Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જિન ઝખ્મોં કો વક્ત ના ભર સકા હૈ

જિન ઝખ્મોં કો વક્ત ના ભર સકા હૈ

15 September, 2020 03:41 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

જિન ઝખ્મોં કો વક્ત ના ભર સકા હૈ

એક હાઇપોથિસિસ પ્રમાણે મસ્તિષ્કના બન્ને હિસ્સા ઉત્તેજિત થવાની સાથે અનપ્રોસેસ્ડ મેમરીનું પ્રોસેસિંગ શરૂ થઈ જાય છે,

એક હાઇપોથિસિસ પ્રમાણે મસ્તિષ્કના બન્ને હિસ્સા ઉત્તેજિત થવાની સાથે અનપ્રોસેસ્ડ મેમરીનું પ્રોસેસિંગ શરૂ થઈ જાય છે,


ઇમોશનલ ટ્રૉમા માટે સમય મલમનું કામ કરે છે, પરંતુ સમય પણ જ્યારે નાકામ નીવડે ત્યારે અન્ય હેલ્પ લેવી પડે. તમારા મનમાં વસી ગયેલા અને જ્યારે પણ સપાટી પર આવે ત્યારે એવી જ પીડા આપતાં દુઃખદ અથવા અપમાનજનક પ્રસંગોના લીલાછમ ઘાવોનો ઇલાજ કરે છે EMDR થેરપી. આઇ મૂવમેન્ટ ડીસેન્સિટાઇઝેશન ઍન્ડ રિપ્રોસેસિંગ નામની આ થેરપીના ભારતમાં ૪૦૦થી વધુ નિષ્ણાતો નથી. શું છે એની ખાસિયત એ જાણીએ આજે...

કળતય પણ વળત નાહી’ (સમજાય છે પણ એ મુજબ વર્તાતું નથી). ક્યારેક તમારા જીવનમાં પણ આ મરાઠી રૂઢિપ્રયોગ અક્ષરશઃ સાચો પડ્યો હશે. તમારી વિવેકબુદ્ધિને ખબર છે કે સાચું શું છે અને શું નહીં, પરંતુ દિલ હૈ કિ માનતા નહીં. સામાન્ય બાબત પણ ક્યારેક હૃદયને ઊંડી ઠેસ પહોંચાડી દે. તમને સમજાય પણ નહીં કે શું કામ, શું કામ હું આવી સાવ મામૂલી વાતને મન પર લઈને દુખી થયા કરું છું. છતાંય એ દુઃખ થાય, લાગણીઓનું વાવાઝોડું સર્જાય. સમજણ હોવા છતાં મનને, તમારા મનમાં ઊઠતાં ઇમોશનલ વમળોને તમે રોકી ન શકો. એવું બન્યું છે ક્યારેક કે વર્ષો પહેલાં ઘટેલી કોઈ ઘટના આજે પણ યાદ કરો અને તમારું શરીર ધ્રૂજવા માંડે, આંખોમાંથી ઝળઝળિયાં આવવા માંડે, મન ઉદ્વિગ્ન થઈ જાય. આવી બાબતો ટ્રૉમામાં આવી શકે. ઘણી વાર આપણા મગજમાં કેટલીક યાદો પ્રોસેસ થયા વિનાની પડી રહે અને અંદરખાને એની તીવ્રતા આપણને પજવ્યા પણ કરે. અવારનવાર આપણા સૌના જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે હૃદયને ઠેસ પહોંચાડનારા હોય, દુખી કરનારા હોય, સંતાપ ઉપજાવનારા હોય. પણ દરેક પ્રંસગમાં એવું નથી બનતું કે એ ઘટના ઘટી ગયાનાં વર્ષો પછી પણ એના જખમ એટલા જ લીલા હોય. તો શું કામ અમુક વાર જ એવું બને? ક્યારેક કોઈ કુદરતી આફત, કોઈ અકસ્માત, બાળપણમાં થયેલું શોષણ, બળાત્કાર, કોઈ સ્વજનનું મૃત્યુ, કોઈ સંબંધમાં પડેલી દરાર, કોઈએ કરેલી તમારી માનહાનિ, તમારી ઇચ્છાથી તદ્દન વિપરીત આવેલું પરિણામ. આમાંથી કંઈ પણ હોઈ શકે જે ટ્રૉમા એટલે કે એક પ્રકારની માનસિક યાતના બનીને તમારી અંદર ક્યાંક ફ્રીઝ થઈ જાય, ન તમે એનાથી છુટકારો મેળવી શકો કે ન એનો સામનો કરી શકો. એ જખમ જાણે ક્યારેય સુકાય જ નહીં. આવા નહીં સુકાયેલા, મનને અંદરોઅંદર પીડી રહેલા ટ્રૉમાને દૂર કેવી રીતે કરવા? જો બીત ગઈ સો બાત ગઈ એવું જાણવા છતાં આપણે કોઈક એવા ટ્રૉમામાંથી બહાર નીકળી જ ન શકીએ ત્યારે એનો ઇલાજ કરી શકે એવી એક વિશેષ સાઇકોથેરપી વિશે આજે આપણે વાત કરવાના છીએ. નામ છે એનું EMDR. એટલે કે આઇ મૂવમેન્ટ ડીસેન્સિટાઇઝેશન ઍન્ડ રિપ્રોસેસિંગ. નામ થોડું અટપટું લાગી શકે પરંતુ એનું કામ અદ્ભુત છે. અમેરિકન સાઇકોલૉજિસ્ટ ડૉ. ફ્રૅન્સિન શેપિરોએ ૧૯૮૭માં આ થેરપી ઇન્ટ્રોડ્યુસ કરી. છેલ્લાં ત્રીસ વર્ષોમાં આ થેરપી પર અઢળક રિસર્ચ થયાં છે અને અદ્ભુત પરિણામ પણ મળ્યાં છે. પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર ધરાવતા લોકો માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આ થેરપી રેકમન્ડ કરી છે. અનુભવી અને પ્રૉપર ટ્રેઇનિંગ લીધેલા સાઇકોલૉજિસ્ટ જ આ થેરપીનો ઉપયોગ કરવા માટે ઑથોરાઇઝ્ડ છે.
ખેલ મેમરીનો!
એક કેસ-સ્ટડીથી સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સુષમા મેહરોત્રા વાતની શરૂઆત કરતાં કહે છે, ‘એક પેશન્ટ હતો.તેએ જ્યારે ગાડી ડ્રાઇવ કરતાં-કરતાં એક સિગ્નલ પાસે પહોંચે એટલે તે ધ્રૂજવા માંડે. તેને પૅનિક અટૅક આવે. એ સ્તર સુધી વાત પહોંચી ગઈ હતી કે એ પર્ટિક્યુલર સિગ્નલ અવૉઇડ કરવા માટે તે દસ-દસ કિલોમીટરનું એક્સ્ટ્રા અંતર કાપી લેતો. વાત કરતાં ખબર પડી કે એ સિગ્નલ પર તેણે એક ખોફનાક ઍક્સિડન્ટ જોયો હતો જેમાં એક નાનું બાળક અને તેની મમ્મીની બહુ જ ભયાવહ હાલત અકસ્માત પછી તેણે પોતાની આંખે જોઈ હતી. એ ઘટના પછી જ્યારે પણ તે વ્યક્તિ તે સિગ્નલ પરથી પસાર થાય એટલે તેના શરીરમાં અને ઇમોશનલ સ્ટેટમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય. જ્યારે ભયની ગેરહાજરીમાં પણ તમે ભયનો અનુભવ કરો એ દર્શાવે છે કે એ ‍બાબત તમારી અંદર ટ્રૉમા બનીને સ્થિર થઈ ગઈ છે. એક ઘટના ઘટી જેણે તમને શૉક અથવા ટ્રૉમા આપ્યો. હવે એ ઘટના ઘટી ગઈ, સમય નીકળી ગયો, વાત પતી ગઈ છતાંય તમારા મેમરી નેટવર્કમાં એ ઘટના ક્યારેય જૂની થઈ જ નહીં. એ હંમેશાં ઍક્ટિવ ફૉર્મમાં રહી. એનું પરિણામ એ આવે કે ભયજનક સ્થિતિ નથી છતાં તમે એવી જ તીવ્રતાથી ભયનો અનુભવ કરો છો જેવો જ્યારે એ ઘટના ઘટી હતી ત્યારે કરતા હતા. આવું શું કામ થાય? એ મેમરી પ્રોસેસ ન થઈ. જેમની તેમ બ્રેઇનમાં અકબંધ રહી. મેમરીનું પ્રોસેસિંગ કરનારો બ્રેઇનનો હિસ્સો (કૉર્ટેક્સ) અને મેમરી સાથે સંકળાયેલા ઇમોશનનો હિસ્સો (હિપ્પોકૅમ્પસ) વચ્ચેનો તાલમેલ જ તૂટી ગયો. આ થેરપીમાં કેટલીક સેફ ટેક્નિકનો ઉપયોગ કરીને એ ટ્રબલિંગ મેમરીને ફરીથી સપાટી પર લાવીને એને ક્લાયન્ટ પાસે રિપ્રોસેસ કરાવીએ. એટલે સુધી કે આ થેરપી પછી લોકોના બ્રેઇનના સ્ટ્રક્ચરલ ચેન્જના પણ દાખલાઓ છે.’
કેવી રીતે વર્ક કરે?
આ થેરપી માટે બાયલેટરલ સ્ટિમ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો આપણા બ્રેઇનના બે હિસ્સા છે. જ્યારે બન્ને હિસ્સાને સ્ટિમ્યુલેટ કરતાં-કરતાં આપણને પીડા આપતી મેમરીને સર્ફેસ પર લાવીએ ત્યારે ધીમે ધીમે એ મેમરી સાથે સંકળાયેલા ઇમોશન રિલીઝ થવા માંડે એમ જણાવીને જાણીતા કાઉન્સેલર અને EMDR થેરપિસ્ટ ચિંતન નાયક કહે છે, ‘મેમરી મગજમાં બે રીતે સ્ટોર થતી હોય છે. એક અડૅપ્ટિવ ફૉર્મ અને એક માલઅડૅપ્ટિવ ફૉર્મ (અનપ્રોસેસ્ડ). જ્યારે નકારાત્મક મેમરીના અનુભવો એક પ્રકારનું નેટવર્ક ઊભું કરે છે. એટલે થાય શું કે ધારો કે કોઈ આઠ-નવ વર્ષની ઉંમરે મૉલેસ્ટેશનનો અનુભવ કર્યો હોય એ વ્યક્તિ બાવીસ વર્ષની ઉંમરે પણ એની એ મેમરી સાથે મેળ ખાતી ઇમેજ, અવાજ અથવા ફિઝિકલ સેન્સેશનનો અનુભવ કરે એટલે એ વખતે અનુભવેલી લાગણી પણ તેની સામે આવી જાય. જેમ કે ડર, પસીનો, પગ થર-થર કાંપવા લાગે. હવે આવા કેસમાં EMDR થેરપી અંતર્ગત બાયલેટરલ સ્ટિમ્યુલેશન અર્થાત ટેપિંગ, સાઉન્ડ, આઇ મૂવમેન્ટ વગેરે ઉપયોગ કરવામાં આવે છે. એક હાઇપોથિસિસ પ્રમાણે મસ્તિષ્કના બન્ને હિસ્સા ઉત્તેજિત થવાની સાથે અનપ્રોસેસ્ડ મેમરીનું પ્રોસેસિંગ શરૂ થઈ જાય છે, કારણ કે તમારા લેફ્ટ અને રાઇટ બ્રેઇનમાં બાયલેટરલ મૂવમેન્ટને કારણે કનેક્શન ઊભું થયું છે.’
આઠ તબક્કા
આ સાઇકોથેરપીમાં આઠ સ્ટેજ હોય છે. ચિંતન નાયક કહે છે, ‘પહેલાં હિસ્ટરી ટેકિંગ, બીજા તબક્કામાં પ્રેપરેશન, ત્રીજા તબક્કામાં એસેસમેન્ટ ઑફ ટાર્ગેટ મેમરી, ચોથું ડીસેન્સિટાઇઝેશન ઍન્ડ રિપ્રોસેસિંગ, પાંચમું ઇન્સ્ટૉલેશન ઑફ પૉઝિટિવ કૉગ્નિશન, છઠ્ઠું બૉડી સ્કૅન, સાતમું ક્લોઝર અને આઠમું રીઇવૅલ્યુએશન. આ આઠ તબક્કાની ટેક્નિકલ બાબતમાં ન જઈએ પણ એના સારાંશ પર ધ્યાન આપીએ તો ત્રણ મુખ્ય બાબત હોય છે, ઍક્સેસ, સ્ટિમ્યુલેટ અને મૂવ. બેઝિકલી જે અનપ્રોસેસ્ડ મેમરીની માહિતી છે એને સૌથી પહેલાં ઍક્સેસ કરવામાં આવે, પછી બાયલેટરલ મૂવમેન્ટથી સ્ટિમ્યુલેટ કરવામાં આવે અને એની જ મદદથી છેવટે એ અનપ્રોસેસ્ડમાંથી ફુલી પ્રોસેસ્ડ તરફ મૂવ થઈ જાય છે. અહીં ઉલ્લેખનીય છે કે ટ્રૉમા અને ઇમોશનલ ડિસ્ટર્બન્સ માટે આ થેરપી દ્વારા મેમરીને રિપ્રોસેસ કરવામાં આવે એ પછી ૯૯ ટકા એ જ મેમરી ક્યારેય વ્યક્તિને પીડા આપી શકતી નથી.’



પ્રાઉડની વાત છે!


ભારતભરમાં EMDR થેરપી આપી શકે એવા માત્ર ૪૦૦ જ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ છે. આ થેરપી વિશે અને એની અકસીરતા પર ભારતના આ થેરપીનાં સૌથી પહેલાં પ્રૅક્ટિશનર અને આપણા દેશમાં ૧૯૯૮માં ડૉ. સુષમા મેહરોત્રાએ ભારતમાં આ થેરપીની શરૂઆત કરી. ભારતના EMDR થેરપિસ્ટ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપ વખતે, ૨૦૦૪માં આવેલા સુનામી વખતે ટ્રૉમાનો ભોગ બનેલા સર્વાઇવરોની મદદ પહોંચી ગયા હતા. શ્રીનગરમાં ૨૦૧૪માં પૂર આવ્યું ત્યારે લગભગ ૩૫૦૦ બાળકોને માનસિક રીતે હીલ કરવા માટે ભારતના EMDR અસોસિએશને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અફઘાનિસ્તાન, નેપાલ, કેરળ, બાંગલા દેશ, શ્રીલંકા, વિયેટનામ અને ફિલિપીન્સ જેવા દેશોમાં પણ આવેલા વિપત્તિકાળમાં ભારતના EMDR અસોસિએશનના થેરપિસ્ટ લોકોની મદદે પહોંચી ગયા હતા અને સાથે તેમણે ત્યાંના મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સને ટ્રેઇનિંગ પણ આપી હતી.

એક હાઇપોથિસિસ પ્રમાણે મસ્તિષ્કના બન્ને હિસ્સા ઉત્તેજિત થવાની સાથે અનપ્રોસેસ્ડ મેમરીનું પ્રોસેસિંગ શરૂ થઈ જાય છે, કારણ કે તમારા લેફ્ટ અને રાઇટ બ્રેઇનમાં બાયલેટરલ મૂવમેન્ટને કારણે કનેક્શન ઊભું થયું છે
- કાઉન્સેલર અને EMDR થેરપિસ્ટ ચિંતન નાયક


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 03:41 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK