° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


બધું વ્યવસ્થિત જ હોવું જોઈએ?

21 November, 2021 08:45 AM IST | Mumbai | Kana Bantwa

આ દુનિયાની ખૂબસૂરતી એની અવ્યવસ્થામાં છે: વ્યવસ્થામાં સરળતા હોઈ શકે, સપ્રમાણતા હોઈ શકે, સમમિતિ હોઈ શકે, સૌષ્ઠવ હોઈ શકે, સમરૂપતા હોઈ શકે,સંગતિ હોઈ શકે, સુડોળતા હોઈ શકે, સુઘડતા હોઈ શકે; પણ સૌંદર્ય ન હોય : દરેક વ્યવસ્થાતંત્ર ક્રીએટિવિટીનું કતલખાનું છે

બધું વ્યવસ્થિત જ હોવું જોઈએ?

બધું વ્યવસ્થિત જ હોવું જોઈએ?

જીવનમાં બધું જ આયોજન મુજબ થતું હોય, ગણતરી પ્રમાણે થતું હોય, અપેક્ષા મુજબ થતું હોય, સઘળું ગોઠવાયેલું હોય, ક્યાંય એક તસુભાર પણ આડુંઅવળું કશું બનતું ન હોય, બરાબર સ્ક્રિપ્ટ મુજબ જ ઘટનાઓ બનતી હોય, બધું જ પહેલેથી ગોઠવાયેલું જ હોય તો કેવું સારું? ભવિષ્યની કોઈ ચિંતા જ નહીં. કશું અઘટિત બને જ નહીં અને જો બનવાનું હોય તો એની પણ જાણ હોય. કશું અણગમતું થવાનું હોય એ પણ ધ્યાનમાં હોય. કેવી મજા. બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય. ચોકઠાં બધાં બરાબર ફિટ હોય. સાવ સમથળ જીવન હોય. જરાય ઉબડખાબડ કશું હોય જ નહીં. અનપેક્ષિત કે અણધાર્યું કે અણચિંતવ્યુ સંભવ જ ન હોય. જરા પણ અનિશ્ચિતતા ન હોય. અસુરક્ષાનો છાંટો પણ જીવનમાં ન હોય. કશું ખરાબ બનવાની કોઈ સંભાવના જ ન હોય. બધું સારું જ બનવાનું હોય. અરે, હવા પણ જરાય જોરથી ચાલતી ન હોય. સૂર્ય પણ વધુ તપી શકતો ન હોય. જે ઇચ્છા થાય એ બધું જ હાજર હોય. કોઈ વાતની કમી ન હોય. કશું જ ક્યારેય ખૂટતું જ ન હોય. અભાવ કે અછતનું અસ્તિત્વ જ ન હોય તો કેવો જલસો પડી જાય? 
અંધાધૂંધી કે અરાજક નામની ચીજ જ ન હોય. વ્યવસ્થા એની સંપૂર્ણતામાં હોય. ક્યાંય એક પાંદડું પણ વ્યવસ્થાની બહાર હાલતું ન હોય. એક પતંગિયું પણ પોતાની પાંખ વ્યવસ્થાની ગોઠવણ કરતાં એક વખત પણ વધુ ફફડાવી ન શકતું હોય. જીવનમાં ખાવું-પીવું અને મજા કરવા સિવાય કશું હોય જ નહીં. ચિંતા, તનાવ, પીડા, કમનસીબી જેવું વિશ્વમાં હોય જ નહીં. દુ:ખ નામનો પ્રદેશ માત્ર કલ્પનાઓમાં જ હોય. આવુંબધું હોય તો મજો જ મજોને? મોજે દરિયાને?
વિચારીને કહો...  
ખરેખર? ખરેખર મજા જ હોત? જરા પણ અવ્યવસ્થા ન હોત તો ખરેખર જીવન જલસાભર્યું હોત? વિચારી જુઓ. થોડી વાર થોભો અને વિચારો. વાસ્તવમાં જલસો હોત? નો, માય ડિયર રીડરજી, નો. બિગ નો. આ જગતની સુંદરતા એની અનિશ્ચિતતામાં છે. આ વિશ્વની મજા એની અંધાધૂંધીમાં છે. આ દુનિયાની ખૂબસૂરતી એની અવ્યવસ્થામાં છે. વ્યવસ્થામાં સરળતા હોઈ શકે, સપ્રમાણતા હોઈ શકે, સમમિતિ હોઈ શકે, સૌષ્ઠવ હોઈ શકે, સમરૂપતા હોઈ શકે, સંગતિ હોઈ શકે, સુડોળતા હોઈ શકે, સુઘડતા હોઈ શકે; પણ સૌંદર્ય ન હોય. ખરું સૌંદર્ય જ અનિશ્ચિતતામાં છે. વૃક્ષની બધી જ ડાળીઓ એકદમ નિશ્ચિત આકારમાં જ નક્કી કરાયેલા માપમાં જ ઊગતી હોત, પાંદડાં પણ એકસરખાં જ હોત, એકસરખા અંતરે ડાળીઓ પર ઊગતાં હોત, ફળ પણ એક જ કદ-માપનાં હોત તો વૃક્ષો સુંદર લાગતાં હોત? વૃક્ષની સુંદરતા એની અસમરૂપતામાં છે. કુદરતે જે કશું બનાવ્યું છે એ બધું જ અપ્રમાણસર છે. જે પ્રકૃતિ દરેક તત્ત્વના અણુમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની વ્યવસ્થિત ગોઠવણ કરી શકે તે જગતના બધાને રેતીના કણ સમાન ન બનાવી શકી હોત? સમુદ્રના દરેક મોજાને માપ મુજબનું ન બનાવી શકી હોત? વાદળોને નિશ્ચિત આકારનાં ન બનાવી શકી હોત? દરેક પ્રાણી કે જીવજંતુને એકસરખાં ન બનાવી શકી હોત? જગતની કોઈ બે વ્યક્તિ કે પ્રાણી કે જંતુ કે વૃક્ષ કે વેલ એકસમાન નથી હોતાં. કરોડો માનવીઓ હોવા છતાં દરેક એકબીજાથી દેખાવમાં, કદ-કાઠીમાં ભિન્ન છે. દરેકની આંખની કીકી અલગ છે, ફિંગરપ્રિન્ટ અલગ છે. બધા એકસરખા બન્યા હોત તો શું થાત? રોબોના જગતમાં જીવી રહ્યા હોઈએ એવું લાગતું હોતને? હા, તો જગત રોબોટિક બની જાત. 
ભૌતિકતાની મર્યાદા
માણસ રોબો બનાવે, પ્રકૃતિ જીવન સર્જે. વ્યવસ્થા રોબો બનાવે, અવ્યવસ્થા સર્જક પેદા કરે, સર્જકતા નીપજાવે. કેટલું બધું એકસરખું બનાવી નાખ્યું છે માણસે. એકસરખી ગાડીઓ, એકસરખાં મકાનો, એકસરખાં ગૅજેટ્સ, એકસરખા રસ્તાઓ, એકસરખાં નગરો, એકસમાન વ્યવસ્થાતંત્ર, એકસમાન વિચાર, એકસમાન આચાર. ભારતમાં હો કે અમેરિકામાં કે ફિઝીમાં કે મોન્ગોલિયામાં - બેસિક બધું જ એકસમાન છે. કાર ચાર પૈડાંવાળી હોય એ તો જાણે સમજી શકાય, પણ આકાર કેમ બદલાતો નથી? આપણે સ્ટિરિયોટાઇપના એટલા આદી થઈ ગયા છીએ કે ઇલેક્ટ્રિક બાઇકમાં પેટ્રોલની ટાંકીની જરૂર જ ન હોવા છતાં એની ડિઝાઇન ટાંકીવાળા બાઇક જેવી જ બનાવીએ છીએ. તમારી આજુબાજુ એવી કેટલીયે વસ્તુઓ મળી આવશે જેની ડિઝાઇન દાયકાઓથી એકસરખી જ હોય. જે-તે સમયે ટેક્નૉલૉજીની મર્યાદા હતી, પણ હવે તો નથીને? છતાં કેમ એ ડિઝાઇન બદલાતી નથી?
આ બધી તો ભૌતિક જગતની વાત થઈ. જે ભૌતિક છે એની સુંદરતા મર્યાદિત છે. 
ક્રીએટિવિટીનું કતલખાનું એટલે...
જગતમાં જે કશું ક્રીએટિવ છે એ બધું વ્યવસ્થાની બહાર નીકળવાથી બન્યું છે. વ્યવસ્થામાં સર્જનાત્મક કશું હોતું નથી. એમાં બંધનો અને સીમાઓ હોય છે, ક્રીએટિવિટી નહીં. દરેક વ્યવસ્થાતંત્ર ક્રીએટિવિટીનું કતલખાનું છે. શિક્ષણનું આપણું વ્યવસ્થાતંત્ર પણ એટલે જ બાળકની સર્જનક્ષમતાને બુઠ્ઠી કરી નાખે છે. તેના કુતૂહલને ટીચરની ડારો દેતી આંખ મૂરઝાવી નાખે છે. માણસ જન્મે કે તરત જ વ્યવસ્થાતંત્ર એનો કબજો લેવાની શરૂઆત કરી દે. છઠ્ઠી વગેરે જન્મસંસ્કારો વ્યવસ્થાતંત્રનો એક ભાગ છે. નામ પાડવું, બાળકને એટિકેટ શીખવવી વગેરે બધું જ વ્યવસ્થાતંત્રનો હિસ્સો છે. તાલીમ નામની કોઈ પણ ચીજ વ્યવસ્થાતંત્ર છે. એનાથી તમે માણસને મર્યાદાઓમાં બંધાયેલો રહેતાં શીખવી શકો. સમાજ દ્વારા, શાસન દ્વારા, ધર્મ દ્વારા નક્કી કરાયેલી સીમાઓ નહીં વળોટવા માટે તેને તૈયાર કરી શકો. સારા નાગરિક બનાવવા માટે આવું કરવું જરૂરી છે, પણ એનાથી માણસ બંધાઈ જાય છે. તેની ક્રીએટિવિટી ઘોંટાઈ જાય છે. તાલીમ વગરની દુનિયા વ્યર્થ છે, પણ તાલીમની સાઇડ ઇફેક્ટ બંધિયારપણું છે એ સમજી લેવાથી એમાંથી મુક્ત થવાના રસ્તા મળી શકે. જે પણ માણસ આ જગતમાં સફળ થયો છે તે બંધનથી મુક્ત થઈને નવું વિચારવાથી જ સફળ થયો છે. ક્રીએટિવિટી વગર સફળતા સંભવ નથી અને સર્જનાત્મકતા માટે, સૌંદર્ય માટે થોડું અરાજક, થોડી અંધાધૂંધી, થોડી અવ્યવસ્થા જરૂરી છે. ભયંકર અરાજકમાંથી જ અપ્રતિમ સૌંદર્ય નીપજે. દરેક મહાયુદ્ધે જગતને નવી ટેક્નૉલૉજીથી માંડીને નવા વિચાર સુધી ઘણું આપ્યું છે. દરેક વિષમતાએ જીવનને વધુ સરળ બનાવતી ચીજોની શોધ કરાવી છે.
જીવનમાં બધું સિમેટ્રિક અને સિસ્ટમૅટિક જ હોય એવો આગ્રહ ન રાખવો. અવ્યવસ્થાને પણ આવકારવી. તો જીવન ઘરેડમય, મૉનોટોનસ બનતું અટકશે. કંઈક નવું, કંઈક અલગ, કંઈક ઇનોવેટિવ કરી શકશો.

અભૌતિક નથી એને મર્યાદાઓ નથી

ભૌતિક ચીજોના સૌંદર્યની મર્યાદા હોય છે; પણ જે અભૌતિક નથી એને મર્યાદાઓ નથી, સીમાઓ નથી, બંધન નથી. એ અમર્યાદ છે, અસીમ છે, મુક્ત છે. ફોટો કરતાં પેઇન્ટિંગમાં વધુ સૌંદર્ય શા માટે હોય છે? જ્યારે ફોટોગ્રાફીની શરૂઆત થઈ અને એમાં પણ કલર ફોટોગ્રાફ આવ્યા ત્યારે કહેવાતું કે પેઇન્ટિંગનો, ચિત્રનો યુગ હવે આથમી ગયો. જોકે બન્યું એનાથી ઊલટું. કલર ફોટોગ્રાફી પછી પેઇન્ટિંગની અસલી બ્યુટી જગતની સમજમાં આવી. ત્યારે સમજાયું કે અમર્યાદ શું ચીજ છે, અસીમની શું મજા છે. દરેક કળા અસીમનો પરિચય કરાવે છે. વાસ્તવને વળોટી જવાની તાકાત કલામાં છે એટલે જ સાચું સૌંદર્ય કલામાં છુપાયું છે. સંગીતને છંદ અને લયમાં બાંધવામાં આવ્યું, એને શાસ્ત્રીય બનાવવામાં આવ્યું. એ અસુંદર નથી, પણ સાવ છેવાડાના ગામડાનો ઢોર ચારનાર લાકડીના ટેકે ઊભો રહીને એનું ગામડિયું ગીત લલકારે એ પંડિત જસરાજથી નિમ્ન નથી.

તાલીમ વગરની દુનિયા વ્યર્થ છે, પણ તાલીમની સાઇડ ઇફેક્ટ બંધિયારપણું છે એ સમજી લેવાથી એમાંથી મુક્ત થવાના રસ્તા મળી શકે. જે પણ માણસ આ જગતમાં સફળ થયો છે તે બંધનથી મુક્ત થઈને નવું વિચારવાથી જ સફળ થયો છે. ક્રીએટિવિટી વગર સફળતા સંભવ નથી અને સર્જનાત્મકતા માટે, સૌંદર્ય માટે થોડું અરાજક, થોડી અંધાધૂંધી, થોડી અવ્યવસ્થા જરૂરી છે.

21 November, 2021 08:45 AM IST | Mumbai | Kana Bantwa

અન્ય લેખો

એક ગુનેગાર હોય છે

ઘણી વખત સુખ આપણી સામે જ હોય છતાં એને ઓળખવામાં આપણે થાપ ખાઈ જઈએ. અનેક ઉતાર-ચડાવ અને અવરોધો વચ્ચે એક એવો સંબંધ હોવો જોઈએ જે આપણને જીવવા પ્રેરે

28 November, 2021 02:06 IST | Mumbai | Hiten Anandpara

હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન

ઈશ્વરના આ આવાસમાં આપણે ટૂંકી મુદત માટે કોઈક કામે આવ્યા છીએ. આ કામ શું છે એ માણસ પોતે જ જો સમજી લે તો તે ભારે સુખી થાય છે. દુર્ભાગ્યે માણસ છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ સમજી શકતો નથી અને પરિણામે કેટલાંક કામોમાં હવાતિયાં મારે છે

28 November, 2021 02:05 IST | Mumbai | Dr. Dinkar Joshi

સબ અપની અપની મહેફિલોં મેં ગુમ થે, ઔર મૈં અપને ચાહનેવાલોં મેં બિખર ગયા

સૌના હૃદયમાં સ્થાન પામવું એ કાંઈ નાનીસૂની વાત નથી. બહુ ઓછા લોકો આ સિદ્ધિ મેળવી શકે. એ બદલ મારા ચાહકોનો હું જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. આજીવન હું તેમનો ઋણી રહીશ.

28 November, 2021 02:01 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK