Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પહેલવહેલાં ગુજરાતી પાઠ્યપુસ્તકો એક અંગ્રેજના હાથે મુંબઈમાં તૈયાર થયેલાં

પહેલવહેલાં ગુજરાતી પાઠ્યપુસ્તકો એક અંગ્રેજના હાથે મુંબઈમાં તૈયાર થયેલાં

14 January, 2023 02:37 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

૧૮૨૩માં બ્રિટિશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓ માટે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને એના સુપરિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી, એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું.

સરકારી પારસી કન્યાશાળા, ૧૮૭૦

ચલ મન મુંબઈ નગરી

સરકારી પારસી કન્યાશાળા, ૧૮૭૦


૧૮૨૩માં બ્રિટિશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓ માટે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને એના સુપરિન્ટેન્ડન્ટ બન્યા. 
વિદ્યાલયની બે શાખાઓ હતી, એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. 
ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા!

૧૮૨૨ના ઑગસ્ટની ૨૧મી તારીખથી ‘ધ નેટિવ સ્કૂલ ઍન્ડ સ્કૂલ બુક કમિટી’ કમિટીમાંથી સોસાયટી બની અને માતૃ સંસ્થાથી અલગ, સ્વતંત્ર રીતે કામ કરતી થઈ. એને દાનરૂપે જે રકમ મળી એમાંથી ઝાઝાં પુસ્તક પ્રગટ થઈ શકે એમ નહોતું. છતાં કામ શરૂ તો કરવું જ પડે. અને એલ્ફિન્સ્ટનની ચકોર આંખોએ શોધી કાઢ્યા કૅપ્ટન જ્યૉર્જ રિસ્ટો જર્વિસને. ગુજરાતીના બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે તે કૅપ્ટન જ્યૉર્જ રિસ્ટો જર્વિસનો ફાળો સૌથી મોટો અને મહત્ત્વનો હતો પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં. ૧૭૯૪ના ઑક્ટોબરની છઠ્ઠી તારીખે મદ્રાસ (હાલનું ચેન્નઈ)માં જન્મ. વ્યવસાયે એન્જિનિયર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની આઠમી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઈ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઈ. મુખ્ય કામ બૉમ્બે પ્રેસિડેન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સારુંએવું ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારાએવા માહિતગાર. વળી ‘દેશી’ઓના શિક્ષણ અંગે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા કે શાળાના શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે. એટલે ધ નેટિવ સ્કૂલ ઍન્ડ સ્કૂલ બુક સોસાયટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા એલ્ફિન્સ્ટને તેમની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછાંમાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો વિશેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્યપુસ્તકોના અનુવાદ હતા પણ જુદા- જુદા વિષયો માટેની પરિભાષા નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો. કવિ નર્મદ તો ગુજરાતી ગદ્યના જનકનું માન જર્વિસને આપે છે : ‘ગદ્યમાં લખેલું આપણી પાસે કંઈ નથી. ગદ્યમાં કાગળો લખાતા ને દરબારમાં કામ ચાલતાં. પણ તે કેવી રીતના હતા ને છે તે સહુને માલમ છે ને એ કંઈ ભાષા વિદ્યા ન કહેવાય. ભાષા વિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે ને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષા-વિદ્યાનો શક કહેવો જોઈએ, કે જે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું.’  



૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં સોસાયટીએ આટલાં ગુજરાતી પાઠ્યપુસ્તકો પ્રગટ કર્યાં હતાં : (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) ઍડ્વાઇઝ ટુ ચિલ્ડ્રન ઇન શૉર્ટ સેન્ટન્સિસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઑન ધ મૅનેજમેન્ટ ઑફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહીં, શિક્ષકો માટે હતાં). ૧૮૫૯માં પ્રગટ થયેલા હોપ વાંચનમાળાના સાત ભાગ એ ગુજરાતી ભાષાનાં પહેલાં પાઠ્યપુસ્તકો નહીં જ. આમ છાપેલાં ગુજરાતી પુસ્તકો પહેલી વાર પ્રગટ થયાં એ મુંબઈથી. એવી જ રીતે પાંચ મરાઠી પાઠ્યપુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં એ પણ મરાઠી ભાષાનાં પહેલવહેલાં પાઠ્યપુસ્તકો. 


૧૮૨૩ના જુલાઈમાં બ્રિટિશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનાં શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી કૅપ્ટન જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને તેના સુપરિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી, એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. એમાં પહેલા વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષના અંતે પરીક્ષા લેવાઈ એમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજા વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછાંમાં ઓછાં પાંચ વરસ સરકારી નોકરી કરશે એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં એનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા! 

સરકારી નોકરીમાંથી રાજીનામું આપી ફિરોઝ નામની સ્ટીમર દ્વારા જર્વિસ યુરોપ જવા મુંબઈથી ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે નીકળ્યા. મુસાફરી દરમ્યાન જ ૧૮૫૧ના ઑક્ટોબરની ૧૪મી તારીખે ઉત્તર ફ્રાન્સના એક શહેર Bologne-sur-Merમાં તેમનું અણધાર્યું અવસાન થયું.


ગુજરાતી અને મરાઠી પાઠ્યપુસ્તકો પ્રગટ કરીને સોસાયટીએ પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર લાત મારશે એ વાત ચતુર બ્રાહ્મણ પંતુજીઓ તરત કળી ગયા. ગોરપદું કરનારા પણ સમજી ગયા કે વહેલા-મોડા શાસ્ત્ર ગ્રંથો પણ છપાશે અને તો ધાર્મિક ક્રિયાઓને નામે મનમાની રકમ પડાવવાનું મુશ્કેલ બનશે. એટલે બ્રાહ્મણોએ લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્યપુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં પશુની ચરબી ભેળવવામાં આવી છે અને એનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. એટલે સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાંદાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વેચવાને બદલે મફત વહેંચવાનું શરૂ કર્યું.

સોસાયટી પાસે જે ભંડોળ હતું એમાંથી કાંઈ ઝાઝાં પુસ્તકો છાપી શકાય એમ નહોતું. એ માટે સરકારી મદદ મળે તો જ કામ થઈ શકે તેમ હતું. આથી સોસાયટીએ સરકાર પાસે આર્થિક મદદ માગી પણ એના બદલે સરકારે તો જણાવ્યું કે હવે પછી પુસ્તકો તૈયાર કરાવવા વિશે તથા છાપવા વિશે જે કાંઈ ખર્ચ થાય એ બધો સરકાર ભોગવશે. કયાં પુસ્તકો છાપવાં, કેટલાં છાપવાં, એ સોસાયટી નક્કી કરશે. માત્ર છાપતાં પહેલાં ખર્ચ વિશેનો અંદાજ સરકારને મોકલવાનો. એને મંજૂરી મળે એની પણ રાહ જોવાની નહીં. શાળેય પાઠ્યપુસ્તકના લેખક કે અનુવાદકને એક સો રૂપિયાથી માંડીને ૪૦૦ રૂપિયા સુધીનું ‘ઇનામ’ સોસાયટી આપી શકે. વધુ ઊંચા ધોરણની ગુણવત્તા ધરાવતાં પુસ્તકો માટે ઇનામની રકમ પાંચ હજાર રૂપિયા સુધી વધારી શકાય. માત્ર જો કોઈ પુસ્તક પાછળ પાંચ હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ થાય તેમ હોય તો જ એ માટે સરકારની આગોતરી મંજૂરી જરૂરી હતી. આમ ૧૮૨૫માં સરકાર તરફથી સોસાયટીને લગભગ ‘બ્લૅન્ક ચેક’ મળ્યો અને પુસ્તક પ્રકાશનના કામે વેગ પકડ્યો. અલબત્ત, સરકારના આવા ઉદાર વલણ પાછળ કારણભૂત હતી એલ્ફિન્સ્ટનની ઉદાર નીતિ.

પુસ્તકોની વાત થાળે પડી એટલે સોસાયટી નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક વિશે સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પરીક્ષા લેવાઈ એમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પુણે, સાતારા, ધારવાડ, અહમદનગર, નાશિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. એવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા એ જ વર્ષના ઑગસ્ટની ૧૪મી તારીખે લેવાઈ, જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. એમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકરને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકરને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુંદરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી એ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી આજના ગુજરાત રાજ્યની પહેલી સ્કૂલો. એટલે કે ગુજરાતની સ્કૂલો માટેના પહેલવહેલા શિક્ષકો પણ તૈયાર થયા હતા મુંબઈમાં.

આપણને ગમે કે ન ગમે પણ મોટા ભાગની સંસ્થાઓ અને સરકારો સુધ્ધાં કેવાં કામ કરશે અને કેવાં કામ નહીં કરે, કઈ રીતે કરશે અને કઈ રીતે નહીં કરે, એનો ઘણો આધાર એના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ પર રહે છે. એલ્ફિન્સ્ટન ગવર્નર હતા ત્યાં સુધી તો મુંબઈ સરકારના ચારે હાથ સોસાયટી પર રહ્યા પણ નવા ગવર્નર આવ્યા પછી ૧૮૩૨માં સરકારની રૂખ બદલાઈ. ૧૮૩૨ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે સોસાયટીને એક પત્ર લખીને સરકારે જણાવ્યું કે ૧૮૨૫થી આજ સુધીમાં સોસાયટીનાં પુસ્તકો પાછળ સરકારે ૯૭,૨૨૩ રૂપિયા, ત્રણ આના અને આઠ પાઈનો જંગી ખર્ચ કર્યો છે. જેમને માટે આ પુસ્તકો છાપ્યાં તે ‘દેશીઓ’એ આ કામ માટે બહુ ઓછો ફાળો આપ્યો છે. એટલે હવે પછીથી દર વર્ષે સરકાર સોસાયટીને ૨૦ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ રકમ ક્યાં, કઈ રીતે વાપરવી એ સોસાયટી નક્કી કરી શકશે. વધુ રકમ મેળવવા માટે સોસાયટીએ લખાપટ્ટી કરી ત્યારે સરકારે અગાઉની અમુક લેણી નીકળતી રકમ શોધી કાઢી અને જણાવ્યું કે આ રકમ સામે દર વર્ષે રૂ. ૬૯૬૮ ગ્રાન્ટની રકમમાંથી કાપી લેવામાં આવશે અને પૂરેપૂરી રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી વાર્ષિક ગ્રાન્ટ રૂપે ૧૩,૦૩૨ રૂપિયા જ સોસાયટીને મળશે. કોઈ પણ સારા કામને કઈ રીતે મારી નાખવું એ બધી સરકારો જાણતી હોય છે. 

આ સરકારી સ્કૂલોએ અને પાઠ્યપુસ્તકોએ ન્યાત-જાત, ઊંચ-નીચના ભેદ વગર પહેલાં છોકરાઓને અને પછી છોકરીઓને પણ શિક્ષણ સુલભ કરી આપ્યું. તેથી સામાજિક સીડીનાં પગથિયાં ચડવાનું થોડું સહેલું અને સુલભ થયું. અને વખત જતાં ઉચ્ચ શિક્ષણની સગવડ થતાં એ વધુ સંગીન બન્યું. હવે પછી કરીશું મુંબઈના ઉચ્ચ શિક્ષણ વિશે થોડી વાતો.

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 02:37 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK