની મરચા જેવી તીખી વાત રંગ લાવી શકે. તૃપ્તિ ભાટકર ખુમારીપૂર્વક કહે છે... 
પારખાં ઈશ્વર કરે, 
કપરી પરીક્ષાઓ થકી
કર્મની રાખી છે ચાવી, 
હાર મેં માની નથી
લાગણીની શાલ લઈને 
આવતા દંભી ઘણા
દ્વારથી દીધા ભગાવી, 
હાર મેં માની નથી

લાસ્ટ લાઇન
લાખ દુનિયા ચંદ્રની 
ઊંચાઈ પર આવી ગઈ
એમ લાગે છે પતનની 
ખાઈ પર આવી ગઈ
મિત્ર! મારા બોલ, 
એ તો પર્વતો જેવી હતી
ખાનદાની કેમ તારી 
રાઈ પર આવી ગઈ
મુસાફિર પાલનપુરી



શુભ વિચારો, શુભ સંકલ્પો થશે
ચાલ થોડું આજ મંગલગાન કર
પંચ ઇન્દ્રિયો પતનનાં દ્વાર છે
તું જ તારી જાતને દરવાન કર
દિનેશ ડોંગરે નાદાન


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2022 06:47 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK