° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


વૅલેન્ટાઇન્સ ડેથી વિવાદ દિવસ સુધી

13 February, 2020 05:03 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

વૅલેન્ટાઇન્સ ડેથી વિવાદ દિવસ સુધી

વૅલેન્ટાઇન્સ ડેથી વિવાદ દિવસ સુધી

થોડા વખત પહેલાં એક રસપ્રદ અને આકર્ષક જાહેરખબર ટીવીમાં આવતી હતી જેના દૃશ્યમાં એવું દર્શાવાતું હતું કે પતિ એક આલિશાન જવેલરી શૉપમાં પત્ની માટે ડાયમન્ડ રિન્ગ ખરીદવા ગયો છે અને થોડી મૂંઝવણ અનુભવી રહ્યો છે, જેને જોઈ સેલ્સમૅન કહે છે, ‘શું વાત છે, કેવી લેવી છે રિન્ગ? કેટલા બજેટ સુધી લેવી છે? શું પ્રસંગ છે, પત્નીનો જન્મદિન કે મૅરેજ-ઍનિવર્સરી?’ એટલે પેલા પતિદેવ હતાશ મોઢે કહે છે કે ‘ગઈ કાલે ઍનિવર્સરી હતી, હું ભૂલી ગયો હતો.’ આ સાંભળી સેલ્સમૅન કહે છે, ‘તો પછી આ મોંઘીવાળી રિન્ગ લઈ જાઓ.’
અહીં આ જાહેરખબરમાં કંઈક શબ્દો આગળ-પાછળ થયા હશે, પરંતુ પતિદેવો અને પત્નીદેવીઓ આનો અર્થ સમજી ગયાં હશે.
પતિ અમુક વરસો બાદ મૅરેજ-ઍનિવર્સરીનો દિવસ ભૂલી જાય અથવા પત્નીનો બર્થ-ડે ભૂલી જાય એ સમય બન્ને વચ્ચે તનાવ યા યુદ્ધ જેવો સંવેદનશીલ સમય કેમ થઈ જાય છે? જાણે કેમ પત્નીને એમ લાગવા માંડે છે કે પતિ તેને પ્રેમ કરતો નથી અથવા પતિને તેની (પત્નીની) પડી નથી અથવા પછી પતિ હવે રોમૅન્ટિક રહ્યો નથી, પતિ હવે તેની ઉપેક્ષા કરવા લાગ્યો છે. અલબત્ત, અહીં એમ કહેવાનો આશય નથી કે પત્નીને જે થાય છે એ થવું જ ન જોઈએ યા પત્ની જે તનાવ ઊભો કરે છે એ તેણે ન કરવો જોઈએ. તેમ છતાં આવા પ્રસંગે પતિની ભૂલી જવાની ઘટનાને કારણે પત્ની પતિ વિશે જે માનવા લાગે છે એ કેટલું યોગ્ય ગણાય? આમ થાય છે ત્યારે પતિ ભોંઠો પડે છે યા બીજે દિવસે પત્નીને વધુ પ્રેમ (સાચો કે ખોટો?) કરવાનો કે જતાવવાનો પ્રયાસ કરે છે જે મોટે ભાગે સહજ યા નૅચરલ પ્રેમ હોતો નથી, કારણ કે આમ કરવાની તેને ફરજ પડી રહી છે, તેને ગિલ્ટ ફીલ કરાવાઈ રહ્યું છે. જેમ જવેલરી શૉપમાં રિન્ગ ખરીદવા ગયેલો પતિ બીજા દિવસે આ કામ કરી રહ્યો હોવાથી પત્નીને વધુ ખુશ કરવા વધુ મોંઘી રિન્ગ ખરીદવા તૈયાર થાય છે.
૩૬૪ દિવસ સામે એક દિવસ
પતિ કે પત્ની વરસો બાદ ક્યારેક મૅરેજ-ઍનિવર્સરીનો દિવસ ભૂલી ગયા અથવા એ દિવસની કોઈ વિશેષ ઉજવણી માટે હોટેલમાં નહીં ગયા કે કોઈ ગિફટ ન લીધી તો કઈ દુનિયા ઊંધી વળી ગઈ? શું આટલા માત્રથી જ પ્રેમ સાબિત થાય છે કે આમ ન થવાથી પ્રેમ નથી એવું કહી શકાય? આ દિવસો મહત્ત્વના છે, યાદગાર છે એ વાત સાચી; પરંતુ અમુક વરસો બાદ ક્યારેક કોઈ કારણસર એ દિવસ ભુલાઈ ગયો યા ઊજવાયો નહીં તો શું થઈ ગયું? તમારા માટે પ્રેમ મહત્ત્વનો છે કે એ દિવસની ઉજવણી? એ દિવસની ભેટ? કે પછી એ ભુલાઈ ગયેલા દિવસ સિવાયના ૩૬૪ દિવસો દરમ્યાન થતાં પ્રેમ, લાગણી અને કાળજી મહત્ત્વનાં છે? અને હા, આવું પત્નીને જ કેમ થાય છે? કારણ સહજ છે, પત્ની વધુ સંવેદનશીલ હોય છે. રાધર સ્ત્રીઓ વધુ સંવેદનશીલ હોવાથી તેને આવી યાદગીરીને માણવી ગમતી હોય છે. આ તેના માટે એક પરોક્ષ પુરાવો છે કે પતિ તેને હજી એ જ રીતે યાદ કરે છે? તેને પહેલાં જેવો પ્રેમ કરે છે? જોકે સ્ત્રીહૃદય આમ પણ વધુ પ્રેમ ઝંખતું હોય છે, જ્યારે પુરુષ ધીમે-ધીમે લાગણી પ્રત્યે ઉપેક્ષા ધરાવતો બનવા લાગે છે; કારણ કે પુરુષો સારી રીતે જાણે છે. જે લગ્ન પહેલાં પત્નીને રોજ અથવા નિયમિત ફૂલ અથવા કંઈ ને કંઈ તેની પ્રિયતમાને ગમતી ભેટ આપતો રહેતો હતો તે લગ્નના દિવસને જ ભૂલી જાય? પત્નીના જન્મદિવસને ભૂલી જાય? બાત કુછ હજમ નહીં હોતી.
પ્રેમ પણ શૅરબજારના ઇન્ડેક્સ જેવો
અલબત્ત, આવું બધું યંગ જનરેશનમાં વધુ થતું હોય છે જેમણે આ દિવસને વધુપડતું મહત્ત્વનું બનાવી દઈ અને દેખાદેખીમાં એની ઉજવણી–ધમાલ કરીને આ દિવસને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. આ એ જ લોકો છે જે આગળ જઈને આ કર્મનાં ફળ ભોગવવાના હોય છે તેમ છતાં તેમાંથી કોઈ ભાગ્યે જ શીખે છે. આવા બધા દિવસોને ફૅશનના અને બિઝનેસના ટ્રેન્ડ બનાવી દેવાયા છે. લાઇફ-સ્ટાઇલ કરી નાખી છે. પ્રેમનો દેખાડો કરી નાખ્યો છે. કદાચ આને જ પ્રેમ સમજવા લાગ્યા છે. સાલું, શૅરબજારની જેમ પ્રેમને પણ ટૂંકા ગાળાનો, મધ્યમ ગાળાનો અને લાંબા ગાળાનો બનાવી દેવાયો છે. આ ગાળામાં કેટલો સમય એ દરેકની જુદી-જુદી બાબત હોય છે. અમુક લોકો તો પ્રેમને સટ્ટો માનીને પણ જીવે છે. પ્રેમની ડેફિનેશન (વ્યાખ્યા) જ જાણે બદલી નાખી છે આ લોકોએ. હવે તો લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્ઍએપ જેવાં સોશ્યલ માધ્યમો પર મૅરેજ-ઍનિવર્સરી અને બર્થ-ડે વધુ ઊજવવા લાગ્યા છે જેમાં આખું વરસ ઝઘડા કરતાં કે કંકાસ કરતાં પતિ-પત્ની પણ એ દિવસે જાણે પોતે એકબીજાને ખૂબ ચાહે છે એવું દુનિયાને જતાવવા એ મુજબના ફોટો સાથે શબ્દો મૂકે છે. કદાચ તેઓ એકબીજા મનમાં તો જાણતાં જ હશે, આ બધું એકબીજાને રાજી કરવા અને દુનિયાને બતાવવા માટે છે કે જુઓ, અમે કેવું હૅપી કપલ છીએ. અલબત્ત, અહીં એ કહેવાનો ઉદ્દેશ નથી કે બધાં જ કપલ આવાં દંભી હોય છે યા દેખાડો કરતાં હોય છે કે પછી તેમની વચ્ચે પ્રેમ હોતો જ નથી. પરંતુ આ બધી અંગત લાગણીઓને જગત સામે દર્શાવવાથી જ પ્રેમ વ્યક્ત થઈ શકે? જન્મદિન હોય કે મૅરેજ-ઍનિવર્સરી, શું એ દિવસ યાદ રહે, એ દિવસે ગિફટ અપાય અને એની ઉજવણી થાય તો જ એ દિવસ આવ્યો ગણાય? પ્રેમનું પ્રતીક માત્ર આ જ છે? ક્યારેક તો આ ઉજવણી કરતાં એ શો ઑફ બિઝનેસ વધુ લાગે છે.
પ્રેમનું માર્કેટિંગ અને કમર્શિયલાઇઝેશન
જો આ જ બધું ખરેખર પ્રેમ હોત તો આટલાં બ્રેકઅપ અને ડિવૉર્સ વધી જાત નહીં. વાસ્તવમાં પતિ-પત્ની વચ્ચેના પ્રેમનું પણ માર્કેટિંગ થવા લાગ્યું છે. પરિવારના પ્રેમનું પણ કમર્શિયલાઇઝેશન થતું જોવામાં આવે છે. ભીતર બધું પોકળ અને નિષ્ફળ હોવા છતાં બહાર ચમકદાર અને શાનદાર દેખાડાય છે. ઉજવણી કે ઉત્સવ સારી વાત છે, ખુશીની વાત છે; પરંતુ એ જ્યારે પ્રદર્શન કે કૃત્રિમતા બનીને રહી જાય ત્યારે એનું સત્ત્વ રહેતું નથી. બન્નેનાં મન અને શરીર તેમ જ હૃદય જુદી-જુદી દિશામાં હોય તો ઉજવણીનો અર્થ શું? ઉજવણીના દિવસ સિવાયના બાકીના દિવસોમાં એ પ્રેમ, લાગણી, હૂંફ, કાળજી કે પરસ્પર સમજ ન હોય તો એ એક દિવસની ઊભી કરાયેલી એ ઉજવણી માત્ર ઍડ્જસ્ટમેન્ટ બની જાય છે. ત્યાં દિલ નહીં, દિમાગ કામ કરી રહ્યું હોય છે.

અન્ડરસ્ટૅન્ડિંગ ડે પણ શરૂ કરીએ
શા માટે વૅલેન્ટાઇન્સ ડે અમુક જ વરસમાં વિવાદનો દિવસ બની જાય છે? કારણ કે પ્રેમની અભિવ્યક્તિ ઘટે ત્યારે શંકાની અને નિરાશાની ગતિવિધિ શરૂ થઈ જાય છે. ખરું મહત્ત્વ એકબીજાને પ્રેમ કરવા કરતાં પણ એકબીજાને સમજવાનું હોય છે. સમય સાથે બદલાતા જતા સંજોગોને પણ સમજવાના હોય છે. પરસ્પર સમજણનો સેતુ હશે તો પ્રેમ તો એમાં રહેવાનો જ, એના પર મહાલવાનો જ અને લાગણીનો સેતુ પણ રહેશે. બાકી તો સમજણ વિના બધું અધૂરું, પ્રેમ પણ. ચાલો હવેથી વૅલેન્ટાઇન્સ ડે સાથે અન્ડરસ્ટૅન્ડિંગ ડે પણ ઊજવવાનું શરૂ કરીએ.

13 February, 2020 05:03 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:59 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:45 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:41 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK