Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આઇવીએફથી માતૃત્વ મેળવવાની વાત, ઇન્ટરેસ્ટિંગ!

આઇવીએફથી માતૃત્વ મેળવવાની વાત, ઇન્ટરેસ્ટિંગ!

04 July, 2022 05:39 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ગુજરાતી રંગભૂમિ પર આ પ્રકારનો વિષય ક્યારેય આવ્યો નહોતો એટલે જ્યારે મેં આ વાર્તા સાંભળી કે તરત જ હું નાટક કરવા માટે રાજી થઈ ગયો

‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ નાટકની આખી સ્ટારકાસ્ટ

જે જીવ્યું એ લખ્યું

‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ નાટકની આખી સ્ટારકાસ્ટ


ઑગસ્ટથી ઑક્ટોબર મહિનાઓ એવા છે જેમાં જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણપતિ જેવા તહેવારો આવે અને એ પછી પર્યુષણ, શ્રાદ્ધ, નવરાત્રિ અને દિવાળી આવે જે અમારા માટે ઑફ-સીઝન ગણાય. જો આ દિવસોમાં નાટક તૈયાર થતું હોય તો તમારે પછી દિવાળી ઊતરે એની રાહ જોવી પડે.

૨૦૦૮ની ૧૨ જુલાઈ, રવિવાર અને 
તેજપાલ ઑડિટોરિયમ.
‘પ્રેમ કરતાં પંકચર પડ્યું’ નાટક અમે ઓપન કર્યું અને નાટક સુપરહિટ થયું. આ નાટકના અમે ૧પ૬ શો કર્યા. જોકે અમારા માટે અહીં અટકવાનું નહોતું. અમારે તો આગળ વધવાનું હતું અને આગળ વધવાની પ્રોસેસ તો અમારી સતત ચાલુ જ હતી. આ વર્ષે એટલે કે ૨૦૦૮ના વર્ષમાં અમે ત્રણ નાટક બનાવી લીધાં હતાં અને હજી પાંચ મહિના બાકી હતા. એ પાંચ મહિનામાં અમે બીજા બે નાટક ઓપન કર્યાં. ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ની એક ખાસ વાત કહું તમને. આ નાટકથી જ અમારે ત્યાં પ્રથા પડી કે નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ દરમ્યાન જ અમે નવા નાટકની ચર્ચા શરૂ કરી દઈએ. ગ્રૅન્ડ રિહર્સલ્સ દરમ્યાન સાંજે બધા માટે નાસ્તો આવે. એમાં હું અને અમારો ડિરેક્ટર વિપુલ મહેતા નાસ્તો કરતાં-કરતાં જ નવા નાટકની સ્ક્રિપ્ટનું કુકિંગ પણ આરંભી દઈએ. કોઈ-કોઈ વાર એમાં મારો પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી પણ જોડાય.
‘પ્રેમ કરતાં પંકચર પડ્યું’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સ દરમ્યાન હું, વિપુલ અને કૌસ્તુભ નાસ્તો કરતાં-કરતાં હવે કયા વિષય પર નાટક કરવું એની ચર્ચા કરતા હતા. વિપુલે અમને એક આઇડિયા સંભળાવ્યો, જે મને બહુ ગમ્યો. વાત એવી હતી કે એક લેડી છે જે મા નથી બની શકતી અને એના કારણે હવે તેના સ્વભાવમાં બહુબધી કડવાશ આવી ગઈ છે. નાની-નાની વાતે તે ઇરિટેટ રહે છે અને એનું બીજું પણ કારણ છે. જીવનમાં તેને પોતાના અંગત લોકોના એવા કડવા અનુભવો થયા છે કે તેના સ્વભાવમાં રૂક્ષતા આવી ગઈ છે. તે લેડીની ભાણેજ છે. ભાઈ આફ્રિકા રહે છે અને ભાઈની એ દીકરી એટલે કે ભાણેજ આફ્રિકાથી આવે છે. આ જ દીકરીની ઍડ્વાઇઝના આધારે અને તેણે આપેલા આત્મવિશ્વાસના આધારે તે લેડી આર્ટિફિશ્યલ ઇન્સેમિનેશનથી પ્રેગ્નન્સી માટે રેડી થાય છે અને એ રીતે તે માતૃત્વ મેળવે છે એ પ્રકારની વાર્તા હતી. લેડી પોતે પિસ્તાલીસ-પચાસ વર્ષની છે તો તેનો હસબન્ડ પચાસ-પંચાવનનો છે એટલે કુદરતી પ્રેગન્નસીના ચાન્સ નથી અને એ જ કારણે તે લોકો આઇવીએફ માટે તૈયાર થાય છે. નાટકની વાર્તામાં અનેક પ્રકારના ઉતાર-ચડાવ હતા અને બહુ સરસ ઇમોશનલ વળાંકો હતા. 
વાર્તા મને ખૂબ ગમી. સાવ અલગ પ્રકારની વાર્તા હતી. મને લાગ્યું કે આ પ્રકારનો વિષય ગુજરાતી રંગભૂમિ પર અગાઉ ક્યારેય 
આવ્યો નથી. મેં ગ્રીન લાઇટ આપી એટલે એ વાર્તા પર કામ શરૂ થયું. વિપુલે સ્ટોરીની બ્રૉડ આઉટલાઇન બનાવી. 
બ્રૉડ આઉટલાઇન તૈયાર થયા પછી વાત આવી લેખકને લાવવાની, પણ અમે લેખકની બાબતમાં જરા અવઢવમાં આવી ગયા હતા. ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ પછી અમારો રાઇટર ભાવેશ માંડલિયા બિઝી થઈ ગયો હતો. ઇમ્તિયાઝ પટેલે અમારા માટે નાટકો લખવાનું બંધ કર્યું હતું, કારણ કે અમારે ત્યાં નિયમ છે કે જે અમારા પ્રોડક્શન માટે નાટક લખે તેણે અમને લાઇફટાઇમ રાઇટ્સ આપવાના અને ઇમ્તિયાઝ માટે તો એનું કારણ પણ છે. ઇમ્તિયાઝે જે કોઈ નાટક અમારા માટે લખ્યાં એ બધાં નાટકોની વાર્તા અમે આપી છે અથવા તો એ કોઈક મરાઠી નાટકનું રૂપાંતર છે અને આમ પણ નાટક બનાવવું એ એક સહિયારી પ્રોસેસ છે. ઍનીવે, હવે નવા નાટક માટે લેખક તરીકે કોને લેવો?
અમે નામ વિચારતા હતા અને ત્યાં જ અમને નામ યાદ આવ્યું અંકિત ત્રિવેદીનું. અંકિત એટલે કવિવર અંકિત ત્રિવેદી. અમદાવાદની ટૂર દરમ્યાન અમે મળતા હોઈએ તો તે મુંબઈ આવે ત્યારે પણ અમે મળીએ. તે મારી બહુ પાછળ પડ્યા હતા કે મારે નાટક લખવું છે, તમે મારી પાસે નાટક કેમ નથી લખાવતા? મેં હંમેશાં એક નિયમ રાખ્યો છે. હું નવોદિતોને તક આપવામાં ક્યારેય ગભરાયો નથી. બહુ-બહુ શું થાય? નાટકમાં રિપેરિંગ ખૂબ કરવું પડે. તો એના માટે અમારી તૈયારી હોય જ. અંકિતભાઈ માટે એક બીજી વાત પણ તમને કહું. અંકિતભાઈ થોડા લેઇડ-બૅક માણસ. આરામથી કામ કરવાની માનસિકતા ધરાવે. ઝટ દઈને હાથમાં આવે નહીં અને હાથમાં આવે તો લખવાનો મૂડ આવે નહીં, પણ જો મૂડ આવી જાય અને તે લખવા બેસી જાય તો એવું લખે કે તમને મજા પડી જાય.
આ નવા નાટકમાં પણ એવું જ બન્યું. તે હાથમાં આવે જ નહીં. એમાં અમારો ખૂબબધો સમય ગયો. અમે છેલ્લું નાટક ‘પ્રેમ કરતાં પંચર પડ્યું’ જુલાઈમાં ઓપન કર્યું હતું અને અમારું પ્લાનિંગ હતું કે નવેમ્બરમાં નવું નાટક ઓપન કરવું, કારણ કે ઑગસ્ટથી ઑક્ટોબર મહિનાઓ એવા છે જેમાં જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણપતિ જેવા તહેવારો આવે અને એ પછી પર્યુષણ, શ્રાદ્ધ, નવરાત્રિ અને દિવાળી આવે જે અમારા માટે ઑફ-સીઝન ગણાય. જો આ દિવસોમાં નાટક તૈયાર થતું હોય તો તમારે પછી દિવાળી ઊતરે એની રાહ જોવી પડે. ક્યારેક કોઈ નાટક માટે અપવાદ હોઈ શકે, પણ સરવાળે તો આ જે સીઝન અને ઑફ-સીઝન કહી છે એ મુજબ જ બધું ચાલતું હોય. 
મૂળ વાત પર આવીએ.
અમે નક્કી રાખ્યું હતું કે આપણે આ નાટક દિવાળી પછી એટલે કે નવેમ્બરમાં ઓપન કરવું. એટલે અંકિતભાઈને પકડવામાં જે સમય ગયો એનાથી પ્રોડક્શનને ખાસ વાંધો નહીં આવ્યો. અંકિતભાઈને નાટક લખવા આપ્યું અને એ પછી અમે કામે લાગ્યા કાસ્ટિંગના. અગાઉ મેં કહ્યું છે કે હું ક્યારેય બાઉન્ડ સ્ક્રિપ્ટનો આગ્રહ રાખતો નથી. બે-ત્રણ સીન લખાઈ જાય અને આખી સ્ટોરી-લાઇન ફાઇનલ થઈ ગઈ હોય તો પણ બસ છે. 
નાટકના કાસ્ટિંગમાં જે લેડીનું કૅરૅક્ટર હતું એ લીડ કૅરૅક્ટર હતું, જેના માટે અમે પલ્લવી પ્રધાનને લીધી. પલ્લવી સાથે અગાઉ અમે ‘જંતરમંતર’ કર્યું હતું. ખૂબ જ સારી અભિનેત્રી અને આ રોલ એ જ ગ્રુપનો હતો જેમાં પલ્લવી એકદમ ફિટ હતી. એ પછી અમે હસબન્ડના રોલમાં લાવ્યા પ્રતાપ સચદેવને. ત્રીજો અને બહુ જ મહત્ત્વનો રોલ કહેવાય એવો રોલ હતો ભાણેજનો, જેમાં અમારે કોઈ યંગ છોકરી લેવાની હતી જે દેખાવે પણ સુંદર હોય અને ઍક્ટ્રેસ પણ એટલી જ સારી હોય. અમને યાદ આવી લીના શાહ. લીનાનું આ અમારી સાથે પહેલું નાટક. 
નાટકમાં પ્રમાણમાં નાનું પણ મહત્ત્વની દૃષ્ટિએ ખાસ્સું મોટું કહેવાય એવું એક કૅરૅક્ટર હતું આઇવીએફ કરતા યંગ ડૉક્ટરનું, જે આગળ જતાં લીનાના પ્રેમમાં પડે છે અને લીના સાથે તેનાં મૅરેજ થાય છે. એ નાટકનો સબપ્લૉટ હતો. આ યંગ ડૉક્ટરના રોલમાં અમે પરેશ ભટ્ટને લીધો. પરેશ માટે હજી બે-ત્રણ વીક પહેલાં જ તમને મેં કહ્યું કે તે મારો માનીતો ઍક્ટર છે. તેની સાથે કામ કરવાની તક હું ચૂકતો નથી. આ ઉપરાંત નાટકમાં નોકરની પણ મહત્ત્વની ભૂમિકા હતી, જેના માટે અમે ફાઇનલ કર્યો અમીષ તન્નાને. 
હવે નાટકમાં એક રોલ બાકી હતો હસબન્ડ પ્રતાપ સચદેવના કૅરૅક્ટરના મિત્રનો. નામ હતું ચંચી. આ ચંચી નામ અંકિતાભાઈએ ચં. ચી. મહેતા પરથી લીધું હતું. ગુજરાતી સાહિત્ય અને નાટકોમાં ચં. ચી. મહેતા ખૂબ મોટું નામ. ઍનીવે, આ ચંચી પ્રતાપ સચદેવનો ભાઈબંધ હતો, જે તેની સાથે આખો દિવસ હોય અને તેની મજાકમસ્તી અને કૉમેડી ચાલુ જ હોય. એ ભાઈબંધના રોલ માટે બહુ નજર દોડાવી, પણ કોઈ દેખાયું નહીં અને ફાઇનલી વિપુલે મને કહ્યું કે આ રોલ સંજયભાઈ તમે જ કરી લો. 
મારું અગાઉનું નાટક ‘પરણેલા છો તો હિંમત રાખો’ બંધ થઈ ગયું હતું. અગાઉનાં બધાં નાટકોમાં હું લીડ રોલ જ કરતો આવ્યો હતો; પણ ખબર નહીં કેમ, વિપુલને એવું થઈ ગયું હતું કે સંજયભાઈ ક્યારેય મુખ્ય ભૂમિકામાં ન ચાલે.
વિપુલના મનમાં આ વાત કોણે ઠસાવી એ અને નાટકની બીજી વાતો સ્થળસંકોચના કારણે આપણે હવે કરીશું આવતા સોમવારે. 



જોક સમ્રાટ
પોલીસ : ગાડીનાં પેપર્સ બરાબર છે, ઇન્શ્યૉરન્સ બરાબર છે, લાઇસન્સ બરાબર છે, પીયુસી વૅલિડ છે, હેલ્મેટ પણ આઇએસઆઇ માર્કની છે અને એમ છતાં તમને ૨૦૦૦નો દંડ થશે.
બાઇકચાલક : કેમ સાહેબ?
પોલીસ : આ બધાં પેપર્સ તમે સાચવીને જે પ્લાસ્ટિકની કોથળીમાં મૂક્યાં છે એ પ્લાસ્ટિકની કોથળી પર પ્રતિબંધ છે.


(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2022 05:39 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK