° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


કર્યુંકારવ્યું ઉપરવાળાનું જ હોય, આપણે તો માત્ર નિમિત્ત જ હોઈએ છીએ

16 July, 2020 08:47 PM IST | Mumbai | Latesh Shah

કર્યુંકારવ્યું ઉપરવાળાનું જ હોય, આપણે તો માત્ર નિમિત્ત જ હોઈએ છીએ

મનના સવાલોના જવાબ માટે હું એક બાવાજીની પાછળ જંગલ તરફ ચાલતો ગયો, ચાલતો જ  ગયો

મનના સવાલોના જવાબ માટે હું એક બાવાજીની પાછળ જંગલ તરફ ચાલતો ગયો, ચાલતો જ ગયો

નાટક કરવાનો વિચાર પડતો મૂકવો પડે અને દુકાને ગોઠવાઈ જવું પડે એવી સ્થિતિમાં અચાનક ઉપરવાળાની જાદુઈ છડી એવી ફરી કે જીવનની ચેસનાં બધાં પ્યાદાં ફરી ગયા અને હારવાની બાજીમાં જીત મળી. આવું કરવાવાળા ઉપરવાળાની શોધમાં હું ગિરનાર પહોંચ્યો. મનના સવાલોના જવાબ માટે હું એક બાવાજીની પાછળ જંગલ તરફ ચાલતો ગયો, ચાલતો જ ગયો.

મન હોય તો માળવે જવાય અને ન હોય તો તાળવે જવાય. દિલમાં નાટક કરવાની અપરંપાર ઇચ્છા હતી તો ઉપરવાળો દરેક મુસીબતમાંથી રસ્તો કાઢતો હતો. છેલ્લી ઘડીએ નૈયા પાર કરતો હતો. બધા રસ્તા સાવ બંધ થઈ ગયા હોય એમ લાગે અને અચાનક એક નવો દરવાજો ખૂલે. કમાલ કહેવાય.
ગની ખાન જેવા ખુંખાર ડૉનને મારી નાટક કરવાની ઘેલછાને લીધે ઉપરવાળો હટાવી દે એ વાત મારા માનવામાં નથી આવતી. આની પહેલાં આવા કેટલાય કિસ્સા બન્યા હતા, જેમાં છેલ્લી ઘડી સુધી સમજ ન પડે અને અચાનક મુશ્કેલીનો હલ આવી જાય.
એમ થાય કે આ સિચુએશનમાંથી નીકળવું અશક્ય છે અને અચાનક એમાંથી એવો રસ્તો નીકળે જે આપણે વિચાર્યો પણ ન હોય. ક્યારેક લાગે કે હવે તો બધા માર્ગ બ્લૉક થઈ ગયા છે. નાટક કરવાનો વિચાર પડતો મૂકવો પડશે અને દુકાને ગોઠવાઈ જવું પડશે અને અચાનક ઉપરવાળાની જાદુઈ છડી એવી ફરે કે જીવનની ચેસનાં બધાં પ્યાદાં ફરી જાય અને હારવાની બાજીમાં જીત મળી જાય. મને હમેશાં આનંદ થાય અને આશ્ચર્ય પણ થાય. આ કેવી રીતે થાય છે? મારાં નસીબ જોર કરે છે કે પછી મારી હોશિયારી? અહમનો પાર ન રહે. હું હું હું ગુંજ્યા કરે મનમાં. ખરા અર્થમાં તો બધું કર્યુંકારવ્યું ઉપરવાળાએ જ હોય, આપણે તો માત્ર ને માત્ર નિમિત્ત જ હોઈએ. ફક્ત ફુગ્ગાની જેમ ફુલાઈને ફાળકો થવાનું જ આપણા ભાગે હોય. ‘આ મેં કર્યું’નાં બણગાં જ ફૂંકવાનાં હોય. આ ઉપરવાળો છે કોણ? હમેશાં આ જ વિમાસણમાં રહેતો. છેવટે ન રહેવાયું એટલે ઊપડ્યો પર્વત ભણી. મેં ગિરનાર વિશે બહુ સાંભળ્યું હતું. હિમાલયનું સંતાન ગિરનાર. પાર્વતીમાનો ભાઈ ગિરનાર. તીર્થધામની ભૂમિ ગિરનાર. અંબામાનું મંદિર, દત્તાત્રેયની ટૂંક, નેમિનાથનું દેરાસર ગિરનાર. શિવજીનું ધામ ગિરનાર. ભવનાથની તળેટી ગિરનાર. સાધુ-સંતોનું સ્થાન ગિરનાર અને આવી તો કંઈકેટલીયે વાતો, વાર્તાઓ, લોકવાયકાઓ, દંતકથાઓ અને પુરાણોની કથાઓ બાળપણમાં વડીલો પાસેથી સાંભળી હતી. શિવરાત્રિની રાતે ભવનાથના શિવમંદિરમાં હજારો સાધુઓ તળાવમાં ડૂબકી લગાવે અને ક્યાં અદૃશ્ય થઈ જાય એની ખબર જ ન પડે. આવી ઘણીબધી ભાસતી અફવાઓની હકીકત જાણવાની નાનપણથી મનમાં જિજ્ઞાસા હતી એટલે મારી જાતને ગિરનાર લઈ જતાં રોકી ન શક્યો. મારે જાણવું હતું કે ઉપરવાળો એટલે કોણ? તે ક્યાં વસે છે? ખરેખર છે? શિવ છે કે જીવ છે? જડ છે કે ચેતન છે? જે પણ ફૉર્મમાં સુપરપાવર હોય અને આ જગત અને એના જીવોની જિંદગીનું નિયંત્રણ કરે છે તો કેવી રીતે કરે છે? આપણે શું કામ જન્મ લઈએ છીએ? શું કામ મરણ પામીએ છીએ? જન્મતાં પહેલાં ક્યાં હતા? મરણ બાદ ક્યાં જઈશ? કાલિદાસ અને શેક્સપિયરે કહ્યું છે કે આ દુનિયા એક રંગમંચ છે અને એમાં રહેતા માણસો બધાં અભિનેતા-અભિનેત્રી છે. ઉપરવાળાએ નક્કી કરેલાં પાત્રો ભજવવા આવે છે. પડદો પડે એટલે એક્ઝિટ મારે છે. બધા ઍક્ટર જ છે? હકીકત એ આભાસ છે અને આભાસ એ હકીકત  છે? સવાલો પર સવાલો આવ્યા જ કરે અને કોઈ વાતનો જવાબ મળે જ નહીં. બધાનાં નાટકોની વાર્તા તે લખે. સંવાદો પણ તેના જ લખેલા આપણે બોલવાના? એ આપણને ઉપર ચડાવે અને નીચે પછાડે? આવા તો કેટલાય કોયડાઓ મનમાં મૂંઝવણનો મહાસાગર ઠાલવતા હતા. મને મનમાં ખાતરી હતી કે ગિરનારમાં મને કોઈ સાધુ મળશે. તે મારા મગજનું દહીં કરતી મગજની મથામણના માથાફોડ ગણિતમાંથી બહાર કાઢશે.
ગિરનાર પહોંચી તો ગયો, પણ કોને કહું, ક્યાં રહું? ગિરનારની બજાર, ચા-ગાંઠિયા-ફાફડાની લારીઓ અને નાની રેસ્ટોરાં ભારોભાર છલકાતી હતી. એક ચાના બાંકડા પર બિરાજ્યો. ખભા પરથી થેલો નીચે ઉતાર્યો. કડક મીઠી બાદશાહી ચા અને અઢીસો ગ્રામ ફાફડાનો ઑર્ડર આપ્યો. સોશ્યલની સફળતાને લીધે ગજવું ભરેલું હતું. ઘણાયા ત્રાળુઓની અવરજવર ચાલુ હતી. મેં બાંકડાના શેઠને પૈસા આપતાં પૂછ્યું, ‘આસપાસ સાધુ-સંતોનાં દર્શન ક્યાં થશે?’ બાંકડાશેઠે કહ્યું, ‘અહીં ભવનાથ તળેટી તો બાવાઓથી ભરચક ભરેલી છે. કયા અખાડાના કયા બાવાને તમારે મળવું છે?’ મને સમજાયું નહીં. અખાડો મારા માટે નવો શબ્દ હતો. ત્યાં જ એક  ભગવા કપડાંવાળો સાધુ બાંકડા પાસે આવ્યો. તેણે ચીપિયો પછાડ્યો અને મને કહ્યું, ‘અહાલેક નિરંજન, ભગત હમકો ચા પિલાઓ, તુમારી સબ મુરાદેં પૂરી હોગી.’ હું તો રાજીનો રેડ થઈ ગયો કે જોઈ ઉપરવાળાની કરામત, હું જેમને શોધતો હતો તે સામેથી મળી ગયા.
આ સાધુ મારા સવાલના જવાબ આપશે. ચાનો સબડકો બોલાવતા સંતને મેં મારી તલપ જણાવી. તેણે સાહજિકતાથી કહ્યું, ‘ઇસમેં કૌનસી બડી બાત હૈ. મેરે અખાડે કે મહંત ત્રિલોકનાથજી તુમ્હારે સારે સવાલોં કે જવાબ દેંગે, બડે જ્ઞાની હૈ. ચલો મેરે સાથ.’ હું તો વગરવિચાર્યે નીકળી પડ્યો તેની સાથે. મારો બગલથેલો ખભે ટિંગાડ્યો અને ચાના પૈસા ચૂકવીને ચાલ્યો તેની પાછળ-પાછળ. તે ચાલે અને હું તેની પાછળ દોડું. બજાર વટાવીને જંગલ શરૂ થયું. તે તો વગરબોલ્યે ચાલ્યા કરે અને હું તેની સ્પીડને મૅચ કરવા દોડું. સમજાતું નહોતું કે તે મને ક્યાં લઈ જતો હતો? નાનપણમાં વાર્તા સાંભળી હતી કે બાવાઓ કેવા ભયંકર હોઈ શકે. તે કેવી રીતે વશીકરણ કરીને બાળકોનું અપહરણ કરે. મા ડરાવવા માટે હમેશાં કહેતી, ‘બાવો આવીને તને ઉપાડી જશે.’ નાનપણની વાતો યાદ આવી અને મારી હાલત ખરાબ થવા લાગી. મને ખબર જ નહોતી પડતી કે સાધુ જેવો દેખાતો બાવો મને ક્યાં લઈ જાય છે? એ બાવાએ જાણે મૌન ધારણ કરી લીધું હોય એમ રસ્તામાં એક વાત પણ ન કરી. તે આગળ અને હું પાછળ. નિર્જન જંગલમાં એક માણસ સમ ખાવા પૂરતોય ન દેખાય. મારી બેવકૂફી પર રડવું કે હસવું એની મને સમજ નહોતી પડતી. આ વટેમાર્ગુ વગરની વાટમાં આ બાવો મને લૂંટીને, મારી નાખીને ક્યાંક અવાવરું જગ્યાએ દાટી દેશે તો કોઈને ખબરેય નહીં પડે. ‘હું ભાગી જાઉં’ના વિચારો આવતા હતા, પણ પગ તો જાણે તેના તાબામાં જ હોય એમ લાગતું હતું. લગભગ ત્રણેક કિલોમીટરનો પંથ કાપી નાખ્યો હતો, પણ તેનો અખાડો આવતો જ નહોતો. મને મમ્મી-પપ્પા યાદ આવવા લાગ્યાં. કૉલેજ યાદ આવવા લાગી. પસીનાથી લથબથ હું તેની પાછળ-પાછળ ઘસડાતો જતો હતો. એ ભગવાન આ દાઢીવાળાની ચુંગાલમાંથી મને છોડાવ. જે સવાલ પૂછવા હતા એ હું ભૂલવા લાગ્યો અને એની જગ્યા નવા સવાલોએ લઈ લીધી. મારું શું થશે? આ બાવો મને ક્યાં લઈ જશે? જાણીએ આવતા ગુરુવારે...

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
જગતમાં ઘટનાઓની ઘટમાળ ઘડાય છે. આ ઘડનારા કોણ છે? હું, તું કે કોઈક બીજું જ? આ અહમ્, અહંકાર અને અભિમાનથી ઘડાય છે આપણું સ્વાભિમાન; જે ખરા અર્થમાં મૌલિક નથી. કૉપી, પેસ્ટ અને શૅરના જમાનામાં કોઈ પર વાત નો, મારી છે કહીને બકરીની જેમ મેં મેં મેંનો મેંકારો કરવો એ પોતાની જ સર્જનાત્મક શૈલીને ગધેડાની જેમ લાત મારવાની રમત છે. મારું  એટલે મારું, મારવાની રમત છે. તારું એટલે તારું, તારવાની રમત છે. આભાસમાંથી મુક્ત થવું તો કહો તારું. હું તો નિમિત્તમાત્ર છું. તૂ હી તૂ - તૂ હી તૂ એ હકીકત છે.

16 July, 2020 08:47 PM IST | Mumbai | Latesh Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK