Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તું સકલ જગધારિણી

તું સકલ જગધારિણી

25 September, 2022 02:29 PM IST | Mumbai
Hiten Anandpara

તહેવારો આપણું ટોનિક છે

પ્રતીકાત્મક તસવીર અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


કાકાસાહેબ કાલેલકરે લખ્યું હતું, ‘તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ, વિશિષ્ટ પ્રસંગો અને એનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ, ઋતુફેરફારનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ. તહેવારો આપણા ભેરુ છે.’ આ લખાણમાં આજની ભાષામાં ઉમેરો કરવો હોય તો કહી શકાય કે તહેવારો આપણું ટોનિક છે. રૂમઝૂમ કરતી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ફાલ્ગુની ભટ્ટની પંક્તિઓ સાથે મા જગદંબાની વંદના કરીએ... 

હે દયાળી માત! તારા હાથ માથે રાખજે
આ જગતના તાપ ને સંતાપને તું ટાળજે
હે ભવાની! તું જ સઘળે વ્યાપ્ત છે આ ચોકમાં
ગર્ભનો દીવો બની આ સૃષ્ટિને અજવાળજે



ગરબામાં કવિ વલ્લભ ભટ્ટ મેવાડાનું નામ અગ્રિમ સ્થાને છે. તેમણે પારાવાર સુંદર ગરબાઓની ભેટ આપણને આપી. એની પાછળ એક વાયકા છે. ગીત-રાસ લખતા આ કવિ એક વાર શ્રીનાથજીનાં દર્શને ગયા. પૂજારીએ કહ્યું કે દર્શન બંધ થઈ ગયાં છે. નામ વલ્લભ હોવા છતાં કવિ પાસે પાછા ફરવા સિવાય છૂટકો નહોતો. તેમણે ખિન્ન હૃદયે નક્કી કર્યું કે જે બાપ પોતાનાં સંતાનોને દર્શન ન આપે તેની સ્તુતિ કરવાને બદલે સદાય સુલભ એવી માની સ્તુતિ લખવી. ‘મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે’ કે ‘રંગતાળી રંગતાળી રંગતાળી કે રંગમાં રંગતાળી’ જેવા પ્રસિદ્ધ ગરબા તેમની કલમથી આપણને મળ્યા. અમદાવાદ નજીક સીતાપુરમાં વલ્લભ ભટ્ટની વાવ છે. તેમની પ્રસિદ્ધ કૃતિ ‘આનંદનો ગરબો’માં ૧૧૮ કડી અને ૨૩૬ પંક્તિ છે. આ અમર રચના સંવત ૧૭૦૯  ફાગણ સુદ બીજના દિવસે રચાઈ હતી. એમાંથી બે કડી માણીએ...  


સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ ત્હારો મા
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતી તું ભવની મા
આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા

ગરબી સાથે દયારામનું નામ જોડાઈ ગયું છે. તેમની ગરબીઓ અત્યંત લોકપ્રિય થઈ. ગરબીમાં સામાન્ય રીતે રાધાકૃષ્ણની કે કૃષ્ણલીલાની વાત હોય છે, જ્યારે ગરબામાં માતાજીની પ્રાર્થના-સ્તુતિ હોય છે. ગરબીનો સંબંધ વૈષ્ણવ પંથ સાથે અને ગરબાનો સંબંધ શક્તિપૂજા સાથે છે. કેદાર વશી આ પૂજામાં જોડાય છે ને સાથે-સાથે એક સવાલ પણ ઊભો કરે છે...
હર ચોરે ને ચૌટે માતા જગદંબા વર્તાય છે
તો ઘરમાં નારીશક્તિની અવહેલના કાં થાય છે?
મા, બહેન, બેટી, ભાર્યામાં જગદંબાનો વાસ છે
દેવો આવી ત્યાં રમે છે જ્યાં નારી પૂજાય છે


નવરાત્રિની ઉજવણી દેશના વિવિધ ભાગોમાં રંગેચંગે કરવામાં આવે છે. ‘ઈંધણાં વીણવા ગઈ’તી મોરી સૈયર’ કે ‘આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો’ જેવાં ગીતો હવે બિનગુજરાતીઓને પણ અજાણ્યાં લાગતાં નથી. તૃપ્તિ ભાટકર નોરતાંમાં ઓરતા જોડે છે...
નવ રૂપ આદ્યાશક્તિનાં ઘર ઘર દીપાવે નોરતાં
આનંદ ને ઉલ્લાસ, ભક્તિ સંગ લાવે નોરતાં
રક્ષા કરે મા ભક્તની, સુખ-શાંતિની વર્ષા કરે
સૌને ભુલાવી રંજ, ગરબે મન મળાવે નોરતાં

નવરાત્રિ એટલે આસ્થા અને આરતીનું પર્વ, ગરબા અને ગરવાપણાનું પર્વ, થનગનાટ અને રણકારનું પર્વ, દૈવીશક્તિની અર્ચના અને ઉપાસનાનું પર્વ. પારંપરિક પહેરવેશમાં કોઈ આઇટી એન્જિનિયર યુવતી ઝૂમતી હોય કે સ્ટાર્ટઅપનો યુવાન સીઈઓ ગરબે ઘૂમતો જોવા મળે ત્યારે પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય રચાય. ડૉ. સેજલ દેસાઈ ઉલ્લાસને વણી લે છે...
માટલીમાં જ્યોત થઈને શોભતા
દીવડામાં ઝળહળે છે ઓરતા
કેડિયું ને ચૂંદડી હરખાય બહુ
રાસ-ગરબાથી છલોછલ નોરતાં

ઓણ સાલ નવરાત્રિમાં ખેલૈયાઓ ઝૂમે એ જરૂરી છે. કલાકારો આર્થિક રીતે પ્રવાહમાં વહેતા થાય એ આવશ્યક છે. અર્થતંત્ર અને આસ્થાતંત્ર બન્નેનો સમન્વય આવકાર્ય છે. જોકે એ માટે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ભારતી ગડા આ વાતનો નિર્દેશ કરે છે...
તાળીઓના તાલે રમવા
સૌ સાથે થનગનવું થોડું
જગદંબાની પૂજા કરવા
મન ભીતર ઝળહળવું થોડું

લાસ્ટ લાઇન

શ્રી મહારાજ્ઞી, શ્રી માતા, તું સકલ જગધારિણી
મમ હૃદયમાં તેજ રૂપે વસજો ચેતનદાયિની 

તું જ સર્જક, તું જ રક્ષક, પુષ્ટિદાતા, અન્નદા
તું ગતિભર્તા, વિધાતા, તું જ પાલનહારિણી 

મા કૃપા તારી જો વરસે, મૂઢ પણ વેદો વદે 
દોષ, શંકા, દુઃખ નિવારણ કરજો મા વાગ્વાદિની 

શુભ નિશુંભને મારનારી, પાપનાશિની, કાલિકા 
અંબિકા, કલ્યાણી, આદ્યા, તું અભયપદદાયિની

તવ ચરણમાં વંદીને ભાવે ઉતારું આરતી
ઝળહળે તારાથી જીવન, તું છે આનંદદાયિની 

- મીતા ગોર મેવાડા

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 02:29 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK