° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


દેશનાં અનેક ધાર્મિક સ્થળો મીટ માંડીને બેઠાં છે જ્ઞાનવાપી કેસ પર

18 September, 2022 01:25 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

એનું કારણ છે વારાણસી ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે તાજેતરમાં લીધેલો નિર્ણય. પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ - ૧૯૯૧ મુજબ દેશનાં સેંકડો ધર્મસ્થાનો જેને જે-તે સમયે તોડી પાડવામાં આવ્યાં હતાં એમાં કોઈ ફેરફાર નહીં થાય એવું આપણે માની બેઠા છીએ.

પ્રતીકાત્મક તસવીર શું આ જાણો છો?

પ્રતીકાત્મક તસવીર

જોકે આ કેસમાં કોર્ટે પહેલાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવાની પરવાનગી આપી અને એમાં જે તથ્યો બહાર આવ્યાં એના આધારે પાંચ હિન્દુ મહિલાઓએ એની અંદર બિરાજમાન શ્રૃંગારદેવીની ફરીથી પૂજા-અર્ચના કરવા દેવાની વિનંતી સાંભળવાનો સીમાચિહ્‍નરૂપ નિર્ણય કોર્ટે લીધો છે ત્યારે જાણીએ આ પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ - ૧૯૯૧ છે શું?

ધર્મ, શ્રદ્ધા અને માન્યતાઓની દૃષ્ટિએ ભારત એક અનોખો દેશ રહ્યો છે, પણ અફસોસની વાત એ છે કે એની આ અસામાન્યતા જ અથવા કહો કે સહિષ્ણુતા એને વર્ષોથી એક યા બીજી રીતે નડતી પણ રહી છે. કદાચ આપણી આ નબળાઈ જે આજ સુધી આપણે નથી સમજ્યા એ વર્ષોવર્ષથી વિદેશી આક્રમણકારોને અને મહેમાનોને તરત સમજાઈ જાય છે. અને એથી જ વિદેશી આક્રમણકારો ન માત્ર ભારતને લૂંટતા રહ્યા, પરંતુ સ્વધર્મનું સ્થાપન અને નિજધર્મનું પરિવર્તન પણ કુનેહપૂર્વક કરતા અને કરાવતા રહ્યા છે.

પરિણામ એ આવ્યું કે આપણા જ દેશમાં આપણા જ ધર્મ માટે અને ધર્મસ્થાનો માટે આજે આપણે લડવું પડે છે. કાયદા બનાવવા પડે છે. આવી જ એક ઘટના ૩૧ વર્ષ પહેલાં ઘટી હતી, જેને કારણે સરકારે એક કાયદો બનાવવો પડ્યો હતો અને આજે હવે એ જ કાયદા સામે કાયદાકીય લડાઈઓ ઊભી થઈ છે. ઘટના તાજી અને ધ્યાનાકર્ષક હોવાની સાથે જ જાણવા અને સમજવા જેવી પણ છે. ગયા સપ્તાહમાં ૧૨ સપ્ટેમ્બરે વારાણસી ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટ દ્વારા કાશી વિશ્વનાથ મંદિર- જ્ઞાનવાપી મસ્જિદ કેસને ઑન ટેબલ લેવાની એટલે કે સાંભળવાની મંજૂરી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી દ્વારા ફાઇલ કરવામાં આવેલી પિટિશનને નામંજૂર કરવામાં આવે છે. મતલબ કે હવે આ કેસ કોર્ટમાં ચલાવવામાં આવશે અને એના પુરાવા ચકાસવામાં આવશે તથ્યો તથા તર્ક સાંભળવામાં આવશે.

કેસ શું છે?
‘જ્ઞાનવાપી મસ્જિદ મામલો’ પ્રકારના મથાળા સાથે આપણે છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારની ચર્ચાઓ સાંભળી રહ્યા હતા, પરંતુ વાસ્તવમાં મામલો શું છે અને એની પાછળનાં કારણો અને તર્કો શું છે એ વિશે વિગતે જાણવાનો કે સમજવાનો પ્રયત્ન આપણે ખાસ કર્યો નથી. કોર્ટના આ ચુકાદા પહેલાં તો આપણામાંના ઘણાને એ પણ ખબર નહોતી કે ‘પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ -૧૯૯૧’ છે શું.

૧૯૯૨માં રામજન્મભૂમિ આંદોલન વખતે બાબરીનો ઢાંચો તૂટ્યો એ પહેલાં દેશમાં હિન્દુત્વનો જુવાળ ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારે દેશમાં એવાં અનેક સ્થળો હતાં જેને જે-તે સમયે મુગલ શાસકો કે પછી અંગ્રેજોએ તોડીને એના પર પોતાનાં ધાર્મિક સ્થળો બનાવી દીધાં હોય અથવા તો આજે પણ ખંડિયેર હાલતમાં હોય એને પુનર્જીવિત કે પછી એના ઓરિજિનલ હકદારોને પાછાં આપવામાં આવે એવી ચળવળ ઊભી કરવામાં આવી. આ સમગ્ર ઘટનાની નોંધ લઈને એ સમયે કેન્દ્રમાં કૉન્ગ્રેસની નરસિંહ રાવની સરકારે દેશમાં કાયદા અને વ્યવસ્થા ન બગડે એને ધ્યાનમાં લઈને ઉતાવળે એક કાયદો બનાવી દીધો જેનું નામ છે પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ - ૧૯૯૧. જોકે આ કાયદાની ખિલાફ અનેક યાચિકાઓ દાખલ કરવામાં આવી છે અને એ આજે પણ કોર્ટમાં પ્રલંબિત છે.

હવે વાત કરીએ જ્ઞાનવાપી કેસની. મામલો કંઈક એવો છે કે ૧૯૯૧માં વકીલ વિજયશંકર રસ્તોગી દ્વારા કોર્ટમાં એક પિટિશન ફાઇલ કરવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરનું મંદિર આશરે ૨૦૫૦ વર્ષ પહેલાં મહારાજા વિક્રમાદિત્ય દ્વારા બંધાવવામાં આવ્યું હતું, જે મુગલ સામ્રાજ્ય દરમ્યાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં મસ્જિદનો ઢાંચો ઊભો કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૭૮૦ની સાલમાં ઇન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ હોળકર દ્વારા કાશી વિશ્વનાથનું નવું મંદિર બંધાવવામાં આવ્યું હતું. અર્થાત્, જ્ઞાનવાપી મસ્જિદ પણ વિશ્વેશ્વર મહાદેવ મંદિરનો જ એક ભાગ છે એમ વકીલ રસ્તોગી આ પિટિશન દ્વારા કોર્ટમાં જણાવવા માગતા હતા, પરંતુ ૧૯૯૭માં કોર્ટ દ્વારા આ પિટિશન બાબતે કહેવામાં આવ્યું કે આ પિટિશન ૧૯૯૧ના ‘પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ - ૧૯૯૧’ અંતર્ગત યોગ્ય છે કે નહીં એ ચર્ચાનો વિષય છે. આથી હાલમાં એ વિશે સુનાવણી કરવી યોગ્ય નથી. કોર્ટની આવી કમેન્ટને કારણે આખો મામલો અભરાઈએ ચડી ગયો. 

૨૨ વર્ષ સુધી આખો કેસ અધ્યાહાર રહ્યા બાદ ૨૦૧૯માં જ્યારે સુપ્રીમ કોર્ટે રામમંદિરના મુદ્દે ચુકાદો આપ્યો એના એક મહિના બાદ ડિસેમ્બર ૨૦૧૯માં વકીલ રસ્તોગીએ ફરી એક પિટિશન ફાઇલ કરી અને કોર્ટ પાસે સ્વયંભૂ જ્યોતિર્લિંગની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો આર્કિયોલૉજિકલ સર્વે કરાવવાની માગણી મૂકી. તેમની આ પિટિશન માન્ય રાખી વારાણસી કોર્ટે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઇ)ને જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવાનો આદેશ આપ્યો. 

તારીખ હતી ૨૦૨૧ની ૮ એપ્રિલ. સુન્ની વક્ફ બોર્ડ કોર્ટના આ આદેશ સામે હાઈ કોર્ટમાં ગઈ અને તેમણે દલીલ કરી કે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આ નિર્ણય ‘પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ- ૧૯૯૧’નું ઉલ્લંઘન કરે છે અને સર્વેની પરવાનગી નહીં આપવી જોઈએ, પરંતુ કોર્ટે કહી દીધું કે આખો મામલો નીચલી કોર્ટ પાસે હોવાથી તેમના કામમાં ઉપલી કોર્ટ દ્વારા હસ્તક્ષેપ યોગ્ય નથી. હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટે એએસઆઇને સમય-મુદત આપી હતી. આથી આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટે એક સર્વે કર્યો અને એનો રિપોર્ટ ૨૦૨૨ની ૧૭ મેએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આ વિડિયોગ્રાફિક સર્વેમાં જોવા મળ્યું કે મસ્જિદની દીવાલો પર શ્રૃંગારદેવી, હનુમાનજી અને નંદીની મૂરત સ્થાપિત હતી. એટલું જ નહીં, મસ્જિદમાં જ્યાં વઝુ કરવામાં આવતું હતું ત્યાં શિવલિંગ પણ મળી આવ્યું.
આથી ત્યાર બાદ પાંચ હિન્દુ સ્ત્રીઓ દ્વારા કોર્ટમાં ધા નાખવામાં આવી અને માગણી કરવામાં આવી કે જ્ઞાનવાપી મસ્જિદના પ્રાંગણના પાછળના ભાગમાં ઈશાન ખૂણામાં જે શ્રૃંગારદેવી, હનુમાનજી અને નંદિની મૂરત સ્થાપિત છે ત્યાં અને શિવલિંગ મળી આવ્યું છે ત્યાં તેમને પૂજા કરવા દેવાનો અધિકાર આપવામાં આવે.

જોકે એનો મુસ્લિમ પક્ષકારો તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ યાચિકા મૂળમાં સાંભળવા (મેઇન્ટેનેબલ) લાયક જ નથી. એમાં તેમણે ત્રણ કાયદાનો હવાલો આપ્યો હતો. જોકે મૅજિસ્ટ્રેટે તેમની એક પણ દલીલ માન્ય ન રાખીને આ યાચિકા સાંભળવાની તૈયારી બતાવી.

અહીં એક બાબત ખાસ નોંધનીય છે કે તથ્યો અને પુરાવાઓની ચકાસણી દરમ્યાન જ્ઞાનવાપી મસ્જિદ કેસ બાબતે કોર્ટ દ્વારા એ પણ કહેવાયું અને સ્વીકારાયું જ હતું કે ૧૯૯૩ના નવેમ્બર સુધી હિન્દુ ધર્મના લોકો અહીં પૂજા કરતા હતા.

હવે હિન્દુ સ્ત્રીઓની આ અરજી બાબતે કોર્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને કારણે હાલમાં ખૂબ વિવાદ ચાલી રહ્યો છે, એટલું જ નહીં, પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ - ૧૯૯૧ બાબતે પણ ચર્ચા જોર પકડતી જાય છે. આ કાયદો યોગ્ય છે કે નહીં, અસરકારક છે કે નહીં એની સાચા અર્થમાં વ્યાખ્યા શું કરવી? જેવા અનેક પ્રશ્નો હાલમાં ચર્ચામાં છે.

પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ
આપણા દેશના લગભગ એકેએક નાગરિકને ખબર જ હશે કે રામમંદિર અને બાબરી મસ્જિદ વિવાદ શું હતો અને એ વિવાદને કારણે ભૂતકાળમાં આખા દેશમાં અને ખાસ કરીને અયોધ્યામાં કેવી-કેવી અને કેટલી ઘટનાઓ ઘટી હતી. એ સમયે કેન્દ્રમાં કૉન્ગ્રેસની પી. વી. નરસિંહ રાવની સરકાર હતી અને વિપક્ષ એટલે કે બીજેપીના એલ. કે. અડવાણી જેવા અનેક નેતાઓ અયોધ્યામાં રામજન્મભૂમિ પાછી મેળવવા માટેની લડતમાં અગ્રેસર હતા. સરકારને જોખમ જણાતું હતું કે આ રીતે આખા દેશમાં ધર્મના આધારે રમખાણો થશે અને કાયદો-વ્યવસ્થા નહીં જળવાય. એટલું જ નહીં, સરકાર આ સાથે એ પણ વિચારતી હતી કે શું કરવામાં આવે જેથી આવા કોઈ વિવાદ કે રમખાણો ભવિષ્યમાં પણ નહીં થાય અને નિર્ણય કરવામાં આવ્યો કે દેશની સામાન્ય જનતામાં સૌહાર્દ જળવાઈ રહે અને ધર્મ આધારિત વિવાદ કે રમખાણ નહીં થાય એ માટે એક કાયદો બનાવવામાં આવે. કેન્દ્ર સરકારે એક સ્પેશ્યલ પ્રોવિઝન ઍક્ટ બનાવ્યો અને ‘પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ’ નામથી આ નવા ખરડાનો ડ્રાફ્ટ કાયદા તરીકે અમલમાં આવ્યો.

પ્લેસિસ ઑફ વર્શિપ નામ જ દર્શાવે છે કે દરેક એવી જગ્યા જ્યાં લોકો પૂજા-અર્ચના કરે છે, પ્રાર્થના કરે છે. એવાં સ્થળોનું અસ્તિત્વ અને ચરિત્ર બન્ને આ કાયદા દ્વારા સુરક્ષિત કરવામાં આવશે અને ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટના દિવસને ‘બેન્ચમાર્ક’ તરીકે નક્કી કરવામાં આવ્યો.   

મતલબ પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ- ૧૯૯૧ કહે છે કે ભારત દેશમાં ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટના સમય પહેલાંથી સ્થિત હોય એવાં ધર્મસ્થળોને બદલી શકાશે નહીં. એનું ધર્મપરિવર્તન પણ કરી શકાશે નહીં (બીજા ધર્મના પૂજાસ્થળ તરીકે ફેર બદલાવ).

એટલું જ નહીં, આ કાયદા દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે જો દેશની કોઈ પણ કોર્ટમાં આ રીતના વિવાદ માટે કેસ ચાલી રહ્યો હશે તો એ આ કાયદાના અમલ સાથે જ ડિસમિસ ગણવામાં આવશે. અર્થાત્, કોઈ મસ્જિદ જો પહેલાં મંદિર હતું એ બાબતનો કેસ ૧૯૯૧માં કોઈ કોર્ટમાં ચાલી રહ્યો હતો તો એ આ કાયદાના અમલ બાદ સીધેસીધો ડિસમિસ થઈ જશે, પરંતુ રામમંદિર જન્મસ્થળનો વિવાદ એ સમયે ચરમસીમાએ હતો એથી એ વિવાદને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. મતલબ કે આખા દેશના દરેક ધર્મનાં દરેક ધાર્મિક સ્થળોને આ કાયદો લાગૂ પડતો હતો, માત્ર બાબરી મસ્જિદના ગેરકાનૂની ઢાંચાને આ કાયદો લાગુ પડતો નહોતો.

થોડી વધુ વિગતે સમજીએ તો આ કાયદાની એક કલમ એ પણ જણાવે છે કે ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટ પછી જો કોઈ ધાર્મિક સ્થળનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હશે તો એને પણ આ કાયદો લાગુ પડશે. અર્થાત્, જો કોઈ મંદિરને ૧૯૫૨ની સાલમાં બળજબરીપૂર્વક મસ્જિદ બનાવી દેવામાં આવી હશે તો એને પણ આ કાયદો લાગૂ પડશે. મતલબ કે ૧૯૪૭ પહેલાં એ મંદિર હોવાથી એ એના મૂળ સ્વરૂપે મંદિર જ ગણવામાં આવશે.

પરંતુ જ્ઞાનવાપી મસ્જિદના મામલે વિચારીએ તો આ કાયદાની સેક્શન-૩ એટલે કે કલમ-૩ મોટી આડખીલી પુરવાર થઈ શકે છે. કાયદાની આ કલમ કહે છે કે કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયના ધાર્મિક સ્થળને કે એના કોઈ પણ હિસ્સાને એ જ ધર્મના બીજા સંપ્રદાય કે બીજા ધર્મમાં પણ પરિવર્તિત કરી શકાશે નહીં. અર્થાત્ જો કોઈ મસ્જિદ શિયા મુસ્લિમ સંપ્રદાયની હશે તો સુન્ની મુસ્લિમ સંપ્રદાય પણ એવો દાવો કે બળજબરી નહીં કરી શકે કે જે-તે મસ્જિદ તેમના સંપ્રદાયની છે. અથવા શ્વેતામ્બર જૈન સંપ્રદાયનું કોઈ દેરાસર હશે તો દિગંબર જૈન સંપ્રદાય પણ એવો દાવો નહીં કરી શકે કે એ દેરાસર તેમના સંપ્રદાયનું છે અથવા હતું.

સુપ્રીમ કોર્ટ શું કહે છે?
થોડા પાછળ જઈને વકીલ રસ્તોગી દ્વારા ફાઇલ થયેલી સર્વે પિટિશન વિરુદ્ધ અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી હાઈ કોર્ટમાં ગઈ એની વાત કરીએ. કમિટીની આ યાચિકા હાઈ કોર્ટે મામલો નીચલી અદાલતમાં હોવાને કારણે દખલઅંદાજી કરવાની ના પાડીને ફગાવી દીધી. આથી કમિટી દ્વારા એક નવી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી. એમાં પણ આ જ રીતે ૧૯૯૧ના પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ અને એની કલમ વિશેની જ દલીલો મૂકવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ રીતે સર્વે અને વિડિયોગ્રાફી એ પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટની વિરુદ્ધ છે અને આ રીતે અમારા ધર્મસ્થળનું ચરિત્ર બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

પિટિશનર અન્જુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી દ્વારા રજૂ થયેલી આ દલીલ સામે સુપ્રીમ કોર્ટે ખુબ મહત્ત્વની વાત કહી. કાયદો એ જરૂર કહે છે કે ૧૯૪૭ પહેલાં એનું જે ધાર્મિક ચરિત્ર હતું એ બદલી નહીં શકાય, પરંતુ કયું ધાર્મિક ચરિત્ર હતું એ વિશે કાયદામાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આથી જે-તે સ્થળની તપાસ અને સંશોધન થઈ શકે, એમાં કાંઈ જ ખોટું નથી.
તો નીચલી અદાલતનો કેસ દાખલ કરવાની પરવાનગી આપતો નિર્ણય અને સુપ્રીમ કોર્ટની આ પિટિશન બાબતે ટિપ્પણી બન્ને હાલના તબક્કે તો એ જ સૂચવે છે કે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થાય અને એની પુરાતત્ત્વ તપાસ કરવામાં આવે તો એમાં કાંઈ જ ખોટું નથી. 

પાંચ હિન્દુ મહિલાઓએ હાલમાં ત્યાં પૂજા કરવા દેવાની જે પરવાનગી માગી છે એ બાબતે કોર્ટની ટિપ્પણી કે નિર્ણય આવવાનો હજી બાકી છેએથી એ વિશે કંઈ કહેવું જોખમી છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે આ લાંબી કાયદાકીય લડત અને એનાં આપણા દેશનાં અનેક ધાર્મિક સ્થળો પર દુરોગામી પરિણામ જરૂર આવશે. અનેક ધાર્મિક સ્થળો આ કેસમાં શું ચુકાદો આવે છે એના પર મીડ માંડીને બેઠાં છે. એ બધામાં સૌથી મહત્ત્વનો બીજો એક કેસ છે મથુરામાં આવેલી કૃષ્ણ જન્મભૂમિનો. ઘણા પૉલિટિકલ પંડિતોનું કહેવું છે કે આ બહુ જ સંવેદનશીલ કેસ હોવાથી સુપ્રીમ કોર્ટ સુધી જવાનો જ અને ત્યારે એ શું નિર્ણય આપે છે એ જોવાનું મહત્ત્વનું રહેશે. જોકે એને માટે હજી કેટલાં વર્ષ રાહ જોવી પડશે એ સૌથી મોટો પ્રશ્ન છે.

ટૂંકમાં પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ ધાર્મિક સ્થળોનું ધાર્મિક સ્વરૂપ નહીં બદલવા બાબતે તો જણાવે છે અને એ દરેક ભારતીયને બંધનકર્તા પણ છે જ, પરંતુ જે-તે સ્થળનું ધાર્મિક સ્વરૂપ શું હતું એ આ કાયદો નક્કી નથી કરતો. અર્થાત્, કોઈ એક ધાર્મિક સ્થળ હિન્દુઓનું જ ધાર્મિક સ્થળ હતું, મુસ્લિમોનું નહીં અથવા મુસ્લિમોનું કોઈ ધાર્મિક સ્થળ મુસ્લિમ ધર્મસ્થાન નહીં, પરંતુ ખ્રિસ્તીઓનું દેવળ હતું એ બાબત આ કાયદો નક્કી નથી કરતો. હા, એમ જરૂર કહી શકાય કે દેશની અદાલત પુરાવાઓ, તથ્યો અને તર્ક દ્વારા એ બાબત નક્કી કરી શકે કે ખરેખર જે-તે સ્થળ કયા ધર્મનું ધાર્મિક સ્થળ હતું અથવા છે.  

અહીં મુશ્કેલી એ છે કે પ્લેસિસ ઑફ વર્શિપના કાયદાનું ચિત્રણ અને વ્યાખ્યા આજ સુધી સમાજમાં ખૂબ ખોટી રીતે ફેલાવવામાં આવ્યાં છે. આજ સુધી સમજાવવામાં કે કહેવામાં એમ આવ્યું છે કે ભૂતકાળમાં કોઈક ધાર્મિક સ્થળ જો મંદિર હતું જેને તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી છે તો એનું પુનર્નિર્માણ નહીં થઈ શકે, પરંતુ આમ કહેવાથી એક મંદિરનું ધાર્મિક સ્વરૂપ ક્યારેય ખતમ નથી થઈ જતું. એક મંદિરમાં પ્રવેશ કરીને ત્યાં નમાજ અદા કરતા થઈ જવાથી એ મંદિરનું અસ્તિત્વ ખતમ નથી થઈ જતું. જે-તે ધર્મસ્થળ પહેલાં મંદિર હતું કે નહીં અથવા પહેલાં મસ્જિદ હતી કે નહીં એ વિશે તપાસ અને સંશોધન તો જરૂર થઈ જ શકે અને કોર્ટ તથ્યો અને પુરાવાઓના આધારે એ સંદર્ભનો નિર્ણય પણ આપી જ શકે.

આથી સૌહાર્દ જળવાઈ રહે એ જરૂરી છે, ચોક્કસ જરૂરી છે જ, પરંતુ એ માટે કોઈની ધાર્મિક શ્રદ્ધા ફાંસીએ ચડાવી દેવામાં આવે કે બળજબરીપૂર્વક કોઈ એક ધર્મસ્થાનને બીજા ધર્મનું સ્થાન બનાવી કે મનાવી લેવાની મુરાદ રાખવામાં આવે એ યોગ્ય નથી. એવું કોર્ટ પણ માને છે અને એથી જ હવે જ્ઞાનવાપી મામલો પણ આખરે કોર્ટના ટેબલે પુરાવાઓ અને તથ્યોની તપાસ કરશે.

18 September, 2022 01:25 PM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો

ગુજરાતી રંગભૂમિ પર ભાભુ વધી ગયાં હતાં એટલે મેં એ વિષય હાથ પર લીધો

ભારતીય વિદ્યાભવનની કૉમ્પિટિશન માટે કરેલું નાટક ‘ભાભુ રિટાયર થાય છે’ હળવાશ સાથે પ્રવર્તમાન રંગભૂમિની વ્યથા વિશે વાત કરતું હતું

26 September, 2022 05:05 IST | Mumbai | Sanjay Goradia

ઍબ્સ જિમમાં નહીં, હંમેશાં કિચનમાં બને છે

સેઝાન કહે છે, ‘જો ફિટનેસની બાબતમાં લેથાર્જિક હોત તો ચોવીસ કલાક હાર્નેસ પર ટીંગાઈને રહેવાનો આ રોલ હું ક્યારેય કરી શક્યો ન હોત’

26 September, 2022 04:46 IST | Mumbai | Rashmin Shah

લોન-લૂંટના ચક્રવ્યૂહમાં ક્યાંક તમે અભિમન્યુ નથી બન્યાને?

ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી આધારિત બનતી અને સર્વિસિસ આપતાં સ્ટાર્ટઅપ્સની બોલબાલા છે.

26 September, 2022 04:00 IST | Mumbai | Jayesh Chitalia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK