Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્રાઇડ કરતાં ગ્રૂમને તૈયાર કરવામાં વધુ સમય લાગે છે

બ્રાઇડ કરતાં ગ્રૂમને તૈયાર કરવામાં વધુ સમય લાગે છે

29 November, 2021 09:20 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

દસ વર્ષ પહેલાં મેંદી અને મેકઅપ આર્ટિસ્ટ તરીકે બ્યુટીના ફીલ્ડમાં ઝંપલાવનારા ડોમ્બિવલીના મેકઅપ આર્ટિસ્ટ મયંક મેઘાણી આવું કહે છે. આવું તેઓ કેમ કહે છે તેમ જ વધૂ અને વરરાજાને તૈયાર કરવામાં કઈ ડિફરન્ટ ચૅલેન્જિસ હોય છે એ જાણીએ

બ્રાઇડ કરતાં ગ્રૂમને તૈયાર કરવામાં વધુ સમય લાગે છે

બ્રાઇડ કરતાં ગ્રૂમને તૈયાર કરવામાં વધુ સમય લાગે છે


આધુનિક યુગમાં એવા અનેક પ્રોફેશન છે જેમાં મહિલાઓએ પુરુષ સમોવડી હોવાનું સાબિત કરી બતાવ્યું છે, પરંતુ પરંપરાગત રીતે મહિલાઓના વ્યવસાય તરીકે ઓળખાતા ફીલ્ડમાં પગપેસારો કરનારા પુરુષોની સંખ્યા ઘણી ઓછી છે. બ્યુટીની વાત આવે ત્યારે આજે પણ મોટા ભાગના લોકો માને છે કે આ મહિલાઓનું કામ છે. હવે આ માન્યતા ધીમે-ધીમે બ્રેક થઈ રહી છે. અભિનેત્રીઓ જ નહીં, કૉમન ગર્લ્સ પણ પોતાની બ્યુટીને એન્હાન્સ કરવા મેલ મેકઅપ આર્ટિસ્ટને બુક કરવા લાગી છે. ગ્રૂમ મેકઅપનો ટ્રેન્ડ પણ પૉપ્યુલર છે ત્યારે એક દાયકા પહેલાં આ પ્રોફેશનમાં ઝંપલાવનારા ડોમ્બિવલીના ૩૨ વર્ષના મયંક મેઘાણીની જર્ની કેવી રહી એ જાણીએ. 
કરીઅર કન્ફર્મ |  દસેક વર્ષ પહેલાંના માહોલ વિશે વાત કરતાં મયંક કહે છે, ‘આ ફીલ્ડમાં કરીઅર બનાવવાનો વિચાર કર્યો ત્યારે આસપાસના લોકો અને ફ્રેન્ડ સર્કલમાં ઘણાને આશ્ચર્ય થયું હતું. જોકે પેરન્ટ્સનો ફુલ સપોર્ટ હતો. આર્ટ મનગમતો વિષય હતો પણ અભ્યાસમાં રુચિ ઓછી તેથી આગળ ભણવાનો વિચાર પડતો મૂક્યો. ડ્રૉઇંગ કરવું ગમતું હોવાથી ટેન્થના વેકેશનમાં બિલ્ડિંગની મહિલાઓ અને ગર્લ્સને ફ્રીમાં મેંદી મૂકી આપતો. એ વખતે બુકમાંથી ડિઝાઇન જોઈને મેંદી મૂકવામાં આવતી હતી. હું એ રીતે જ શીખતો ગયો. એક તબક્કે મને લાગ્યું કે હવે પ્રૅક્ટિસની નહીં, પૈસાની જરૂર છે. આ ફીલ્ડમાં કરીઅર બનાવવી હોય તો તમારામાં બે-ત્રણ પ્રકારની ટૅલન્ટ હોવી જોઈએ. પ્રોફેશનલ ગ્રોથ માટે મેંદી ઉપરાંત મેકઅપ, હેરસ્ટાઇલ અને સાડી ડ્રેપ કરતાં આવડવું જોઈએ. મેકઅપ કઈ રીતે કરાય એનો આઇડિયા હતો, પરંતુ પ્રોફેશનલ ટચ આપવા બાકાયદા તાલીમ લીધી. સૌથી પહેલાં ઘાટકોપરસ્થિત એક ક્લાસિસમાં જઈને શીખ્યો. મેકઅપ ઍન્ડ હેરસ્ટા​ઇલ આર્ટિસ્ટ તરીકે લોકો મને સ્વીકારવા લાગ્યા અને કામ મળવા લાગતાં પોતાને અપગ્રેડેડ રાખવા, નવી-નવી ટેક્નિક્સ શીખવા તેમ જ નૉલેજ વધારવા સમયાંતરે વિદેશના આર્ટિસ્ટો દ્વારા ચલાવવામાં આવતા ઑનલાઇન કોર્સ કરતો રહું છું. કોવિડ દરમિયાન કામ ઓછું થઈ ગયું ત્યારે નવું શીખ્યો અને અનેક લોકોને શીખવાડ્યું પણ હતું. આમ કામ અટક્યું નહોતું. જોકે આવા કોર્સ જૉઇન કરવામાં ગર્લ્સને જ વધુ રસ હોય છે. ક્લાસમાં માંડ બે કે ત્રણ બૉય્ઝ હોય તોય આજ સુધી કોઈ કડવો અનુભવ થયો નથી.’


ચૅલેન્જિંગ પાર્ટ | ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને લગ્નના યુટ્યુબ વિડિયોનો ટ્રેન્ડ આવતાં પુરુષોનો મેકઅપ તરફ ઝુકાવ વધ્યો છે. બ્રાઇડ અને ગ્રૂમ બન્નેને મેકઅપ કરી આપું છું પણ ગ્રૂમને મેકઅપ કરવાનું વધુ અઘરું છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘ગર્લ્સ નિયમિત રીતે બ્યુટી પાર્લરની મુલાકાત લેતી હોય છે. બૉય્ઝની તુલનામાં તેમની સ્કિન સૉફ્ટ હોય છે. જ્વેલરી, ડિઝાઇનર આઉટફિટ્સના કારણે બ્રાઇડનો ઓવરઑલ લુક બ્યુટિફુલ લાગે છે. જ્યારે ગ્રૂમની સ્કિન હાર્ડ હોય છે. મોટા ભાગના બૉય્ઝ પહેલી વાર મેકઅપ કરાવતા હોય એટલે તેમની સ્કિન અને ફેસના શેપને સમજવું પડે. જરૂર જણાય તો લગ્ન પહેલાં ટ્રાયલ પણ લઈએ. ફોટોસેશનને ધ્યાનમાં રાખી ગ્રૂમના ચહેરાની ખામીઓને છુપાવવા ફેસ કરેક્શન ટેક્નિક્સ અપનાવવી પડે છે. એમાંય બિયર્ડની ફૅશનના લીધે અમને હાફ ફેસ મળે છે. કેટલાક કેસમાં તો ક્વૉર્ટર ફેસને હાઇલાઇટ કરવાનો હોય છે. ઓછા એરિયામાં કામ કરવું ચૅલેન્જિંગ છે. અત્યારે સિનારિયો એવો છે કે બ્રાઇડને તૈયાર કરવામાં ઓછો સમય લાગે છે, જ્યારે ગ્રૂમ માટે અમારે વધુ સમય ફાળવવો પડે છે.’

આ સીઝનમાં મયંક પાસે ડેસ્ટિનેશન વેડિંગના ઘણા ક્લાયન્ટ્સ છે. ડેસ્ટિનેશન વેડિંગમાં જુદા-જુદા ત્રણ-ચાર ફંક્શન માટે મેકઅપ આર્ટિસ્ટની જરૂર હોય ત્યારે તેઓ ટીમવર્ક કરે છે. તેમનું માનવું છે કે પૅશન અને ટૅલન્ટને પ્રોફેશનલ લેવલ પર લઈ જવાની તક ઝડપી લો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે.

 ગ્રૂમના ચહેરાની ખામીઓને છુપાવવા ફેસ કરેક્શન ટેક્નિક્સ અપનાવવી પડે છે. બિયર્ડની ફૅશનના લીધે હાફ ફેસ મળે છે. કેટલાક કેસમાં તો ક્વૉર્ટર ફેસને હાઇલાઇટ કરવાનો હોય છે. ઓછા એરિયામાં કામ કરવું ચૅલેન્જિંગ છે.

આ કળા પણ વિકસાવી

લગ્ન અને અન્ય પ્રસંગોમાં ડેકોરેટિવ આર્ટિકલ્સ ગિફ્ટમાં આપવાનો કન્સેપ્ટ પૉપ્યુલર બનતાં મયંકભાઈએ એમાં પણ ક્રીએટિવ વર્ક સ્ટાર્ટ કર્યું. તેઓ કહે છે, ‘દરેક પ્રકારની આર્ટમાં દિલચસ્પી હોવાથી નવતર પ્રયોગો કરવા ગમે. આજનો યુગ પ્રેઝન્ટેશનનો છે. બ્રાઇડલ મેકઅપ માટે જાઉં ત્યારે ઘણુંબધું ઑબ્ઝર્વ કરતો રહું છું. લગ્નમાં કન્યાને આપવામાં આવતી વસ્તુઓને સરસ રીતે સજાવીને મૂકવામાં આવે તો મહેમાનોને આકર્ષે છે. મારા આઇડિયાઝને આણા ડેકોરેશનમાં ઇમ્પ્લીમેન્ટ કરી ગોળધાણાની પ્લેટ, નાળિયેર, પીઠી લગાવવા માટેની સ્ટિક જેવી જુદી-જુદી વસ્તુઓને શણગારવાની મજા આવે છે. હવે તો ફુલ પૅકેજનો ઑર્ડર પણ મળી જાય છે. જોકે મેકઅપ આર્ટિસ્ટ તરીકે જ આગળ વધવું છે. આને સાઇડ બિઝનેસ કહી શકો.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2021 09:20 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK