Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મારું બાળક બરાબર વિકસી તો રહ્યું છે ને?

મારું બાળક બરાબર વિકસી તો રહ્યું છે ને?

05 March, 2021 01:09 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

મારું બાળક બરાબર વિકસી તો રહ્યું છે ને?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહેલી વાર મા બન્યા પછી દરેક માતા-પિતાને સંતાનના વિકાસ બાબતે ચિંતા રહેતી હોય છે. વજન બરાબર વધે છેને? મેન્ટલી બરાબર છેને? જોવા-સાંભળવાની ક્ષમતા બરાબર છેને? બોલવા-ચાલવાનું બરાબર સમયે શીખી રહ્યું છેને? આવી બધી ચિંતાઓ જો તમને પણ થતી હોય તો આજે નિષ્ણાત પાસેથી જાણી લઈએ કે બેબી ગ્રોથનો ચાર્ટ શું હોય અને અેમાં શું ધ્યાન રાખવું જોઈએ

સંતાનને જન્મ આપ્યા બાદ શરૂઆતના સમયગાળામાં તેના શારીરિક અને માનસિક વિકાસને જોવાનો આનંદ જુદી જ અનુભૂતિ છે. બાળક પહેલી વાર પોતાની જાતે પડખું ફરે, તકિયાનો ટેકો લઈને બેસતાં શીખે, ઘૂંટણિયાં ભરવા લાગે, પકડીને ઊભું થાય જેવી તમામ ક્ષણોને કૅપ્ચર કરવા ફર્સ્ટ ટાઇમ પેરન્ટ્સમાં ગજબનું એક્સાઇટમેન્ટ જોવા મળે છે. અરે... પહેલો દાંત ફૂટે અને કાલીઘેલી ભાષામાં બોલાયેલો પહેલો શબ્દ પણ સુખદ અનુભવ હોય છે. જોકે સંતાનના ઓવરઑલ ગ્રોથને લઈને પેરન્ટ્સના મનમાં ઘણી દુવિધાઓ હોય છે. આજે આપણે શિશુના શારીરિક તેમ જ માનસિક વિકાસ વિશે નિષ્ણાત સાથે વાત કરીશું.



શારીરિક વિકાસ


બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં સતત પરિવર્તનના કારણે શરૂઆતના ત્રણ વર્ષ માતા-પિતા માટે ચિંતાજનક હોય છે. સૈફી હૉસ્પિટલના નીઓનેટોલૉજિસ્ટ અને પીડિયાટ્રિશ્યન ડૉ. આશિષ શાહ કહે છે, ‘ગ્રોથ ચાર્ટની વાત આવે ત્યારે સૌથી પહેલાં સમજી લો કે ચાર્ટ મૉનિટરિંગ સરખામણી અને નિદાન પર આવવા માટે ઉપયોગી છે તેમ છતાં પણ દરેક બાળકનો શારીરિક વિકાસ તેના જિનેટિક બંધારણ, માતા-પિતાના બાંધો-કદ-કાઠીને અનુરૂપ હોવાના કારણે ૩૦થી ૪૦ ટકા બાળકોમાં ગ્રોથ ચાર્ટ સંતાનના વિકાસને ઓછો બતાવે છે. જે પેરેન્ટ્સ માટે ચિંતાનું કારણ બને છે.’     

ગ્રોથ ચાર્ટની વાત આવે એટલે મમ્મીની પહેલી ફરિયાદ હોય મારું સંતાન તંદુરસ્ત દેખાતું નથી, એનું વજન વધતું નથી. બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારે માતા તરફથી મળેલું પોષણ એના ગ્રોથ ડેવલપમેન્ટમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘ઘરમાં દાદા-દાદી અને અન્ય વડીલો બાળકના વજનને લઈને સલાહ-સૂચનો આપતાં હોય છે. પરિણામે ફર્સ્ટ ટાઇમ મધર પરેશાન થઈ જાય છે. વાસ્તવમાં માતા તરફથી મળેલા આહારનું રિફ્લેક્શન બાળકના જન્મ પછીના છ મહિના સુધી દેખાય છે. ત્યારબાદ વજન વધવાની ઝડપ ઘટી જાય છે ત્યારે માતા ચિંતિત થઈ જાય છે. અમે એ જ સલાહ આપીએ કે બસો ગ્રામ વજન વધ્યું હોય તો એ પણ ગ્રોથ થયો છે. વજન ઘટ્યું નથી એ મહત્વનું લક્ષણ છે. વાસ્તવમાં છ મહિના બાદ માતા-પિતાનો નાનપણમાં જે બાંધો હોય અને તેમનો જે રીતે વિકાસ થયો હોય એ પ્રમાણે સંતાનનો ગ્રોથ થાય છે. ઘણી વાર પેરન્ટ્સના ગળે આ વાત ઊતરતી નથી તેથી સંતોષ માટે સંતાનની બ્લડ-ટેસ્ટ સહિત જુદાં-જુદાં પરીક્ષણો કરાવી લે છે. મોટા ભાગના કેસમાં રિપોર્ટ નૉર્મલ જ આવે છે. આ જે પ્રશ્ન છે એ કોઈના કન્ટ્રોલમાં નથી. શારીરિક વિકાસ જિનેટિક છે. જો તમારું બાળક હસતું-રમતું છે અને કુપોષણનાં કે લાંબી બીમારીનાં કોઈ લક્ષણો નથી તો ટેન્શન ન લો. શારીરિક વિકાસ વિચિત્ર હોય એવી આનુવંશિક બીમારી, હાડકાની બીમારી (સ્કેલેટલ ડ‌િસ્પ્લેસિયા), થાઇરૉઇડ કે ગ્રોથ હૉર્મોનની બીમારીઓમાં શારીરિક વિકાસ થતો નથી. જો સમયસર સારવાર આપવામાં આવે તો થાઇરૉઇડ-ગ્રોથ હૉર્મોનની બીમારીમાં સો ટકા સફળતા મળે છે અને વિકાસ નૉર્મલ થાય છે.’


બ્રેઇન ડેવલપમેન્ટ

સંતાનના માનસિક વિકાસમાં અસર કરતાં પરિબળો વિશે માહિતી આપતાં ડૉ. આશિષ કહે છે, ‘બાળક જન્મે એટલે સૌથી પહેલાં થાઇરૉઇડ પરીક્ષણ કરવામાં આવે છે, કારણ કે બાળકના મેન્ટલ ગ્રોથ માટે થાઇરૉઇડ ગ્રંથિનું સ્વસ્થ હોવું જરૂરી છે. બ્રેઇન એક્ઝામિનેશનમાં માથાની સાઇઝ ખૂબ મહત્ત્વની છે. લંબાઈ અને વજન બાળકનો ફિઝિકલ ગ્રોથ ઇન્ડિકેટ કરે છે એવી જ રીતે મગજના વિકાસને ચાર ગ્રુપમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે. ગ્રોસ મોટર માઇલસ્ટોનમાં બાળક પકડીને ઊભા થવાનું સમજે છે. તમે કોઈ વસ્તુ દેખાડો અને પકડવા દોડે એને ફાઇન મોટર માઇલસ્ટોન કહેવાય. સોશ્યલ ઇન્ટરૅક્શન એટલે તમે વાતો કરો તો હસે, અવાજ કાઢે, તમારી સાથે કમ્યુનિકેટ કરે. છેલ્લે હિયરિંગ અને અન્ડરસ્ટૅન્ડિંગ આવે. એમાં સાંભળીને બોલવાનો પ્રયાસ કરે છે. આ બધું યોગ્ય રીતે થતું હોય તો સમજવું કે ‌તેનો માનસિક વિકાસ બરાબર છે.’

ચાઇલ્ડના બ્રેઇન ડેવલપમેન્ટમાં હાઈ રિસ્ક ફૅક્ટરને બિલકુલ નજરઅંદાજ ન કરી શકાય. ડૉ. આશિષ કહે છે, ‘જન્મ સમયે બાળક રડ્યું ન હોય ત્યારે ઑક્સિજન વધારે આપવાની જરૂર પડી હોય, અધૂરા મહિને જન્મ્યું હોય, જન્મ સમયે વજન બે કિલોથી ઓછું હોય, બ્લડ-શુગરની માત્રા ઓછી હોય અથવા આનુવંશિક બીમારી લઈને જન્મ થયો હોય. આવાં અનેક રિસ્ક ફૅક્ટરના કારણે બાળકનું બ્રેઇન ડૅમેજ થવાની શક્યતા વધી જાય છે. યુનિવર્સલ નીઓનેટલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ હેઠળ બધાં જ બાળકોનું જન્મ સમયે થાઇરૉઇડનું પરીક્ષણ કરવામાં આવે છે. જો થાઇરૉઇડના નિદાનમાં વિલંબ થાય તો બાળકની બુદ્ધિને અસર થાય છે. મોટા ભાગે મંદબુદ્ધિ થવાની શક્યતા છે. બાળકોના માઇલસ્ટોન્સ ઘણી વખત આગળ-પાછળ થાય તો પણ દરેક વખત ચિંતાનું કારણ હોતું નથી. તેમ છતાં જન્મ વખતની તકલીફો, બાળકનો વિચિત્ર દેખાવ, બ્રેઇન ઇન્ફેક્શન વગેરેમાં માનસિક વિકાસને મૉનિટરિંગ કરવો અત્યંત જરૂરી છે. બાળકનું માથું નાનું કે મોટું હોય, શરીરનો એક હાથ-પગ ઓછો હલે, આંકડી આવવી જેવી તકલીફમાં આગળની તપાસ કરાવવામાં પેરન્ટ્સે ચોક્કસ રહેવું જોઈએ. અનેક કેસમાં માતા-પિતા પોતે પણ મોડું બોલતાં-ચાલતાં શીખ્યાં હોય તો તેમના સંતાનનો વિકાસ પણ મોડો થાય છે.’

ઇન શૉર્ટ, બેબી ગ્રોથ ચાર્ટ માસ માટે છે. દરેક બાળક બીજા કરતાં અલગ હોય છે. આથી ક્યારેય પોતાના બાળકના શારીરિક અને માનસિક વિકાસની તુલના બીજા બાળક સાથે કરવી નહીં. બાળકનો વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં એનું પેરન્ટ્સે જાતે નિરીક્ષણ કરવું. ડાઉટ લાગે તો બાળરોગ નિષ્ણાતનો અભિપ્રાય લેવો.

આ લક્ષણો વિકાસ અટકાવે છે

સંતાનનું પેટ ફૂલેલું રહેતું હોય, ત્વચા કાળી પડી ગઈ હોય અથવા ફીકી અને પીળાશ પડતી હોય, એના પર અલગ-અલગ પ્રકારનાં પિગમેન્ટેશન જોવા મળે, ત્વચાની નીચેના ભાગની ચરબી ગળી ગયેલી હોય, વિટામિન ડેફિશિયન્સી કે બીમારી સાથે જન્મ્યું હોય જેવાં લક્ષણો શારીરિક વિકાસને અટકાવે છે. બેબી ગ્રોથ ચાર્ટને ફૉલો કરતા ફર્સ્ટ ટાઇમ પેરન્ટ્સને કહેવાનું કે તમારા સંતાનમાં ઉપરના કોઈ રોગનાં લક્ષણો નથી તો ચિંતા ન કરો.

3 - જન્મ પછી ત્રણ મહિનાની વયે માથાનો કન્ટ્રોલ આવે છે

7 - આટલા મહિનામાં ટટ્ટાર બેસતાં શીખે છે અને નવ મહિને ઘૂંટણિયે ચાલતાં શીખે છે

10થી 12 - દસથી બાર મહિનાની વયે બાળક કશુંક પકડીને ઊભા થતાં તેમ જ ચાલતાં શીખે છે અને દોઢથી બે વર્ષની વચ્ચે ચાલતી વખતે સ્ટેબિલિટી આવે છે

થાઇરૉઇડ ચૅક - યુનિવર્સલ નીઓનેટલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ હેઠળ બધાં જ બાળકોનું જન્મ સમયે થાઇરૉઇડનું પરીક્ષણ કરવામાં આવે છે. જો થાઇરૉઇડના નિદાનમાં વિલંબ થાય તો બાળકની બુદ્ધિને અસર થાય અને તેના મંદબુદ્ધિ થવાની શક્યતા રહે.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2021 01:09 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK