Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > હું પણ બની ગયો ડિટ્ટો મારા પપ્પા જેવો

હું પણ બની ગયો ડિટ્ટો મારા પપ્પા જેવો

16 June, 2024 01:00 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

‘વડ એવા ટેટા અને બાપ એવા બેટા’ ઉક્તિ યથાર્થ થાય ત્યારે લાગણીથી પરિપૂર્ણ અને છતાં રમૂજથી ભરપૂર કેવી સ્થિતિ સર્જાય એની રસપ્રદ વાતો માણીએ

નયન શાહ તેમના દીકરા  સૌમ્ય સાથે

હૅપી ફાધર્સ ડે

નયન શાહ તેમના દીકરા સૌમ્ય સાથે


પપ્પા કેમ ગુસ્સે થાય છે, પપ્પા કેમ સમજતા નથી વગેરે ફરિયાદો લગભગ દરેક કિશોરને થતી  જ હોય છે; પણ જ્યારે તે પોતે પિતા બને ત્યારે સમજાય છે કે પપ્પા આવું કેમ કરતા હતા. એટલે સુધી કે પપ્પાની જે વાતોને લઈને પોતાને ફરિયાદો હતી એ તેણે પોતે પણ આત્મસાત્ કરી લીધી હોય છે. ‘વડ એવા ટેટા અને બાપ એવા બેટા’ ઉક્તિ યથાર્થ થાય ત્યારે લાગણીથી પરિપૂર્ણ અને છતાં રમૂજથી ભરપૂર કેવી સ્થિતિ સર્જાય એની રસપ્રદ વાતો માણીએ...


પપ્પાને સમજવા માટે તમારે પપ્પા બનવું જરૂરી છે એ વાત હવે બરાબર સમજાઈ ગઈ મને
નયન શાહ તેમના પપ્પા ધનજીભાઈ સાથે

એક એવા પપ્પા જેમને બાળકોને ખિજાવાની જરૂર જ ન પડે, તેમના નામમાત્રથી જ બાળકો સીધાં ચાલે. સ્વભાવ કડક હોય એના કરતાં પણ ઇમેજ એટલી કડક કે બાળકો તેમની મેળે સીધાં ચાલે. આવા પપ્પા એટલે ​વિલે પાર્લેમાં રહેતા ૬૫ વર્ષના ધનજી શાહ. પોતાના વિશે વાત કરતાં ધનજીભાઈ કહે છે, ‘અમારા સમયમાં એવું માનવામાં આવતું કે બાપની બીક હોવી જરૂરી છે. થોડી કડકાઈ બાળકો માટે કળવાણીની ગરજ સાલે. સામાન્ય રીતે બાળકો પોતાની મમ્મીથી વધુ નજીક હોય અને પિતા ગમે એટલા સારા હોય તો પણ તેમની સાથે એક અંતર રાખીને જ ચાલતાં હોય છે. વળી મારે ત્યાં સંયુક્ત પરિવાર હતો એટલે બાળકોની જરૂર માટે ઘણા લોકો તેમને મળી રહેતા. છતાં એમ કહી શકાય કે મારાં બાળકો મારી સાથે વાત કરતાં છોછ નહોતાં અનુભવતાં. કશું કહેવું હોય તો આવીને મને ચોક્કસ કહેતાં.’


એક સ્ટેશનરી શૉપમાં કામ કરતાં-કરતાં ધનજીભાઈને સ્ટેશનરીનો ઘણો શોખ એટલે જ તેમનાં બાળકોને બેસ્ટમાં બેસ્ટ સ્ટેશનરી મળતી. એ વિશે વાત કરતાં ધનજીભાઈનો ૪૦ વર્ષનો પુત્ર નયન કહે છે, ‘સ્ટેશનરીનો શોખ મને પપ્પા તરફથી મળ્યો છે. નાના હતા ત્યારે નવી-નવી વસ્તુઓ પપ્પા લાવીને આપતા, આજે અમે લઈ આવીએ છીએ. લાડ લડાવવાનું કામ આમ તો મમ્મીનું હતું, પરંતુ પપ્પા આ રીતે અમને લાડ લડાવતા. સ્ટેશનરી પ્રોડક્ટ્સ પાછળ પૈસા ખર્ચવા તેમને ગમતા, પણ જો તેમને કહો કે પપ્પા કોઈ બ્રૅન્ડેડ કપડાં લઈ દો તો તે ગુસ્સે થતા. તે કહેતા કે આવા ખોટા ખર્ચા કેમ કરવા છે? તેમની પાસેથી પર​મિશન લેવી ખૂબ અઘરી પડી જતી. ત્યારે એમ થતું કે પપ્પા લેવા દોને કપડાં. તેમની ના પાછળ શું આશય હતો એ ત્યારે સમજાયો જ્યારે હું પપ્પા બન્યો.’

નયનભાઈને પણ હવે ૧૨ વર્ષનો દીકરો છે. તેઓ કહે છે, ‘મારા દીકરા સૌમ્યનો જન્મ થયો પછી મારા પપ્પા જ મારી અંદર જાગ્રત થયા હોય એવું લાગ્યું. આજની તારીખે હું પણ મારા પપ્પાની જેમ જ સૌમ્ય માટે અઢળક સ્ટેશનરી લાવું છું.’

અને બ્રૅન્ડેડ કપડાં? એનું શું થયું? હસીને જવાબ આપતાં નયનભાઈ કહે છે, ‘દરેક પિતા પોતાના બાળકને પોતાથી બને એનાથી ઘણું વધારે જ આપવા ઇચ્છતો હોય છે. મને મારા પપ્પાએ એટલું આપ્યું છે અને મને પણ એવું જ છે કે હું મારા દીકરાને ખૂબ આપું. એટલે મારા બાળક માટે બ્રૅન્ડેડ કપડાં તો ખરીદ્યાં, પરંતુ જ્યારે મેં જોયું કે બાળકો એટલાં જલદી મોટાં થતાં જાય છે કે ઘણી વાર ખરીદેલાં મોંઘાં કપડાં એકાદ વાર પણ તેઓ માંડ પહેરી શકે છે. આ જોઈને એટલું તો સમજાયું કે પપ્પા કેમ ના પડતા હતા.’

ઘણી વખત લાગે કે પપ્પાને સમજવા માટે પપ્પા બનવું જરૂરી છે એમ જણાવીને મનની લાગણી ઠાલવતાં નયનભાઈ કહે છે, ‘જ્યારે તેમના શૂઝમાં પગ મૂકીએ ત્યારે સમજાય કે તેમના માટે જે પણ નાની-મોટી ફરિયાદો હોય એ બીજું કશું નહીં પણ આપણી બાળબુદ્ધિનું જ પરિણામ હોય છે. બાળકમાંથી પપ્પા બનીએ ત્યારે તેમની મહાનતા, તેમનો પ્રેમ, તેમની પરવરિશ અને દરેક વર્તન પાછળનું લૉ​​​જિક સમજી શકાય છે. જેમ કે અમે જ્યારે શૉપિંગ માટે કહેતા તો તેમને એ ફિઝૂલ ખર્ચી લાગતી, પરંતુ ત્યારે જે પણ વ્યક્તિ તેમની પાસે મદદ માગવા આવે તેને તેઓ તરત જ પૈસા દઈ દેતા. એક બાળક તરીકે મને લાગતું કે પપ્પા, આ બહારના લોકો માટે તમારી પાસે પૈસા છે; તેમને દેવામાં તો તમને એક સેકન્ડ પણ ન લાગી અને અમારે તમને કેટલા મનાવવા પડે છે.’
આ ફરિયાદો બધી ત્યારે હતી જ્યારે નાના હતા એવી સ્પષ્ટતા સાથે નયનભાઈ કહે છે, ‘હું મોટો થયો અને આજે હું પણ ​ડિટ્ટો તેમના જેવો જ છું. મારા કોઈ પણ મિત્રને જરૂર હોય તો હું ખડેપગે ઊભો રહું છું. કોઈ વ્યક્તિની જરૂર સામે શૉપિંગ કે બીજી વસ્તુઓ કેટલી ગૌણ છે એ મોટા થઈને સમજી શકાય. બાળક હોય ત્યારે એવી સમજણ આપણામાં હોય નહીં. આજે લાગે છે કે ઘણી બાબતે મારો દીકરો પણ મને નહીં સમજતો હોય, પણ તે મોટો થશે ત્યારે ચોક્કસ મારી જેમ જ પિતા વિશેની તેની સમજણ વધુ સારી કેળવાશે એની મને ખાતરી છે.’

હું પોતે વકીલ બન્યો એ પછી સમજાયું કે વકીલાત કરતા પપ્પાની દરિયાદિલી પાછળનું કારણ એકદમ વાજબી હતું

દિગીશ રાવલ  દીકરા પ્રતીશ અને પપ્પા સુનીલભાઈ સાથે

ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને એમ આ વકીલનો દીકરો વકીલ બન્યો છે. સૉ​લિસિટર તરીકે આખી જિંદગી કાનૂનની ફરજ બજાવનારા અને હજી પણ પ્રૅ​ક્ટિસ ચાલુ રાખનારા પાર્લાના ૭૨ વર્ષના સુનીલ રાવલનો દીકરો દિગીશ રાવલ ૪૧ વર્ષનો છે અને એક અમેરિકન ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીમાં વકીલ તરીકે કાર્યરત છે. જોકે બન્નેનું કામ તદ્દન અલગ કહી શકાય એ કૅટેગરીનું છે. એક કોર્ટ-વર્ક કરે છે તો એક કૉર્પોરેટ લૉ સંભાળે છે. વન બેડરૂમ હૉલ કિચનમાં રહીને મિડલ ક્લાસ જીવન જીવનારા દરેક યુવાનની જેમ દિગીશને પણ પૈસાની કદર ઘણી હતી. એ સમયને યાદ કરતાં દિગીશ કહે છે, ‘એક મિડલ ક્લાસ ઘરનું બાળક ખૂબ નાની ઉંમરથી પૈસાનું મહત્ત્વ સમજી જતું હોય છે, એ કેટલી જરૂરી વસ્તુ છે એ તેને ખબર હોય છે. મને પણ હતી જ એ સમયે હું જ્યારે જોતો કે પપ્પા ગરીબ કે જરૂરતમંદ લોકોના ફ્રીમાં કેસ લડી રહ્યા છે. જે વ્યક્તિ પાસે કેસ લડવાના પૈસા ન હોય તેને કાનૂની મદદ આપવાની વ્યવસ્થા એટલે લીગલ એઇડ. આવી લીગલ એઇડ પપ્પા ખૂબ આપતા. કોઈ પણ વ્યક્તિ જ્યારે તેમની પાસે મદદ માટે આવતી ત્યારે તે ના ન પાડતા. અમારા ઘરે ફીના નામ પર કેટલાક લોકો શાકભાજી આપીને પણ ગયા છે. ત્યારે મને ગુસ્સો આવતો કે પપ્પા આવા કેમ છે? શું જરૂર છે તેમને લોકોને મદદ કરવાની? એ પૈસા ઘરમાં હોત તો ચોક્કસ ઘણો લાભ થાત. એક સમયે એવું પણ લાગતું કે પપ્પા ખોટી દરિયાદિલી દેખાડી રહ્યા છે.’

એક યુવાન દીકરાને પોતાની જરૂ​રિયાતો પપ્પાની નેકી કરતાં વધુ મહત્ત્વની લાગતી, પરંતુ એ નેકીનું મહત્ત્વ મોડું સમજાયું. એ વિશે વાત કરતાં દિગીશ કહે છે, ‘હું વકીલાતનું ભણતો હતો ત્યારે અમને એક પ્રોજેક્ટ આપવામાં આવેલો. જે પ્રોજેક્ટ હાથમાં આવ્યો છે એ શીખવા માટે તમારે લડવાનો છે લગભગ એવા ભાવસર જ મેં એ કામ હાથમાં લીધું હતું. એમાં જેલમાં જઈને જુવેનાઇલ કેસ અંતર્ગત કિશોર બાળકો જેઓ જેલમાં છે તેમની બેઇલ ઍપ્લિકેશન લખવાની હતી. એની કોઈ ફી લેવાની ન હોય. જોકે આ કામમાં બીજાં કામો કરતાં કંઈક વધુ સુખદ એહસાસની અનુભૂતિ થઈ મને. આ એવી અનુભૂતિ હતી જે હજી પણ મનમાં તાજી છે.’

ઉંમર સાથે જીવન ઘણું શીખવતું હોય છે, ઘણા બદલાવ આવતા હોય છે. આ બદલાવ રાતોરાત નથી આવતા, ધીમે-ધીમે ઘર કરતા જાય છે. આ એહસાસ વિશે વાત કરતાં દિગીશ કહે છે, ‘હું લૉ પૂરું કરીને નોકરીમાં જોડાયો એ સમય અને ઉંમર એવી હોય કે તમને એવું લાગે કે તમે આખી દુનિયા બદલી નાખવાની ઇચ્છા ધરાવતા હો, પરંતુ ધીમે-ધીમે તમારી અંદર પુખ્તતા આવે. મને ધીમે-ધીમે એ સમજાયું કે જીવનમાં એ વાત અતિ જરૂરી છે કે તમે સમાજને શું આપીને જાઓ છો. હું એક વકીલ છું, પણ એ પહેલાં સમાજનો એક ભાગ છું. પપ્પા લોકોને કેમ મદદ કરતા હતા એ યુવાન દિગીશ નહોતો સમજતો, પરંતુ એક પુખ્ત વકીલ સમજી શક્યો. એ કેમ જરૂરી હતું એ હું સમજ્યો.’

આ સમજણે સ્વરૂપ લીધું સુરેખ એજ્યુ યોગનું. પિતા સુનીલભાઈ અને માતા રેખાના નામ પર દિગીશ અને તેમનાં શિક્ષકપત્ની ખ્યાતિએ એક સમાજસેવી સંસ્થા શરૂ કરી. બન્ને જણ પોતાના પગારમાંથી અમુક ભાગ કાઢીને આ સંસ્થા ચલાવે છે. તેઓ ગરીબ દીકરીઓના ભણતર માટે મદદ કરે છે. દિગીશ કહે છે, ‘પપ્પામાં જે સમાજોપયોગી નીવડવાની ભાવના હતી એ મારી અંદર કઈ રીતે આવી એ મને ખ્યાલ નથી. કદાચ જીન્સ આ રીતે પણ કામ કરતા હોય! આજ સુધી અમે ૧૦૦થી વધુ દીકરીઓને ભણતર માટે મદદ કરી ચૂક્યા છીએ અને હજી આગળ પણ કરતા રહીશું.’

૧૨ વર્ષના દીકરા પ્રતીશના પપ્પા બન્યા પછી તે વધુ મારા જેવો બની ગયો છે એમ જણાવતાં દિગીશના પપ્પા સુનીલભાઈ કહે છે, ‘મેં કોઈ દિવસ બાળકોને કોઈ પ્રેશર આપ્યું નથી. ભણવાનું જરૂરી છે, પરંતુ એ માટે એક લિબરલ અપ્રોચ મેં રાખેલો. આજે દિગીશ પણ પોતાના દીકરા માટે એવો જ છે. તે માર્ક્સ પાછળ નહીં, ભણતર પાછળ ધ્યાન આપી રહ્યો છે. નાહકમાં ક્લા​સિસ અને ટ્યુશનમાં તે બાળકને અટવાવી નથી રહ્યો. ઊલટું આર્ટ અને સ્પોર્ટ્સ પણ શીખવી રહ્યો છે એ જોઈને સારું લાગે છે. કદાચ એક પિતાના જીવનનો સર્વોત્તમ આનંદ એ જ છે કે તે જુએ કે તેનાં બાળકો તેના જેવાં જ છે.’

પપ્પાની કાળજી, ચીવટ અને ચોકસાઈ અમારા માટે વિરાસત સમાન બની ગઈ છે

મેઘના અને અન્વિત વસાવડા તેમના પપ્પા સમીરભાઈ સાથે

પપ્પાઓનો વટ એવો હોય કે ઘરમાં આવે એટલે સોપો પડે, તેમનાથી બધા ડરે, તે કહે એટલે તરત જ થઈ જવું જોઈએ અને તેમના આવા વર્તનથી ઘરના બધા ફફડે; પરંતુ જો પપ્પા બિલકુલ ખીજાય જ નહીં, ક્રિકેટનો સખત શોખ હોય તેમને અને હાર્મોનિયમ લઈને ગીતો ગાતા હોય તો તેમનાં બાળકોને પપ્પાથી શું તકલીફ હોઈ શકે? હોય, હોય... બાળકો અને પિતાનો સંબંધ જ એવો છે કે જ્યારે બાળકો નાનાં હોય કે યુવાન હોય ત્યારે તેમને મોટા ભાગે પપ્પાથી ફરિયાદો હોય જ.

ફાર્મા કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત અંધેરીમાં રહેતા ૬૭ વર્ષના સમીર વસાવડા ચોકસાઈના પાબંધ છે. દરેક વસ્તુ એની જગ્યાએ ન હોય તો તેમને ન ચાલે. સફાઈ તો એવી જોઈએ કે ધૂળનો ‘ધ’ પણ ન ફરકવો જોઈએ અને પર્ફેક્શનના એવા તો આગ્રહી કે જરા પણ આમથી તેમ ન ચાલે. એ વાત કરતાં તેમની અમેરિકામાં રહેતી દીકરી મેઘના વસાવડા કહે છે, ‘મને યાદ છે કે અમે સ્કૂલમાં હતાં ત્યારે પુસ્તકોને પૂઠાં ચડાવવાનું કામ પપ્પાનું હતું. અમે બધા તેમના અસિસ્ટન્ટ. બાજઠ, પુસ્તકો, બ્રાઉન કવર, કાતર એ બધું લઈને અમે એમ બેસતા જાણે શું મોટું કામ કરવાનું હોય! અમે એટલા ઉત્સાહી હોઈએ કે જલદી-જલદી કરવા લાગીએ, પણ પપ્પા ખૂબ જ ચોકસાઈથી દરેક વડ પાડે. ત્યારે બાળમન અધીરું થઈ જતું. લાગતું કે જલદી કરોને! પણ અંતે જે ફાઇનલ પ્રોડક્ટ સામે આવતી એ જોઈને અમે અભિભૂત થઈ જતા. કોઈ પણ કહી ઊઠે કે વાહ, શું પૂઠાં ચડાવ્યાં છે.’

પપ્પાની જે વાત પર બાળક તરીકે અમે ​ચિડાતા એ જ ગુણોને લઈને આજે અમે જાણીતા બની ગયા છીએ એ વિશે વાત કરતાં મેઘના કહે છે, ‘હું તો એકદમ તેમના જેવી જ છું. કદાચ તેમનાથી પણ વધુ ચોકસાઈવાળી. થાળીમાં દાળ, શાક, સૅલડ અને રસ હોય તો દરેક વસ્તુ માટે મને અલગ ચમચી જોઈએ. પથારીની બેડશીટ પર એક પણ સળ હોય તો એ મને ન ચાલે. અમેરિકામાં એટલી ધૂળ નથી હોતી. અહીં લોકો અઠવાડિયે એક વાર ઘર સાફ કરે, પણ હું દરરોજ કરું. જરા પણ ગંદકી મારાથી સહન ન થાય. મજાની વાત એ છે કે પપ્પાએ મને આવું બધું શીખવ્યું નથી, પણ તેમને જોઈને હું ક્યારે આવી થઈ ગઈ એ મને ખબર જ નથી. એવું લાગે છે કે હું તો પહેલેથી આવી જ છું.’

પોતાની ચોકસાઈની વાત કરતાં મેઘનાબહેનના પપ્પા સમીરભાઈ કહે છે, ‘ઑબ્સે​સિવ કમ્પ​લ્સિવ ​​ડિસઑર્ડર (OCD) શબ્દ પહેલાં ખાસ જાણીતો નહોતો. અમે ક્યારેય ચેક નથી કરાવ્યું, પરંતુ મને એ હોઈ શકે છે અને મારો આ ગુણ મારી દીકરીમાં પણ પૂરેપૂરો આવ્યો છે. હું માનું છું કે દરેક વસ્તુની એક જગ્યા હોય છે અને દરેક જગ્યાની એક વસ્તુ. મને છેલ્લી ઘડીએ વસ્તુઓ શોધવાની અને પૅનિક કરવાનું ગમે જ નહીં. મેં મારી આ આદતો બાળકોમાં નાખી નથી, પરંતુ ધીમે-ધીમે કઈ રીતે એ તેમનામાં ઘર કરી ગઈ એનો મને ખ્યાલ નથી. જોકે એ ચોકસાઈનો તેમને જીવનમાં ઘણો લાભ થયો છે.’

પપ્પાની એક ખાસ આદત વિશે રમૂજમાં વાત કરતાં સમીરભાઈનો દીકરો અન્વિત વસાવડા કહે છે, ‘પપ્પા સાયન્સના વિદ્યાર્થી એટલે ઘરમાં કોઈ પણ મશીન બગડે તો સીધો પ્લમ્બર કે ઇલે​ક્ટ્રિશ્યનને બોલાવવાનો અમારે ત્યાં ​રિવાજ નથી. પહેલાં પપ્પા એને ખોલીને જુએ. જો તેમનાથી ઠીક થાય એમ હોય તો તે જ કરી દે. જો મોટી તકલીફ હોય તો જ ટેક્નિશ્યન પાસે વસ્તુ જાય. અમારા ઘરની આજુબાજુના બધા ટેક્નિશ્યનને ખબર છે કે અમારા ઘરેથી કોઈ મશીન તેમને ત્યાં ​રિપેર માટે જાય એ પહેલાં ખૂલી જ ચૂક્યું હોય. નાના હતા ત્યારે કહેતા કે પપ્પા, શું કામ આટલી મથામણ કરો છો? બોલાવી લોને ટે​ક્નિશ્યનને! પણ એમ પપ્પા શેના માને! હું લગભગ કૉલેજમાં હોઈશ એ સમયની વાત છે. એક દિવસ થયું એવું કે પપ્પા ઘરે નહોતા. મમ્મીનું મિક્સર બગડ્યું. મમ્મી કહે કે ભાઈ, કોઈને બોલાવી લે. તો મને થયું કે લાવ, હું જોઉં જરા! મેં મિક્સરનો જાર ખોલીને થોડા આંટા ટાઇટ કર્યા અને એ ઠીક થઈ ગયું. ત્યારે મમ્મી બોલી કે હવે તું પપ્પાનો દીકરો સાચો! જે વસ્તુ આપણે ઠીક કરી શકીએ એના માટે કોઈની મદદ લેવાની શું જરૂર આ ભાવ પપ્પાએ મારી અંદર ક્યારે બંધ બેસાડ્યો મને ખબર નથી. હા, આજે પણ અમારા ઘરમાં દરેક મશીન બગડે એટલે એ ખૂલે છે, પછી એ પપ્પા ખોલે કે હું.’

કદાચ મશીનોને ખોલીને જોવાની આદતે જ બન્ને બાળકોની અંદર છુપાયેલા એન્જિનિયરને બહાર કાઢ્યો હશે. સાયન્સ હોય કે સંગીત, બાળકોને સમીરભાઈ તરફથી DNAમાં મળ્યાં છે. સમીરભાઈ હાર્મોનિયમ વગાડે, અન્વિત તબલાં અને મેઘના ગીતો ગાય છે. એમ ત્રણેયની જુગલબંદી ચાલે. પપ્પાની વધુ એક વાત કરતાં અન્વિત કહે છે, ‘અમે મોટાં થયાં ત્યારે બાજુમાં પણ કશે જતાં હોઈએ તો પપ્પા કહેશે કે ધ્યાન રાખજો. ત્યારે એવું લાગતું કે આટલી ચિંતાઓ શું કરતા રહો છો? જોકે હું જ્યારે અમે​રિકા ભણવા ગયો ત્યારે મને સમજાયું કે તે કેમ ચિંતા કરતા હતા, કારણ કે ત્યાં બેઠાં-બેઠાં મને મમ્મી-પપ્પાની ચિંતા ખૂબ થતી. જોકે હવે અમે સાથે જ છીએ એટલે હવે કશી ચિંતા નથી.’

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 01:00 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK