Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પંદરમી આઇપીએલમાંથી મળ્યાં પંદર રત્ન

પંદરમી આઇપીએલમાંથી મળ્યાં પંદર રત્ન

29 May, 2022 03:25 PM IST | Mumbai
Ajay Motivala | ajaymotivala@mid-day.com

ઉમરાન, પાટીદાર, અર્શદીપ, બદોની, મોહસિન, તિલક, રિન્કુ સહિતના નવા અને જાણીતા પ્લેયર્સના સફળ પર્ફોર્મન્સથી ભારતીય ટીમના સિલેક્ટરોનો પ્રૉબ્લેમ ઘણો હળવો થઈ ગયો

પંદરમી આઇપીએલમાંથી મળ્યાં પંદર રત્ન

પંદરમી આઇપીએલમાંથી મળ્યાં પંદર રત્ન


ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) એવો મંચ છે જે ખેલાડીને ઝીરોમાંથી હીરો બનાવે છે અને દિગ્ગજને પતનના દરવાજા તરફ પણ લઈ જાય છે. આ પંદરમી સીઝનમાં ભારતીય ક્રિકેટને ઓછામાં ઓછા ૧૫ ટૅલન્ટેડ પ્લેયર્સ મળ્યા છે, જેમાંના મોટા ભાગના સાવ અજાણ્યા ખેલાડીઓ પહેલી જ વાર ચમકતા જોવા મળ્યા છે, તો અમુક પ્લેયર્સે અગાઉ કરતાં આ વખતે પર્ફોર્મન્સ ઘણો સુધાર્યો છે. નવા નિશાળિયા અને ૨૦-૩૦ લાખ રૂપિયામાં ખરીદવામાં આવેલા ખેલાડીઓ ક્લિક થયા છે, પણ સેલિબ્રિટી ક્રિકેટરો ફ્લૉપ જતાં કંઈકેટલાય ચાહકો નિરાશ થયા છે. અગાઉની ચૅમ્પિયન ટીમોની તો વાત જ શું કરવી! ગુજરાત ટાઇટન્સ તથા લખનઉ સુપર જાયન્ટ્સ જેવી નવીસવી ટીમો પૉઇન્ટ્સ ટેબલ પર મોખરે ચમકી અને મુંબઈ ઇન્ડિયન્સ તથા ચેન્નઈ સુપર કિંગ્સે શરૂઆતથી જ તળિયું જોયું.
સનરાઇઝર્સ હૈદરાબાદના એક્સાઇટિંગ ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહે તો કમાલ જ કરી દીધી. આગલી સીઝન કરતાં તેમણે આ સીઝનમાં સારું રમીને ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી લીધી છે. જમ્મુ અને કાશ્મીરના ‘સ્પીડ ગન’ ઉમરાન મલિક માટે સતત કલાકે ૧૫૦-પ્લસ કિલોમીટરની ઝડપે અસરદાર બૉલ ફેંકવાની કાબેલિયત કારગત નીવડી અને ૧૫૭ કિલોમીટરની પેસવાળો આઇપીએલનો રેકૉર્ડ-બ્રેક બૉલ ફળ્યો. ગુજરાત ટાઇટન્સ સામેની ૨૭ એપ્રિલની બોલિંગ ઍનૅલિસિસે (૪-૦-૨૫-૫) સિલેક્ટરોને ત્યારથી જ વિચારતા કરી દીધા હતા અને છેવટે તેના પર કળશ ઢોળી દીધો. હજી ગઈ આઇપીએલમાં ઑક્ટોબરમાં ઉમરાને એબી ડિવિલિયર્સ અને ગ્લેન મૅક્સવેલને બોલિંગ જરૂર કરી, પણ તેના બૉલ જોઈએ એટલા અસરદાર નહોતા. નવેમ્બરમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઇન્ડિયા ‘એ’ વતી રમ્યો અને એમાં ચમક્યો એટલે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને કૅપ્ટન કેન વિલિયમસનની સાથે ૪ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ૨૦૨૨ની આઇપીએલ તેને માટે મોટી કસોટી હતી, જેમાં હૈદરાબાદની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ એ પહેલાં તે કસોટીમાં પાસ થયો અને સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝની ટીમમાં સિલેક્ટ થઈ ગયો.
કવિ અને પબ્જી પ્લેયર અર્શદીપ
અર્શદીપ સિંહને કવિતા લખવાનો શોખ છે અને સાથીઓમાં પબ્જી-પ્લેયર તરીકે જાણીતો છે. તેણે ભારતીય ટીમના પસંદગીકારોને યૉર્કર અને ડેથ-ઓવરની બોલિંગથી પ્રભાવિત કર્યા છે. ઉમરાન મલિક આઇપીએલમાં માર્કો યેન્સેન વતી હૈદરાબાદ વતી રમ્યો, પણ હવે ૯ જૂનથી સાઉથ આફ્રિકા સામે શરૂ થતી ટી૨૦ સિરીઝમાં તેની સામે બોલિંગમાં હરીફાઈમાં ઊતરશે. એ જ પ્રમાણે અર્શદીપ સિંહે હવે પંજાબના સાથી-બોલર અને સાઉથ આફ્રિકાના મુખ્ય બોલર કૅગિસો રબાડા સામે ટી૨૦ શ્રેણીમાં ચડિયાતા પુરવાર થવાનું છે.
પોતાનાં લગ્ન મુલતવી રાખીને આઇપીએલમાં રમવા આવેલા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના રજત પાટીદારે બુધવારે પ્લે-ઑફના મુકાબલામાં અણનમ ૧૧૨ રન બનાવીને ધમાલ મચાવી હતી. બૅન્ગલોરની પહેલી ૬ મૅચ સુધી બેન્ચ પર જ બેઠા રહેલા પાટીદારે હવે ટીમ ઇન્ડિયામાં આવવા બહુ રાહ નહીં જોવી પડે એટલું ખાતરીપૂર્વક કહી શકાય.
ઉત્તર પ્રદેશમાં જન્મેલો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મોહસિન ખાન લખનઉ સુપર જાયન્ટ્સને એલિમિનેટરથી આગળ ન વધારી શક્યો, પણ સિલેક્ટરો આગામી ડોમેસ્ટિક મૅચોમાં આ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલરની લાઇન ઍન્ડ લેન્ગ્થની આવડત પર નજર જરૂર રાખશે.
સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતે સાવ તળિયે રહી એ વાત પર વધુ ચર્ચા ન કરતાં આ વખતના એક્સાઇટિંગ યંગસ્ટર્સમાં એના બૅટર તિલક વર્માની વાત જરૂર કરવી જોઈએ. હૈદરાબાદમાં જન્મેલા અને મુંબઈ ઇન્ડિયન્સે ૧.૭ કરોડ રૂપિયામાં ખરીદેલા તિલકે ૧૪ મૅચમાં જેટલા રન (૩૯૭ રન) બનાવ્યા એ ટીમના જ નહીં, પણ ૧૫મી સીઝનના સૌથી મોંઘા ખેલાડી ૧૫.૨૫ કરોડવાળા ઈશાન કિશન (૪૧૮ રન) કરતાં માત્ર ૨૧ ઓછા છે. ફરક એટલો છે કે ઈશાન જોઈએ એવું ન રમ્યો, પણ તિલકે ઈશાનથી પણ ચડિયાતા ૧૩૧.૦૨ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવીને મુંબઈની થોડીઘણી લાજ રાખી. ૧૯ વર્ષનો આ બૅટર મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી મોટી પૉઝિટિવ બાબત કહેવાય.
બદોની સીઝનનો પ્રથમ ‘અજાણ્યો સ્ટાર’
સૌથી મોંઘી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે ફક્ત ૨૦ લાખ રૂપિયામાં ખરીદેલો બૅટર આયુશ બદોની આ વખતની આઇપીએલના ‘અજાણ્યા’ ખેલાડીઓમાં ચમકેલો પહેલો ખેલાડી છે. અન્ડર-19 ટીમ વતી ચમક્યા પછી તેને દિલ્હીના સિલેક્ટરોએ અવગણ્યો હતો, પણ લખનઉએ સિલેક્ટ કરીને તેને નવી દિશા અપાવી. ગુજરાત સામે જ્યારે લખનઉની ટીમ ૨૯ રનમાં ૪ વિકેટ ગુમાવી બેઠી હતી ત્યારે ૩૬૦-ડિગ્રી શૉટ-મેકિંગથી જાણીતા થયેલા બદોનીએ ૪૧ બૉલમાં ૫૪ રન ફટકારીને લખનઉને ૧૫૦-પ્લસનો ફાઇટિંગ સ્કોર અપાવ્યો હતો. લખનઉની ટીમ એ મૅચ હારી ગઈ હતી, પણ બદોનીએ અનેકનાં દિલ જીતી લીધાં હતાં.
રાજસ્થાન રૉયલ્સની ટીમે ૨૦૦૮ના વર્ષની ચૅમ્પિયન સીઝન પછી કદાચ આ વખતે સૌથી વધુ સફળતા માણી છે અને પેસ બોલર કુલદીપ સેન એનો સાક્ષી છે. લખનઉના માર્કસ સ્ટૉઇનિસે છેલ્લી ઓવરમાં ધુલાઈ કરી એ પછી મૂળ મધ્ય પ્રદેશના કુલદીપ સેને સંજુ સૅમસનની ટીમને ભાગ્યે જ નિરાશ કરી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ ૨૦૧૮માં આઇપીએલમાં ડેબ્યુ કર્યું હતું, પણ ૨૦૨૨નું વર્ષ તેને માટે રોમાંચક બની ગયું. ડેવિડ વૉર્નર અને જૉની બેરસ્ટૉની આ ટીમમાંથી વિદાય થતાં ઓપનરની જવાબદારી અભિષેક પર આવી પડી હતી. તે ભલે હૈદરાબાદને પ્લે-ઑફમાં ન પહોંચાડી શક્યો, પણ આખી ટીમમાં સૌથી વધુ ૪૨૬ રન બનાવીને સાબિત કરી આપ્યું કે પોતાનામાં ભરોસાપાત્ર ઓપનર બનવાની ક્ષમતા છે. એટલું જ નહીં, કૅપ્ટન કેન વિલિયમસનની નિષ્ફળતાને પણ તેણે થોડી ઢાંકી દીધી હતી.

ગુજરાત ટાઇટન્સના હેડ-કોચ આશિષ નેહરાનું ગજબનું વિઝન



આશિષ નેહરા ભારતીય પેસ બોલર તરીકે ઠીક-ઠીક હતો, પરંતુ તેના કોચિંગે તો કમાલ કરી છે. પહેલી જ આઇપીએલમાં રમીને લીગ રાઉન્ડમાં મોટા ભાગે મોખરે રહેવું, સૌથી પહેલાં પ્લે-ઑફમાં પહોંચવું અને સીધા ફાઇનલમાં આગમન કરી લેવું એ ગુજરાત ટાઇટન્સનો જાદુ કરોડો ક્રિકેટપ્રેમીઓને હંમેશાં યાદ રહી જશે.  ટીમની આ જ્વલંત સફળતા માટે હાર્દિક પંડ્યાની કાબિલેદાદ કૅપ્ટન્સી સાથે નેહરાનું કોચિંગ પણ કારણરૂપ છે.

અગાઉ બૅન્ગલોરની ટીમને કોચિંગ આપી ચૂકેલા નેહરાએ આઇપીએલની આ સીઝનની શરૂઆતમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મેં તો મારા ખેલાડીઓને સલાહ આપી છે કે તમારે પહેલા વર્ષથી જ ટુર્નામેન્ટ જીતી લેવાનું લક્ષ્ય રાખવું જોઈશે, પૉઝિટિવ અપ્રોચ રાખવો જોઈશે અને શરૂઆતથી છેક સુધી ટીમવર્ક જળવાઈ રહે એ જરૂરી છે. મારા ખેલાડીઓ મારા વિઝન સાથે સહમત છે. ગુજરાત ટાઇટન્સ પાસે એક્સાઇટિંગ કૅપ્ટન છે, ઘણા યુવાનો અને અનુભવીઓ ટીમમાં છે અને ઑલરાઉન્ડર્સ તેમ જ મૅચ-વિનર્સ પણ ઘણા છે. ટૂંકમાં, અમને જે ટીમ મળી છે એનાથી અમે ઘણા ખુશ છીએ.’

૨૦૦૬ના સુપરહીરો દિનેશ કાર્તિકની ૨૦૨૨માં પણ ડિમાન્ડ

ભારત ૨૦૦૬માં જોહનિસબર્ગમાં પ્રથમ ટી૨૦ રમ્યું હતું. સાઉથ આફ્રિકા સામે ત્યારે ૧૨૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને દિનેશ મોંગિયાના ૩૮ તથા વીરેન્દર સેહવાગના ૩૪ રન બાદ દિનેશ કાર્તિક (અણનમ ૩૧, ૨૮ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) ભારત માટે મૅચ-ફિનિશર બન્યો હતો. ભારતની ટી૨૦ ક્રિકેટનો ત્યારે તે સૌપ્રથમ ‘મૅન ઑફ ધ મૅચ’ બન્યો હતો. અનેક ઉતાર-ચડાવવાળી કરીઅર ૨૦૧૯માં થંભી ગઈ અને તે કૉમેન્ટેટર બની ગયો. જોકે સુરેશ રૈનાની જેમ નિવૃત્તિત જાહેર ન કરી એટલે સિલેક્ટરોની નજરમાં તે ‘અવેલેબલ’ હતો જ. આ વખતની આઇપીએલ તેને માટે આશીર્વાદ બની ગઈ. તેણે બૅન્ગલોરને કેટલીક મૅચો ફિનિશ કરી આપી, સીઝનમાં ૧૬માંથી ૧૦ મૅચમાં અણનમ રહ્યો અને ૧૮૩.૩૩ આસપાસના સ્ટ્રાઇક-રેટથી ભારતીય સિલેક્ટરોને પ્રભાવિત કરી દીધા. ૯ જૂને ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝ માટેની ટીમમાં પસંદગીકારોએ તેને લાંબો વિચાર કર્યા વગર સમાવી દીધો અને તેની શુષ્ક બનેલી આંતરરાષ્ટ્રીય કારકિર્દીને નવો વળાંક મળી ગયો. સાઉથ આફ્રિકા સામે સફળ થશે તો આગામી ઑક્ટોબરના ટી૨૦ વર્લ્ડ કપમાં પણ તેને રમવાનો મોકો મળશે. તેણે તો ભારતને બીજી ટી૨૦ વિશ્વકપ ટ્રોફી અપાવવાનું બીડું ઝડપ્યું જ છે. જોઈએ હવે આવનારાં અઠવાડિયાં તેને સપનું સાકાર કરવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે કે નહીં!

ફ્લૉપ સેલિબ્રિટીઝ

રોહિત શર્મા ફ્લૉપ ગયો એટલે તેની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સાવ તળિયે બેસી ગઈ. પાંચ-પાંચ ટાઇટલ જીતનાર આ ટીમ ૧૦મા નંબરે રહીને સીઝનમાંથી વિદાય લે એ મોટી નામોશી કહેવાય. તમામ ૭૦ લીગ મૅચો મહારાષ્ટ્રમાં અને એમાંની મોટા ભાગની મૅચો મુંબઈમાં (વાનખેડે, બ્રેબર્નમાં) રમાઈ, પણ હોમ-ટીમે શરૂઆતથી જ પરાજયની હારમાળા જોઈ. ૧૬ કરોડ રૂપિયાની કૉન્ટ્રૅક્ટ-ફી મેળવનાર રોહિતે ૧૪ મૅચમાં જે ૨૬૮ રન બનાવ્યા એમાં એક પણ હાફ સેન્ચુરી નહોતી. ૧૫.૨૫ કરોડ રૂપિયાવાળો ૨૦૨૨ની સીઝનનો સૌથી મોંઘો ખેલાડી ઈશાન કિશન (૩ હાફ સેન્ચુરી સાથે ૪૧૮ રન) પણ મુંબઈને લીગ રાઉન્ડની પનોતીમાંથી બહાર ન કાઢી શક્યો. એક સીઝનના ૬ કરોડ રૂપિયા મેળવનાર કીરોન પોલાર્ડ (૧૧ મૅચમાં ફક્ત ૧૪૪ રન, ૧૦૭.૦નો સ્ટ્રાઇક-રેટની ફ્લૉપ બૅટિંગ મુંબઈની ટીમ માટે રોહિત પછીની બીજી મોટી નિષ્ફળતા ગણી શકાય. ટૉપ-ઑર્ડર ફેલ થતાં પોલાર્ડને અનેક વાર મુંબઈને મુશ્કેલીમાંથી ઉગારવાની તક મળી હતી, પણ તેણે એ મોકા ગુમાવ્યા અને મુંબઈની ટીમને તેના પરનો વધુપડતો વિશ્વાસ મોંઘો પડ્યો.
બૅન્ગલોરની ટીમે લીગ રાઉન્ડમાં છેક સુધી અન્ય ટીમનાં પરિણામ પર આધાર રાખવો પડ્યો અને દિલ્હી વગેરે ટીમની નિષ્ફળતાને પગલે પ્લે-ઑફમાં જગ્યા મેળવી એ માટે એના બૅટર્સ કરતાં બોલર્સને દાદ દેવી પડે. બૅન્ગલોરની બૅટિંગ-હરોળમાં વિરાટ કોહલીએ સૌથી નિરાશ કર્યા. તેના ૧૬ મૅચમાં માત્ર ૩૪૧ રન હતા અને તેની બૅટિંગ-ઍવરેજ ફક્ત ૨૨.૭૩ હતી. તેના ખાતે માત્ર બે હાફ સેન્ચુરી હતી, પણ ત્રણ-ત્રણ ગોલ્ડન ડકને લીધે તેની પ્રતિભાને વધુ હાનિ પહોંચી છે. નસીબજોગે ૧૯ મેએ વાનખેડેમાં ગુજરાત સામેની મૅચમાં તે ફૉર્મમાં આવ્યો અને તેના મૅચ-વિનિંગ ૭૩ રનની મદદથી બૅન્ગલોર માટે પ્લે-ઑફનો દરવાજો ખૂલી ગયો હતો.
બીજી ફ્લૉપ સેલિબ્રિટીઝમાં મહેન્દ્ર સિંહ ધોની (૧૪ મૅચમાં ફક્ત એક હાફ સેન્ચુરી સાથે ૨૩૨ રન, ૯ કૅચ)નું નામ અચૂક લેવું પડે. કૅપ્ટન્સી છોડીને એ રવીન્દ્ર જાડેજાને સોંપવી અને પછી જાડેજાની નિષ્ફળતાને પગલે તેની પાસેથી પાછી લઈ લીધી અને જાડેજા ટીમ ‘છોડીને’ જતો રહ્યો એ આખું પ્રકરણ ચેન્નઈને ૧૦ ટીમમાં ૯મા સ્થાન પર ધકેલવા માટે જવાબદાર ગણી શકાય. જાડેજા કૅપ્ટન્સી સંભાળવાના ચક્કરમાં એવો અટવાઈ ગયો કે ૧૦ મૅચમાં ફક્ત ૧૧૬ રન બનાવી શક્યો અને માત્ર પાંચ વિકેટ લઈ શક્યો.
અન્ય જાણીતા ખેલાડીઓમાં હૈદરાબાદને કૅપ્ટન કેન વિલિયમસન (૧૩ મૅચમાં માત્ર ૨૧૬ રન)ની નબળી બૅટિંગ નડી ગઈ હતી. ગઈ સીઝનના સ્ટાર્સમાં ગણાતો રાજસ્થાન રૉયલ્સનો દેવદત્ત પડિક્કલ (૭.૭૫ કરોડ રૂપિયા) આ વખતે શરૂઆતની ઘણી મૅચોમાં નબળા પર્ફોર્મન્સ પછી ક્લિક થયો. ૨૦૨૧માં ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડે હાઇએસ્ટ ૬૩૫ રન બનાવ્યા હતા, પરંતુ આ વખતે તે ૬ કરોડ રૂપિયામાં સાઇન થયા બાદ ૨૬.૨૮ની સરેરાશે માત્ર ૩૬૮ રન બનાવી શક્યો એટલે ચેન્નઈના ફ્લૉપ-શો માટે એ પણ થોડેઘણે અંશે જવાબદાર કહેવાય.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2022 03:25 PM IST | Mumbai | Ajay Motivala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK