Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૩)

મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૩)

30 November, 2022 12:20 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઘરમાં દાખલ થતાં તમે એ શોધવામાં લાગી ગયા. ઘરમાં ખાસ સામાન હતો નહીં અને છતાં તમે લેટર શોધવા માટે કલાક ખર્ચી નાખ્યો. આજે કોઈ લેટર નહોતો આવ્યો.

મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૩) વાર્તા-સપ્તાહ

મને આપો ઉછીનું સુખ થોડું (પ્રકરણ ૩)


‘અરે, ક્યાં હતો તું?’ કૅન્ટીનમાંથી પાછા આવ્યા કે તરત અજિતે ઉઘરાણી શરૂ કરી, ‘તારા માટે કોઈનો ફોન હતો.’
‘કોણ હતું?’ 
તમે પેન હાથમાં લીધી. નવા શરૂ થતા ન્યુઝપેપરનું લૉન્ચિંજગ કૅમ્પેન ચાલતું હતું. 
‘બધા શું કામ એકસરખું કામ કરતા હશે?’ એશા આ મુદ્દે તમારી સાથે સહમત થતી, ‘જો તમે ‘ટાઇમ્સ’ની નકલ કરવાના હો તો વાચક શું કામ તમારું ન્યુઝપેપર લે. અનુભવી ‘ટાઇમ્સ’ તો સામે છે જ.’

તમારી વાત ધ્યાનથી સાંભળતીને એશાને તમે અચાનક પૂછી લીધું, ‘એશા, જો તને કોઈ ન્યુઝપેપર શરૂ કરવાનું કહે તો તું શું કરે?’
‘હમં...’ એશાએ વિચાર કરવાનો પણ સમય લીધો નહીં, ‘હું બાળકો માટે ન્યુઝપેપર શરૂ કરું.’ 
‘વાઉઉઉવ... મસ્ત આઇડિયા.’



તમને ખરેખર વિચાર ગમી ગયો હતો. નવી જનરેશન માટે ન્યુઝપેપર શરૂ કરવાનો વિચાર હજુ સુધી કેમ કોઈને આવ્યો નહીં હોય. માર્કેટિંગ પૉઇન્ટ ઑફ વ્યુથી પણ બચ્ચાંઓ મોસ્ટ સેલેબલ છે અને એનું કારણ પણ ક્લિયર છે. એક સમયે માબાપ ભગવાનની મહેરબાની સમજીને ચાર-પાંચ કે સાત બાળકો કરતાં. ઘરમાં કમાનારું એક હોય અને ખાનારાં આઠદસ એટલે બાપ બિચારો ઇચ્છે તો પણ કોઈ બાળકની ઇચ્છા પૂરી કરી શકે નહીં, નવી જનરેશનમાં મોટો ચેન્જ આવ્યો. દીકરો પરણીને એકાદ વર્ષમાં અલગ થઈ જાય. શરીરનો ઘાટ બગડે નહીં એ માટે વાઇફ પણ એકથી વધુ બાળક ઇચ્છે નહીં અને બાપ એક સંતાનને પૂરી લોકશાહી મળે એવા હેતુથી વંશવેલો આગળ વધારે નહીં. નાનું કુટુંબ, સુખી કુટુંબની વ્યાખ્યા હવે લઘુ કુટુંબ-મધુર કુટુંબ બની ગઈ છે. એક બાળક હોવાના કારણે ફૅમિલીના કેન્દ્રમાં બાળક હોય છે. એમઆરએફ ટાયર ક્યારેય બાળક ખરીદવા જવાનું નથી અને છતાં એની ઍડમાં બાળકનો ઉપયોગ થાય છે. શું કામ? બાળક ફૅમિલીનું કેન્દ્રબિંદુ છે. ક્યારેય કારની ખરીદી બાળક હસ્તક હોતી નથી પણ એ જ કારને વેચવા માટે બાળકનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકની લાગણીને સાચવવા માબાપ બધું કરે છે. જો એ બાળકને ધ્યાનમાં રાખીને...
‘ક્યાં ખોવાઈ ગયા?’ એશાએ તમારી વિચારધારા અટકાવી, ‘બાળકોની યાદમાં..?’ 
હાહાહા... તમે ખડખડાટ હસી પડ્યા...
lll


‘અલ્યા, તને પૂછું છું ક્યાં હતો?’ અજિત તમારી પાસે આવ્યો, ‘તારા માટે ફોન હતો...’
‘નામ તો નહોતું કહ્યું, પણ લતા મંગેશકર એવું બોલી તમારા ભાઈને એટલું પૂછજો કે લેટર વાંચી લીધોને.’ 
તમારા શરીરમાં ઝંઝાવાત 
પ્રસરી ગયો.
‘એય જો, પેલી નવી આવી છે તેના ગાલ કેટલા મોટા છે.’
અજિતનો બક્વાસ હજુ ચાલુ હતો પણ તેના પર તમારું ધ્યાન નહોતું. ધ્યાન હોત તો હવે તમે અજિતને સ્ત્રીદાક્ષિાણ્યનું ભાષણ આપી જ દીધું હોત. તમારા કાનમાં તો અજિતના શબ્દો જ ઘૂમરાતા હતા.
‘લેટર વાંચી લીધોને...’ 
lll

આજે ઝડપથી ઘરે પહોંચવા માટે તમારા પગમાં ગતિ આવી ગઈ હતી. એશાની હયાતીમાં હતી એવી જ ગતિ.
ક્યાંક આજે ફરી પેલીએ લેટર મોકલ્યો ન હોય?!
ઘરમાં દાખલ થતાં તમે એ શોધવામાં લાગી ગયા. ઘરમાં ખાસ સામાન હતો નહીં અને છતાં તમે લેટર શોધવા માટે કલાક ખર્ચી નાખ્યો. આજે કોઈ લેટર નહોતો આવ્યો.
લેટર કોણે લખ્યો, શું કામ લખ્યો?
આ સવાલ તમારા મન પર સુનામી બનીને ઘૂમરાતો હતો. ફરી એક વાર છોકરી તમારા જીવનમાં આવી અને આવીને તમારી શાંત જિંદગીને ધમરોળવા માંડી હતી.
શાંત જિંદગીને?


શું તમારી જિંદગી ખરેખર શાંત હતી? એશા વિના તમે શું શાંતિથી જીવતા હતા?
જિંદગી મેં કોઈ કભી આયે ના રબ્બા, 
આયે જો ફિર જાએ ના રબ્બા. 
દેને હો અગર મુજે બાદ મેં આંસુ, 
તો પહેલે કોઈ હસાએ ના રબ્બા.
તમે હિન્દી ફિલ્મ સૉન્ગસ સાંભળવાનું ટાળતા, પણ ‘મુસાફિર’નું આ સૉન્ગ તમારી જ વાત કરતું હોય એવું તમને લાગતું. 
એશા.

એશા પહેલાં તમારી લાઇફમાં આવી. પછી તેણે તમને હસતાં કર્યા. તમે હસતાં થયા, જિંદગીનું મહત્ત્વ સમજતાં થયા કે તરત જ તે તમને છોડીને ચાલી ગઈ. જીવનનું મહત્ત્વ અને જિંદગીની ઝિંદાદિલી જે શીખવાડે એ વ્યક્તિને તમે કઈ રીતે ભૂલી શકો? લેટર લખી કોઈને સલાહ આપવી સહેલી છે, પણ હકીક્ત જુદી છે. તમને ખબર છે કે તમે ફરહાદ, મજનૂ કે રાંઝા નથી કે મરતી પ્રેયસી પાછળ મરવા દોટ મૂકો. તમે પણ ઇચ્છો છો કે એશાની યાદમાંથી બહાર આવી જાઓ અને એશાના આગમન પહેલાં હતી એવી નીરસ જિંદગી તમે ફરીથી જીવવાનું શરૂ કરો, પણ શક્ય નથી. આ તબક્કે તો શક્ય નથી જ.
તમારી આંખો સામેનું દૃશ્ય ધીમે-ધીમે ધૂંધળું થવા માંડ્યું. તમને ખબર હતી કે હવે આંખો ભીની થઈ ગઈ છે.
યે હી સોચતા હૂં કી કૈસે ઉસકો ભુલાઉંગા,
ના વો કભી આયેંગી ના, ઉસે ભૂલ પાઉંગા જીને કા ઠીકાના હૈ ના, 
મરને કા બહાના હૈ, ઇતના ભી કોઈ સતાયે ના રબ્બા
તમે ખરેખર કોઈનો સાથ ઇચ્છતા હતા.
કોણ તમને સાથ આપશે, પેલી લેટર લખનારી? 
તમારી આંખોનાં સઘળાં બંધન છૂટી ગયાં.
lll

તું ગાંડા જેવી વાતો કરવાનું બંધ કર હવે.
‘ગાંડા જેવી વાત નથી.’ અજિતના જવાબથી તમને હસવું આવતું હતું, ‘જે સાચું છે એ તને કહું છું, માનવું હોય
તો માન...’ 

‘મારે માનવું છે એ જ હું માનવાનો.’ અજિતે તમારો હાથ પકડ્યો, ‘મારા માટે ફીલિંગ્સ હોય તો આવું કંઈ વિચાર નહીં, પ્લીઝ...’
અજિતની તગતગતી આંખો તમને દેખાતી હતી.
‘દોસ્ત માટે ફીલિંગ્સ હતી એટલે જ આજ સુધી ટકી ગયો.’ તમે ધીમેકથી 
હાથ છોડાવ્યો, ‘આ દોસ્ત તો ક્યારેય ભુલાશે નહીં...’
‘ના, યાર...’

અજિતના ગળામાં આવી ગયેલી અંતરાશે બાકીના શબ્દો અધૂરા છોડી દીધા, પણ હવે તમે તમારા નિર્ણયમાં કોઈ બદલાવ કરવા તૈયાર નહોતા. કરો પણ શું કામ. એક વીકના ગાઢ મનોમંથન પછી તમે આ નિર્ણય પર મક્કમ થયા હતા.
lll

ઘરેથી નીકળ્યા ત્યારે કોઈ ખાસ કામ નહોતું અને એટલે તમે આજે સ્લો ટ્રેન પસંદ કરી હતી. હવે મુંબઈને ભરપેટ માણવાની ઇચ્છા હતી. રાતે તમે બાર પછી ઘરની બહાર નીકળ્યા હતા. ઊંઘ નહોતી આવતી ને ઊંઘ માટે હવે ટળવળવું નહોતું. વૉચમૅન પણ તમને આ સમયે બહાર જોઈને મૂંઝાયો હતો.
‘સા’બ, કુછ કામ હૈ?’ 
‘નહીં.’ આગળ આવી તમે વૉચમૅનના ખભા પર હાથ મૂક્યો, ‘બસ યૂં હી ટહેલને નીકલા હૂં...’
એ પછી છેક રાતે સાડાત્રણે પાછાં આવ્યા હતા.
‘કાફી દૂર તક ઘૂમ કે આયે, સા’બ.’
‘હમં...’ હાથમાં રહેલું પાર્સલ તમે વૉચમૅન તરફ લંબાવ્યું, ‘યે લો. 
કુછ ખા લો.’

એક સમયે તમે બે-ચાર રૂપિયા માટે પણ જીવ બાળતા. બે-ચાર રૂપિયાનું કોઈ મહત્ત્વ નથી એ પછી પણ, દરેક વાતમાં કરકસર. કરકસરની એ આદત ધીમે-ધીમે કંજૂસાઈ પર ફેરવાઈ ગઈ હતી. ફાટેલાં અન્ડરગાર્મેન્ટસથી ચલાવી લેવું અને એને લીધે સાથળની કોર પર થતા ઇચિંગમાંથી છુટકારો મેળવવા માટે ટૅલ્કમ પાઉડરમાં પાણી નાખી પેસ્ટ બનાવી એનો ઉપયોગ કરવો. વધેલી રોટલીના ખાખરાનો સ્વાદ જુદો આવતો ત્યારે તમે જાણતા કે રોટલી ઉપર જામેલી ફૂગને લીધે ટેસ્ટ બદલાયો છે પણ તમે બચાવ તો કરતાં અને એનો ઉપયોગ પણ કરી લેતા. ભૂખ નહીં હોવાનું બહાનું કાઢી કૅન્ટીનમાં ચા પીવી અને એ પણ દિવસની પંદર-સત્તર. મશીનની ચા તમને ભાવતી નહીં તો પણ તમે એનાં ભરપેટ વખાણ કરતા, કારણ કે મશીનની ચા માટે તમારે પૈસો ચૂકવવા નહોતા પડતા. તમે દૃઢપણે માનતા કે જીવનમાં બચાવેલો પૈસો ક્ષણભરમાં ખર્ચાઈ જતો હોય છે. તમે એ પણ જાણતા કે પૈસાને ઘરની બહાર ખેંચી જનારી ક્ષણ દરેકના જીવનમાં આવે અને તમે એ પણ માનતા કે એવી ક્ષણ આવે એ પહેલાં ગુજરાત પાછા જવું.
ગુજરાત. તમારું ગુજરાત. 

ગુજરાત યાદ આવી જતાં તમારા ચહેરા પર સ્મિત આવી ગયું.
ભાડલા, સરધાર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત અને બીજા કેટલાંયે શહેરો તમે જોયાં હતાં. કેટલાંક તમારા કારણે બન્યું હતું તો કેટલાંક પારિવારિક કારણોસર જવાનું બન્યું હતું. સવારે નવ વાગ્યે ઘરની બહાર નીકળવું. કામ પર પહોંચી પહેલાં ગરમાગરમ ચા પીવાની. ચા પીતાં-પીતાં દસેક મિનિટ છાપું વાંચવાનું અને બૅન્કનું કામ શરૂ થાય. સાડાબારે ઘરે જવાની તૈયારી શરૂ અને એકાદ વાગ્યે ઘરે પહોંચી જમવાનું અને પછી શાંતિથી સૂઈ જવાનું. ત્રણ વાગ્યે ઊઠવાનું, ચારે કામે વળગવાનું. 
આ લાઇફસ્ટાઇલથી કંટાળીને તમે પૈસા કમાવા મુંબઈ આવ્યા, પણ હવે...
હવે આ જ મુંબઈ, મુંબઈના પૈસા અને મુંબઈની લાઇફસ્ટાઇલથી તમે કંટાળ્યા છો. 
દરરોજ એક જ રફતાર. જાગો, ભાગો અને મરો.

લોકલ ટ્રેનમાં પણ તમારા મનમાં આ જ વિચારો ચાલતા હતા.
સ્લો ટ્રેન અને રોજ કરતાં કલાક વહેલું હતું એટલે તમને ટ્રેનમાં જગ્યા આરામથી મળી ગઈ હતી. આજે પહેલી વાર તમે ન્યુઝપેપર ખરીદ્યા વિના ટ્રેનમાં ગોઠવાયા હતા. મુંબઈ, લોકલ ટ્રેનનું મુંબઈ આંખ સામેથી પસાર થતું હતું અને તમારા હૃદયની ધડકન પણ ટ્રેનની સાથે તાલ મિલાવતી હતી. બાજુમાં બેઠેલો પૅસેન્જર સાબુની કંપનીમાં ઑફિસર હશે એવું તેની વાતચીત પરથી લાગતું હતું. વર્ષે પંદરેક લાખનું પૅકેજ હશે તો પણ ટ્રાફિકના કારણે લોકલ વાપરતો હશે. વાળમાંથી આવતી તાજા લીંબુની સુંગધ કહેતી હતી કે ભાઈ નાહીને સીધા ઘરેથી નીકળ્યો છે. તમારી બરાબર સામેની સીટ પર ત્રીસેક વર્ષની યુવતી હતી. ગળામાં લટક્તું મંગળસૂત્ર અને મંગળસૂત્રમાં રહેલાં લાલ મોતીના કારણે તમે ધાર્યું કે તે મહારાષ્ટ્રિેયન હશે. શ્યામવર્ણી ચહેરો પણ મરાઠીપણાની ચાડી ખાતો હતો. યુવતીનું પેટ ફૂલતું હતું. મે બી પાંચમો મહિનો ચાલતો હશે. જો આ છોકરી ગુજરાતમાં હોત તો હવે તેને ઘરની બહાર એકલા જવાની મનાઈ કરી દીધી હોત. તમારી નજર યુવતીના પેટ પરથી હટતી નહોતી.

જો ગુજરાતમાં હોત તો અત્યારે તેનું પેટ પણ વધુ બહાર હોત. બિચારું બચ્ચું. મમ્મીને જૉબમાંથી રજા નથી મળી એટલે એ ટૂંટિયું વાળીને પેટમાં પડ્યું છે. પેટમાં પડ્યું એ વિચારતું હશે કે મમ્મીને રજા મળે પછી શરીર વધારીશું. કમ્પાર્ટમેન્ટમાં એક રિબન પકડીને માજી ઊભાં હતાં. ઊભા થઈ તેમને જગ્યા કરી આપવાની તમને ઇચ્છા થઈ પણ તમે ઊભા થઈ શકો એટલી કમ્પાર્ટમેન્ટમાં જગ્યા નહોતી.
‘મુંબઈની ટ્રેનમાં એક નિરાંત. શરીર પર ખંજવાળ આવે તો પણ હાથને તસ્દી આપવાની નહીં. ટ્રેનની ભીડને લીધે ખંજવાળ આપોઆપ દૂર થઈ જાય.’ 
તમે એક વાર એશાને કહ્યું હતું,

મુંબઈની લોકલ ટ્રેન.
લોકલ ટ્રેનને મુંબઈની લાઇફલાઇન કહે છે, પણ ના, આ લાઇફલાઇન નથી. તમે એને ક્રસલાઇન માનો છો. જિંદગીને સતત કચડતી રહેતી ક્રસલાઇન. આઠ ને નવની ફાસ્ટ અને પાંચ ને સાતની સ્લો વચ્ચે દોડતી જિંદગી. તમે મનોમન નક્કી કર્યું હતું કે જે સમયે નવલકથા લખવાની તક મળશે એ સમયે તમારી પહેલી નવલકથા મુંબઈની લોકલ ટ્રેનને કેન્દ્રમાં રાખીને લખાશે. નામ પણ તમે વિચારી રાખ્યું હતું. 

બોરીવલી લોકલ. એક જ કમ્પાર્ટમેન્ટમાં શરૂ થતી અને એ જ કમ્પાર્ટમેન્ટમાં પૂરી થતી નવલકથા, બોરીવલી લોકલ. 
રાતનો સમય છે અને આજની આ છેલ્લી ટ્રેન છે. કોઈ અકળ કારણોસર ટ્રેન બાંદરાથી બોરીવલી પહોંચે એ પહેલાં વચ્ચે અટકી પડે છે. ટ્રેનમાં કુલ સાત વ્યક્તિ છે. બેચાર મિનિટ પછી એકાએક કોઈનું ધ્યાન ખૂણામાં જાય છે. ખૂણામાં એક લાશ છે. હવે સાત નહીં, ટ્રેનમાં છ પૅસેન્જર છે. બધા ટ્રેનનું કમ્પાર્ટમેન્ટ છોડીને ઊતરી જવા માગે છે પણ એક, ના પાડીને કહી દે છે કે ટ્રેન જ્યાં સુધી બોરીલલી ન પહોંચે ત્યાં સુધી કોઈ ડબ્બામાંથી ઊતરી નહીં શકે, કારણ કે ખૂની આપણામાંથી કોઈ એક છે.
બોરીવલી લોકલ.

‘તો પછી તમે શું કામ ઍડ એજન્સીમાં આવી ગયા?’
રાઇટર બનવાની તમારી ઇચ્છા એશા સામે વ્યક્ત કર્યા પછી તમારે આ સવાલ સાંભળવો પડ્યો હતો.

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2022 12:20 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK