Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દાદા-દાદી, ગરમીમાં થતી તકલીફોથી બચવા દરરોજ તકમરિયાં લેજો

દાદા-દાદી, ગરમીમાં થતી તકલીફોથી બચવા દરરોજ તકમરિયાં લેજો

11 May, 2022 12:50 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ગરમી અને એનાથી થતા પ્રૉબ્લેમ્સને દૂર રાખવા માટે વધુ મહેનતની જરૂર નથી. તકમરિયાંનો એક ડોઝ તમને અઢળક રીતે એમાં મદદ કરી શકે એમ છે. આ ઉપાય સરળ અને સ્વાદિષ્ટ બન્ને છે

દાદા-દાદી, ગરમીમાં થતી  તકલીફોથી બચવા દરરોજ તકમરિયાં લેજો

સમર સ્પેશ્યલ

દાદા-દાદી, ગરમીમાં થતી તકલીફોથી બચવા દરરોજ તકમરિયાં લેજો


શું તમને આજકાલ ગરમીને લીધે યુરીનમાં બળતરા જેવું લાગે છે?
શું તમને ભૂખ બિલકુલ લાગતી નથી? 
શું તમને પગમાં ક્રેમ્પ્સ આવે છે? 
શું તમને આજકાલ ઍસિડિટી ખૂબ જ રહે છે? 
શું તમને અંદરથી એટલી ગરમી થાય છે કે એસી સિવાય પાંચ મિનિટ પણ તમારાથી રહેવાતું નથી? 
તો તમારી મદદ એક સુપર સીડ કરી શકે છે જે છે પાણીમાં નાખો અને એકદમ ફૂલી જાય એવાં ગોળ મજાનાં તકમરિયાં જેને હિન્દીમાં સબ્ઝા સીડ્સ અને ઇંગ્લિશમાં બેસિલ સીડ્સ પણ કહે છે. તકમરિયાં વર્ષોથી લોકો ફાલૂદામાં ઍડ કરીને ખાતા આવ્યા છે. પરંતુ આજકાલ એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં હેલ્થને ધ્યાનમાં રાખીને જુદી-જુદી રીતે કરાય છે. આ નાનકડાં બીજ ઉનાળાની ગરમીથી થતી મોટી તકલીફો જેમ કે હીટ સ્ટ્રોક, લૂ, ડીહાઇડ્રેશનથી આપણને બચાવી શકે છે. આ બધી જ તકલીફો થવાની શક્યતા વડીલ વર્ગમાં ઘણી વધુ હોય છે એટલે એમણે આ બાબતે વધુ સાવધ રહેવાની અને ગરમીથી બચવા તકમરિયાંને પોતાના નૉર્મલ ડાયટમાં સામેલ કરવાની જરૂર વધુ રહે છે. આજે જાણીએ ક્રિટીકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા પાસેથી કે તકમરિયાં કઈ-કઈ રીતે મદદ કરી શકે એમ છે. 
નૅચરલ ઠંડક | ગરમીમાં ૨-૩ વાર નહાઈને કે ફક્ત એસીમાં જ રહીને શરીરને ઠંડું કરવું પૂરતું નથી. એને અંદરથી ઠંડક મળે એ જરૂરી છે. શરીરનું તાપમાન જો એકદમ વધી જાય તો હીટ સ્ટ્રોક આવી શકે છે. આવું ન થાય એ માટે શરીરને અંદરથી ઠંડું રાખવું જરૂરી છે. એ માટે ઠંડાં પીણાં કે આઇસક્રીમ-ગોલા કે ઠંડું પાણી લોકો પીતા હોય છે. હકીકત એ છે કે એનાથી શરીરને ઠંડક મળતી નથી ઊલટું એ હેલ્થને વધુ ખરાબ કરે છે. શરીરને અંદરથી ઠંડું રાખવા માટે તકમરિયાંનાં બીજ ખૂબ કામ લાગે છે. 
બ્લડ શુગર લેવલ ઓછું કરે | જે લોકોને ડાયાબિટીઝ છે એમણે તો ખાસ તકમરિયાં ખાવાં જ જોઈએ, કારણ કે ઘણાં રિસર્ચ પણ એ સાબિત કરી ચૂક્યાં છે કે તકમરિયાં ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. આમ શુગર કન્ટ્રોલ માટે એ અકસીર છે. બીજું એ કે ડાયાબિટીઝવાળા લોકોને શરીરમાં પાણીની કમી સરજાય તો મોટાં કૉમ્પ્લીકેશન આવી જતાં હોય છે એટલે એમણે તો ઉનાળામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જોકે તકમરિયાંમાં શુગર નાખીને બનાવેલા ગળ્યા ફાલૂદા પીવાનું અહીં નથી કહેવામાં આવ્યું.  
કબજિયાતમાં ઉપયોગી | સીડ્સમાં ફાઇબરનું પ્રમાણ ઊંચું હોય છે. તકમરિયાં શરીરમાં જઈને ઘટતી પાણીની માત્રાને પૂરી કરે છે. એટલે જે વડીલોને પાચન બરાબર નથી થતું તેમના માટે કામનું છે. પાચન યોગ્ય થવા માટે ફાઇબર અને પાણી બન્નેની ખૂબ જરૂર રહે છે એટલે કબજિયાતમાં તકમરિયાં અકસીર છે.
ઍસિડિટી | ગરમીમાં ગૅસ અને ઍસિડિટી જેવી સમસ્યા થવી એ ખૂબ જ સામાન્ય છે, પાચન એકદમ મંદ પડે છે અને શરીરની ગરમીને કારણે શરીરમાં ઍસિડનું પ્રમાણ આમ પણ વધે છે. શરીરને અંદરથી ઠંડક આપવાને કારણે અને પાચન ઠીક કરવાને કારણે ગૅસ કે ઍસિડિટી જેવી સમસ્યામાં એ ઉપયોગી થાય છે. 
મિનરલ્સની ખાણ | ગરમીમાં ડીહાઇડ્રેશનને કારણે મિનરલ્સ ઓછાં થઈ જાય છે શરીરમાંથી. એની પૂર્તિ અત્યંત જરૂરી છે; કારણ કે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ઝિન્ક જેવાં તત્ત્વો શરીર માટે અત્યંત જરૂરી છે જે એમાંથી સરળતાથી મળી રહે છે. હાડકાંને મજબૂત કરવા, સ્નાયુઓને સશક્ત રાખવા માટે આ મિનરલ્સ જરૂરી છે અને તકમરિયાંને કારણે એની જરૂરત સરળતાથી પૂરી કરી શકાય છે. જો તમને આ ઉંમરે મિનરલ્સની ઊણપ હોય તો તકમરિયાં તમારા માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત થઈ શકે છે. 
પ્રમાણ કેટલું? | ઘણી વખત લોકોને લાગે છે કે કામની વસ્તુ છે તો દિવસમાં બે-ચાર વાર તકમરિયાં પર મારો ચલાવીશું. પણ એવું ન કરો. દિવસમાં કોઈ પણ સમયે પણ એક વાર તકમરિયાં લઈ શકો છો, એ પણ બે નાની ચમચી કે એક મોટો ચમચો. બસ, એનાથી વધુ નહીં. 
કોની સાથે લેવાય? | આમ તો સવારના ઊઠીને એક ગ્લાસ પાણી સાથે તકમરિયાં લઈ શકાય, જે તમારું મૉર્નિંગ રિચ્યુઅલ બની જાય છે. પરંતુ એમ સાદા પાણી સાથે ન લેવાં હોય તો લીંબુ પાણી એટલે કે લીંબુ સંચળ નાખેલા પાણીમાં તકમરિયાં ઉમેરી દેવાનાં અથવા નારિયેળ પાણીમાં પણ તકમરિયાં ખાઈ શકાય છે. આ સિવાય છાસ કે સત્તુવાળા ડ્રિન્કમાં પણ તકમરિયાં ઉમેરી શકાય છે. ૧ ચમચી સત્તુને છાસમાં ઉમેરી એમાં મીઠું કે છાસ મસાલો નાખો અને તકમરિયાં ઉમેરીને પીવો. આ ડ્રિન્ક બપોરે પીશો તો ઉનાળાની ગરમી ક્યાંય દૂર ભાગી જશે, કારણ કે એ ખૂબ જ ગુણકારી છે. દૂધ કે જૂસમાં પણ તકમરિયાં ઉમેરીને લઈ શકાય છે. આમ કોઈ પણ રીતે તમે એને તમારી ડાયટમાં ઉમેરીને લઈ શકો છો. 

કેટલી વાર પલાળવાં? 
સામન્ય રીતે તકમરિયાં પાણીમાં નાખો એટલે તરત ફૂલવા લાગે છે પરંતુ એને ૧૨-૧૫ મિનિટ પાણીમાં રહેવા દેવાં જરૂરી છે. જો એ પૂરાં ફૂલશે તો જ તમને ફાયદો કરશે. દૂધમાં જ તકમરિયાં પલાળવાથી એ બરાબર ફૂલતાં નથી.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 12:50 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK