Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડાયમન્ડ્સ આર ફૉરેવર! ( પ્રકરણ ૪)

ડાયમન્ડ્સ આર ફૉરેવર! ( પ્રકરણ ૪)

19 January, 2023 12:45 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

ઍર ઇન્ડિયાની મુંબઈ-સિંગાપોર ફ્લાઇટની વિન્ડો-સીટ પર ગોઠવાયેલી ઝંખનાએ દમ ભીડ્યો – નિર્દોષ પુરુષોને ફસાવીને હું કરોડપતિ બની ગઈ છું.

ડાયમન્ડ્સ આર ફૉરેવર! ( પ્રકરણ ૪)

વાર્તા-સપ્તાહ

ડાયમન્ડ્સ આર ફૉરેવર! ( પ્રકરણ ૪)


‘હાર મારે વેચવો પડ્યો.’
અવનિશનું પહેલું વાક્ય જ ખળભળાટ સર્જી ગયું. હાર વેચવો પડ્યો એટલે? વેપારમાં કટોકટી આવી? કોઈનું દેવું થઈ ગયું? જુગારમાં તો નથી હાર્યોને! વેચ્યો તો વેચ્યો; પણ વેચતાં પહેલાં જેનો હાર છે તે માને પૂછ્યું નહીં, વેચ્યા પછી જણાવ્યું પણ નહીં? વડીલો તૂટી જેવા પડ્યા.
‘અવનિશને કશું ન કહો, દોષી હું છું.’
સાંવરીની બંધ આંખો ખૂલી ગઈ. આ કોણ મોટા ભાઈ બોલે છે!
‘ભાઈ, તમારે મારા ખાતર અવનિશનો દોષ માથે લેવાની જરૂર નથી.’
‘ઊલટું છે બેન.’ તે ફિક્કું મલક્યો, ‘અત્યાર સુધી મારા દોષની ચુકવણી અવનિશે કરી છે, હજી પણ હુ મૂંગો રહ્યો તો...’
‘વેઇટ, મને કહેવા દે...’
‘નો જીજુ, યુ ડિડ એવરીથિંગ...’ તેણે અવનિશનો હાથ થપથપાવ્યો, ‘નાઓ ઇટ્સ માય ટર્ન.’
બધાએ બેઠક લેતાં તેણે શરૂઆત માંડી, ‘વાત મારા વિયેટનામ પ્રવાસની છે...’
અને અર્ણવ કહેતો રહ્યો.
lll

ના હોય!
વડીલો સ્તબ્ધ હતા, સાંવરી અવાક.
વિયેટનામની ટૂરમાં ઝંખના નામની છોકરી ભાઈને ભોળવી અણછાજતા ફોટો ક્લિક કરીને બ્લૅકમેઇલ કરે છે અને કાયમ માટે છુટકારો જોઈતો હોય તો બે કરોડમાં પતાવટ કરવાની ઑફર મૂકે છે, જે શક્ય ન લાગતાં ભાઈને સુસાઇડમાં છુટકારો દેખાય છે. પોતાની વીતકની અંતિમ નોંધ લખીને તેઓ ઑફિસની ઈ-મેઇલ પર પોસ્ટ કરવા માગે છે, પણ નિદ્રાવશ શરૂના ત્રણેક અક્ષર ટાઇપ કરતાં હિસ્ટરીમાંથી ચારેક વિકલ્પ દેખાતાં એક પર ક્લિક કર્યું એ ઈ-મેઇલ ઑફિસની નહીં, પણ નસીબજોગે અવનિશની હોય છે! 
પછી?
lll



ઈ-મેઇલ નોટિફિકેશને સૂવા જતા અવનિશને ઝબકાવ્યો. અત્યારે અર્ણવની મેઇલ! 
સાળા-બનેવી વચ્ચે મિત્રતાનો સંબંધ વધુ હતો. એકબીજાને નૉન-વેજ મટીરિયલ પણ શૅર થતું. એટલે ગુજરાતીમાં લાંબું લખાણ જોઈને પહેલાં તો એવું જ ધાર્યું કે અર્ણવે ઇરૉટિક ફિક્શન મોકલ્યું કે શું!
- પણ ના, આ તો આ...ત્મહત્યાની ચિઠ્ઠી છે!
અવનિશની ઊંઘ ઊડી ગઈ. અર્ણવ ફોન નથી લેતો, સાંવરીને કૉલ જોડીને સિફતથી જાણી લીધું કે તે ઘરે જ છે અને સૂતો છે. તેણે વરલી સી-લિન્ક પરથી કૂદવાનું લખ્યું છે એટલે અત્યારે હોહા કરવાને બદલે પરોઢિયે અવનિશ સીધો વરલીના સાસરે પહોંચ્યો. અર્ણવને ઉઠાડીને દોડવા લઈ જવાનું તો બહાનું હતું. ખરેખર તો દરિયાની પાળે ગોઠવાઈને અવનિશે ધડાકો કર્યો, ‘પેલી સી-લિન્ક દેખાય છે? ત્યાંથી આજે કોઈ કૂદવાનું છે.’
આટલું સાંભળતાં જ અર્ણવ થોથવાયો, ‘ત...મને ક...ઈ રીતે...’
‘થાય તો છે કે તને બે તમાચા ઠોકી દઉં...’ અવનિશના સ્વરમાં જોકે પીડા હતી, ‘માન્યું, જે બન્યું એ તું નાની બહેનને ન કહી શકે, પેરન્ટ્સને કહેતાં સંકોચ થાય; પણ હું તારો મિત્ર, તારો જીજુ. મને કહેવામાં જીભે શાનું વજન આવ્યું? બે કરોડ રૂપિયાનું?’
અર્ણવે ધ્રુસકું નાખ્યું.


આ પણ વાંચો : ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૧)

‘ભગવાનનો પાડ કે તારી ઈ-મેઇલ મને મળી... નહીંતર...’ અવનિશે હાથ લંબાવ્યો, ‘નો, તારી નાની બહેનના સોગંદ પર મને કહે કે જીવનમાં ગમે એ મુસીબત આવે, તું આત્મહત્યાનો વિચાર સુધ્ધાં નહીં કરે.’
‘વચન, જીજુ, વચન!’ અશ્રુ વહાવતો અર્ણવ તેને વળગી પડ્યો.
અવનિશે ભીની આંખો લૂછી, ‘ચલ, ઝંખનાનો નંબર આપ. તેની સાથે ડીલ હું કરીશ...’
અને ઝંખનાને ચુકવણી કરવા અવનિશે માનો હાર વેચ્યો એની જાણ ન થાય એ માટે લૅબગ્રોન હીરાની ડુપ્લિકેટ કરાવી. એ વિશાલે ચોરતાં ફરી એવો હાર બનાવડાવ્યો. અસલી હાર કલકત્તામાં વેચ્યો ને આજે વિશાલના અણધાર્યા આગમને બે ડુપ્લિકેટ હાર સામસામે થતાં રહસ્ય ખૂલી ગયું... ‘ઝંખનાને હું અર્ણવ સાથે મુંબઈમાં જ મળ્યો. ખૂબ જ શાતિર બાઈ. અર્ણવને જોઈને મર્માળું મલકી હતી. બટ યસ, સોદા પછી તેના તરફથી કનડગત નથી.’


ઓહ. સાંવરીને થયું કે અણગમતું, અણછાજતું અવનિશ માટે નહીં, મોટા ભાઈના પક્ષે નીકળ્યું! પણ આમ જુઓ તો તેમનો પણ દોષ નથી. તેમના મનમાં ક્યાં પાપ હતું? ચાર રાત એક રૂમમાં રહેવા છતાં તેમણે સંયમની પાળ ઓળંગી નહોતી. ચારિત્ર્યનો આનાથી વિશેષ પુરાવો શું હોય?
‘ભાઈ...’ તે અર્ણવની નિકટ ગઈ, ‘નજર ન ઝુકાવો. તમે તો કપટનો ભોગ બન્યા. તમે મમ્મી-પપ્પાના સંસ્કાર લજાવ્યા નથી.’
વડીલોએ ડોક ધુણાવી. અર્ણવના હૈયેથી પહાડ ઊતર્યો. 

‘અને હું એવું પણ નહીં કહું બેટા...’ પિતાએ આગળ વધીને દીકરાને બાથમાં લીધો, ‘કે અવનિશને જાણ થયા પછી પણ તેં રૂપિયા માટે મને ન કહેતાં તેની મદદ કેમ લીધી? આપણાં બે ઘર વચ્ચે મારા-તારાનો ભેદ ન હોય એનો દાખલો બેસાડ્યો તમે તો.’ 
‘સાચું કહ્યું વેવાઈ.’ દિવાકરભાઈએ અવનિશની પીઠ પસવારી, ‘આમ જ સુખદુઃખમાં એકમેકના પડખે રહેજો.’
‘અમે ધન્ય થયાં...’ વંદનાબહેને સાડલાના છેડાથી પાંપણ લૂછી, ‘આવા ઘરમાં દીકરી દઈને.’
‘મને એટલો સંતોષ છે વેવાણ...’ વનલતાબહેન બોલ્યાં, ‘આવી પડેલી કસોટીમાં પાર ઊતરીને આપણાં સંતાનો સાચા હીરા જેવા પુરવાર થયાં.’
‘ઍન્ડ ડાયમન્ડ્સ આર ફૉરેવર...’ સાંવરી ટહુકી. ડાબા-જમણા હાથમાં અવનિશ-અર્ણવનો હાથ ઝાલીને ઊમેર્યું, ‘આવું જોકે હું તો જ કહીશ જો તમે હજી એક પડાવ પાર પાડશો.’
કયો પડાવ?

‘ઝંખનાની અટકાયતનો.’ સાંવરી ગંભીર બની, ‘અવનિશ, માન્યું કે ઝંખના શ્રીમંતોને જ ફસાવે છે, પણ આમાં અર્ણવભાઈ જેવા આપઘાત માટે પણ પ્રેરાતા હોય છે. મોટા ભાઈને ઉગારનારા તમે હતા. દરેક અર્ણવને અવનિશ હોય એ જરૂરી નથી. એ તમામ માટે ઝંખનાને સપડાવવાની જરૂર છે.’
‘ચૅલેન્જ ઍક્સેપ્ટેડ...’ અવનિશ-અર્ણવ સાથે જ બોલ્યા.
lll

સો ફાર સો ગુડ!
ઍર ઇન્ડિયાની મુંબઈ-સિંગાપોર ફ્લાઇટની વિન્ડો-સીટ પર ગોઠવાયેલી ઝંખનાએ દમ ભીડ્યો – નિર્દોષ પુરુષોને ફસાવીને હું કરોડપતિ બની ગઈ છું... લાઇફમાં બે પાંદડે થવાનો આ પણ એક રસ્તો છે એવું કહો તો કોણ માનશે!
લોઅર મિડલ ક્લાસ પેરન્ટ્સની એકની એક દીકરી તરીકે લાચાર રહી હોત, દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ માની પિતા જેવા જ સાધારણ સ્થિતિના કોઈ જુવાનને પરણી હોત. એ ભાવિ મને ક્યાં મંજૂર હતું. મારી પાસે રૂપ છે, જોબન છે. એને વળોટીને હું મોંમાગ્યા દામ મેળવી શકું, શ્રીમંત નબીરાને ભોળવીને શાનદાર સાસરું પણ મેળવી શકું.
 - પણ ના, એમ ખીલે શું કામ બંધાવું? ને જોબન વળોટીને વેશ્યા શું કામ બનવું? મારી યૌવન મૂડી અકબંધ રાખીને શ્રીમંતોને ખંખેરી શકું તો મારી આવડત-હોશિયારી ખરી. આનો અખતરો કૉલેજના છેલ્લા વરસમાં કરી પણ લીધો...

 અત્યંત રૂપાળી ઝંખના પાછળ લટ્ટુ થનારા ઓછા નહોતા. આવા એક ઉમરાવ છોકરાને ભાવ આપતી હોય એમ હોટેલની રૂમમાં તાણીને વસ્ત્રો ઉતારવાનું કહેતાં પેલાએ ફટાફટ પૅન્ટ સરકાવ્યું, ઝંખના તેનો વિડિયો ઉતારે છે એ જોઈ-જાણીને ડઘાયો – ગિન્નાયો; પણ છેવટે તો ફિલ્મ ફરતી ન કરવાના બદલામાં માગ્યા દામ ચૂકવવા પડ્યા.
 બસ, પછી તો આમાં ઝંખનાની હથોટી કેળવાતી ગઈ. પોતે ફસાયાનો કોઈ ઢંઢેરો પીટતું નથી એવા નિરીક્ષણે નિશ્ચિંતતા પ્રેરી. મા-બાપને સમજાવી દીધું છે કે હું ફ્રીલાન્સર તરીકે કામ કરું છે અને પગારધોરણ સારું છે. થોડી મૂડી થતાં પોતે વિદેશ ફરતી થઈ. મુંબઈની હોટેલમાં ઝડપાવાનું રિસ્ક ખરું, ફૉરેનમાં શું થાય છે કોણ જોવા ગયું! વીત્યાં આ ચાર-પાંચ વરસમાં પંદર-વીસ પુરુષોને જાળમાં ફસાવ્યા હશે... એમાં પેલા અર્ણવ ચોકસી જેવા તો બનેવીની મદદ લઈને કાયમનો પીછો છોડાવવા બે કરોડ પણ ચૂકવતા હોય છે. અફકોર્સ, ડીલ થયા પછી પોતે એનું બૅક-અપ પણ નથી રાખતી. શું જરૂર? 

આ પણ વાંચો : ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૨)

 લેટ્સ સી, આ સફરમાં કોઈ બકરો ફસાય એમ છે ખરો?
 ઝંખનાએ પ્લેનમાં નજર દોડાવી. સફરની શરૂઆતથી જ શિકાર ભોળવાય તો બહેતર. ત્યાં –
‘એક્સક્યુઝ મી...’ કહેતો દાઢીધારી જુવાન બરાબર બાજુની સીટ પર ગોઠવાયો.
 માય માય! હાઉ હૅન્ડસમ હી ઇઝ. બ્રૅન્ડેડ ક્લોથ્સ, સનગ્લાસિસ, હીરાજડિત ઘડિયાળ... 
જુવાનનું નામ અમર છે ને તે કંપનીના કામે સિંગાપોર જાય છે એટલું જાણી લીધા પછી –
 જેવું પ્લેન રનવે પર સરકવા માંડ્યું કે ઝંખનાએ ગભરાટના ભાવ ઊપસાવીને અમરનો હાથ પકડી લીધો – ઇટ્સ સો સ્કેરી.
 સાંભળીને અમરના હોઠો પર હળવી મુસ્કાન ફરકીને અદૃશ્ય થઈ ગઈ.
lll

આ...હ!
ઝંખનાનું માથું ભમતું હતું. આ શું થયું?
ધીરે-ધીરે દિમાગમાં તાજું થયું – અહા, રાબેતા મુજબ જ ધૅટ અમરને તેની હોટેલરૂમ શૅર કરવા મનાવી લીધો... ચાર રાત્રિના રોકાણમાં તેને બેહોશ છેલ્લી રાત્રે કરવાનો હતો. શિકારનો વિશ્વાસ જીતીને વાર કરવામાં હું માનું છું અને આજે તો હજી પહેલી રાત હતી... અમે સાથે ડિનર લીધું, પછી...
પછી શું થયું એ મને કેમ યાદ નથી?
ઝાટકાભેર બેઠી થઈ ગઈ ઝંખના. ના, મારા બદન પર વસ્ત્રો તો છે, પણ... ઓહ, ડ્રેસના હુક ખુલ્લા છે, બ્રેસિયરની પટ્ટી સરકેલી છે, બેડશીટ પર લોહી છે, બિસ્તર ચોળાયેલું છે – ઝંખનાને તમ્મર આવ્યાં – તો શું મારી આ...બ...રૂ.
‘યુ વર ટેરિફિક.’

રૂમના ખૂણેથી અવાજ આવતાં તે ભડકી. નજર ફેંકતાં ચોંકી જવાયું. અવાજ તો અમરનો જ હતો, પણ અત્યારે તેની દાઢી-મૂછ ગાયબ હતી. આને તો મેં ક્યાંક જોયો છે...
‘તારા સાવ ઉઘાડા ફોટો મારા મોબાઇલમાં કેદ છે...’
જે લુત્ફથી પોતે શિકારને કહેતી એ શબ્દો એવા જ લહેકાથી પોતાના માટે સંભળાતાં સમસમી જવાયું.
‘વાઇરલ કરી દઉં?’
‘નો! હું તને મોંમાગી રકમ આપીશ...’ તે છટપટી. આખરે પોતે પણ તો પૈસા માટે જ આવું કરતી હતીને.
‘રકમ... તને કોણે કહ્યું કે મને પૈસામાં ઇન્ટરેસ્ટ છે? નો બેબી, આઇ હૅવ ઇનફ મની.’
 તો?

‘યુ નો, આપણે ત્યાંના લાંચિયા ગવર્નમેન્ટ ઑફિસર્સ વ્યભિચારી પણ છે. લાઇસન્સ પાસ કરવાના બદલામાં એક રાત માટે છોકરીની ડિમાન્ડ કરતા હોય છે... એ ખર્ચ મારે હવે નહીં કરવો પડે. તને કહું ત્યારે ને ત્યાં પહોંચી જવાનું.’
નો! આ માણસ મને વિના આવકની એસ્કોર્ટ બનાવવા માગે છે. ઝંખનાની આંખમાં આંસુ ધસી આવ્યાં. હું આ ક્યાં ફસાઈ?
‘આ અશ્રુ પસ્તાવાનાં નથી. ઝંખના એટલે જ બેઅસર છે... તારા બ્લૅકમેઇલિંગે નિર્દોષ જુવાનો પર શું વિતાવ્યું હશે? કોઈએ કદાચ આપઘાત પણ કર્યો હશે એનો અંદાજ પણ છે તને?’
‘ઓ...હ. તમે એવા જ કોઈ દાઝેલા વતી આવ્યા છો? મને ક્ષમા કરો, મને બરબાદ ન કરો.’
‘ઠીક છે, તારે એસ્કોર્ટ ન બનવું હોય તો કન્ફેશન કરી લે, તારો દરેક અપરાધ કબૂલી લે.’

એવી જ ઝંખના તેના પગે પડી. કબૂલું છું... હું શ્રીમંત પુરુષોને ફસાવતી...
તેની કબૂલાત થતાં જ રૂમનો દરવાજો ખૂલ્યો. અર્ણવને જોતાં જ ‘અમર’ની ઓળખનો ઝબકારો થયો – આ તો તેનો બનેવી અવનિશ. અર્ણવ સાથેની યુવતી (સાંવરી) તો ન ઓળખાઈ, પણ લેડી પોલીસને જોતાં કાળાશ છવાઈ - ટ્રૅપ! 

‘ખરેખર તો તારા કોઈ જ અણછાજતા ફોટો અમે પાડ્યા નથી...’ પોતાની ઓળખ આપીને સાંવરીએ ધડાકો કર્યો, ‘કેવળ તારા ખોરાકમાં ઘેનની દવા ભેળવીને એવો દેખાવ ઊભો કર્યો – ધ સેટ-અપ યુ યુઝ્ડ ટુ ફૉલો. તારાં વસ્ત્રો સાથે છેડખાની મેં કરી. અવનિશ-અર્ણવ તને સ્પર્શ્યા પણ નથી.’
બીજાનું વિચારીને મને સપડાવનારા આ કેવા આદર્શવાદીઓ ભટકાણા. ઝંખનાની ગરદન ઝૂકી ગઈ. હવે મા-બાપનો વિચાર કરવો પણ વ્યર્થ છે. મારી ધરપકડે મારા શિકારની વિગતો છતી થાય એવું તો કાયદો થવા પણ નહીં દે... ઇટ્સ ઓવર!

પોલીસ તેને લઈ ગઈ એવી જ સાંવરી અવનિશ-અર્ણવને વળગી પડી : યુ મેઇડ ઇટ. તમે બન્ને હીરા છો – ડાયમન્ડ્સ, ફૉરેવર!
કથાના ઉપસંહારમાં એટલું જ કે ઝંખનાને ઘટતી સજા થઈ. તેના માવતરે જીવતેજીવ તેના નામનું નાહી નાખ્યું. જેલની સજાએ ઝંખનાનું મનોબળ ભાંગી નાખ્યું. હવે તે કંઈ જ કરી શકવાની નહીં. જેવી જેની કરણી, બીજું શું. વિશાલના દીકરાનું ઑપરેશન સુખરૂપ પાર પડ્યું. પતિ-પત્ની અવનિશ-અર્ણવનાં ઓશિંગણ છે. અવનિશ-સાંવરી ધામધૂમથી પરણ્યાં. લગ્ન નિમિત્તે અવનિશે માને સાચકલો હાર વસાવી આપ્યો. ભાઈ માટે પણ સાંવરીએ ગુણવંતી ભાભી ખોળી. ઝંખનાનો પ્રસંગ અર્ણવે ચાંદનીથી છુપાવ્યો નહીં એમાં જ ચાંદની જીતાઈ ગઈ. અવનિશ-સાંવરી, અર્ણવ-ચાંદનીની ચોકડીને કોઈ ગ્રહણ હવે નહીં નડે એટલું વિશેષ.

સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2023 12:45 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK