Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કળિયુગનું અમૃત એટલે યોગ

કળિયુગનું અમૃત એટલે યોગ

21 June, 2022 10:33 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આ વાક્યમાં જરાય અતિશયોક્તિ નહીં લાગે જ્યારે તમે મુંબઈની ટોચની યોગ-સ્કૂલના ટૉપના લોકોના જીવનની વાતો સાંભળશો ત્યારે. આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે મુંબઈની ટૉપ ફોર યોગ સ્કૂલના અગ્રણીઓ સાથે કરેલી વિશિષ્ટ વાતચીત પ્રસ્તુત છે

દીકરા સાથે રવિ દીક્ષિત

ચાલો કરીએ યોગ

દીકરા સાથે રવિ દીક્ષિત


છેલ્લા છ દિવસમાં આપણે યોગ સાથે સંકળાયેલા જાતજાતના અને ભાત-ભાતના લોકોના જીવનની પ્રત્યક્ષ વાતો જાણી લીધી છે. આપણા ભારતની આ પ્રાચીન વિદ્યા માત્ર તમારી હેલ્થને જ નહીં પણ ખરેખર તો તમારા આખા અસ્તિત્વને બહુ જ અસરકારક રીતે બદલી શકવા માટે સમર્થ છે અને એ વાતને હવે પુરાવાની જરૂર નથી રહી, કારણ કે યોગ કરતી દર ત્રીજી વ્યક્તિ એનો જીવંત પુરાવો છે. જોકે હજી પણ તમે કન્વિન્સ ન થયા હો તો મુંબઈના ટૉપ કક્ષા પર બેસીને કામ કરતા યોગશિક્ષકો સાથે આપણે આજે વાત કરીએ. અત્યારે મુંબઈમાં યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં મોટા પાયે અગ્રણી લેવલ પર કામ કરી રહેલી ઇન્સ્ટિટ્યૂટના કર્તાહર્તાઓની વાતો યોગ કરવા માટે તમને પ્રેરિત કરવામાં છેલ્લા ધક્કા તરીકે તમને કામ લાગી શકે અને તમારા જીવનમાં સ્વાસ્થ્યની ક્રાન્તિ સર્જાય એ આશા સાથે વાતને આગળ વધારીએ. 
હું નહીં, આખો પરિવાર યોગ તરફ વળી ગયો
મુંબઈમાં રહેતા કોઈ પણ વ્યક્તિ માટે કૈવલ્યધામ યોગ સંસ્થાનું નામ અજાણ્યું નથી. યોગ દિવસ નિમિત્તે સેંકડોની સંખ્યામાં પ્રોગ્રામ યોજનારા કૈવલ્યધામ મુંબઈના જૉઇન્ટ ડિરેક્ટર રવિ દીક્ષિતે ૧૮ વર્ષની ઉંમરે શરીરના રોગોએ જીવવું હરામ કરી નાખ્યું હતું ત્યારે યોગનું શરણું લીધું હતું. ત્યાર પછી યોગ તેમના જીવનનો હિસ્સો બની ગયો. રવિ દીક્ષિત કહે છે, ‘દુનિયાભરના હેલ્થ પ્રોબ્લેમ્સ હતા. અસ્થમા તરફ આગળ વધી ગયો હતો. લગભગ ૩૬૫ દિવસ ઍલર્જીને કારણે શરદી, તાવ, ખાંસી મને રહેતાં. ત્યારે જો કોવિડ આવ્યો હોત તો કોવિડ મને બારેમાસ રહેતો એમ કહેવાત. જોકે એ દરમ્યાન મારું અનુસંધાન ઓ. પી. તિવારીજી સાથે થયું અને તેમના કહેવાથી જ ગ્વાલિયરથી લોનાવલા એક વર્ષ યોગનો કોર્સ કરવા માટે રોકાઈ ગયો. એ પછી યોગ સિવાય બીજું કંઈ કર્યું જ નથી. રોગમુક્તિ પહેલું ફળ મળ્યું અને એ પછી ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, સોશ્યલ ફ્રન્ટ પર ખૂબ બદલાયો છું. ૧૯૮૨થી યોગશિક્ષક તરીકે કૈવલ્યધામમાં ઍક્ટિવ થયો પછી મુંબઈ આવવાનો આદેશ થયો તો અહીં આવી ગયો. યોગ અપનાવી શકાય એવી અને અપનાવો તો લાભ અચૂક થાય જ એવી ગૅરન્ટી બેઝ્ડ લાઇફસ્ટાઇલ છે. વિચારવામાં સમય અને જિંદગી બન્ને વીતી જાય એ પહેલાં લોકોએ જાગ્રત થવું જોઈએ. મારો પરિવાર એમાં અલર્ટ થઈ ગયો. મારી દીકરી, દીકરો અને પત્ની એમ બધાં જ નિયમિત યોગ કરે છે, યોગને અનુકૂળ જીવનશૈલી જીવે છે અને હવે અમે તેમની પાસેથી શીખી રહ્યા છીએ.’
યોગિક ઍડ્વાઇઝ : સૌથી પહેલાં તો યોગ કરતી વખતે ચહેરા પર હંમેશાં સ્માઇલ રાખજો. યોગ તમારા જીવન પ્રત્યેના અભિગમને બદલી શકે એમ છે.

Manohar Deshukh



નિશ્ચિંત થઈને જીવતાં શીખવું હોય તો યોગ જ પર્યાય 
પૂજ્ય શ્રી નિકમ ગુરુજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી મુંબઈની એક એવી યોગ સંસ્થા જે ઑથેન્ટિક યોગ નિ:શુલ્ક શીખવે છે જેમાં યોગ શીખવનારા શિક્ષકો મોટા ભાગે વર્કિંગ પ્રોફેશનલ્સ કે બિઝનેસમેન છે અને એ સેવા આપે છે યોગશિક્ષક તરીકે. લાખો લોકો સુધી યોગને એક પણ રૂપિયો લીધા વિના શીખવનારા અંબિકા યોગ કુટિરના પ્રેસિડન્ટ ઍડ્વોકેટ એમ. એન. દેશમુખ ૮૧ વર્ષના છે પણ લાગે ૬૦ વર્ષના. કારણ પૂછીએ તો તેઓ કહે છે, ‘અરે સબ યોગ કી કમાલ. કોવિડ દરમ્યાન માસ્ક વિના રહ્યા અને ઘરમાં પત્નીને પણ કોવિડ હતો છતાં મને ઇન્ફેક્શન નથી થયું. મારાં બન્ને સંતાનો ડૉક્ટર, મારા ઘણા ફ્રેન્ડ્સ મોટા ડૉક્ટર. તેમણે મારી ત્રણ વાર કોવિડ ટેસ્ટ કરાવી છતાં મારા રિપોર્ટ નેગેટિવ. પત્નીને કોવિડ હતો અને સતત અમે એક રૂમમાં હોઈએ તો પણ મને ૮૦ વર્ષની ઉંમરે ચેપ ન લાગે એ તાજ્જુબની વાત છેને? જોકે યોગમાં આવી સેકંડો બાબત છે જે તમારા આશ્ચર્યની પણ આરપાર જઈ શકે. કળયુગના સમયમાં યોગને હું અમૃત કહીશ. તમામે તમામ સમસ્યાનું સમાધાન તમને યોગમાંથી મળી શકે. બસ, તમને એ સાચી રીતે, સાચા સમયે અને સાચી માત્રામાં કરતાં આવડવું જોઈએ.’
અહીં ઉલ્લેખનીય છે કે મનોહરભાઈ પોતાને હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ પછી યોગ તરફ વળ્યા હતા. એ પછી કાયમ માટે તેમણે યોગ સાથે સુયોગ કરી દીધો. 
યોગિક ઍડ્વાઇઝ : હજારો વર્ષ જૂની પ્રાચીન વિદ્યા છે યોગ. તમારા શરીરના શુદ્ધીકરણથી લઈને અંત:કરણથી તમને શુદ્ધ કરવાની ક્ષમતાને યોગ્ય ટ્રેઇનિંગ સાથે કરશો તો ધાર્યા નહીં હોય એવા લાભ થશે. 


Mahesh Sinkar

એક વાર જોડાયા પછી તમે યોગનો સાથ છોડી નહીં શકો
એશિયાની ઓલ્ડેસ્ટ યોગ યુનિવર્સિટી ‘ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ’નાં કર્તાહર્તા અને યોગનાં પ્રચારક ડૉ. હંસા યોગેન્દ્ર જ્યારે જન્મ્યાં નહોતાં ત્યારથી એટલે કે ૧૯૪૭માં દેશની આઝાદીના સમયથી તેમના પિતા યોગાભ્યાસ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટમાં આવતા. પિતાની બાળપણમાં મળેલી ટ્રેઇનિંગે તેમને કાયમ માટે યોગ સાથે જોડી દીધાં. તેઓ કહે છે, ‘નાનપણથી લોકોની પીડા દૂર થાય એવું મારે કંઈક કરવું હતું. ડૉક્ટર બનાયું નહીં પણ મારી પોતાની હેલ્થ માટે મને યોગમાંથી લાભ થયો. બે મહિનામાં અસ્થમા મટી ગયો એટલે પછી તો કાયમ માટે યોગને જ સમર્પિત થઈ ગઈ. જો કદાચ યોગ સાથે ન જોડાઈ હોત તો ક્લાસિકલ સિંગર બની હોત પણ એનુંયે કનેક્શન તો યોગ સાથે જ છે, કારણ કે શાસ્ત્રીય સંગીત મને ધ્યાનમગ્ન કરી દેતું હતું. અને આસન-પ્રાણાયામ-ધ્યાનની અસર બાળપણથી જ પડી છે. મારો અનુભવ છે કે એક વાર યોગ સાથે જોડાયા પછી તમે એનો સાથ ક્યારેય છોડી નથી શકતા.’
યોગિક ઍડ્વાઇઝ : યોગમાં સતત તમે સભાન, જાગૃત રહો છો. યોગ શીખી લો તો જીવન ઉત્સવ બની શકે. યોગ તમને બધું જ કરવાની, ખાવાની છૂટ આપે છે પણ એક પ્રપોર્શનમાં. યોગાભ્યાસ તમારામાં પ્રમાણભાન લાવે છે.


Dr. Hansaji Yogendra

આખી માનવજાતનો ઉદ્ધારક બની શકે યોગ
સ્થાપનાનું ૬૦મું વર્ષ સેલિબ્રેટ કરી રહેલી મુંબઈની ઑથેન્ટિક યોગને પ્રમોટ કરતી સંસ્થા યોગ વિદ્યા નિકેતનના પ્રેસિડન્ટ મહેશ સિનકર પોતે મુંબઈ મહાનગરપાલિકાના એમ્પ્લૉઈ છે. આજે પણ ડ્યુટી સાથે તેઓ યોગની સેવા કરે છે. પોતાની યોગ-ડાયરીની વાતો શૅર કરતાં મહેશ સિનકર કહે છે, ‘મારી ઑફિસમાં મારા સિનિયર અનંત આષ્ટેકર જેઓ અસિસ્ટન્ટ એન્જિનિયર હતા તેઓ યોગ કરતા. તેમની પાસેથી હું યોગના ફાયદા વિશે સાંભળતો. મેં પોતે પણ અમારા ગુરુજી સદાશિવ નિમ્બાળકરનાં પુસ્તકો વાંચ્યા હતાં, પરંતુ ક્યારેય તેમને મળ્યો નહોતો. મને યોગમાં રસ હતો નાનપણથી. એક વાર અનાયાસ તેમને મળવાનું થયું અને તેમણે સીધો જ મને સમર કૅમ્પમાં જૉઇન કરી દીધો. એ પછી ટીચર તરીકેની ટ્રેઇનિંગ લીધી. ટ્રેઇનિંગ પછી સંસ્થાનું ઋણ અદા કરવા એકાદ વર્ષ શિક્ષક તરીકે સેવા આપવાનું નક્કી કર્યું એમ કરતાં-કરતાં એમાં વધુને વધુ ઊંડો ઊતરતો ગયો. આજે એ વાતને પચીસ વર્ષ થઈ ગયાં છે. આજે પણ અમારી સંસ્થા ગુરુજીના આદર્શોને વળગી રહી છે. કોઈ શિક્ષક અહીં પૈસા નથી લેતા. યોગ અમારા જીવનમાં વણાઈ ગયો છે. આખું વ્યક્તિત્વ બદલાઈ ગયું એવું હું નહીં, મારા પરિવારજનો કહે છે. આ વિદ્યા બહુ જ પ્રૅક્ટિકલ અને ઉપયોગી છે.’
યોગિક મેસેજ : આ મારો નહીં પણ મારા ગુરુજીના ગુરુજી શ્રી કુવલયાનંદજીનો મેસેજ છે. તેઓ કહેતા કે યોગ માનવજાતનો ઉદ્ધારક છે. આપણા શરીર, મન અને આત્મા એ દરેકને યોગથી બહેતર કરી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2022 10:33 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK