Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતી નાટકનાં અવલોકન 2 અંગ્રેજી અખબારે લખેલાં એ વાંચીને પોલીસ પહોંચી નાટક જોવા

ગુજરાતી નાટકનાં અવલોકન 2 અંગ્રેજી અખબારે લખેલાં એ વાંચીને પોલીસ પહોંચી નાટક જોવા

14 May, 2022 08:09 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મુંબઈના પોલીસ ડિટેક્ટિવ ઑફિસરો વાડીલાલ બારોલિયા અને મણિલાલ દેસાઈ નાટક જોવા આવ્યા. પછી આ નાટકમાં અશ્લીલ કે બીભત્સ કહી શકાય એવું કશું જ નથી એમ જાહેર કર્યું

રંગભૂમિ ત્રૈમાસિક અને એના સ્થાપક તંત્રી નૃસિંહ વિભાકર

ચલ મન મંબઈ નગરી

રંગભૂમિ ત્રૈમાસિક અને એના સ્થાપક તંત્રી નૃસિંહ વિભાકર


‘નાટકનો બગડતો જતો તખ્તો.’ ‘બીભત્સ રસની પરિસીમા.’ આવાં ‘હિન્દુસ્તાન’માંનાં લખાણોથી સરકારને પણ લાગ્યું કે આ નાટક નક્કી બીભત્સ હોવું જોઈએ. મુંબઈના પોલીસ ડિટેક્ટિવ ઑફિસરો વાડીલાલ બારોલિયા અને મણિલાલ દેસાઈ નાટક જોવા આવ્યા. પછી આ નાટકમાં અશ્લીલ કે બીભત્સ કહી શકાય એવું કશું જ નથી એમ જાહેર કર્યું

શનિવાર, તારીખ ૨૯મી ઑક્ટોબર, ૧૮૫૩ની રાતે ગ્રાન્ટ રોડ પરના જગન્નાથ શંકરશેટના બંધાવેલા થિયેટરમાં પારસી નાટક મંડળીએ ગુજરાતી રંગભૂમિની ભવ્ય ઇમારતની પહેલી ઈંટ મૂકી એ તો હવે બધા સ્વીકારે છે. ‘રુસ્તમ અને શોરાબ’ નાટક તથા ‘ધનજી ગરકનો ફારસ’ એ સાંજે ભજવાયાં એ ગુજરાતી રંગભૂમિ પર ભજવાયેલાં પહેલાં નાટક. પણ બીજી એક વાત મોટે ભાગે ધ્યાન બહાર રહી ગઈ છે. અને તે એ કે ગુજરાતી નાટકનાં અવલોકન કહો, સમીક્ષા કહો, અહેવાલ કહો એની શરૂઆત પણ આ પહેલા નાટક સાથે જ થઈ હતી. એ વખતે મુંબઈમાં આંગળીને વેઢે ગણી શકાય એટલાં અખબાર પ્રગટ થતાં. ૧૯મી સદીનાં ગુજરાતી અખબારોની ફાઇલો તો જવા દો, છૂટાછવાયા અંકોય આજે ભાગ્યે જ જોવા મળે. નહીંતર આવી વિરલ ઘટનાની નોંધ એ વખતનાં ગુજરાતી અખબારોએ લીધી જ હોય. પણ બૉમ્બે કુરિયર અને બૉમ્બે ગૅઝેટ એ બે એ વખતનાં અંગ્રેજી અખબારો. અને બન્નેએ આ અપૂર્વ ઘટનાની નોંધ લીધી હતી, ભલે અંગ્રેજીમાં. સોમવાર, ૩૧ ઑક્ટોબરના બૉમ્બે ગૅઝેટના અંકમાં આ નાટકનો અહેવાલ પ્રગટ થયો હતો. તો બૉમ્બે કુરિયરે પણ એ જ દિવસના અંકમાં આ ઘટનાની નોંધ લીધી હતી. એ નોંધને આધારે ‘પારસી પ્રકાશ’ જણાવે છે : ‘પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટક શાળા ઊભરાઈ ગઈ હતી.’ આ નાટકમાં જેમણે અભિનય કરેલો તેમનાં નામ પણ ‘પારસી પ્રકાશ’ આપે છે : પેસ્તનજી ધનજીભાઈ માસ્તર, નાનાભાઈ રુસ્તમજી રાણીના, દાદાભાઈ નસરવાનજી એલીએટના, માણેકજી મહેરવાનજી મેહરહોમજીના, મંચેરશાહ માણેકજી  મોદી, બહેરામજી જીવણજી ઝવેરી, ભીખાજી ખરશેદજી મૂસ, મંચેરજી ફરદુનજી સુનાવાલા, કાવસજી હોરમજજી બીલીમોરિયા, ડૉક્ટર રુસ્તમજી હાથીરામ, ડૉક્ટર મહેરવાનજી ઇજનેર અને કાવસજી નસરવાનજી કોહીદારૂ. 
૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે ‘ગુજરાતી નાટક મંડળી’ શરૂ થઈ એ પહેલાં બિનપારસી ગુજરાતી નાટક મુંબઈમાં ભજવાતાં નહીં. લગભગ આ જ અરસામાં ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના તંત્રીપદે ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પહેલો અંક પ્રગટ થયો. શરૂઆતથી જ એમાં મુંબઈમાં ભજવાતાં ગુજરાતી નાટકોનાં અવલોકન પ્રગટ થતાં પણ આપણે ‘ગુજરાતી’ની ફાઇલો પણ સાચવી નથી. હા, દૂર-દૂરના વૉશિંગ્ટનમાં આવેલી લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસમાં એની લગભગ સંપૂર્ણ કહી શકાય એવી ફાઇલો સચવાઈ છે. 
ઇચ્છારામે શરૂ કરેલું ‘ગુજરાતી’ એ બિનપારસી દ્વારા શરૂ થયેલું પહેલું ગુજરાતી સાપ્તાહિક તો ૧૯૧૩માં રણછોડદાસ લોટવાલાએ શરૂ કરેલું ‘હિન્દુસ્તાન’ એ પહેલવહેલું બિનપારસી ગુજરાતી દૈનિક. પણ પહેલેથી જ સમાજસુધારાની બાબતમાં ‘ગુજરાતી’ અને ‘હિન્દુસ્તાન’ બન્ને એકમેકનાં કટ્ટર વિરોધી. હિન્દુસ્તાન સમાજસુધારાની તરફેણ જ નહીં, પુરસ્કાર કરનારું. જ્યારે ‘ગુજરાતી’ રૂઢિવાદી. આ બન્ને વચ્ચેનું વૈમનસ્ય ગુજરાતી નાટકોનાં અવલોકનો સુધી પણ કઈ રીતે પહોંચેલું એની વાત રઘુનાથ બ્રહ્મભટ્ટની આત્મકથા ‘સ્મરણ-મંજરી’માંથી જાણવા મળે છે. તેમનું શૃંગી ઋષિ નાટક મોરબી નાટક મંડળી દ્વારા મુંબઈમાં ૧૯૧૪માં ભજવાયું. ત્યારે નાટક કંપનીએ કોઈક કારણસર ‘ગુજરાતી’ને અને બીજાં કેટલાંક સામયિકોને જાહેર ખબર આપી, પણ ‘હિન્દુસ્તાન’ને નહીં. અને પહેલા પ્રયોગ પછી તરત જ ‘હિન્દુસ્તાન’ આ નાટક પર તૂટી પડ્યું. શૃંગી ઋષિને તપમાંથી ચળાવવા માટે મોહલેખા પ્રયત્ન કરે છે એ સીનનો પડદો એ વખતે વેશ્યા વ્યવસાય માટે બદનામ થયેલા પીલા (પ્લે) હાઉસના દૃશ્યનો રાખેલો. એટલે હિન્દુસ્તાને પહેલા પાને મોટું મથાળું ફટકાર્યું : ‘નાટકનો બગડતો જતો તખ્તો.’ ‘બીભત્સ રસની પરિસીમા.’ ‘અશ્લીલતાની અવધિ.’ ‘હિન્દુસ્તાન’માંનાં આવાં લખાણોથી સરકારને પણ લાગ્યું કે આ નાટક નક્કી બીભત્સ હોવું જોઈએ. મુંબઈના પોલીસ ડિટેક્ટિવ ઑફિસરો વાડીલાલ બારોલિયા અને મણિલાલ દેસાઈ નાટક જોવા આવ્યા. અને પછી આ નાટકમાં અશ્લીલ કે બીભત્સ કહી શકાય એવું કશું જ નથી એમ જાહેર કર્યું. છતાં હિન્દુસ્તાનના આ ‘અવલોકન’ની અસર તો થઈ જ. મુંબઈમાં માંડ ચાર મહિના આ નાટક ભજવી શકાયું. 
પહેલું ગુજરાતી નાટક ભજવવામાં, પહેલું નાટ્યાવલોકન પ્રગટ કરવામાં, નાટક માટેનું પહેલું થિયેટર બાંધવામાં જેમ મુંબઈએ પહેલ કરી એમ નાટક અને રંગભૂમિ વિશેનું પહેલવહેલું ગુજરાતી સામયિક શરૂ કરવામાં પણ પહેલ કરી એ મુંબઈએ જ. વિક્રમ સંવત ૧૯૭૯ના નૂતન વર્ષના દિવસે (ઈ. સ. ૧૯૨૩) ત્રિમાસિક ‘રંગભૂમિ’નો પહેલો અંક પ્રગટ થયો. તંત્રી હતા નૃસિંહ વિભાકર. ૧૮૮૮ના ફેબ્રુઆરીની ૨૫મી તારીખે જૂનાગઢમાં જન્મ. સ્કૂલનું શિક્ષણ પણ ત્યાં જ. એકાદ વરસ બહાઉદ્દીન કૉલેજમાં ભણ્યા પછી મુંબઈ આવી સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં દાખલ થયા અને ૧૯૦૮માં બીએ થયા. ૧૯૧૦માં એલએલબી થયા પછી બૅરિસ્ટર થવા બ્રિટન ગયા. પાછા આવીને એકાદ વરસ માટે મુંબઈની સિડનહૅમ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું અને પછી શરૂ કરી વકીલાત. પણ તેમનો જીવ નાટક અને રંગભૂમિનો. એટલે લખ્યાં નાટકો. ૧૯૧૩-’૧૪ના અરસામાં મુંબઈની આર્ય નાટક મંડળીએ તેમનું લખેલું ‘સિદ્ધાર્થ બુદ્ધ’ નાટક ભજવેલું. ૧૯૧૭માં એ પુસ્તકરૂપે પ્રગટ થયું. એ પછી બીજાં ચાર નાટક : સ્ત્રીના અધિકારનો પ્રશ્ન ચર્ચતું ‘સ્નેહ-સરિતા,’ સ્વરાજ્યની ભાવનાને મૂર્તિમંત કરતુ ‘સુધાચંદ્ર’, હોમરૂલ લીગની ચળવળને નિરૂપતું ‘મધુબંસરી’ અને મજૂરોની જાગૃતિને વિષય બનાવતું ‘મેઘ-માલિની.’ જયશંકર સુંદરીને ધ્યાનમાં રાખીને ‘અબજોનાં બંધન’ લખ્યું જેમાં ‘મહાદેવી લક્ષ્મીની મર્યાદાઓનો નિર્દેશ કરીને’ બહારની મુક્તિની ભાવના વ્યક્ત કરી હતી. એનો પહેલો પ્રયોગ ૧૯૨૨ના ડિસેમ્બરની બીજી તારીખે મુંબઈના વિક્ટોરિયા થિયેટરમાં ભજવાયો હતો. આવા વિષયો પર ગુજરાતીમાં નાટકો લખનાર વિભાકર પહેલા હતા. માત્ર ૩૭ વરસની ઉંમરે ૧૯૨૫ના મે મહિનાની ૨૮મી તારીખે તેમનું અવસાન થયું.     
રંગભૂમિ ત્રિમાસિકનો દોઢસો પાનાંનો પહેલો અંક આખો આર્ટ પેપર પર છાપેલો. એમાંની લેખ સામગ્રીને બહુરંગી, એકરંગી (મૉનોક્રોમ) અને બ્લૅક ઍન્ડ વાઇટ ચિત્રોથી સજાવેલી. બહુરંગી કવર પર આજે કૅલેન્ડર આર્ટનું લાગે એવું રાધાકૃષ્ણનું ચિત્ર છાપ્યું છે. પહેલા પાને ‘રંગભૂમિનાં હો અભિવંદન’ નામની વિભાકરની પોતાની એ ‘ભૈરવીની ગઝલ’ છાપી છે. ‘શિખર પરથી દૃષ્ટિ’ નામથી લખાયેલી તંત્રી નોંધ પછી કનૈયાલાલ મુનશીનો ‘આવકાર’ છાપ્યો છે. આ ઉપરાંત પહેલા અંકની કેટલીક સામગ્રી : ‘નાટ્યકળા અને પ્રજા જીવન’ નામનો ધૂમકેતુનો લેખ, ૨૦૦૦ વર્ષ પૂર્વેની ઉજ્જયિનીની નાટકશાળા નામનો ચંદ્રશંકર બૂચનો લેખ, રંગભૂમિ અને માતૃભૂમિ પરનો બરજોરજી ભરુચાનો લેખ, રંગભૂમિ અને સાક્ષરો વચ્ચેના સંબંધની ચર્ચા કરતો ચંદ્રશંકર પંડ્યાનો લેખ, મુંબઈની રંગભૂમિનાં મશહૂર પાત્રો નામની લેખમાળામાં જયશંકર સુંદરીનો પરિચય આપતો લેખ, લંડનની અને બંગાળીની રંગભૂમિ વિશેના પરિચયાત્મક લેખો અને ‘નાટકનો પ્રારંભ’ નામના રણછોડભાઈ ઉદયરામના લાંબા લેખનો પહેલો હપતો. પહેલા અંકમાં છપાયેલી એક જાહેરાત આજે તો કોઈ સામયિક ન જ છાપે : ‘આ અંકમાં સ્થળ અને સમયના સંકોચને લીધે અમે કેટલીક જાહેરખબરો દાખલ કરી નથી શક્યા એ માટે માફી ચાહીએ છીએ.’ પણ થોડો વખત પ્રગટ થયા પછી વિભાકરના અકાળ અવસાનને કારણે આ ‘રંગભૂમિ’ ત્રિમાસિક ‘નવચેતન’ માસિક સાથે જોડાઈ ગયું હતું એમ નોંધાયું છે. 
ગુજરાતી નાટક અને રંગભૂમિ વિશેનું બીજું સામયિક પણ મુંબઈથી જ શરૂ થયેલું. ૧૯૫૩માં ગુજરાતી રંગભૂમિની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ‘ગુજરાતી નાટ્ય મંડળ’ની સ્થાપના થઈ અને તેણે શરૂ કર્યું માસિક ‘ગુજરાતી નાટ્ય.’  ૧૯૫૩ના એપ્રિલ-મેમાં એનો પહેલો અંક પ્રગટ થયેલો. પહેલા તંત્રી હતા રંગભૂમિના જાજરમાન અદાકાર પ્રા. મધુકર રાંદેરિયા. પછીથી પ્રાગજી ડોસા તંત્રી બન્યા. વખત જતાં ચાર સભ્યોના તંત્રી મંડળને ‘ગુજરાતી નાટ્ય’ સોંપાયું. આ ચાર તે જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, મુરલી ઠાકુર અને પ્રાગજી ડોસા. પણ એ વ્યવસ્થા કારગત નહીં નીવડી હોય એટલે મોહનલાલ મહેતા ‘સોપાન’ અને ગુલાબદાસ બ્રોકર જોડિયા તંત્રી બન્યા. ગુજરાતી ઉપરાંત બીજી ભાષાનાં નાટકો અને રંગભૂમિનો પરિચય આપતા લેખો, નાટક અને રંગભૂમિ સાથે સંકળાયેલી વ્યક્તિઓની મુલાકાતો, પરિચય, અગાઉનાં નાટકો, લેખકો, નાટક કંપનીઓ વગેરેના પરિચય-લેખો જેવી સામગ્રી આ માસિકમાં પ્રગટ થતી. ડિસેમ્બર ૧૯૬૦ પછીના અંકો જોવા મળ્યા નથી એટલે ‘ગુજરાતી નાટ્ય’ ક્યારે બંધ પડ્યું એ ચોક્કસ કહી શકાય એમ નથી.
પૂરાં ૪૩ વરસ. એટલે કે ૨૨૩૬ અઠવાડિયાં. દર રવિવારે એક યા બીજા નાટકનું અવલોકન હોય જ મુંબઈમાં ભજવાતા કોઈને કોઈ નાટકનું. એ નાટક ગુજરાતી જ હોય એવું નહીં. મરાઠી, અંગ્રેજી, હિન્દીનું પણ હોઈ શકે. અને આ કામ એકલા હાથે એક જ વ્યક્તિએ કર્યું. એ વ્યક્તિ તે ઉત્પલ ભાયાણી (૧૯૫૩-૧૯૧૯). વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પણ જીવ નાટકનો. તેમનાં અવલોકનો થાબડભાણિયાં બિલકુલ નહીં. નાટક જેવું લાગ્યું હોય એવું જ એના વિશે લખાય અને અવલોકન લખીને ભૂલી જવાનું એવું નહીં, એક-એક વરસનાં અવલોકન પુસ્તકરૂપે પણ સાચવ્યાં. મુંબઈની ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ ભવિષ્યમાં કોઈ લખે એવી બીક રાખવા જેવું વાતાવરણ તો નથી પણ ભૂલેચૂકે જો કોઈ એવું કામ કરે તો આ ૪૩ વરસનાં ગ્રંથસ્થ થયેલાં અવલોકન તેના માટે સોનાની ખાણ બની રહે એમ છે. ગુજરાતીમાં તો નહીં જ, દેશની બીજી કોઈ ભાષામાં પણ એક જ વ્યક્તિએ આટલા લાંબા સમયપટને આવરી લઈ અત્યંત નિયમિતતાથી નાટ્યાવલોકન લખ્યાં હોય એવું બન્યું હોવાનો સંભવ નથી. મરાઠી કે બંગાળી પ્રજાને આવો એકનિષ્ઠ નાટ્યપ્રેમી મળ્યો હોત તો એ પ્રજાએ તેની પૂજા કરી હોત. આવું અનન્ય કામ ઉત્પલ ભાયાણીએ મુંબઈમાં કર્યું એનો આનંદ જ નહીં, એનું ગૌરવ પણ આપણને હોવું ઘટે. પણ... જવા દો.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2022 08:09 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK