Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આગમન રફાલનું સુણીને

આગમન રફાલનું સુણીને

02 August, 2020 09:41 PM IST | Mumbai Desk
Hiten Aanandpara

આગમન રફાલનું સુણીને

ગુજરાતી મિડ-ડે લોગો

ગુજરાતી મિડ-ડે લોગો


૨૯ જુલાઈએ આપણે ત્યાં મોંઘેરા મહેમાનની પધરામણી થઈ. પત્ની પરદેશ ગયેલા નાથની કાગડોળે રાહ જોતી હોય એમ રફાલ-નાથની રાહ ઍરબેઝની ધરતી જોઈ રહી હતી. જેની બુદ્ધિમતા વિશેની શંકા પ્રત્યેક દિવસે પાંચ-પાંચ ટકાના હિસાબે વધતી જ જાય છે એ રાહુલ ગાંધીના પંગુ પ્રયાસોને વિફળ બનાવી પાંચ-પાંચ રફાલ લડાકુ વિમાનોએ હોશભેર લૅન્ડિંગ કર્યું. રશીદ મીરની ધારણા લગભગ એક દાયકે સાર્થક થઈ છે...
પ્રતિક્ષારત ઉઘાડાં બારણાં છે
કોઈના આગમનની ધારણા છે
જેમ બિઝનેસ ટુ બિઝનેસ હોય એમ સરકાર ટુ સરકાર આ વિમાનોની ડીલ નક્કી કરવામાં આવી હતી. વચેટિયાઓ મલાઈ ન ખાઈ જાય એટલે મોદીએ પોતે જ આગેવાની લઈને આના સોદા પર મહોર મારી હતી. કુલ ૩૬ વિમાનોમાંથી પાંચ પધાર્યાં છે ત્યારે ઓજસ પાલનપુરીની પંક્તિઓ સાથે તેમને ઓજસભર્યો આવકાર આપીએ
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ
ખરેખર રફાલનું આગમન દર્દમાં ઠંડક આપે એવું છે. ચીનના ઝેરીલા અરમાનોને ખાળવા કોઈ અતિવિશ્વસનીય આયુધની જરૂર હતી. એ અપેક્ષા રફાલ પૂરી કરી શકે છે. એની ટેક્નિકલ બારીકીઓ વિશે ગઝની કટારમાં વાત કરવાનો કોઈ ઉદ્દેશ નથી, પણ એના આગમનને કારણે મત્લાથી લઈને મક્તાના બધા જ શેર જોમવંતા બની ગયા છે. રફાલ વિમાનોની પ્રથમ ખેપ ભારત લઈ આવનારા તમામ પાઇલટને હાથમોજાં પહેરેલા હાથે સૅલ્યુટ કરવી જ પડે. ઍરફોર્સના નિયમ અનુસાર વિમાનના માનાર્થે હવાઈપટ્ટીની બન્ને બાજુથી પાણીનો ફુવારો છોડી હરખ વ્યક્ત કરવામાં આવે છે. આવો હરખ દેશપ્રેમી જનતાને થઈ રહ્યો છે. પ્રવીણ શાહની પંક્તિઓમાં એનો ઉઘાડ વર્તાશે...
પૂર્વમાં છે આગમન આદિત્યનાં
સાત ઘોડા પર થયા અસવાર છે
ચો દિશા પહોંચે સમેટાઈને જ્યાં
દૂર ત્યાં આવાગમનનું દ્વાર છે
ઊંધાચત્તા થઈ સ્વની રક્ષા કરવાનો ઇલમ રફાલ પાસે છે. હજારો કિલોમીટર દૂરના લક્ષ્યને છિન્નભિન્ન કરવાની એની ક્ષમતા છે. સમજવા પૂરતી સરખામણી કરીએ તો આ વિમાન કપિલ દેવ જેવું ઑલરાઉન્ડર છે. જરૂર પડે તો ઇનિંગની શરૂઆત પણ કરી શકે અને જરૂર લાગે તો છેલ્લી ઓવરની નિર્ણાયક ગેમ પણ રમી શકે. આમઆદમી માટે તો એનું લૅન્ડિંગ આકાશી અવતારથી કમ નથી. રફાલને ધ્યાનથી જોશો તો એમાં વિમાન નહીં દેખાય, એમાં એક સતર્ક પ્રહરી અને આક્રમક યોદ્ધાનાં દર્શન થશે. રાજનાથ સિંહે ફ્રાન્સની મુલાકાત વખતે વિમાન પર ‘ઓમ’ લખી તાલાવેલીનું તિલક કર્યું હતું. આ તિલક ઊડીને આજે તારતમ્ય સુધી પહોંચ્યું છે. યામિની ગૌરાંગ વ્યાસની પંક્તિઓમાં ‘ફકીરા’ ફિલ્મનું રવીન્દ્ર જૈનનું ગીત ભેળવીને કહી શકાય કે હમ તો ઝૂક કર સલામ કરતે હૈં...
ધારણા સાચી પડી આજે તમારું આગમન
બારણામાં તોરણો લીલાં બનેલાં ક્યાં મળે?
આ અતિથિનાં ભલા સન્માન-આદર તો જુઓ
ભરવસંતે અવનવાં પર્ણો ઝૂકેલાં ક્યાં મળે?
આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસમાં ઈશ્વરની પૂજા, અર્ચના, નામસ્મરણ કરવાનું હોય. ભારતીય વાયુસેના માટે તો રફાલ માત્ર શ્રાવણ માસ પૂરતો નહીં, પણ કોઈ પણ ઋતુમાં ખપમાં આવે એવો શ્રદ્ધેય ભગવાન છે. યંત્ર શબ્દમાં જ્યારે ચેતના ઉમેરાય ત્યારે એ મંત્રની કક્ષાએ પહોંચે છે. ડિજિટલ યુગમાં હવે મોબાઇલ યંત્ર નથી રહ્યો. અત્યારે સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓનું ભણવાનું એના પર જ ચાલે છે. જેમ ગણેશની સ્તુતિ હોય, માતાજીની સ્તુતિ હોય એમ વિવિધ ઍપ્સ સ્તુતિ બની રહી છે. યુટ્યુબ આદ્યમાતાનું સ્થાન લેવા તત્પર છે અને ફેસબુકને સચરાચરમાં વ્યાપ્ત થવું છે. કમ્પ્યુટર હવે ઘરમંદિર બની રહ્યું છે. એક વાર ટીવી બગડી જાય તો ચાલે, પણ કમ્પ્યુટર બગડી જાય તો એનો ઇમર્જન્સી ઇલાજ કરાવવો પડે ને જરૂર પડે તો આઇસીયુમાં સારવાર લેવી પડે. દિનેશ ડોંગરે નાદાન અવર્ણનીય લાગણીને શબ્દસ્થ કરવાનો પ્રયાસ કરે છે...
આગમન કોનું થયું છે શી ખબર
આંગણુંયે થાય છે રવરવ હવે
મારા માટે તો એ શબ્દાતીત છે
તું જ કંઈ એના વિશે વર્ણવ હવે
ટેક્નૉલૉજિકલ ઇનોવેશન્સ સાથે હવે વરિષ્ઠ પેઢી પણ ટેવાતી જાય છે. તેઓ ઝૂમ મીટિંગમાં ભાગ લે છે અને ગૂગલ મીટ પર પણ સંવાદ સાધતા થઈ ગયા છે. ટેક્નૉલૉજીનો હાઉ ધીરે-ધીરે નીકળી રહ્યો છે. જાયે તો જાયે કહાં. જરૂરિયાત એક એવી દેવી છે જેને પ્રસન્ન કરવા વહેલેમોડે તેના શરણે જવું જ પડે. કામધંધો ચલાવવા કે પરદેશમાં રહેતાં સંતાનો-સ્નેહીઓ સાથે જોડાવા માટે નવા આયામ શીખવાનું અનિવાર્ય બની ગયું છે. રાફેલનું આવવું પણ અનિવાર્ય હતું. કૉન્ગ્રેસને કારણે ઘણું મોડું થયું, પણ મોદી સરકારને કારણે પારાવાર મોડું થતાં બચી ગયું. લશ્કરી નિષ્ણાતો એક નિરાંત મહેસૂસ કરી રહ્યા છે જે લક્ષ્મી ડોબરિયાના શેરમાં વાંચી શકાશે...
દર્પણ ભરમનું તૂટ્યું, એ ઘાત થઈ સવાયી
ખુદને જડું છું એવી, નિરાંત થઈ સવાયી
કોઈના આગમનની ધારી અસર થઈ છે
નિઃશેષ થઈ શક્યાની, મિરાત થઈ સવાયી
આશા રાખીએ કે ખેપમાં બાકી રહેલાં વિમાનો પણ નિર્ધારિત સમય પ્રમાણે પધારે. હવે એમાં રોડાં નાખનારાઓને ભારતની જનતાએ ઇટલીનો રસ્તો બતાવવો પડશે. અશોક જાની આનંદ કહે છે એમ રનવે પર પાથરેલી ખિલ્લીઓ સાથે એ પાથરનારાઆને પણ વીણી-વીણીને સાફ કરી નાખવા જોઈએ...
આ રસ્તા પર આગમન એનું થાશે
બધા કંટકો ચૂંટવાનો સમય છે
ત્રીજી ઑગસ્ટે રક્ષાબંધન છે. રફાલનું રક્ષા-બંધન દેશ માટે ઉપકારી અને દુશ્મન માટે પ્રતિકારી નીવડે એવી પ્રાર્થના.
ક્યા બાત હૈ

એમ તારી યાદનો આજે મને પરચો થયો
ફૂલ જોઈ દેહમાં ડાબી તરફ ભડકો થયો
દોડતા આવી બધા શ્વાસો મને ભેટી પડ્યા
એક ગમતા આગમનનો બારણે પડઘો થયો
- મોહસીન મીર સ્પર્શ



પાંગરે યૌવન, મીઠાં અરમાન જાગે
આપણી નજરો સહજ રમતાં મળી છે
બાગ તારા આગમનથી ખુશ રહે છે
તુંય હસતી-ખીલતી, મઘમઘતી કળી છે
- જયવદન વશી


કહેતી ફરે છે બાગમાં એકેક ફૂલને
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ
આદિલ ઘરેથી નીકળ્યો મિત્રોને શોધવા
આ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ?
- આદિલ મન્સૂરી


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2020 09:41 PM IST | Mumbai Desk | Hiten Aanandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK