° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


હૅપી દિવાલીની આતશબાજી

23 October, 2022 10:37 AM IST | Mumbai
Hiten Anandpara

કીમતી ચીજોની રખેવાળી કરી. જે બધું નકામું પટારામાં ઠાંસીને ભર્યું છે એનું અચ્યુતમ્ કેશવમ્ કરવાનું કામ દિવાળી પર્વમાં કરવાનું છે

પ્રતીકાત્મક તસવીર અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર

ધનતેરસ સુમનતેરસ અને પ્રસન્નતેરસ બની રહે એવી ડિજિટલ શુભેચ્છા સૌ વાચકોને પેટીએમ કરીએ છીએ. પેટીએમ એમ ને એમ ન ખૂલે ત્યારે કળ વાપરવી પડે એ આપણા વડીલો શીખવીને ગયા છે. કીમતી ચીજોની રખેવાળી કરી. જે બધું નકામું પટારામાં ઠાંસીને ભર્યું છે એનું અચ્યુતમ્ કેશવમ્ કરવાનું કામ દિવાળી પર્વમાં કરવાનું છે. આ પર્વ શું શીખવે છે એની વાત હસમુખ ટાંક સૂર કરે છે...

કડવાશોને મનમાં રાખીને શું કરશો બોલો?

લ્યો જલ્દી તેને સળગાવો કે દિવાળી આવી

પળના પરપોટા છીએ પળમાં ફૂટી જાવાના

આજે લઈ લ્યો સઘળો લ્હાવો કે દિવાળી આવી

તહેવાર માત્ર વહેવાર સાચવવાનું નિમિત્ત નથી. બીબાઢાળ જિંદગીમાં એ કમર્શિયલ નહીં, ઇમોશનલ બ્રેક બનીને આવે છે. લાંબા અંતરે રહેતાં સગાંસંબંધીઓ અને સ્વજનોને મળવાનું ઉજાસમય કારણ પૂરું પાડે છે. દિવાળી પર્વમાં વિશેષ સમજાય છે કે પરિવાર માત્ર એક સામાજિક રચના નથી, ઋણાનુબંધને ઊજવવાનો અવસર છે. સામાન્ય લાગતી ઘણી બાબતો અસામાન્ય મહત્ત્વ ધરાવે છે. જયવદન વશી સાર સમજાવે છે...

મન મળે તો જીત શું - શું હાર છે

પ્રેમમાં સંબંધનો સ્વીકાર છે

એ દિવાળી, એ જ હોળી મન થકી

આપણું મળવું બને તહેવાર છે

એકબીજાને મળવામાં કશું મેળવવાની ભાવના ન હોય. નાના હતા ત્યારે બેગાની શાદી મેં અબદુલ્લા દીવાના ગીતની જેમ કોઈના પણ ઘરે જઈ, પગે લાગી પીપર, ચૉકલેટ, બદામ ઉપાડી લેતા. એક જણ છેતરતું ને બીજું જણ છેતરાતું છતાંય ઉભય પક્ષે આનંદ રહેતો. વડીલો આવા કૅલ્ક્યુલેટેડ રિસ્કને ધ્યાનમાં રાખીને પરચૂરણ ખાવા-પીવાની ચીજનો સ્ટૉક થોડો વધારે જ રાખતા. જાન ન પહચાન, મૈં તેરા મેહમાન ઉક્તિ આત્મસાત્ કરતું બાળપણ ઘણું શીખવાડતું હોય છે. ભારતી ગડા દિવાળીનું હાર્દ સમજાવે છે...

પ્રેમની જ્યાં હાજરી કાયમ દિવાળી

હોય ના નારાજગી કાયમ દિવાળી

આવકારું Welcomeનાં તોરણોથી

સાદગી છે આપણી કાયમ દિવાળી

દિવાળીમાં સાદગી પણ સારી લાગે અને ભપકો પણ વહાલો લાગે. ઉંબરાની બહાર માત્ર બે દીવા મૂક્યા હોય તોય દિવાળી વર્તાય. પાણીમાં તેલ તરે ને એની ઉપર વાટ સ્થાયી થઈને જ્યોતને સાચવે. પ્રવાહી, તરલ અને ઘન એમ ત્રણેય સ્વરૂપ સંપીને અજવાસને ઉજાગર કરે. આંગણે લટકતાં પારંપરિક તોરણોમાં રંગીનિયત વર્તાય. બારસાખની એકલતા દૂર થતાં જ એ ખીલી ઊઠે. ઉંબરો સાથિયો ગ્રહણ કરીને જાણે લલાટે તિલક થયું હોય એવો પવિત્ર ભાવ અનુભવે. વસંત રાવલ ગિરનારી આ હર્ષને સહર્ષ રજૂ કરે છે...

પાંખ મળી છે પહાડો ચઢવાકાંઈ

ખપે નહીં ડોલી જેવું

દિવાળીની રાત મજાની

નભ આખું રંગોલી જેવું

દિવાળીની રાતે આકાશની રોનક બદલાઈ જાય. બાટલીમાંથી રૉકેટ આકાશમાં ઉડાડીએ ત્યારે ઇસરોના માનદ ડિરેક્ટર બની ગયા હોઈએ એવો ભાવ જાગે. વેગથી ધસમસતાં કેટલાંક રૉકેટ આકાશમાં સહજતાથી ઓગળી જાય તો કેટલાંક રૉકેટ ફૂટીને પોતાની આખરી ક્ષણો રજિસ્ટર કરાવે. ત્રણ-ચાર રૉકેટ ઉડાડીને બૉક્સમાં કેટલી સિલક બચી છે એનો હિસાબ આંખો તાગી લે. રૉકેટની વાટ પેટાવતી અગરબત્તી થોડું ઑકવર્ડ ફીલ કરે કે મંદિરને બદલે અહીં મારો ઉપયોગ કેમ થાય છે. જોકે જાત સાથે થોડીક રકઝક પછી એને જ્ઞાન થાય કે મારા થકી કોઈને આનંદ મળતો હોય તો એમાં કંઈ ખોટું નથી. ફાલ્ગુની ભટ્ટ દિવાળીને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરે છે...

દીપ પ્રગટે ઝગમગે ઘર એને દિવાળી કહો

દૂર હો મનના તમસ જ્યાં એને દિવાળી કહો

ભીતરે રેલાય છે આ ઉત્સવોનો રંગ જો

‘હું’પણું નતમસ્તકે જ્યાં એને દિવાળી કહો

અંતરના ઉજાસનું આ પર્વ સૌને મુબારક. સમાનતાની આ દુનિયામાં પૃથા મહેતા

સોની દર્શાવે છે એ અનુકંપા આવકાર્ય અને અનિવાર્ય છે...

ઘરે-બાહરે, અંતરે હું ઉજાળું,

વરસનો વધ્યો તે વખત પણ ઉજાળું

દિવાળી નિમિત્તે થયું લાવ દીવા

તળે જે રહે તે અછત પણ ઉજાળું

લાસ્ટ લાઇન

દિવાળીનું ગીત

 

કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર ને માયા

સૌ રૉકેટની સાથે ઉડાડજે

હૅપી દિવાલીની આતશબાજીથી

તારા દિલના અંબરને દીપાવજે

 

કાળી ચૌદશનાં સૌ નાતજાત, ભેદભાવ,

કજિયાને આઘે હંકાર તું

જીવનના લીલાછમ આસોપાલવ દ્વારા

ઘરના ઉંબરને શણગાર તું

એકતાના દીવડાઓ ટમટમતા મૂકીને

દુનિયાનું પ્રાંગણ અજવાળજે

 

માનવ માનવરૂપી ટપકાંને જોડીને

સુંદર રંગોળી બનાવ તું

ભાવ, પ્રેમ, હેત, સ્નેહ, અસ્મિતા જેવા

સૌ રંગોથી એને સજાવ તું

હર્ષોલ્લાસ તણી કાજુકતરી વહેંચી

આનંદની ફૂલઝર પ્રગટાવજે

 

જય સુરેશ દાવડા

23 October, 2022 10:37 AM IST | Mumbai | Hiten Anandpara

અન્ય લેખો

જૂઠને પડકાર કર

જિંદગી આપણને કંઈક કરવા માટે મળી છે. શું કરવું એનો નિર્ણય કરવામાં અઢી દાયકા જતા રહે

22 January, 2023 12:26 IST | Mumbai | Hiten Anandpara

ફરીથી પવન પર કવિતા લખાશે

અમદાવાદમાં ૧૯૮૯થી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે જેમાં દેશ-વિદેશથી પતંગબાજો ઊતરી આવે છે

15 January, 2023 03:12 IST | Mumbai | Hiten Anandpara

હું સમંદર સમ ઉછાળા જોઉં છું

શાસકોની અણઆવડત અને સૈન્યના બેફામ ખર્ચાને કારણે પાકિસ્તાન દેવાળું ફૂંકે તો નવાઈ નહીં

08 January, 2023 02:11 IST | Mumbai | Hiten Anandpara

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK