Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગ્રાહકે શું-શું ન કરવું એની સૂચનાનું પાટિયું દરેક ઈરાની હોટેલમાં હોય જ

ગ્રાહકે શું-શું ન કરવું એની સૂચનાનું પાટિયું દરેક ઈરાની હોટેલમાં હોય જ

17 September, 2022 03:48 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

એની બીજી એક ખાસિયત એ કે એમાં ધર્મ કે ન્યાત-જાતના ભેદ નહીં. બારણાં બધા માટે ખુલ્લાં. એક જમાનામાં ઈરાની હોટેલ એટલે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા. બન મસ્કા અને ચાથી પણ અડધું પેટ ભરાઈ જાય

બન મસ્કા અને ચા

ચલ મન મુંબઈ નગરી

બન મસ્કા અને ચા


આ શ્હેર તમારા મનસૂબા ઊથલાવી દે, કહેવાય નહીં આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

કાવ્યપ્રેમીઓના લાડકા કવિ રમેશ પારેખની આ પંક્તિઓ યાદ આવવાનું કાંઈ કારણ? કારણ કે મુંબઈ એક એવું શહેર છે જ્યાં સતત મનસૂબા ઘડાય છે અને અણધારી રીતે મનસૂબા ઊથલી પડે છે. અગાઉ શંકર વિલાસ હોટેલની કડક મીઠી ચા અડધી-અડધી પીતાં આપણે મનસૂબો કરેલો મુંબઈની ઈરાની હોટેલો અને બીજી હોટેલોની મુલાકાત લેવાનો, પણ વચમાં ટીચર્સ ડે આવ્યો અને આપણે હોટેલને બદલે પહોંચી ગયા મુંબઈની કેટલીક હાઈ સ્કૂલમાં! હોટેલના ચહેરા પર ચિપકાવી દીધો હાઈ સ્કૂલનો ચહેરો! પછી વળી આવી શુક્રવારે અનંતચતુર્દશીની રજા. એટલે શનિવારનો અંક નહીં. એટલે હવે આજે જઈએ મુંબઈની ઈરાની હોટેલોની મુલાકાતે.



મુંબઈમાં મરાઠી ખાણાવળ અને ગુજરાતી વીશી પહેલાં આવ્યાં કે ઈરાની હોટેલ પહેલી આવી, એનો જવાબ આપવો મુશ્કેલ છે. કદાચ બન્ને લગભગ સાથે પણ આવ્યાં હોય, કારણ કે ઈરાની હોટેલની શરૂઆત પણ ૧૯મી સદીના પહેલા અડધિયામાં થઈ હતી. ઈરાનથી આવેલા લોકોમાંથી કેટલાકે પોતાના વતનમાં હતી એવી ‘કૅફે’ અહીં પણ શરૂ કરી. આજે આપણા દેશમાં મુંબઈ ઉપરાંત પુણે અને હૈદરાબાદમાં જ ઈરાની હોટેલ જોવા મળે, બીજા કોઈ શહેરમાં નહીં.


પણ માદરે વતન છોડીને ઈરાનીઓ હિન્દુસ્તાન આવ્યા શા માટે? પહેલું કારણ ઈરાનના મુસ્લિમ શાસકોના અત્યાચાર, જોરજુલમથી બચવા. તો બીજા કેટલાક આવ્યા ઈરાન કરતાં હિન્દુસ્તાનમાં વેપારવણજ, કામધંધાની તક વધુ ઊજળી છે એમ તેમને લાગ્યું એટલે. એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે બધા ઈરાનીઓ હોય જરથોસ્તી. હા, મોટા ભાગના ખરા, પણ બધા નહીં. મુસ્લિમ અને બહાઈ પંથના અનુયાયીઓનો પણ ઈરાનીઓમાં સમાવેશ થાય અને તેમણે પણ અહીં હોટેલ કે ભઠિયારખાનાં કહેતાં બેકરી શરૂ કરી. જે જરથોસ્તી ઈરાનીઓ જોરજુલમથી બચવા આવ્યા તે તો લગભગ પહેરેલે કપડે અહીં આવેલા. તેમનો અને અહીંના પારસીઓનો ધર્મ એક જ એટલે અહીંના પારસીઓએ તેમને આવકાર્યા, રહેવા-ખાવાની સગવડ કરી આપી. 
ઈરાનમાં કૅફે કહેતાં ચાની દુકાનનું ચલણ. એટલે કેટલાકે અહીં પણ એ શરૂ કરી. જેવી આગવી-અલાયદી ચા એવી જ આગવી હોટેલની સજાવટ. કથ્થાઈ અને કાળા રંગની ચોરસ લાદીઓ જડેલી ફર્શ. વાળેલા લાકડાની કે નેતરની કાળી ખુરસીઓ. લાકડાનાં ચોરસ ટેબલ પર ટેબલ ક્લોથ પાથર્યો હોય અને એના પર હોય પારદર્શક કાચ. દરેક ટેબલ પર પહેલાં તો કાચની એક-એક બરણી રહેતી. એમાં ખારી, નાનખટાઈ, દેશી બિસ્કિટ – આજની કુકીઝ. હા, ઘણીખરી ઈરાની હોટેલ નૉનવેજ વાનગીઓ પણ રાખે જ. એટલે ‘ધાર્મિક’ માણસો ત્યાં ન જાય. અથવા બીજું કોઈ જોતું તો નથીને એની ખાતરી કરી ઝડપથી ઘૂસી જાય. એ જમાનામાં મેનુ કાર્ડ જોવા ન મળે. ચારે ભીંત પર મોટાં રંગેલાં પાટિયાં પર વાનગીઓનાં નામ અને કિંમત લખ્યાં હોય, અંગ્રેજીમાં. 
દરેક ઈરાની હોટેલમાં ગ્રાહકોને જાતજાતની સૂચનાઓ આપતું પાટિયું હોય, હોય ને હોય જ, અંગ્રેજીમાં. જેનો માયનો હોય : બીડી-સિગારેટ પીવાં નહીં, ઉધાર માગવું નહીં, બહારથી આણેલું કશું ખાવુંપીવું નહીં, વિનાકારણ બેસી રહેવું નહીં, મોટે મોટેથી બોલવું નહીં, ભાવ અંગે રકઝક કરવી નહીં, છુટ્ટા પૈસા માગવા નહીં, બાકસ કે દિવાસળી માગવાં નહીં, જુગાર રમવો નહીં, અરીસામાં જોઈ વાળ ઓળવા નહીં, ખુરસી પર પગ રાખીને બેસવું નહીં, વગેરે-વગેરે વગેરે. હવે આ બધી સૂચનાઓમાં નવા જમાનાની સૂચનાઓ ઉમેરાઈ છે : અહીં ચાર્જિંગ પૉઇન્ટ નથી, વાંચવા માટે છાપાં માગવાં નહીં, લૅપટૉપનો ઉપયોગ કરવો નહીં, પોતાના કે બીજાના ફોટા પાડવા નહીં, મોબાઇલ ગેમ્સ રમવી નહીં વગેરે. 

ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત એ કે એમાં ધર્મ કે ન્યાત-જાતના ભેદ નહીં. બારણાં બધા માટે ખુલ્લાં. આજથી ૫૦-૬૦ વરસ પહેલાં ઘણી ઈરાની હોટેલો બહાર બોર્ડ મારતી કે ન્યાત-જાતના ભેદ વગર બધાને માટે અહીં પ્રવેશ છે. એક જમાનામાં ઈરાની હોટેલ એટલે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા. બન મસ્કા અને ચાથી પણ અડધું પેટ ભરાઈ જાય. અને એ પણ બે-ચાર આનામાં! ખારી મગાવો તો ચામાં બોળી-બોળીને ખાવાની જે લિજ્જત આવે! અને હા, ઈરાનીની ચાનો ટેસડો જ જુદો. ઈરાનીઓ ઈંડાના ભારે ચાહક. એટલે ઈરાની હોટેલોમાં ઈંડાંની જાતજાતની વાનગી મળે. અગાઉ ‘ઊજળિયાત’ વર્ગનાં ઘરોમાં ઈંડાને પ્રવેશ નહોતો. ત્યારે ઘણા જુવાનો ‘ભારે હિંમત કરી’ કોઈ ઈરાની હોટેલમાં જઈને આમલેટ-પાંઉથી શરૂઆત કરી મટન પૅટીસ કે મટન ખીમાની લિજ્જત માણી આવે.   


ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત એ તેમની બ્રિટિશ રાજપરસ્તી. હજી આજે પણ ઘણીખરી ઈરાની હોટેલોમાં રાણી એલિઝાબેથનો કે મુંબઈના કોઈ બ્રિટિશ ગવર્નરનો કે કોઈ વાઇસરૉયનો ફોટો જોવા મળે. પારસી ઈરાનીની હોટેલ હોય તો અશો જરથુષ્ટ્રસાહેબનો મોટો ફોટો દીવાલ પર હોય ને હોય જ. તો કેટલીક હોટેલોમાં જૂના – ૧૮મી કે ૧૯મી સદીના – મુંબઈના ફોટો પણ જોવા મળે. એકંદરે ઘણીખરી ઈરાની હોટેલમાં બેઠા હો ત્યારે કાળ જાણે થંભી ગયો હોય એવું લાગે. ઈરાની હોટેલોની બીજી એક ખાસિયત : કોઈ મકાનની ખૂણાવાળી જગ્યાએ એ આવેલી હોય, કારણ કે ઘણા હિંદુ આવી જગ્યાને અપશુકનિયાળ માને એટલે ભાડે કે વેચાતી લે નહીં પણ ઈરાનીઓને આવો કોઈ બાધ નહીં. અને બીજું, આવી જગ્યા પ્રમાણમાં સસ્તામાં મળી જાય. 

ઘણી ઈરાની હોટેલોની પોતાની બેકરી પણ ખરી. એમાં પાંઉ બનતાં હોય ત્યારે એની સોડમ દૂર સુધી ફેલાઈ જાય. રૂનાં પોલ જેવાં નરમ તાજાં પાંઉ કડક ચામાં બોળીને ખાવાની તો લિજ્જત જ જુદી. આ ઉપરાંત શ્રૂબેરી બિસ્કિટ, ખારી, નાનખટાઈ અને આજે ‘કુકીઝ’ તરીકે જાણીતાં જાતજાતનાં બિસ્કિટ બનાવે. જોકે છેલ્લાં ૫૦-૬૦ વરસથી મુંબઈની ઈરાની હોટેલોની માઠી દશા બેઠી છે. ૧૯૫૦ના અરસામાં મુંબઈમાં આશરે સાડાત્રણસો નાનીમોટી ઈરાની હોટેલ હતી. આજે માંડ ૨૫-૩૦ બચી હશે. એક કારણ એ કે ઘણી ઈરાની હોટેલ સમય સાથે ચાલીને બદલાઈ શકી નહીં. બીજું, દેશના જ નહીં, વિદેશના પણ જુદા-જુદા ભાગોની અવનવી વાનગીઓ પીરસતી નવી-નવી હોટેલ આવી. લોકોને નવું-નવું ખાવાનો ચસકો લાગ્યો. હોટેલમાં ખાવા જવું એ પહેલાં એક જરૂરિયાત હતી, કહો કે મજબૂરી હતી. હવે તો હર કોઈ દિવસ વાર-તહેવાર હોય છે અને શનિ-રવિમાં તો ઘણીખરી હોટેલોની બહાર લાંબી લાઇન લાગે છે. પણ કેટલીક ઈરાની હોટેલ સમય પ્રમાણે ચાલીને ટકી શકી છે. 

માત્ર દેશમાં જ નહીં, આખી દુનિયામાં મુંબઈની એક ઈરાની રેસ્ટોરાંનું નામ થોડાં વરસ પહેલાં ગાજ્યું હતું. એ હોટેલ તે તાજમહાલ હોટેલ અને ગેટવે ઑફ ઇન્ડિયા નજીક આવેલી લિયોપોલ્ડ કૅફે. શરૂ થયેલી છેક ૧૮૭૧માં. પણ બીજી ઈરાની હોટેલ કરતાં જરા હટકે. મધ્યમ વર્ગના લોકો કરતાં અહીં અમીરોનાં અને પરદેશી મુલાકાતીઓનાં પગલાં વધારે પડે. ૨૦૦૮ના નવેમ્બરની ૨૬મી તારીખની રાત. મુંબઈ પર અભૂતપૂર્વ આતંકવાદી હુમલો. બીજાં ઘણાં સ્થળો સાથે એ હુમલાનો ભોગ બની લિયોપોલ્ડ કૅફે. રાતે સાડાનવ વાગ્યે અંધાધૂંધ ગોળીબારમાં દસનાં મોત, ઘવાયા તો કેટલાય. પણ પછી વખત જતાં ફરી બેઠી થઈ આ લિયોપોલ્ડ કૅફે. જાણે કહેતી ન હોય : તમે મુંબઈને હલાવી શકશો, પણ હરાવી નહીં શકો. મુંબઈ શહેરની એક ખાસિયત છે : ગમે તેવી આપત્તિ આવી પડે, વહેલામાં વહેલી તકે – બહુ બહુ તો બીજે કે ત્રીજે દિવસે એ ફરી ધમધમતું થઈ જાય. લોકો હોય સાવધાન, પણ ડરેલા નહીં, હારેલા તો નહીં જ નહીં.       

પણ જિંદગીનાં પહેલાં ૩૨ વરસ ગિરગામમાં વિતાવ્યાં હોય અને એમાંનાં ચાર સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં ભણવામાં ગાળ્યાં હોય તેને સૌથી પહેલી યાદ આવે તે ધોબી તળાવ પરની કયાની. એ હોટેલની ચાના જેટલા કપ પેટમાં ઠાલવ્યા એટલા બીજી કોઈ હોટેલના નહીં. દાયકાઓ પછી આ વરસના ફેબ્રુઆરીમાં એક રવિવારની સવારે માણ્યું તેનું સ્મરણ કરવા ત્યાં જઈ ચડ્યા આપણા આ રામ બીજા બે જુવાનિયા સાથે. અને અહો આશ્ચર્યમ્! હોટેલમાં દાખલ થવા માટે લાંબી લાઇન! – હા જી, રવિવારની સવારે. માલિકના દીકરા થડા પાસે ઊભા રહીને બધા પર નજર રાખતા હતા. તેમની નજર પડી! લાઇનમાંથી જુદો તારવીને અંદર લઈ ગયા અને સાથેના બે યુવાનોને પણ બેસાડ્યા. અગાઉની ઓળખાણ તો ક્યાંથી હોય? પણ ઉંમરને અસાધારણ માન આપવાની પારસી પરંપરાએ કામ કર્યું હશે. ચા-નાસ્તો કરતાં નજર સતત ચારે બાજુ ફરતી હતી. ખાસ કશું જ બદલાયું નથી. હા, પહેલાં કરતાં જગ્યા વધુ સાફસૂથરી અને વ્યવસ્થિત લાગે છે. વાનગીઓનું વૈવિધ્ય વધ્યું છે. અને ભાવનું તો પૂછવું જ શું! બે આનામાં રોજ પીતા એ ચાના વીસ રૂપિયા. પણ ચાના સ્વાદમાં મીનમેખ નહીં! એ જ રૂપ, એ જ રંગ, એ જ સ્વાદ! આપણા રામથી રહેવાયું નહીં એટલે બહાર જતી વખતે માલિકના દીકરા પાસે જઈને thank you કહીને ઉમેર્યું : ઝૅવિયર્સમાં ભણતો ત્યારે અહીં રોજ ચા પીવા આવતો. આછા સ્મિત સાથે તેમણે કહ્યું : Please do come again, Sir. હવે ફરી કયાનીની ચા પીવા જવાશે કે નહીં? નથી ખબર.

 છેલ્લાં ૫૦-૬૦ વરસથી મુંબઈની ઈરાની હોટેલોની માઠી દશા બેઠી છે. ૧૯૫૦ના અરસામાં મુંબઈમાં આશરે સાડાત્રણસો નાનીમોટી ઈરાની હોટેલ હતી. આજે માંડ ૨૫-૩૦ બચી હશે.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2022 03:48 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK