Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જંગ તો ચંદ રોજ હોતી હૈ, ઝિંદગી બરસોં તલક રોતી હૈ

જંગ તો ચંદ રોજ હોતી હૈ, ઝિંદગી બરસોં તલક રોતી હૈ

28 January, 2022 05:57 PM IST | Mumbai
RJ Dhvanit Thaker

‘બૉર્ડર’ના આ સૉન્ગ માટે કોઈ પણ દિવસ અપ્રોપ્રિએટ છે, કારણ કે એની આવશ્યકતા અત્યારના સમયમાં સૌથી વધારે છે

જંગ તો ચંદ રોજ હોતી હૈ, ઝિંદગી બરસોં તલક રોતી હૈ

જંગ તો ચંદ રોજ હોતી હૈ, ઝિંદગી બરસોં તલક રોતી હૈ


બારુદ સે બોઝલ સારી ફિઝા,
હૈ મોત કી બૂ ફૈલાતી હવા
ઝખ્મો પે હૈ છાઈ લાચારી, 
ગલિયોં મેં હૈ ફિરતી બીમારી
યે મરતે બચ્ચે હાથોં મેં,
યે માઓં કા રોના રાતોં મેં
મુર્દા બસ્તી મુર્દા હૈ નગર, 
ચેહરે પત્થર હૈ દિલ પત્થર
મેરે દુશ્મન, મેરે ભાઈ, મેરે હમસાયે
મુઝસે તુઝસે, હમ દોંનો સે
સુન યે પત્થર કુછ કહતે હૈ
બર્બાદી કે સારે મંજર કુછ કહતે હૈ
ફિલ્મ ‘બૉર્ડર’, મ્યુઝિક અનુ મલિક, ગીતકાર જાવેદ અખ્તર અને ગાયક હરિહરન. આ શબ્દો સાંભળીને જો ધગધગતું લોહી શાંત ન પડે તો તમે માણસ નથી, આ ગીત સાંભળીને જો તમારા હાથમાંથી હથિયાર નીચે પડી ન જાય તો તમે માણસ નથી અને આ ગીત સાંભળીને જો તમારી આંખમાં પાણી ન આવે તો તમે માણસ નથી. હા, તમે માણસ નથી. ભલભલાને પીગળાવી દે એવી ભાવના સાથે આ ગીત બન્યું છે. એની ધૂનથી લઈને એના શબ્દો અને એની ગાયિકી. બધેબધું એ સ્તરનું અવ્વલ દરજ્જાનું કે એના વિશે વાત કરતી વખતે પણ મનમાં ખચકાટ થાય કે આપણે આપણી જાતને શરમજનક અવસ્થામાં તો નહીં મૂકી દઈએને?
ભલે મૂકી દઈએ આપણે આપણી જાતને ક્ષોભજનક અવસ્થામાં; પણ આ ગીત, આ શબ્દો, આ ભાવનાઓને સૌ તરફથી વાચા મળવી જ જોઈએ. જો મારું ચાલે તો સાહેબ, હું આ ગીતને આંતરરાષ્ટ્રીય એકતા-ગીત તરીકે પ્રસ્થાપિત કરું. એના જે શબ્દો છે એ શબ્દો મનમાં શાંતિ આપે છે તો સાથોસાથ એના શબ્દો વિચારોને પણ વાસ્તવિકતાનું દર્શન કરાવે છે અને એ દર્શન કરવું જરૂરી છે. બહુ આવશ્યક છે એ વાસ્તવિકતાની સભાનતા કેળવવી.
તમે કહો, દુનિયામાં સૌથી વધુ આર્થિક નુકસાની ક્યારે થાય? ક્યારે સૌથી વધુ દ્રવ્ય-હિંસા થાય? 
એક જ જવાબ છે - યુદ્ધમાં. હવે તમે કહો, આ યુદ્ધ થાય છે શું કામ? કયા કારણસર બધું પડતું મૂકીને લડાઈ માટે લોકો બહાર નીકળે છે?
એક નહીં, ત્રણ કારણસર : જર, જમીન અને જશ. જોરુવાળું કારણ હવેના સમયમાં વ્યક્તિગત ઝઘડા અને કજિયા કરાવે, યુદ્ધ નહીં અને એ તો તમે પણ માનશો.
જર, જમીન અને જશના વાંકે, એના પાપ યુદ્ધ થતાં હોય છે અને કોઈ પણ એ દેશની ભૌગોલિક અને આર્થિક હદો આ યુદ્ધ જ નક્કી કરતું હોય છે. આઝાદી પહેલાં આપણે અનેક યુદ્ધ જોયાં તો આઝાદી પછી પણ ભારતે અનેક યુદ્ધ જોયાં છે. 
ચીન સાથે ૧૯૬૨માં થયેલું યુદ્ધ હોય કે પછી ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૧માં પાકિસ્તાન સાથે થયેલું યુદ્ધ હોય કે પછી ૧૯૯૯માં પાકિસ્તાન સાથે થયેલું અને આજ સુધી પાકિસ્તાને જેને સત્તાવાર યુદ્ધ નથી ગણાવ્યું એ કારગિલ યુદ્ધ હોય. આ તો યુદ્ધની વાત થઈ, પણ સેનાનાં નાનાં-મોટાં ઑપરેશન્સ તો ખરાં જ. સાઉથ એશિયામાં ભારતના પાડોશી દેશો વચ્ચે હળી-મળીને રહી શકાય એવી સંવાદિતાનું વાતાવરણ મિસિંગ છે અને આ મિસિંગ વાતાવરણ જ ક્યાંક ને ક્યાંક જાવેદ અખ્તરના શબ્દોમાં વ્યથિત થાય છે.
હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે યુદ્ધકથાઓ માટેનો પૂરતો મસાલો હોવા છતાંય ભારતમાં જોઈએ એવી  વૉર ફિલ્મો  બની નથી. દેવ આનંદના ભાઈ ચેતન આનંદે ભારત-ચીન યુદ્ધ પરથી ફિલ્મ ‘હકીકત’ બનાવી હતી અને જ્યારે પણ ‘હકીકત’ યાદ આવે ત્યારે એનું પેલું મહાન સૉન્ગ પણ કાનમાં ગુંજવા માંડે....
કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથીયો
અબ તુમ્હારે હવાલે વતન સાથીયો...
ગીતકાર કૈફી આઝમી. કેવો સંયોગ. ‘બૉર્ડર’નું બેનમૂન ગીત જાવેદ અખ્તરે લખ્યું હતું તો ‘હકીકત’નું અવ્વલ દરજ્જાનું ગીત તેમના જ સસરા કહેવાય એવા કૈફી આઝમીની કલમમાંથી આવ્યું. એ ગીતના શબ્દો જુઓ તમે, એ ગીતના ભાવ જુઓ તમે. હૅટ્સ ઑફ કહેવાનું અને હૃદય સાત સલામી આપવા કૂદકા મારવા માંડે.
ઝિંદા રહને કે મૌસમ બહુત હૈ મગર
જાન દેને કી રુત રોઝ આતી નહીં
હુસ્ન ઔર ઇશ્ક દૌનો કો રુસ્વા કરે
વો જવાની જો ખૂન મેં નહાતી નહીં
આજ ધરતી બની હૈ દુલ્હન સાથિયોં
અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં...
મદન મોહનસાહેબનું મ્યુઝિક અને હરફન મૌલા એવા મોહમ્મદ રફીનો સ્વર. લોહીમાં ઉત્સાહ ભરી દે, રગોમાં ઉલ્લાસ ભરી દે અને દેશ માટે ખુવાર થવાનો ભાવ મનમાં આંજી દે એવું આ સૉન્ગ જ્યારે પણ સાંભળીએ ત્યારે દેશના જવાનો માટે માન હજારગણું વધી જાય અને વધી ગયેલા માન સાથે દેશ માટે જીવ આપવાનું જોમ પણ આવી જાય. ચેતન આંનદે ‘હકીકત’ પછી દૂરદર્શન માટે ‘પરમવીર ચક્ર’ નામની ટીવી-સિરિયલ પણ બનાવી હતી, જે એ સમયે જબરદસ્ત પૉપ્યુલર થઈ હતી.
‘પરમવીર ચક્ર’ જોવા માટે દીકરો ટીવી સામે બેઠો હોય તો મા ખુશ થતી અને પપ્પા રાજી થઈને દીકરાના મસ્તક પર પ્રેમથી હાથ ફેરવી લેતા. બને કે તેમના મનમાં પણ કૈફીસાહેબના શબ્દો ગુંજતા થઈ ગયા હોય...
સાંસ થમસી ગઈ, નબ્ઝ જમતી ગઈ
ફિર ભી બઢતે કદમ કો ના રુકને દિયા
કટ ગયે સર હમારે તો કુછ ગમ નહીં
સર હિમાલય કા હમને ન ઝૂકને દિયા
મરતે-મરતે રહા બાંકપન સાથિયોં
અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં
કૈફી આઝમી અને જાવેદ અખ્તરની કલમનો આ આસ્વાદ જ્યારે પણ માણ્યો છે ત્યારે મનમાં એક વાત અચૂક આવી છે કે આપણે કેવી રીતે કમ્યુનલ મનભેદ રાખી શકીએ. આપણા જ દેશમાં બેસીને આપણા દેશના જવાનોના લોહીમાં બારુદ ભરવાનું કામ એ ગીતકાર કરે છે જેની કોમની કેટલીક વ્યક્તિઓને લીધે બે ભાઈઓ વચ્ચે વર્ષોનો મતભેદ અંકાઈ ગયો છે. ઍનીવે, આપણે આપણી વાત કરીએ. આપણી વાત ચાલતી હતી ચેતન આનંદની અને તેમણે બનાવેલી ‘હકીકત’ની.
‘હકીકત’ કે પછી દૂરદર્શન પર આવેલી ‘પરમવીર ચક્ર’ સિવાય આપણે ત્યાં ભારત-પાકિસ્તાન યુદ્ધ પર ફિલ્મો બનવાના પ્રયત્નો થયા નહીં અને એની સામે હૉલીવુડ તો છેક પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પર પણ અદ્ભુત સ્તરની અને ઉત્તમ કહેવાય એવી કૅટેગરીની ફિલ્મો બનાવી ગયું. અલબત, વૉર ફિલ્મ બનાવવી સહેલી નથી જ નથી. યુદ્ધને ફિલ્મી પડદે ઉતારવાનું કામ પણ બહુ અઘરું છે તો સારી વૉર ફિલ્મ બનાવવા માટે બજેટની સાથે-સાથે ઊંડું રિસર્ચ અને ટેક્નિકલ કુશળતા પણ આવશ્યક છે અને એ આવશ્યકતાને પુરવાર કરી દેખાડી જે. પી. દત્તાએ. 
૧૯૯૭માં ડિરેક્ટર જે. પી. દત્તાએ ૧૯૭૧ના યુદ્ધનો ભાગ રહેલા ‘બૅટલ ઑફ લોંગેવાલા’ આધારિત ફિલ્મ ‘બૉર્ડર’ બનાવી અને ‘બૉર્ડર’એ સક્સેસની તમામ સીમાઓ તોડી નાખી, જેની વાતો કરીશું આપણે આવતા શુક્રવારે.

મદન મોહનનું મ્યુઝિક અને હરફન મૌલા મોહમ્મદ રફીનો સ્વર. લોહીમાં ઉત્સાહ ભરી દે, રગોમાં ઉલ્લાસ ભરી દે અને દેશ માટે ખુવાર થવાનો ભાવ મનમાં આંજી દે એવું સૉન્ગ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં...’ જ્યારે પણ સાંભળો ત્યારે દેશ માટે જીવ આપવાનું જોમ આવી જાય.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2022 05:57 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK