° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


હૅટ્સ ઑફ કેતકી : દાખલા અનેક છે, પણ તારી વાત સાવ જુદી અને અનેરી છે

06 August, 2022 11:29 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

સિમ્પથી પણ તેના પક્ષે રહી હોત અને તેને અઢળક લોકોનું બિચારાપણું પણ મળ્યું હોત, પણ કેતકી દવે જેનું નામ, જે સરિતા જોષીનું ફરજંદ, સાહેબ, એમ કાંઈ થોડી તે હિંમત હારે. 

ફાઈલ તસવીર મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ફાઈલ તસવીર

આમ જોઈએ તો અનેક એવા દાખલા છે જેમાં વહાલસોઈ વ્યક્તિ ગુમાવ્યા પછી તેમના સ્વજને પોતાની જવાબદારી નિભાવી હોય. દીપક કાનાબાર નામની વ્યક્તિએ પોતાના પપ્પાનો મૃતદેહ ઘરમાં પડ્યો હતો અને એ પછી પણ ફેરમાં જવાબદારીરૂપે લીધેલા સ્ટૉલનું ડેકોરેશન પૂરું કર્યું હતું, તો અનેક એવા કલાકારો છે જેમને ચાલુ નાટકે પોતાના પેરન્ટ્સના દેહાંત વિશે ખબર પડી હોય અને એ પછી પણ તેમણે ભારે હૈયે અને મક્કમ મને નાટકનો શો પૂરો કર્યો હોય. એવું જવલ્લે જ બનતું હોય છે કે સ્વજનની અંતિમ વિદાય પછી કોઈએ શો કર્યો હોય અને રંગભૂમિની ગરિમા જાળવી હોય.
કેતકીએ એ કામ કર્યું અને એને માટે તેને ૧૦૦-૧૦૦ સલામ. તેણે ધાર્યું હોત તો ગયા રવિવારનો શો તે કૅન્સલ કરાવી શકી હોત અને એમાં કોઈને કશું ખોટું પણ લાગ્યું ન હોત. સિમ્પથી પણ તેના પક્ષે રહી હોત અને તેને અઢળક લોકોનું બિચારાપણું પણ મળ્યું હોત, પણ કેતકી દવે જેનું નામ, જે સરિતા જોષીનું ફરજંદ, સાહેબ, એમ કાંઈ થોડી તે હિંમત હારે. 
કેતકીએ શો કર્યો અને એ પણ એવો કર્યો કે તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય. નાટકની આ જ મજા છે, નાટકની આ જ સજા છે. તમે કંઈ પણ કરો, તમે ક્યાંય પણ હો પણ શો મસ્ટ ગો ઑન. રસિક પણ આ જ ફિલોસૉફીમાં માનતો. સરિતાબહેન પણ આ જ ફિલોસૉફીમાં માને છે અને પ્રવીણ જોષી પણ સાહેબ આ જ માનતાને, શો થવો જોઈએ. ઑડિયન્સ માઈબાપ છે. એ નારાજ થઈને જવા ન જોઈએ. તેમને પૂરી એનર્જી સાથે નાટક જોવા મળવું જોઈએ અને એ એનર્જી બરકરાર રહેવી જોઈએ. રસિક દવેના દેહાંત પછી થયેલો શો જેમણે પણ જોયો છે તે સૌની આંખમાં આંસુ હતાં, પણ કેતકી, એ પૂરેપૂરી એનર્જી સાથે હતી. તેણે લોકોને ખુશ કરવામાં, ઑડિયન્સને, માઈબાપને રાજી રાખવાની એક પણ તક જતી કરી નહીં અને પૂરેપૂરી તાકાત સાથે તેણે નાટક કર્યું. એ નાટકનું નામ છે ‘ખેલ ખેલે ખેલૈયા’. નાટકનું દિગ્દશર્ન કિરણ ભટ્ટનું છે અને કિરણ ભટ્ટ અત્યારે નટુકાકા તરીકે પૉપ્યુલરિટી મેળવી રહ્યા છે.
સાહેબ, મારે વાત કરવી છે કેતકી અને રસિક દવેની. આ કપલને તમે જુઓ ત્યારે તમને ઈર્ષ્યા થાય. હા, ખરેખર ઈર્ષ્યા થાય. બન્ને એવી રીતે એકબીજામાં ઓતપ્રોત હોય કે એવું જ લાગે જાણે તમે લવ-બર્ડ્સને જોઈ રહ્યા છો. આજે પણ મને યાદ છે જ્યારે મેં પહેલી વાર રસિકને જોયો. મને ખરેખર થયું હતું કે આ પર્સનાલિટી કહેવાય. મને ખરેખર રસિકની ઈર્ષ્યા આવી હતી, પણ એ ઈર્ષ્યામાં પ્રેમભાવ હતો એવું કહેવાનું પણ હું પ્રેમથી સ્વીકારીશ. રસિક અને કેતકી જેવા કપલ સૌકોઈએ બનવું જોઈએ. બન્ને એકબીજાનું એવું ધ્યાન રાખે કે તમે કલ્પના પણ ન કરી શકો. મેં એ બન્નેને હસબન્ડ-વાઇફ તરીકે ક્યારેય જોયાં નથી. બન્નેમાં મને લવ-બર્ડ્સ જ દેખાયાં છે અને એ લવ-બર્ડ્સ પણ એવાં જેની તમને નકલ કરવાનું મન થાય. 
રસિક, વી વિલ મિસ યુ. આઠ દિવસ, આ વાત તને કહું છું અને એનું કારણ એ જ છે કે ખરેખર તું આંખ સામેથી જતો નથી અને હા, કેતકી, હૅટ્સ ઑફ. શો મસ્ટ ગો ઑન.

06 August, 2022 11:29 AM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

ફૉરેન જવાની લાયમાં હેરાન થતા યંગસ્ટર્સ માટે પેરન્ટ્સે શું ધ્યાન રાખવાની જરૂર છે?

વિદેશનો આ જે મોહ છે એ અકરાંતિયા જેવો છે. તમને અંદરથી કોરી ખાય છે અને કોરી ખાતા આ મોહ માટે હવે પેરન્ટ્સે ખરેખર જાગૃત થવાની જરૂર છે

11 August, 2022 11:49 IST | Mumbai | Manoj Joshi

વ્યથા અને પરેશાની મનની : ફૅમિલીએ શું સમજવાની જરૂર છે અને કેવી રીતે એ પણ જાણી લો

ડિપ્રેશન હોય તે વ્યક્તિને પ્રેમ અને લાડ સાથે સ્વીકારો. જરૂર નથી કે તેને તમે ટોણો મારો કે પછી તેને તમે ભાષણ આપો. ધારો કે એવું તમને મન પણ થતું હોય તો એટલું યાદ કરો કે શું તાવ કે શરદી-ઉધરસની વ્યાધિ સહન કરતી વ્યક્તિને તમે ભાષણ આપો છો?

10 August, 2022 12:44 IST | Mumbai | Manoj Joshi

ઈશ્વરની પરીક્ષા અને રંગમંચની ગરિમા

રસિક દવેનું જવું સૌ કોઈના માટે વસમું હતું અને એ પછી વાસ્તવિકતાનો સ્વીકાર પણ એટલો જ અગત્યનો હતો. જોકે કેટલીક વાસ્તવિકતા એવી હોય છે જેને જીવનમાં તમે ક્યારેય અપનાવી નથી શકતા. રસિકની ગેરહાજરી પણ એવી જ વાસ્તવિકતા પુરવાર થવાની છે

09 August, 2022 07:46 IST | Mumbai | Sarita Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK