° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


G20 : નવી વિશ્વવ્યવસ્થાને ભારત આકાર આપી શકશે?

20 November, 2022 01:23 PM IST | Mumbai
Raj Goswami

મોદીનો રાષ્ટ્રવાદ આમ જુઓ તો એ આત્મનિર્ભરતાનું જ આધુનિક સ્વરૂપ છે અને એ રાષ્ટ્રવાદી હિતોને પોષવા માટે તેઓ બિન-જોડાણવાદને જીવંત કરે એમાં નવાઈ નથી.

પ્રતીકાત્મક તસવીર ક્રૉસલાઇન

પ્રતીકાત્મક તસવીર

ભારત કોઈ એક છાવણીમાં બંધાઈ જવાને બદલે એનાં હિતોની જરૂરિયાત મુજબ કોઈની પણ સાથે હાથ મિલાવવા તૈયાર છે, એ આ રાષ્ટ્રવાદી બિન-જોડાણવાદની વ્યાખ્યા કહેવાય

G20 સમૂહ કેટલો તાકતવર છે અને કેમ વિશ્વ માટે મહત્વનો છે તે એ હકીકત પરથી ફલિત થાય છે કે તેનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જીડીપીમાં 85%, વૈશ્વિક વેપારમાં 75% અને વૈશ્વિક વસ્તીમાં 66% યોગદાન છે. મૂળ આ G7 સમૂહ હતો, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી 1999માં તેનું કદ વધારીને 20 કરવામાં આવ્યું હતું.

સંમેલનનાં અધિકૃત સત્રોમાં જે ભાષણો અને જાહેરાતો થાય છે તે કોઈને બંધનકર્તા હોતી નથી એટલે આ સંમેલનની ઉપયોગિતાને લઈને પ્રશ્નો થતા રહે છે, પરંતુ એની અસલી ફલશ્રુતિ સંબંધિત દેશો મંચથી દૂર એકબીજાને મળીને ગિલે-શિકવે દૂર કરતાં હોય છે એમાં છે.

ભારતે ૨૦૨૩ના G20 શિખર સંમેલનનું યજમાનપદ સ્વીકાર્યું છે. બાલી-ઇન્ડોનેશિયામાં આ અઠવાડિયે યોજાયેલા એના ૧૭મા સંમેલનમાં, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૨૦૨૩નું અધ્યક્ષપદ સુપરત કર્યું હતું. ભારતે, ૨૦૦૨માં G20ના નાણાપ્રાધાનો અને બૅન્ક ગવર્નરોની બેઠક યોજી હતી, પરંતુ ૨૦૦૮માં વૈશ્વિક નાણાકીય અને આર્થિક કટોકટી પછી G20ને શિખર વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું, એ પછી ભારત પહેલી વાર ૧૯ રાષ્ટ્રો વત્તા યુરોપિયન યુનિયનના આ આંતરરાષ્ટ્રીય ફોરમને ભારતની ઝાંખી કરાવશે. ભારત માટે આ તાજેતરનાં વર્ષોનો સૌથી મોટો વૈશ્વિક કાર્યક્રમ છે. એના માટે સંભવતઃ ઑક્ટોબર-નવેમ્બર વચ્ચે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા જેવાં મોટાં શહેરોને સમાવતા ૨૦૦ જેટલા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

૨૦૨૩ના આ ૧૮મા શિખર સંમેલનના સંદર્ભમાં, ભારત માટે બાલીનું ૧૭મું સંમેલન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. એ સિવાય, વિશ્વ માટે એની અગત્ય બે કારણોથી છે; એક તો, કોરોના મહામારીમાંથી વિશ્વ બેઠું થઈ રહ્યું છે ત્યારે આ સંમેલન મળ્યું છે અને બીજું, એ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખોરવાયેલા એનર્જી અને ફૂડ સપ્લાયના બૅકગ્રાઉન્ડ વચ્ચે યોજાઈ રહ્યું હતું. એટલા માટે જ આ વખતના સંમેલનની થીમ ‘રિકવર ટૂગેધર, રિકવર સ્ટ્રૉન્ગર’ (સાથે ઊભા થઈએ, મજબૂતીથી ઊભા થઈએ) હતી.

G20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. આ સમૂહ કેટલો તાકતવર છે અને કેમ વિશ્વ માટે મહત્ત્વનો છે તે એ હકીકત પરથી ફલિત થાય છે કે એનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જીડીપીમાં ૮૫%, વૈશ્વિક વેપારમાં ૭૫% અને વૈશ્વિક વસ્તીમાં ૬૬% યોગદાન છે. મૂળ આ G7 સમૂહ હતો, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી ૧૯૯૯માં એનું કદ વધારીને ૨૦ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત, એમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતા આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવા અન્ય વિષયો પણ સામેલ થતા ગયા છે અને એ રીતે G20 કૂટનીતિનું એક સમાવેશી મંચ બની ગયો છે. 

સંમેલનનાં અધિકૃત સત્રોમાં જે ભાષણો અને જાહેરાતો થાય છે એ કોઈને બંધનકર્તા હોતી નથી એટલે આ સંમેલનની ઉપયોગિતાને લઈને પ્રશ્નો થતા રહે છે, પરંતુ એની અસલી ફલશ્રુતિ સંબંધિત દેશો મંચથી દૂર એકબીજાને મળીને ગિલે-શિકવે દૂર કરતા હોય છે એમાં છે. એવું ધારોને કે કોઈકનાં લગ્ન થતાં હોય, ત્યારે દૂર મહેમાનગણમાં બીજા કોઈક છોકરા-છોકરીઓનું જોવાનું ચાલતું હોય, કોઈકે જોઈ રાખ્યાં હોય તો વાત આગળ વધતી હોય, કોઈકનું ક્યાંક અટક્યું હોય તો રસ્તાઓ નીકળતા હોય, કોઈકના અબોલા તૂટતા હોય, કોઈકના નવા સંબંધો અને સંવાદો શરૂ થતા હોય વગેરે.

એ દૃષ્ટિએ, ભારત માટે વર્તમાન અને આગામી એમ બન્ને સંમેલનો વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો દુનિયા સામે મૂકવાનો અવસર બની ગયાં છે. બાલીમાં વડા પ્રધાને ત્રણ મહત્ત્વનાં સત્રોમાં ભારતના દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા - ફૂડ અને એનર્જી સુરક્ષા, ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન અને સ્વાસ્થ્ય. આગામી સંમેલન માટે ભારત એજન્ડા નક્કી કરવાનું છે. 

ભારત અત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા  છે અને દુનિયાના સૌથી તેજીથી આગળ વધી રહેલા દેશોમાં એ સામેલ છે. એ રીતે ભારતને બીજી મોટી અને વિકસિત અર્થવ્યવસ્થાઓ સાથે હાથ મિલાવીને એનાં રાષ્ટ્રહિતોને સાધવાનો મોકો મળ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે જે પ્રમાણે શીત યુદ્ધ શરૂ થયું છે અને વિશ્વ જે રીતે ફરી એક વાર (અમેરિકા-સોવિયટ સંઘની જેમ) બે છાવણીઓમાં વહેંચાવા જઈ રહ્યું છે, એ જોતાં વડા પ્રધાને નેહરુના બિન-જોડાણવાદને ફરી જીવતો કરવો પડશે.

ઇન ફૅક્ટ, ૨૦૨૦ની નૉન-અલાઇન્મેટ મૂવમેન્ટ (નામ)માં પહેલી વાર મોદીએ ભાગ લીધો હતો. ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી ૨૦૧૬ની અને ૨૦૧૯ની ‘નામ’ બેઠકમાં તેમણે હાજર રહેવાનું ટાળ્યું હતું, પરંતુ ૨૦૨૦માં તેમણે એમાં હાજરી પુરાવીને નેહરુના વખતના આ મહત્ત્વના ગઠબંધનને ફરીથી જીવંત કરવાનો તેમનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો. ભારત જ્યારે અમેરિકા કે સોવિયટ સંઘ બન્નેમાંથી એકેયની છત્રી નીચે શરણ લેવા માગતું નહોતું, ત્યારે ૧૯૬૧માં ભારતે જ બિન-જોડાણવાદી અભિયાન શરૂ કરીને દુનિયાના દેશો માટે ત્રીજી છત્રીનો વિકલ્પ ઊભો કર્યો હતો. 

સોવિયટ સંઘના વિભાજન પછી વિશ્વમાં જ્યારે અમેરિકા એકમાત્ર છાવણી રહી ગઈ હતી એ પછી ક્રમશઃ આ અભિયાન મૃતપાય થવા લાગ્યું હતું અને ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણની સાથે ભારત ખુદ મજબૂત આત્મનિર્ભર અર્થવ્યવસ્થા બનવા લાગ્યું હતું એટલે એની બીજી કોઈ એક છાવણીમાં જવાની વિવશતા ઘટતી ગઈ હતી. મોદીનો રાષ્ટ્રવાદ આમ જુઓ તો એ આત્મનિર્ભરતાનું જ આધુનિક સ્વરૂપ છે અને એ રાષ્ટ્રવાદી હિતોને પોષવા માટે તેઓ બિન-જોડાણવાદને જીવંત કરે એમાં નવાઈ નથી. ભારત કોઈ એક છાવણીમાં બંધાઈ જવાને બદલે એનાં હિતોની જરૂરિયાત મુજબ કોઈની પણ સાથે હાથ મિલાવા તૈયાર છે, એ આ રાષ્ટ્રવાદી બિન-જોડાણવાદની વ્યાખ્યા કહેવાય.

એમાં તાકડે અમેરિકા-ચીન વચ્ચે ખાઈ પહોળી થઈ છે એ ભારત માટે ‘આફતમાં અવસર’ જેવું છે. ભારત નેહરુના સમયનું વિવશ રાષ્ટ્ર નથી, જેણે પગભર થવા માટે વિશ્વની સત્તાનો સહારો લેવો પડે એમ હતું. આજે સ્થિતિ એવી છે કે અમેરિકા-ચીન વચ્ચે ફૂટ પડી છે એના કારણે જે અસ્થિરતા ઊભી થવાની છે એમાં ભારત ‘સ્ટેબિલાઇઝર’ તરીકે ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. ૨૦૨૦માં ‘નામ’ બેઠકમાં ભારતની હાજરી અને ૨૦૨૩માં G20ના અધ્યક્ષપદનો સ્વીકાર એ બન્ને બાબતને ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા તરીકે જોવી જોઈએ. 

ઇન ફૅક્ટ, ૨૦૨૦ પછી ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધોના મોરચે બને એટલી બેઠકોમાં ભાગ લેવાનું, બીજા દેશોને મદદ કરવાનું, ભારતીય મૂળના નાગરિકોની વહારે જવાનું, વૈશ્વિક એકતા માટે સૌને એકજૂથ કરવાનું શરૂ કર્યું છે. ‘નામ’ની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, ‘વર્તમાનમાં જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા છે, એની અમુક મર્યાદાઓ છે એટલે ન્યાયોચિત, સમાનતા અને માનવીયતાના ધોરણે કામ કરતા નવા વૈશ્વીકરણની હવે જરૂર છે.’ આ શબ્દોમાં સંકેત છે કે દુનિયા બદલાઈ રહી છે. 

દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે અને એમાં ભારતે શું કરવું જોઈએ એને લઈને વિદેશપ્રધાન એસ. જયશંકર તેમના તાજેતરમાં જ પ્રગટ થયેલાં પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’માં સરસ સમજાવે છે. તેમના જ શબ્દોમાં :

‘ભારતની આત્મલીનતા કેવી રીતે એની વૈશ્વિક દૃષ્ટિને આકાર આપે છે એ બાબતને દાયકાઓ અગાઉ સત્યજિત રેની એક ફિલ્મમાં સટીક રીતે બતાવવામાં આવી હતી. એમાં બે એવા નવાબોની વાત હતી, જેઓ એક તરફ ચેસની રમતમાં મશગૂલ હતા, ત્યારે બીજી તરફ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થિર ગતિએ તેમના સમૃદ્ધ રજવાડા અવધ પર વર્ચસ જમાવી રહી હતી. આજે, જ્યારે એક અન્ય વૈશ્વિક તાકાતનો ઉદય થઈ રહ્યો છે - અને એ પણ ભારતની એકદમ પડખે - ત્યારે આ દેશ ફરી એક વાર એનાં પરિણામો પ્રત્યે બેખબર રહી ન શકે. આદર્શ રીતે જોવા જઈએ તો, ચીનનું ઉત્થાન ભારતની સ્પર્ધાત્મક વૃત્તિઓને તેજ કરવા માટે પ્રેરણારૂપ બનવું જોઈએ, પરંતુ કમસે કમ એનાથી એ ગંભીર ચર્ચા તો છેડાવી જ જોઈએ કે આમાં વૈશ્વિક રાજનીતિ કઈ દિશામાં જશે અને આપણા માટે એમાં શું સૂચિતાર્થ છે. 

આ વાત મહત્ત્વની છે, કારણ કે એની સમકક્ષ અન્ય નિર્ણાયક પરિવર્તનો આગળ વધી રહ્યાં છે. એક વ્યાપક સંતુલન પુનઃ સ્થાપિત થતું તો દેખાઈ જ રહ્યું હતું, એના પર હવે વિસ્તૃત પ્રાદેશિક અસ્થિરતા, જોખમી વ્યવહાર, મજબૂત રાષ્ટ્રવાદ અને વૈશ્વીકરણનો ઇનકાર છવાઈ ગયો છે. ચીનના ઉત્થાન સામે અમેરિકા કેવો પ્રતિભાવ આપે છે, એના પરથી સમકાલીન રાજનીતિની દિશા નક્કી થશે. વૈશ્વિક ફેરફારો આંતરિક બાબતોને કેવી રીતે પ્રભાવિત કરે છે એનો આપણે ત્યાં પૂરો વિચાર કરવામાં આવતો નથી, પરિણામે ભારત ઘણી વાર એ ફેરફારોને નજરઅંદાજ કરે છે. આપણે ત્યાં ચોક્કસ પૉલિટિકલ નૅરેટિવ્સની ગેરહાજરી હોવાથી, આ ફેરફારો ભારતની વૈચારિકતાને કેવી રીતે પ્રભાવિત કરે છે એ પણ સ્પષ્ટ નથી. એટલે, ભારત જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં ઉપર ઊઠી રહ્યું છે ત્યારે, એ પોતાનાં હિતોને સાફ દૃષ્ટિએ જુએ, એટલું જ નહીં, એને અસરકારક રીતે વ્યક્ત કરે એ પણ જરૂરી છે.’

લાસ્ટ લાઇન
‘ડિપ્લોમસી એટલે લોકોને ભાડમાં જાઓ કહેવાની એવી કળા કે એ લોકો ત્યાં જવાનો રસ્તો પૂછે.’ - વિન્સ્ટન ચર્ચિલ

20 November, 2022 01:23 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

સીમા વર્તે સાવધાન : લડાઈ, અંદરની અને બહારની

ચીન આર્થિક, રાજકીય અને લશ્કરી મોરચે અત્યંત આક્રમક બન્યું છે અને દુનિયા કેવી રીતે ચાલવી જોઈએ એને માટે એનો કક્કો ખરો કરાવી રહ્યું છે

04 December, 2022 06:52 IST | Mumbai | Raj Goswami

ક્લાયમેટ ચૅન્જ : સ્વર્ગ અને નરકના ત્રિભેટે ઊભેલી દુનિયા

શર્મ અલ-શેખની કૉન્ફરન્સમાં એક નોંધપાત્ર પ્રગતિ તરીકે ૧૯૦ દેશો ‘લૉસ ઍન્ડ ડૅમેજ’ની જોગવાઈ પર સહમત થયા છે.

27 November, 2022 02:30 IST | Mumbai | Raj Goswami

આરક્ષણ : સત્તાની સીડી કે મતોનું રાજકારણ?

પાટીદારોના આંદોલનના મૂળમાં ૧૯૮૫નું એક બીજું આરક્ષણ આંદોલન છે, જેને આપણે અનામત વિરોધી આંદોલન તરીકે ઓળખીએ છીએ. જોઈએ તો આરક્ષણને લઈને ગુજરાતે બે મોટાં અને હિંસક આંદોલન જોયાં છે; એક એની વિરુદ્ધમાં અને એક એની તરફેણમાં. એના મૂળમાં ગુજરાતનું જાતિગત રાજકારણ

13 November, 2022 12:52 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK