Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેજરી રેવડી મેળવી?

કેજરી રેવડી મેળવી?

04 September, 2022 02:41 PM IST | Mumbai
Hiten Anandpara

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પણ તોસ્તાન દેવાંના બોજ તળે દબાયેલાં છે. ભવિષ્યમાં જો મફતલાલ મેન્ટલ હૉસ્પિટલ બંધાય તો આખી દુનિયાને મફતનું જ્ઞાન આપનાર અરવિંદ કેજરીવાલ એના માટે પરફેક્ટ ડીન છે.

અરવિંદ કેજરીવાલ અર્ઝ કિયા હૈ

અરવિંદ કેજરીવાલ


જીડીપીના રેશિયો સામે દેવાંનો આંકડો જોવામાં આવે તો ભારતમાં સૌથી વધારે દેવાદાર રાજ્ય પંજાબ છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પણ તોસ્તાન દેવાંના બોજ તળે દબાયેલાં છે. ભવિષ્યમાં જો મફતલાલ મેન્ટલ હૉસ્પિટલ બંધાય તો આખી દુનિયાને મફતનું જ્ઞાન આપનાર અરવિંદ કેજરીવાલ એના માટે પરફેક્ટ ડીન છે. લૂંટો લૂંટો રે સાજના, લૂંટો રે સાજના, મોરે રાજ કા બાલા. ફાલ્ગુની ભટ્ટ મુદ્દાની વાત કરે છે...
કશું જિંદગીમાં મફતમાં ન મળતું
જે હોયે જરૂરી લખતમાં ન મળતું
આ દુનિયામાં એવી છે જાહોજલાલી
અસતમાં જે જડતું તે સતમાં ન મળતું
સતનો જમાનો હવે રહ્યો નથી એવું ઘણા લીડર્સને જોઈને થાય. પચાસેક મુખવટા પહેરેલા કેજરીવાલ હોય કે ખાણ-ખનનમાં ખરડાયેલા ઝારખંડના હેમંત સોરેન હોય, સત્તા માટે બધા મરી પડે. કેજરીવાલ મફતના માતબર મસીહા છે. દિલ્હી અને પંજાબ પછી હવે ગુજરાતમાં તેમણે મફતની લૉલીપૉપ દેખાડવી શરૂ કરી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની ખમીરવંતી પ્રજાએ આ લાલચ ઠુકરાવીને ખુમારી બતાવવાની છે. અંકુર બૅન્કરની આંખો હિસાબ માંડે છે... 
આજ તારા હાથમાં જે રેવડી છલકાય છે
એ જ તારા માનને કણકણ કરીને જાય છે
જે કહી ફોગટ તને મિષ્ટાન્ન આપી જાય છે
આગલી પેઢીના ખાતે બાકી એ બોલાય છે
આપ પાર્ટી આપણને ભિખારીની માનસિકતા આપવા માગે છે. કોઈ પણ મોટા ઉદ્યોગપતિ કે ઇકૉનૉમિસ્ટને પૂછશો તો તે આવી બેતબાજી સાથે સંમત નહીં થાય. દૂરનું જોઈ શકતી આંખો શૉર્ટ ટર્મ ગેઇનની જાળમાં પડતી નથી. દેવાળિયા થઈ ગયેલા શ્રીલંકાનો દાખલો આપણી સામે જ છે. ગજા બહારની લોન, પ્રજાને ખુશ કરવા મોટી કરમાફી અને અવાસ્તવિક નિર્ણયોથી શ્રીલંકા વગર પૂંછડીએ સળગી ગયું. તૃપ્તિ ભાટકર ગાજરની પિપૂડીને ઓળખી પાડે છે...
ગજબનું ગણિત આ ભણાવે મફતનું
છૂપો હોય સોદો, ગણાવે મફતનું
ખબર ના પડે એમ લૂંટી લઈને
તણખલું ધરે ને જણાવે મફતનું
કોઈ પણ રાજકર્તા માટે આદર્શો અને અર્થતંત્ર વચ્ચેનું સંતુલન આવશ્યક છે. વરિષ્ઠ અમલદારોએ સરકારને ફ્રી વીજળી જેવાં તિકડમ બંધ કરવાની સલાહ આપી છે. અન્યથા એની અવળી અસર શિક્ષણ અને આરોગ્ય વિભાગના બજેટ પર પડવાની. બૅલૅન્સ કરવા ક્યાંક તો ઘટાડવું પડે. પ્રાથમિક શાળાના ગણિત શિક્ષકને જે જ્ઞાન હોય છે એ જ્ઞાન શું નેતાઓ પાસે નહીં હોય? હોય જ. સવાલ મથરાવટી અને મંથરાવટીનો છે. સત્તાનું સોનું મેળવવા રાજ્યને પિત્તળ જેવું કરી નાખતાં અચકાય નહીં એવા લોકોને આપણે જ ચૂંટીને મોકલીએ છીએ. કેદાર વશી પ્રસિદ્ધ કહેવતને સાંકળીને વાત વહેતી મૂકે છે...
પ્રજાને જ વહેંચી પ્રજાની કમાણી
પોતાની સખાવત ને પોતે વખાણી
અધ્ધરથી જ કરી સમાજની સેવા
મૂસાભાઈનાં બસ વા ને પાણી
સખાવત કરવા માટે તિજોરીમાં વજન જોવું જોઈએ. કેજરીવાલ ઍન્ડ કંપનીની જ્યાં સત્તા છે એ દિલ્હી અને પંજાબ પાસે વૉરેન બફેટ જેવું સરપ્લસ ફન્ડ નથી કે દાન કરી શકે. આપવું અને લહાણી કરવી એમાં ફરક છે. ઉજાળવું અને ઉજાડવું બંને જુદી બાબતો છે. મફતમાંથી મફતિયા ક્યારે થઈ જવાય એની ખબર ન રહે. ભારતી ગડા અદાલત સુધી પહોંચે છે...  
મફતમાં કરી મેં ઇબાદત નથી કંઈ
મફતમાં મળે ક્યાંય જન્નત નથી કંઈ
કદી રાવ ફરિયાદ 
ક્યાંયે ન કરશો
મફત સાંભળે એ 
અદાલત નથી કંઈ
અદાલતે ફ્રીબીઝ માટે કેટલાક પાયાના પ્રશ્નો કર્યા છે. ભેદરેખા પાતળી છે. જરૂરતમંદ પ્રજાને સાચવી લેવાય અને દેશને ઘસરકા ન પડે એવો વચલો માર્ગ આવકાર્ય છે. આ માર્ગ ઇકૉનૉમિસ્ટે તૈયાર કરવાનો હોય, રેવડીનો વેપલો કરનારાઓએ નહીં. સંજય રાવ મતદારની સજ્જતા વ્યક્ત કરે છે...
મફત વીજળી ને શિક્ષણ, ઘર ને પાણી
મફત લોન, રૅશન ને ભથ્થાંની લ્હાણી.
અપાતી છો લાલચ બધી સત્તા માટે
મફતની રમત સમજે છે જનતા શાણી

લાસ્ટ લાઇન
છગન પણ મફતમાં, મગન પણ મફતમાં
ચમન પણ મફતમાં, મકન પણ મફતમાં
દિવાળી કુના તાતની કોણ જાણે?
હથેળી ઉપર છે વચન પણ મફતમાં
લઈ જાવ આ શાકભાજી ઉસેટી
લ્યો ગાજર બટાકો વજન પણ મફતમાં
નગદનાં છે નખરાં હરાજી નથી કૈં!
શિખર પણ મફતમાં, ધવન પણ મફતમાં
વતનની ફિકર ના, અમનની ફિકર ના
હવા સાથ મળશે, ગગન પણ મફતમાં
તમે ફક્ત એકમાત્ર કૂડી લૈ આવો
કરી આપશું લ્યો લગન પણ મફતમાં
તમે તાપણું સહેજ કરજો જગનનું
અમે ફૂંક દઈશું પવન પણ મફતમાં



દાજી ચૌહાણ


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2022 02:41 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK