Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આહાર, વિહાર અને વિચાર:કહો જોઈએ, આહાર-વિહારની બાબતમાં તમે રૂટીન જાળવ્યું છે ખરું?

આહાર, વિહાર અને વિચાર:કહો જોઈએ, આહાર-વિહારની બાબતમાં તમે રૂટીન જાળવ્યું છે ખરું?

02 August, 2021 09:36 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

થોડા સમય પછી ‌દૈનિક નિત્યક્રમ પતાવ્યા પછી નાસ્તા સાથે ચા પિવાય તો સારું. એ પહેલાં ફ્રૂટ્સ, વેજિટેબલ જૂસ કે સ્પ્રાઉટ્સ વગેરે તમે ખાતા હો એ ખાઈ શકાય. ૧૦૦ વાતની એક વાત કે ખાલી પેટે ચા તો નહીં જ. 

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


ગઈ કાલે આપણે આખા દિવસ દરમ્યાન તમે શું કર્યું એનું સરવૈયું કાઢવું જરૂરી છે એ વિષય પર ચર્ચા કરી. એટલે દિવસના અંતે કરવાની એ બાબત મારી દૃષ્ટિએ રૂટીનની પહેલી પ્રાયોરિટી છે. એ સિવાય હવે બીજી કઈ બાબતો તમારી દિનચર્યાનો હિસ્સો હોવી જ જોઈએ એના પર પણ નજર કરીએ. 
સવારે બેથી ત્રણ ગ્લાસ પાણી. આ વાત ઘણા ફિટનેસ સાથે, આયુર્વેદ, નેચરોપૅથ સાથે સંકળાયેલા લોકો કહેતા આવ્યા છે. હું મારો સ્વાનુભવ કહું કે રોજ સવારે બેથી અઢી ગ્લાસ હૂંફાળું પાણી તમારા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ અસરકારક રીતે કામ કરે છે. આખા દિવસ માટે તમારી સિસ્ટમને ઍક્ટિવેટ કરે છે. બીજી એક ખોટી આદત આજકાલ લોકોમાં પડી છે કે હજી તો મોંમાં પાણી પણ ન નાખ્યું હોય અને સીધેસીધી ખાલી પેટમાં ચા પધરાવી દેવાની. આ પણ વ્યસનનો જ એક ભાગ થયો ગણાય. સવારે ખાલી પેટે ચા ક્યારેય નહીં, પહેલાં પાણી જ હોય. એના થોડા સમય પછી ‌દૈનિક નિત્યક્રમ પતાવ્યા પછી નાસ્તા સાથે ચા પિવાય તો સારું. એ પહેલાં ફ્રૂટ્સ, વેજિટેબલ જૂસ કે સ્પ્રાઉટ્સ વગેરે તમે ખાતા હો એ ખાઈ શકાય. ૧૦૦ વાતની એક વાત કે ખાલી પેટે ચા તો નહીં જ. 
હેલ્ધી બ્રેકફાસ્ટ હોય તો સારું અને દિવસ દરમ્યાનનું ત્રણેય ટાઇમનું ભોજન હેલ્ધી હોય તો બહુ જ વધારે સારું, પરંતુ ધારો કે ગુજરાતી ઘરોમાં ફરસાણ-કલ્ચર વર્ષોથી છે તો દિવસમાં એક વખત તો કમસે કમ તમે પોષણયુક્ત સંપૂર્ણ ભોજન લઈ લો તો વાંધો ન આવે. આહાર પણ ઔષધનું કામ કરીને તમને નીરોગી રાખી શકે એ પરંપરાના આપણે વંશજ છીએ. દિવસનું મિનિમમ એક ટાઇમનું ભોજન પૂર્ણભોજન હોવું જોઈએ જેમાં પોષક તત્ત્વો પર ભાર મુકાયો હોય, નહીં કે માત્ર સ્વાદ પર જ. 
દિવસનો એક કલાક કમસે કમ કસરતને અપાયો હોવો જ જોઈએ. અમે ઘરનાં કામ કરીએ એટલે અમારી કસરત થઈ જાય, અમે તો દુકાને ચાલીને જઈએ એટલે અમારું વૉકિંગ થઈ જાય એવી વાતો નહીં ચાલે ભાઈ. વૉક, યોગ, પ્રાણાયામ કે અન્ય કોઈ પણ પ્રકારની કસરત જે તમને માફક આવતી હોય એને માટે ઍવરેજ કલાક કાઢવાનો જ. તમે તમારી સાથે તમારા પરિવાર માટે પણ રોલ-મૉડલ બની શકો છો. તમે જે કરશો એની અસર તેમના પર પડશે. પ્રત્યેક પરિવારમાં પેરન્ટ્સે તો ફિટનેસ તરફ દરકાર રાખવી જ જોઈએ. તમે જે કહેશો એ તમારાં બાળકો કરશે, તમે કહેશો એ નહીં, પણ તમે કરશો એ. હેલ્ધી ખાવાની આદત, શરીરની જાળવણી માટે સમય ફાળવવાની આદત આ સંસ્કારો હવેની પેઢીમાં ઊતરે એ અનિવાર્ય બાબત છે. તંદુરસ્તીની બાબતમાં સશક્ત રહેવું કેટલું મહત્ત્વનું છે એ કોરોનાકાળમાં આપણે સમજી લીધું છે, પરંતુ એને રૂટીનમાં સામેલ કરવાનું હજી પણ ચૂકી ગયા હો તો હવે મોડું નહીં કરો. ગઈ કાલે કહ્યું હતું એ, ‘પલ મેં પરલય હોએગી, બહુરી કરેગા કબ.’ અચાનક એવો કોઈ મહાકાય રોગ આવીને ધમપછાડા શરૂ કરશે તો સામનો કરવો અઘરો પડશે એના કરતાં શાણપણ એમાં જ છે કે પહેલેથી જ ફિઝિકલ હેલ્થ તરફ ધ્યાન આપી દઈએ.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2021 09:36 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK