Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ ‘ખાસ માણસો’ને શુભકામના!

આ ‘ખાસ માણસો’ને શુભકામના!

19 September, 2021 04:34 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

લોકશાહીમાં રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારોની અદલાબદલી તો થયા કરે, બદલીને કારણો પણ હોય છે. કેટલાંક એવાં કારણો પણ આગળ ધરવામાં આવે છે કે જેના કારણે હસવું ન હોય તોય હસાઈ જવાય.

આ ‘ખાસ માણસો’ને શુભકામના!

આ ‘ખાસ માણસો’ને શુભકામના!


ગુજરાતમાં સરકાર બદલાઈ ગઈ. બદલાઈ ગઈ એનો અર્થ એવો નથી થતો કે ગુજરાત માટે બીજેપીનો વાવટો સંકેલાઈ ગયો. ના, એમ નથી. બીજેપીનો વાવટો સંકેલાયો નથી અને નજીકના ભવિષ્યમાં સંકેલાઈ જાય એવી સંભાવના પણ નથી. ગાંધીજીએ ૧૯૦૯માં પોતાના હિન્દ સ્વરાજ નામના વૈચારિક દસ્તાવેજમાં કહ્યું છે કે લોકશાહીમાં સરકારો આવે છે અને જાય છે એ કંઈ લોકો માટે નથી હોતું, સત્તાધારી પક્ષ પોતાના માટે અને પોતાના જૂથ માટે સરકાર ચલાવે છે અને સરકારો બદલે છે. ગાંધીજીની આ વાત આજે ગુજરાતમાં શ્રી વિજય રૂપાણીની સરકાર બદલાઈ ગઈ અને શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સિંહાસનારૂઢ થઈ ત્યારે યાદ આવી જાય છે. 
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની જાદુઈ મુઠ્ઠી ઉઘાડ-બંધ કરવા માટે જાણીતા છે. તેમની મુઠ્ઠીમાં ક્યારે શું હશે અને ક્યારે શું પ્રગટ થશે એ કોઈ કહી શકે એમ નથી. આમ છતાં એ જે કંઈ પ્રગટ થાય છે એ લાંબા ગાળે દેશ અને સમાજના હિત માટે હોય છે એ અનુભવે સમજાયું છે. તેમની વાતનો વિરોધ થઈ શકે પણ તેમના હેતુ વિશે શક કરવો ભારે અઘરો છે. ગુજરાતમાં બાર વરસ સુધી ગાદી સંભાળ્યા પછી તેમણે દિલ્હીના સિંહાસન ઉપર કૂદકો માર્યો એ કંઈ જેવુંતેવું કામ નથી અને આમ છતાં તેમણે જે કંઈ કૂદકાઓ માર્યા છે એ ૧૦૦ ટકા સફળ થયા છે એવું પણ નથી. ગાંધીનગરની ગાદી ખાલી કરતી વખતે તેમણે આનંદીબહેનને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યાં ત્યારે ૧૦૦ ટકા સફળ પસંદગી હતી એવું બધાએ કહ્યું નહોતું. આનંદીબહેન બેઠાં એટલું જ નહીં, બેઠા પછી ભારે દબદબાથી રાજ્ય પણ કર્યું. આ રાજ્ય એકાએક કેમ સંકેલાઈ ગયું એ રહસ્ય આદરણીય નરેન્દ્રભાઈ જાણતા હશે, આનંદીબહેન જાણતાં હશે અને કદાચ અમિતભાઈ પણ જાણતા હોય.


ફરી એક વાર અહીંથી તહીં!

આનંદીબહેનની બદલીમાં વિજયભાઈ રૂપાણી ગાદીનશીન થયા ત્યારે પણ આ વાત સમજવી સહેલી નહોતી. ‘વાણિયો રાજ્ય કરી શકે એ વાતમાં શું માલ છે?’ એવી હળવેકથી ટીકા કરનારા પણ ત્યારે હતા. પણ વાણિયાએ રાજ્ય કર્યું! આ રાજ્યમાં શું ગોબા જાળી થઈ એ તો ફરી એક વાર રાજા જાણે અને રાજાને બેસાડનાર અને ઉઠાડનાર જાણે! વિજયભાઈની એકાએક બદલી થઈ ગઈ. બદલીના આ મામલામાં કોણે શું અને કેવો ભાગ ભજવ્યો એ તો રામ જાણે! હજી સુધી વિજયભાઈની બદલીનું ગળે ઊતરે એવું કોઈ કારણ ક્યાંય જાહેર થયું નથી. માત્ર એટલી જ જાહેરાત થઈ છે કે તેમની જગ્યાએ આનંદીબહેનના ‘ખાસ માણસ’ ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના નાથનો તાજ પહેરાવવામાં આવ્યો છે.
અદલાબદલી તો થાય પણ

લોકશાહીમાં રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારોની અદલાબદલી તો થયા કરે, બદલીને કારણો પણ હોય છે. કેટલાંક એવાં કારણો પણ આગળ ધરવામાં આવે છે કે જેના કારણે હસવું ન હોય તોય હસાઈ જવાય. (દા.ત. ચંદ્રશેખરની કેન્દ્ર સરકારને અથવા તો મોરારજીભાઈની જનતા સરકારને એમના અનુગામીઓએ જે રીતે બદલી હતી એમાં ક્યાંય રાજકીય શાણપણ હતું ખરું?) બોલો, હસવું આવે છેને?
સરકાર પ્રજા માટે હોય છે, પણ આ પ્રજા એટલે શું એની કદાચ કોઈને ખબર નથી. સરકાર રચાય છે ત્યારે એમાં કોણ અને કેટલા સક્ષમ મંત્રીઓ છે એ વિશે ઝાઝી ચર્ચા થતી નથી. સંરક્ષણપ્રધાન બંદૂક, પિસ્ટલ, રાઇફલ, ટૅન્ક, તોપ આ બધા વચ્ચેનો ફરક પણ જાણે છે કે નહીં એ કોઈ જાણતું નથી. પણ કયા પ્રધાન કયા વિસ્તારમાંથી આવે છે? કોણ કોના ટેકેદાર છે? કોણ સવર્ણ છે? કોણ ઓબીસી કે એસટી/એસસી છે? આ બધી ગણતરીઓ મુકાઈ છે. દેશમાં કેટલી જાતિઓ અથવા જનજાતિઓ છે એ ભુલાઈ ન જવાય એ માટે વસ્તી ગણતરી પણ હવે જાતિ અને જનજાતિના આધાર ઉપર જ કરવા માટે આગ્રહ શરૂ થયો છે. તમે કોણ અને કેવા છો એ વધારે મહત્ત્વનું બન્યું છે, તમે ભારતીય છો એ કદાચ ભુલાતું જવાય છે. ખાસ કરીને તમે બહુમતી કે લઘુમતી છો એ તો ન જ ભુલાવું જોઈએ!
યાદ રાખવા જેવી વાત
આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતની નવી સરકારના પ્રધાનમંડળનો શપથવિધિ ટીવીના પડદા ઉપર ચર્ચાઈ રહ્યો છે. આમાં પ્રધાનોનાં નામ સાથે જ કેટલા કડવા પટેલ છે, કેટલા લેઉઆ પટેલ છે, કેટલા બ્રાહ્મણ છે, કેટલા ઓબીસી છે, કેટલા જૈન છે આ બધી ગણતરી આંકડાબદ્ધ આપવામાં આવે છે. કયા નિયુક્ત પ્રધાનની કેટલી ક્ષમતા છે એની કોઈ વાત કરતું નથી. નવા પ્રધાનમંડળમાં એક પણ જૂના પ્રધાન ન હોય અને આખું પ્રધાનમંડળ સાવ નવું હોય એ કદાચ વડા પ્રધાન નરેન્દ્રભાઈની મુઠ્ઠીનો અદ્ભુત ખેલ છે. આ ખેલ આત્મસાત કરવો ગુજરાતના બીજેપીવાળા માટે સહેલું કામ નથી. ભારે જોખમી કામ નવી સરકારે હાથમાં લીધું છે. આ કામ શાણપણભર્યું છે કે નહીં એ ભવિષ્ય જ કહી શકે. આ ગણતરી પાછળ કયાં લેખાંજોખાં માંડ્યાં હશે એ આ ક્ષણે કહી શકાય એમ નથી.
યુવા પેઢીને આશીર્વાદ
નવા પ્રધાનમંડળમાં યુવાપેઢી પોતાનું કૌવત દાખવી શકે એવી ગણતરી મંડાય તો છે, પણ આવી ગણતરી સાથે જો નિષ્ઠાનો અભાવ હોય તો જોખમ બેવડાઈ જાય છે. જેઓ હકદાર હતા અને જેઓ ગઈ કાલે પાટલી બદલી ને આજે ખુરશીમાં બેસી ગયા, આ બધું સહેલાઈથી ભુલાઈ જવાશે નહીં. આપણે આ સૌને માત્ર એટલું જ કહીએ કે અત્યારે તમે કોઈકના ને કોઈકના ખાસ માણસ તરીકે અહીં આવી પહોંચ્યા છો, પણ હવે તમે અમારા એટલે કે પ્રજાના ખાસ માણસ તરીકે થોડુંક કામ કરી બતાવો ત્યારે અમે તમને મરદ કહીશું! અત્યારે અમારી શુભકામના!

કહેવા જેવી એક વાત

સરકારો તો આવે અને જાય એ સમજી શકાય એવી વાત છે. લોકશાહીના નામે કેટલીય વાર રાજકીય પક્ષો નહીં પણ પક્ષોનાં ટોળાંઓ હાથ મેળવીને સરકાર રચવાની ભવાઈ કરે છે ખરાં. આનાથી સરકાર રચાતી નથી. છેલ્લા દસકાઓમાં આપણે જોયું છે કે અનેક ટોળાંઓ પોતાને પક્ષ ઠરાવીને મિશ્ર સરકાર રચે છે પણ આ ભવાઈ લાંબી નભતી નથી. બીજેપી પાસેથી એવી અપેક્ષા હતી કે એના દરવાજા એવા મોકળા નહીં મુકાય કે જેમાં નારાયણ રાણે જેવા સુધ્ધાં કેન્દ્ર સરકારમાં બેસી જાય. જેમણે ૨૫-૩૦ વર્ષ સુધી પક્ષની સેવા કરી હોય એમને હડસેલીને કોઈક નારાયણો આ રીતે સરકારમાં ગોઠવાઈ જાય તો સાચું કહીએ તો લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. અરેરે, આ શું?

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2021 04:34 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK