Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હેતુ જાણ્યા વિના ક્યારેય લક્ષ્યની પ્રાપ્તિ ન થાય

હેતુ જાણ્યા વિના ક્યારેય લક્ષ્યની પ્રાપ્તિ ન થાય

24 November, 2021 04:13 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આ જ વાત સમજાવે છે ‘ઇકિગાઇ’ અને કહે છે કે જો તમને તમારા જીવન અને જીવતરનું કારણ નહીં ખબર હોય તો તમે ખુશીભરેલું સુખી જીવન પ્રાપ્ત કરવામાં હાંફી જશો અને બની શકે, એ તમને ક્યારેય પ્રાપ્ત પણ ન થાય

હેતુ જાણ્યા વિના ક્યારેય લક્ષ્યની પ્રાપ્તિ ન થાય

હેતુ જાણ્યા વિના ક્યારેય લક્ષ્યની પ્રાપ્તિ ન થાય


વાત આગળ વધારતાં પહેલાં સૌથી પહેલાં આ જે શબ્દ છે ઇકિગાઇ, એનો અર્થ જરા સમજી લો. જૅપનીઝ ડિક્શનરીમાં ઇકિગાઇનો અર્થ છે તમારા હોવાનું કારણ. આ જ શબ્દના અર્થ માટે ઑક્સફર્ડ ડિક્શનરીમાં લખ્યું છેઃ જીવન જીવવાનું લક્ષ્ય. હવે વાત કરીએ બુક ‘ઇકિગાઇ’ની, જેમાં આ જ શબ્દના ભાવાર્થને નોંધીને કહેવામાં આવ્યું છે કે હેતુ જાણ્યા વિના ક્યારેય લક્ષ્યની પ્રાપ્તિ થાય નહીં એટલે પહેલાં હેતુ શોધો, સમજો અને પછી લક્ષ્યપ્રાપ્તિની દિશામાં આગેકૂચ કરો. કહેવાનો ભાવાર્થ એ કે ‘ઇકિગાઇ’ બુકનું નામ ભલે રહ્યું પણ એ હકીકતમાં એક શબ્દ છે જે જપાનમાં ચલણમાં છે અને જૅપનીઝ માને છે કે સાચું જીવન એ જ છે જેમાં તમે તમારું ઇકિગાઇ શોધી જાણો અને જૅપનીઝ એ શોધી શક્યા છે એટલે જ જૅપનીઝ જીવનશૈલી લાંબું અને સુખી જીવન આપવામાં નિમિત્ત બની છે. રાઇટર હેક્ટર ગ્રેસિઆ અને ફ્રાન્સિસ મિરલ્સે લખેલી ‘ઇકિગાઇ’ પણ આ જ સમજાવે છે અને જૅપનીઝ જીવનશૈલીને કેવી રીતે સૌકોઈ પોતાના જીવનમાં અપનાવી એને લાંબું અને સુખી જીવન બનાવે એ કહે છે. 
રાઇટર-પેરમાંથી હેક્ટરને સૌથી પહેલો આ બુક લખવાનો વિચાર આવ્યો અને એ વિચાર આવવામાં નિમિત્ત સાઉથ જપાનનો ઓકિનાવા આઇલૅન્ડ બન્યો.
સો વર્ષની મબલક ખુશી ઓકિનાવા આઇલૅન્ડની સૌથી મોટી ખાસિયત એ કે ત્યાં વસનારા લોકોમાંથી મોટા ભાગના લોકોનું આયુષ્ય સો વર્ષથી વધારેનું છે અને સો વર્ષ જેવું લાંબું આયુષ્ય ધરાવનારા આ લોકો સંપૂર્ણપણે ઍક્ટિવ, ખુશ અને એકદમ સુખી હોય એવી તેમની લાઇફસ્ટાઇલ છે. ભાગ્યે જ કોઈ શારીરિક પીડા, ઉંમરબદ્ધ વ્યાધિ કે પછી અન્ય કોઈ શારીરિક મજબૂરી તો દૂર રહી; એ લોકો સો વર્ષની ઉંમરે પણ પાંસઠ-સિત્તેર વર્ષના તંદુરસ્ત લોકો જેવું જ જીવન જીવે છે, જે જોઈને હેક્ટર ગ્રેસિઆને ‘ઇકિગાઇ’નો વિચાર આવી ગયો.
ઓકિનાવાના લોકો સાથે વાત કરતાં હેક્ટરને ‘ઇકિગાઇ’ થિયરીની ખબર પડી અને તેણે એના પર કામ કરવાનું શરૂ કર્યું. તમને જાણીને નવાઈ 
લાગશે દુનિયાભરમાં ધમાલ મચાવી દેનારી અને ૪૨ ભાષામાં પબ્લિશ થયેલી ‘ઇકિગાઇ’ લખાઈ એ પહેલાં હેક્ટર અને મિરલ્સે ‘ઇકિગાઇ ફૉર ટીન્સ’ લખી હતી, જે એક લિમિટેડ સર્કલમાં પૉપ્યુલર થઈ. એ પૉપ્યુલારિટી ઓછી હતી પણ બળવાન હતી એટલે બન્નેએ નક્કી કર્યું કે જીવનનો ગોલ તો કોઈ પણ ઉંમરે મળવો જોઈએ, શોધવો જોઈએ તો પછી શું કામ ઉંમરના તબક્કામાં પડ્યા વિના જ માણસે પોતાની ઇકિગાઇ શોધવા શું કરવું જોઈએ એના પર પુસ્તક ન લખવું અને સર્જન થયું ‘ઇકિગાઇ’નું.
શોધો તમારી ઇકિગાઇ
‘ઇકિગાઇ’ પુસ્તકના રાઇટ્સ સ્વિડિશ પ્રોડક્શન હાઉસે લીધા છે અને આ બુક પરથી એ ડૉક્યુમેન્ટરી તૈયાર કરે છે, જે ડૉક્યુમેન્ટરીમાં ઓકિનાવા આઇલૅન્ડ પર રહેતા લોકોથી માંડીને ઇકિગાઇ શોધવા માટે કઈ સિસ્ટમ કામ કરે છે અને કઈ સિસ્ટમને ફૉલો કરવી જરૂરી છે એના પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. ‘ઇકિગાઇ’ બુકને લીધે હેક્ટર ગ્રેસિઆની પણ લાઇફ બદલાઈ ગઈ છે. હેક્ટરે જ એ ડૉક્યુમેન્ટરી લખી છે. હેક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી તમને તમારા જીવનનો હેતુ સમજાતો નથી ત્યાં સુધી તમે એક વિચિત્ર પ્રકારના સ્ટ્રેસ વચ્ચે જીવતા હો છો, જે સ્ટ્રેસ જીવનની ખુશી અને આનંદ છીનવી લે છે.
‘ઇકિગાઇ’ બુકના કારણે આજે જગતના પાંચ લાખથી વધુ લોકો પોતાના જીવનની ઇકિગાઇ શોધી શક્યા છે અને લાઇફમાં ચાલતું કન્ફ્યુઝન દૂર કરવામાં સફળ રહ્યા છે. ‘ઇકિગાઇ’માં કહેવાયેલી એકેક વાતને લાઇફ સાથે જોડીને જો જોવામાં આવે તો સમજાય છે કે આપણે ખરેખર જીવન છે એટલે એને પસાર કરીએ છીએ પણ જીવન જીવતા નથી. જીવન જીવવાની સાચી રીત શીખવવાનું કામ આ બુક કરે છે અને આ બુક દ્વારા થઈ રહ્યું છે. ‘ઇકિગાઇ’ની સૌથી મહત્ત્વની જો કોઈ વાત હોય તો એ કે એમાં માત્ર મોટિવેશન નથી પણ પૈસા કમાવવા માટે ગોલ પણ છે અને જીવનને તંદુરસ્ત રીતે જીવવાનો હેતુ પણ છુપાયો છે.

સ્ટોરી શૉર્ટકટ



‘ઇકિગાઇ’માં વાત લાંબું અને સુખી જીવન જીવવા વિશે છે. બુકમાં જીવનની ઇકિગાઇ શોધવાનો હેતુ પણ સમજાવવામાં આવ્યો છે અને એ શોધ્યા પછી પણ કેવી રીતે લાઇફ જીવવી એના વિશે પણ વાત કરવામાં આવી છે તો એ દરેક વાતની સાથે સાઉથ જપાનના ઓકિનાવા આઇલૅન્ડના લોકોની લાઇફસ્ટાઇલની સરખામણી પણ સ્પષ્ટ દેખાતી રહે છે. તમને શું ગમે છે, દુનિયાને શાની જરૂર છે, તમને કોઈ પૈસા શું કામ આપે અને તમે કયા કાર્યમાં બેસ્ટ છો આ ચાર સવાલના આધાર પર ઇકિગાઇ શોધવાની છે. પહેલા બે સવાલના જવાબ પરથી લાઇફના મિશનની ખબર પડે છે તો બીજા અને ત્રીજા જવાબ દ્વારા ઇન્કમ વિશે જાણકારી મળે છે. ત્રીજા અને ચોથા સવાલનો સહિયારો જવાબ પ્રોફેશન સ્પષ્ટ કરે છે અને ચોથા અને પહેલા સવાલનો જવાબ પૅશન દેખાડે છે. ‘ઇકિગાઇ’માં કહેવાયેલી એક વાત દરેકેદરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે. જો કોઈ કામમાંથી આનંદ અને પૈસો બન્ને મળતા હોય તો એમ માનવું કે તમે ખુશનસીબ છો અને તમારા ઇકિગાઇની શોધની પચાસ ટકા નજીક તમે પહોંચી ગયા છો.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 04:13 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK