Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દાદા-દાદી પણ બની ગયા છે ટેક્નોસૅવી

દાદા-દાદી પણ બની ગયા છે ટેક્નોસૅવી

22 September, 2021 03:55 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ટેક્નૉલૉજીનો સદુપયોગ કરી જાણતા વડીલોના રોજબરોજના જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે. વિડિયો ચૅટિંગ, ઑનલાઇન શૉપિંગ, ઈ-મેઇલ, સોશ્યલ મીડિયા અને ઓટીટી પ્લૅટફૉર્મથી સારી રીતે પરિચિત થતાં તેમનો નિવૃત્તિનો સમય કેવો સુંદર રીતે પસાર થઈ રહ્યો છે એ જોઈ લો

૭૯ વર્ષના ઇન્દ્રવદન જોશી જરૂર પડ્યે ગ્રૅન્ડ સન પાસેથી નવું-નવું શીખી લે છે.

૭૯ વર્ષના ઇન્દ્રવદન જોશી જરૂર પડ્યે ગ્રૅન્ડ સન પાસેથી નવું-નવું શીખી લે છે.


વિશ્વના ટોચના દેશોની હરોળમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટેનો નારો ડિજિટલ ઇન્ડિયાનો કન્સેપ્ટ ઘર-ઘરમાં લોકપ્રિય બન્યો છે. સામાજિક પ્રવાહમાં ટકી રહેવા વડીલો પણ હવે ટેક્નોસૅવી બન્યા છે. વયસ્ક નાગરિકોમાં આ બાબતે સાક્ષરતા જોવા મળતાં તેમના રોજબરોજના જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે. સોશ્યલ મીડિયાથી લઈને ઓટીટી પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતાં શીખી ગયેલી જૂની પેઢી આ કારણસર સામાજિક પ્રવાહમાં ટકી રહી છે એમાં કોઈ બેમત નથી. ટેક્નૉલૉજીના સહારે સરસ મજાનું જીવન વિતાવી રહેલા કેટલાક વડીલો સાથે આજે મુલાકાત કરીએ.
ટેક્નૉલૉજીના કારણે વર્કિંગ પીપલની લાઇફસ્ટાઇલ બદલાઈ છે એવી જ રીતે સિનિયર સિટિઝનની રૂટીન લાઇફમાં પણ જબરદસ્ત પરિવર્તન આવ્યું છે એવો અભિપ્રાય વ્યક્ત કરતાં અંધેરીના ૭૯ વર્ષના ઇન્દ્રવદન જોશી કહે છે, ‘વડીલોના હાથમાં ઘણા વખતથી સ્માર્ટફોન આવી ગયો છે, પરંતુ એનો ઉપયોગ નેટ બૅન્કિંગ જેવાં જરૂરી કામકાજ અને સોશ્યલ મીડિયા સુધી સીમિત હતો. મહામારી દરમિયાન અમે નવા-નવા પ્લૅટફૉર્મ તરફ વળ્યા છીએ. મારું મિત્રવર્તુળ ઘણું મોટું છે. નાટકો-સિનેમા અને લાઇવ મ્યુઝિક જોવા જવું અમારા જીવનનો એક ભાગ હતો. એમાં ખાસ્સો સમય પસાર થઈ જતો અને આનંદ આવતો. અંધેરી-જુહુ વિસ્તારમાં અનેક મંડળો અને નાટ્યગૃહોમાં વડીલો માટે ફ્રી પ્રોગ્રામો પણ થતાં હોય છે. લૉકડાઉન આવી જતાં અમારી આ ઍક્ટિવિટી પર બ્રેક લાગી ગઈ. જોકે ટેક્નૉલૉજીએ એન્ટરટેઇનમેન્ટ માટેના અન્ય વિકલ્પો ખોલી આપ્યા. અમારી પેઢી હવે નેટફ્લિક્સ, ઍમેઝૉન પ્રાઇમ જેવા ઓટીટી પ્લૅટફૉર્મ પર મૂવી અને ડ્રામા જોતી થઈ છે. સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને કમ્પ્યુટર જેવાં સાધનોએ અમારા શોખને બરકરાર રાખવામાં સહાય કરી છે. કમ્પ્યુટરનું કીબોર્ડ ટાઇપરાઇટર જેવું હોવાથી જલદી આવડી જાય છે. ક્યારેક અટકી જઈએ તો ગ્રૅન્ડ ચિલ્ડ્રનની સહાય લેવી પડે. આ એજમાં અમે ઍન્ડ્રૉઇડ વાપરવાનું પસંદ કરીએ છીએ. આઇફોન અમારી જનરેશનને ફાવતો નથી. વિડિયો કૉલ્સ દ્વારા લોકોના સંપર્કમાં રહેવાથી એકલવાયું નથી લાગતું. બર્થ-ડે સેલિબ્રેશન અને બેસણાં ઑનલાઇન થવા લાગ્યાં એને સ્વીકારી લીધું છે. મૉડર્ન ડિવાઇસે વડીલોના જીવનની એકલતાને અમુક હદ સુધી દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે તેમ છતાં હું માનું છું કે મિત્રો અને સ્વજનોને રૂબરૂ મળવાની મજા જુદી છે. વ્યક્તિની શારીરિક હાજરીનું સ્થાન ટેક્નૉલૉજી ક્યારેય ન લઈ શકે.’
ટેક્નૉલૉજીના વપરાશથી પોતાની એકલતા દૂર કરવાનો માર્ગ શોધી કાઢનારા વડીલો નિવૃત્ત જીવનમાં સરસ પ્રવૃત્તિમય રહે છે. અનેક સિનિયર સિટિઝન્સને હવે ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન આવડી ગયું છે. આજે નેવું ટકા વડીલોને સ્માર્ટફોન વાપરતાં આવડે છે. તેઓ ધારે તો ઘણુંબધું શીખી શકે એમ છે પરંતુ ખોટું બટન દબાઈ જશે, ઑનલાઇન ટ્રાન્ઝૅક્શનમાં છેતરાઈ જવાશે જેવા ભયના લીધે તેઓ શીખતા નથી. શીખવાની ધગશ અને ઉત્સાહ હોય તો ગ્રૅન્ડ ચિલ્ડ્રન તમને શીખવાડવા માટે તત્પર છે. થોડી વાર લાગે પણ આવડી જાય ખરું. હા, શીખવા માટે લઘુતાગ્રંથિ છોડવી પડે એવો મત વ્યક્ત કરતાં ઘાટકોપરના ૮૩ વર્ષના વડીલ નવીન મોદી કહે છે, ‘દરેક નવી ટેક્નૉલૉજી તમારી લાઇફને સુધારવા માટે હોય છે. જેટલું શીખી શકો એટલું જીવન સરળ બને. જેમ-જેમ ઉંમર વધે શારીરિક ફ્લેક્સિબિલિટી ઘટતી જાય ત્યારે મૉડર્ન ડિવાઇસ ઘણાં કામ લાગે છે. મેં ૭૫ વર્ષની ઉંમરે સ્માર્ટફોન લીધો હતો. ગ્રૅન્ડ ડૉટરે મને ટીચર બની ઘણુંબધું શીખવ્યું છે. શરૂઆતમાં યુટિલિટી પર્પઝથી વપરાશ શરૂ કર્યો. ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન ઉપરાંત શૉપિંગ પણ કરતો. સ્પિરિચ્યુઅલ અને ક્રીએટિવ ઍક્ટિવિટી સાથે કનેક્ટેડ રહેવું ગમતું હોવાથી ઇન્ટરનેટ પર રસના વિષયોની ખણખોદ કરી જોઈ. વાંચન અને લેખનમાં દિલચસ્પી હોય તો પ્રતિલિપિ જેવી ઘણી વેબસાઇટ્સ છે જ્યાં તમે લખી શકો છો. લોકોનો પ્રતિસાદ મળતાં ઉત્સાહ વધે છે. હા, વડીલોએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતી વખતે ફેક મેસેજથી સાવધ રહેવું જોઈએ. સિક્યૉરિટી વિશે હું અનુભવથી શીખ્યો છું. ગમે તે સાઇટ પર લૉગઇન ન કરવાની ભલામણ પણ કરતો રહું છું. ટેક્નૉલૉજી ધસમસતા પૂર જેવી છે. એમાં તરવાનું છે, ડૂબવાનું નથી. મારું માનવું છે કે વડીલોએ વૉટ્સઍપ પર ટાઇમપાસ કરવા કરતાં પ્રોડક્ટિવ વર્ક કરી પોતાના શોખને વિકસાવો જોઈએ. નિવૃત્તિમાં મનગમતી પ્રવૃત્તિ મળી જાય તો જીવવાની મજા આવે.’

આધ્યાત્મિક જીવનમાં બદલાવ આવ્યો



મુંબઈ સેન્ટ્રલમાં રહેતાં ૭૮ વર્ષનાં અરુણા શાહ કહે છે, ‘આજથી લગભગ ૧૯ વર્ષ અગાઉ ટેક્નૉલૉજી સાથે મારો પ્રથમ પરિચય થયો હતો. દીકરી પરણીને વિદેશ ગયા બાદ પુત્ર અને વહુએ કમ્પ્યુટરથી કઈ રીતે સંપર્કમાં રહી શકાય એ શીખવ્યું હતું. એ વખતે કમ્પ્યુટરમાં ગેમ્સ રમવાની ખૂબ મજા પડતી. ટૅબ્લેટ અને પછી સ્માર્ટફોન મારા જીવનનો હિસ્સો બન્યા. ​દૈનિક જીવનમાં મોબાઇલનો ખાસ્સો ઉપયોગ થવા લાગ્યો. જોકે રોગચાળા દરમિયાન આધ્યાત્મિક જીવનમાં મોટો બદલાવ આવ્યો. મારા ઘરની સાવ નજીક દેરાસર હોવા છતાં જવા મળતું નહોતું તેથી ઇન્ટરનેટ પર મહારાજસાહેબનાં ‍વ્યાખ્યાનો સાંભળવાનું શરૂ કર્યું. સાચું કહું તો હૉલમાં બેસીને સાંભળવા કરતાં ઇન્ટરનેટ પર વધારે ગમે છે. સામાન્ય રીતે વડીલો ખુરશી પર બેસે અને ખુરશીઓ પાછળ હોય તેથી વ્યાખ્યાન બરાબર સંભળાય નહીં. ફોનમાં અવાજ સ્પષ્ટ સંભળાય છે. કાચું-પાકું અંગ્રેજી આવડે છે અને હિન્દી તેમ જ ગુજરાતી ભાષાના વિકલ્પો હોય એટલે જાતે વિડિયો શોધવામાં વાંધો નથી આવતો. લૉકડાઉનમાં ટેક્નૉલૉજી સાથે વધુ કનેક્ટેડ થયા બાદ નવી-નવી રેસિપીના વિડિયો જોઈ રસોડામાં મદદ કરવાની મજા આવી. હવે નિયમિતપણે યુટ્યુબ પર રેસિપી જોઉં છું. ખરેખર, ટેક્નૉલૉજી વડીલોના જીવનમાં વરદાન સાબિત થઈ છે.’


 જેમ જેમ ઉંમર વધે શારિરીક ફ્લેક્સિબિલીટી ઘટતી જાય ત્યારે મોર્ડન ડિવાઇસ ઘણાં કામ લાગે છે. જોકે, ટેક્નૉલૉજી ધસમસતા પૂર જેવી છે. એમાં તરવાનું છે, ડૂબવાનું નથી એવી સમજણ જરૂરી છે. નિવૃત્તિમાં મનગમતી પ્રવૃત્તિ મળી જાય તો જીવવાની મજા આવે 
નવીન મોદી


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 03:55 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK