° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


હર દાઢી કુછ કહતી હૈ

22 November, 2020 08:34 PM IST | Mumbai | Rashmin Shah

હર દાઢી કુછ કહતી હૈ

હર દાઢી કુછ કહતી હૈ

હર દાઢી કુછ કહતી હૈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧પ માર્ચ પછી પોતાની બિયર્ડ સેટ નથી કરાવી કે પોતાના વાળ કટ નથી કરાવ્યા. આવું તેમણે શા માટે કર્યું છે એની જાતજાતની-ભાતભાતની વાતો ચાલે છે. એ વાતો અને એની સાથોસાથ બિયર્ડ સાથે જોડાયેલી કેટલીક શાસ્ત્રોક્ત અને બિયર્ડ સાથે સંકળાયેલી સાયકોલૉજી, સોશ્યલૉજીની વાતો જાણવા જેવી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વધી ગયેલી દાઢી અને વાળ છેલ્લા દોઢેક મહિનાથી ટૉક ઑફ ધ સોશ્યલ મીડિયા છે. સોશ્યલ મીડિયા પર એના વિશે ભાતભાતની વાતો થાય છે, જે વાતોમાં ક્યાંક ને ક્યાંક તો નર્યા ગપગોળા છે. જોકે એ પણ એટલું જ સાચું છે કે નરેન્દ્ર મોદીએ ક્યારેય આટલી લાંબી દાઢી છેલ્લાં પચ્ચીસેક વર્ષમાં રાખી નહોતી અને વાળ પણ તેમણે ક્યારેય વધાર્યા નહોતા. આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે તેમણે વાળ અને દાઢી બન્ને વધાર્યાં છે. છેલ્લે જ્યારે દિવાળીના સેલિબ્રેશન માટે મોદી બૉર્ડર પર ગયા ત્યારે માસ્ક વચ્ચેથી ઊડીને આંખે વળગતી બિયર્ડે તો તમામેતમામ મીડિયાનું ધ્યાન ખેંચ્યું તો માસ્કને કારણે વધી ગયેલા વાળ પણ વર્તુળાકાર બનીને પીઠ પાછળ ચાડી ખાવા માંડ્યા હતા. નરેન્દ્ર મોદીની વધી ગયેલી દાઢીને અનેક લોકો જુદા-જુદા દૃષ્ટ‌િકોણથી જોઈ રહ્યા છે. કેટલાક આ વધેલી દાઢીને શાસ્ત્રોક્ત રીતે જોડે છે તો કેટલાક એને સાયકોલૉજી સાથે જોડે છે. અમુકને તો એમાં રાજકારણની બદબૂ પણ આવે છે તો એક વર્ગ એવો પણ છે જે આ વાતને ઇત‌િહાસ સાથે જોડવાનું કામ કરે છે.
મજાની વાત એ છે કે માર્ચ પછી શરૂ થયેલી આ બિયર્ડ વધારવાની પ્રક્રિયામાં શરૂઆતમાં સૌકોઈએ લૉકડાઉનના પાલનના દૃિષ્ટ‌કોણથી જોઈ હતી. અનલૉક પહેલાંનાં તમામ લૉકડાઉન સમયે એકધારી એવી અનાઉન્સમેન્ટ કરવામાં આવતી હતી કે અજાણ્યાઓને મળવું નહીં અને તેમના સંપર્કમાં આવવું નહીં. જો એ જાહેરાત પછી પણ વડા પ્રધાનની બિયર્ડ અને વાળ સેટ થયેલા હોય તો બની શકે કે કૉમનમૅનનું ધ્યાન એ દિશામાં જાય કે ન જાય, પણ વિરોધ પક્ષ જાગે અને એને મુદ્દો મળી જાય. આવું ન બને અને દેશની અવામ જે રીતે અત્યારે ઘરમાં તકલીફ ભોગવી રહી છે એ જ રીતે દેશના વડા પ્રધાન પણ તકલીફનો સામનો કરી રહ્યા છે એવો સંદેશ સૌ સુધી પહોંચે એવા આશયથી બિયર્ડ અને હેર વધારવામાં આવતાં હોય એવો અંદાજ મૂકવામાં આવતો હતો, પણ લૉકડાઉન પૂરું થયાને અને અનલૉક સિરીઝ શરૂ થયાને ઑલમોસ્ટ ત્રણ મહિના થઈ ગયા અને એ પછી પણ વડા પ્રધાને મસ્તક પરના કે પછી દાઢીના વાળ ઉતારવાનું કામ કર્યું નથી એટલે સ્વાભાવિક રીતે જ વાતોનું અને કલ્પનાઓનું એક આખું રમખાણ ઊભું થયું અને એ રમખાણમાં અધ્યાત્મથી માંડીને પૉલિટિક્સ, સાયકોલૉજી અને સોશ્યલૉજીને પણ જોડવામાં આવ્યાં.
પહેલાં વાત કરીએ અધ્યાત્મની.
બિયર્ડ છે ઍન્ટેના...
હા, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મસ્તકના વાળ અને વધેલી દાઢી આધ્યાત્મિક સંદેશ ઝીલવાનું ઍન્ટેના છે. જાણીતા લોકકલાકાર સાંઈરામ દવે પોતે પણ વાળ અને દાઢી વધારે છે. સાંઈરામ કહે છે, ‘વધેલા વાળ કુદરત સાથે સીધું અનુસંધાન જોડે છે. તમે જુઓ, આપણા ઋષિમુનિઓ પણ વાળ ઉતરાવતા નહોતા. પરમાત્મા સાથે જોડવાનું કામ વાળ અને દાઢી કરે. જૂના જમાનામાં બ્રાહ્મણ પણ મસ્તક પરથી બધા વાળ ઉતારી નાખતા, પણ શિખા અકબંધ રાખતા. આ ચોટી શું હતી, ઍન્ટેના. ઈશ્વર સાથે અનુસંધાન જોડવાનું, ઈશ્વરીય સંકેત ઝીલવાનું કામ આ ઍન્ટેના કરે. ચાણક્યથી માંડીને તમે તમામ પંડિતોને જોઈ લો, તેના મસ્તક પર ચોટી રહેતી. આ તો અંગ્રેજો આવી ગયા એટલે ચોટી અને શિખા રાખવાનું બંધ થયું અને મસ્તકને ઢાંકવાની પ્રથા આવી ગઈ, પણ આપણાં શાસ્ત્રો કહે છે કે કુદરત સાથેનું અનુસંધાન જોડાયેલું રાખવું હોય તો શિખા હોવી જ જોઈએ. આ શિખા ઉતારવાનું ક્યારેય બનતું નહીં. શિખા લાંબી થઈ જાય, છેક કમરે આવી જાય પણ એ ઊતરે નહીં.’
શાસ્ત્રોમાં વાળ ઉતારવાની વિધિને પંચકર્મ કેશ વિધિ કહેવામાં આવી છે. આજે ‘પંચકર્મ’ શબ્દને આયુર્વેદ સાથે પણ જોડી દેવામાં આવ્યો છે, પણ શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ પંચકર્મ કેશ વિધિ એટલે શરીરનાં પાંચ સ્થાન પરથી વાળ ઉતારવાની પ્ર‌ક્રિયા. શાસ્ત્રોમાં જ દર્શાવ્યા મુજબ આ પાંચ સ્થાન પરથી વાળ ઉતારવાનું કાર્ય પણ વર્ષમાં માત્ર બે જ વાર થઈ શકતું. ચોક્કસ તિથિ મુજબ એ ઉતારવામાં આવે, એ પહેલાં એ ઊતરે નહીં. આ પાંચ સ્થાનમાં પુરુષના શરીરનાં મસ્તક, દાઢી, બન્ને અન્ડર આર્મ અને પ્રાઇવેટ પાર્ટની ગણતરી કરવામાં આવી છે.
સૂચવે છે શક્તિ...
પંચ સ્થાન પર કેશને અકબંધ રાખવાનું કાર્ય માત્ર એક જ નહીં, પણ એકસાથે પાંચ શક્તિ પર આધિપત્ય મેળવ્યાનું પણ સૂચવે છે. શાસ્ત્રોક્ત રીતે પંચકેશમાં માનનારો પુરુષ વિવેકશ ક્તિ, દૃઢતા શક્તિ, ‌દીર્ઘદૃષ્ટ‌િ શક્ત‌િ, પ્રેમ શક્તિ અને સંયમ શક્તિ પર વિજય મેળવે છે. આ પાંચેપાંચ શક્તિને કેશ સાથે સીધો સંબંધ છે અને એના પર વિજય મેળવવા માટે કેશ કર્મની વિધિમાં માનવું અનિવાર્ય છે. ઋષિ-મુનિઓ પણ આ જ કારણસર પોતાની દાઢી અને વાળ વધારતા. અનેક મહાન ઋ‌ષિમુનિ અને સંન્યાસી તો વિધિ અનુસાર કેશ ઉતરાવવાનું કામ પણ કરતા નહીં અને આજીવન એને અકબંધ રાખતા. એનું કારણ સમજાવતાં જૂનાગઢના ભારતી આશ્રમના સ્થાપક ભારતીબાપુએ એક વાર કહ્યું હતું કે ‘જે આ પાંચેપાંચ શક્તિ પર આજીવન જીત ઇચ્છે એ કેશ કર્મની વિધિ ન કરાવે, પણ એને માટે પણ પહેલાં શાસ્ત્રમાં એક વિધિ કહેવામાં આવી છે, જે કરવાની રહે છે. એ વિધિ કર્યા પછી શરીરનો એક પણ કેશ ઊતરે નહીં. આ જે કેશ હોય છે એ કેશમાં પણ તાકાત આવી જતી હોવાનું શાસ્ત્રોમાં કહ્યું છે.’
શિખાસંવન નામના એક ગ્રંથમાં લખાયેલી વાર્તામાં રાજસ્થાનના એક રાજવી પર જ્યારે મુગલો દ્વારા હુમલો થયો ત્યારે એ રાજવીના રાજપુરોહિતે છેક રાણીવાસ સુધી પહોંચી ગયેલા સૈનિકોની હત્યા પોતાની ‌શિખાથી કરી હતી. આ વાર્તા દર્શાવે છે કે ક્યારેય નહીં ઊતરેલા કેશ હથિયાર જેવી દિવ્ય તાકાતથી સભર બનતા હોય છે. આજના સમયમાં પણ ઋષિમુનિ અને અખાડાના સાધુસંતો આજીવન કેશવિધિ નહીં કરાવવા માટે સંન્યાસ પછી તરત જ વિધિ કરતા હોય છે. જૂનાગઢમાં રહેતા નાગાબાવાઓ પણ ક્યારેય કેશવિધિ કરતા નથી. કેશવિધિ નહીં કરી હોવાને કારણે જ પોતે સંપૂર્ણ નગ્ન હોવા છતાં તેમનામાં કોઈ પ્રકારનો ‌વિકાર જોવા મળતો નથી.
સંકલ્પને કરે સાકાર...
લાંબા વાળ હોય, શિખા હોય કે પછી હોય લાંબી દાઢી, વધારવામાં આવેલા વાળ સંકલ્પને સાકાર કરવામાં મદદ કરે છે એવું ભગવતી કાલિકા નામના ગ્રંથમાં કહેવાયું છે. દૃષ્ટાંતરૂપ એમાં ચાણક્યની શિખાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ચાણક્યનું અપમાન રાજા નંદના દરબારમાં થયું ત્યારે ચાણક્યએ શિખા હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી હતી કે હવેથી આ શ‌િખા ત્યારે જ બાંધીશ જ્યારે નંદ શાસનનો અંત લાવીશ. ભગવતી કાલિકામાં શિખા, લાંબા વાળ અને લાંબી દાઢીને શક્તિરૂપિણી દર્શાવવામાં આવી છે. મનોચિકિત્સક પણ માને છે કે વાળ વધારવાની માનતા લેવામાં આવે તો એ સંકલ્પ પૂર્ણ થતો હોય છે. બાબા રામદેવ કહે છે કે ‘વધી રહેલા વાળ સતત એ વાત યાદ દેવડાવ્યા કરે છે કે તમારો કોઈ સંકલ્પ છે અને એ સંકલ્પ પૂરો કરવા માટે તમારે મહેનત કરવાની છે, તમારે મચેલા રહેવાનું છે. જેને લીધે એ વિચારને એક પ્રાયોરિટી મળે છે અને જે કામને પ્રાયોરિટીમાં મૂકવામાં આવ્યું હોય એના વિચાર સતત મનમાં રહ્યા કરે, જે તમારામાં પૉઝિટિવ એનર્જી જન્માવે અને એ એનર્જી તમને તમારી મંજિલ સુધી લઈ જવાનું કામ કરે.’
વાત ‌ઉચિત પણ છે. તમે જુઓ, જે કોઈએ પણ સંશોધન કર્યાં છે કે નવા આવિષ્કાર કર્યા છે એ તમામ સાયન્ટિસ્ટના વાળ લાંબા હતા. તમે જુઓ, મેડિકલ સેક્ટરમાં પણ તમને આ જ વાત જોવા મળે છે અને રવીન્દ્રનાથ ટાગોરથી માંડીને ઓશો જેવા અનેક સાહિત્યકાર અને આધ્યાત્મિક ગુરુઓની બાબતમાં પણ તમને આ જ વાત દેખાશે.

મોદીની દાઢી વિશે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી અગડં બગડં ધારણાઓ
માર્ચ પછી નહીં ઉતરાવેલી કે ઓછી પણ નહીં કરાવેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દાઢી અને વાળ માટે જાતજાતની વાતો સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે, જે જાણવા જેવી છે.

મોદીની માનતા છે : હા, એક વર્ગ એવું માને છે કે નરેન્દ્ર મોદીએ માનતા માની છે કે જ્યાં સુધી દેશમાં ઍન્ટિ-કોવિડ વૅક્સિન નહીં આવે ત્યાં સુધી તે વાળંદને વાળને હાથ અડાડવા નહીં દે. વૅક્સિન આવ્યા પછી જ હવે તેઓ દાઢી-વાળ ઉતરાવશે. આ જ માન્યતા પાછળનું એક કારણ એવું માનવામાં આવે છે કે મોદી પોતે આધ્યાત્મ‌િકતામાં પુષ્કળ માને છે. રાહુલ ગાંધી આવી માન્યતા રાખે તો નવાઈ લાગે કે હસવું આવે, પણ મોદી માટે આ પ્રકારની લોકોની સુખાકારીની માનતા રાખવી એ કોઈ મોટી વાત નથી.

મોદીનો નવો લુક છે : પેન્ડેમિક અને ક્રાન્તિ એવી ઘટના છે જે હંમેશાં ઇતિહાસમાં નોંધાઈ જતી હોય છે અને એ સમયનો લુક પણ વિખ્યાત થઈ જતો હોય છે. યાદ કરો, મહાત્મા ગાંધીને તમે. તમારી આંખ સામે પોતડી પહેરેલા ગાંધી જ આવશે. વિદેશી ચીજવસ્તુની હોળી સમયે ગાંધીજીએ પણ પોતાનાં સઘળાં વિદેશી કપડાં ત્યજી દીધાં અને પોતડી પહેરી લીધી હતી. એક વર્ગ એવું માને છે કે પેન્ડેમિકને જ્યારે પણ યાદ કરવામાં આવે ત્યારે નરેન્દ્ર મોદીની આ લાંબી દાઢી અને લાંબા વાળવાળું ચિત્ર જ આંખ સામે ઊપસે એવું મોદીના ઇમેજ-મેકર ઇચ્છે છે એટલે તેમણે સલાહ આપી છે કે હમણાં લાંબી બિયર્ડના લુકને ડેવલપ કરવો.

ચાઇનાના ધ્વંશ પછી વાળ ઊતરશે : ચાઇના સાથે ચાલી રહેલો વિવાદ જગજાહેર છે. આ વિવાદમાં હિન્દુસ્તાનની જીત થાય અને ચાઇનાને માત મળે એ માટે મોદીએ મનોમન નક્કી કર્યું છે કે દાઢી અને વાળ પર હવે કાતર ત્યારે જ ફેરવવી જ્યારે ચાઇના પર સેનાની કાતર ફરે અને હિન્દુસ્તાનની વાહવાહી દુનિયાભરમાં પથરાઈ જાય. તમે યાદ કરો, ચાઇના સાથે વિવાદ શરૂ થયો એ પછી જ મોદીના આ નવા લૂકની વાતો બહાર આવવી શરૂ થઈ હતી, એ પહેલાં કોઈએ ખાસ કંઈ આ નવા લુક પર ધ્યાન નહોતું આપ્યું.

ટાગોરની ઝાંય આપે છે આ લુક : બંગાળનું ઇલેક્શન હવે બીજેપી માટે ઇમ્પોર્ટન્ટ છે અને એટલે જ નરેન્દ્ર મોદીએ હવે રવીન્દ્રનાથ ટાગોર જેવો લુક બનાવવાનું શરૂ કર્યું છે. તમને ખબર હશે કે બંગાળીઓ રવીન્દ્રનાથ ટાગોર પર કયા સ્તરે આફરીન છે. બંગાળનો એક વર્ગ એવો પણ છે કે તે સગા બાપને પગે લાગવાનું ટાળશે, પણ રવીન્દ્રનાથ ટાગોરને રિસ્પેક્ટ આપવાનું ચૂકે નહીં. બીજેપી ઇચ્છે છે કે ટાગોર જેવો આ લુક લાવીને મોદી ઇલેક્શનમાં મૅજિક કરે.

આખા કાશ્મીર માટે આખી દાઢી : કાશ્મીરનો અડધો ભાગ પાકિસ્તાનના હાથમાં છે. હવે એ ભાગ પાછો લાવ્યા પછી દાઢી ઉતારવી એવું પણ એક વર્ગ કહે છે. તમને યાદ હશે કે અમ‌િત શાહે સંસદભવનમાં જ્યારે કાશ્મીર પર સ્પીચ આપી હતી ત્યારે આખા કાશ્મીરના ક્ષેત્રફળની ગણતરી તેમણે જાહેર કરી હતી. એ સમયે જ નરેન્દ્ર મોદીએ મનોમન નિર્ણય કર્યો હતો કે જો એક વર્ષમાં POKને ભારતમાં ભેળવવામાં ન આવે તો જ્યાં સુધી એ પગલું ભરવામાં ન આવે ત્યાં સુધી દાઢી અને વાળ પર કાતર ચલાવવી નહીં.

રામમંદિરને મસ્તક ટેકવીને : અયોધ્યામાં રામમંદિરનું લોકાર્પણ થાય એ સમયે અયોધ્યા જઈને રામમંદિરે મસ્તક ટેકવીને જ દાઢી અને વાળ ઉતારશે. તમને યાદ હોય તો આ જ રામમંદિર માટે નરેન્દ્ર મોદીએ લાલ કૃષ્ણ અડવાણી સાથે રથયાત્રાનું આયોજન કર્યું હતું અને કારસેવક તરીકે એ યાત્રામાં પોતે પણ જોડાયા હતા. નરેન્દ્ર મોદીના જીવનનું એક મોટું લક્ષ્ય અયોધ્યાનું રામમંદિર હતું, જે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે એટલે તેમણે પોતાના સપનાને ધ્યાનમાં રાખીને, જીવનના એકમાત્ર એવા લક્ષને ધ્યાનમાં રાખીને દાઢી-વાળ વધારવાનું શરૂ કર્યું.

બિયર્ડ અને સાયકોલૉજી
લાંબી દાઢી રાખતી વ્યક્તિ રફ-ટફ હોય છે અને તે કોઈ પણ બાબતમાં મક્કમ હોય છે એવું સાયકોલૉજી કહે છે. જાણીતા સાઇકિયાટ્ર‌િસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘બિયર્ડ હંમેશાં એક દૃઢતા દર્શાવે છે, મૅચ્યુરિટી પણ બિયર્ડથી આવે અને કદાચ આ જ કારણ છે કે છેલ્લાં દસેક વર્ષથી બિયર્ડ ફૅશન બની છે. બદલાતી માનસિકતા દર્શાવે છે કે હવેના સમયમાં મૅચ્યોર્ડ પર્સનાલિટી છોકરીઓ વધારે પસંદ કરે છે.’
આ જ વાતને હેરડિઝાઇનર જાવેદ હબીબ જરા જુદી રીતે કહે છે. જાવેદ હબીબ કહે છે, ‘બિયર્ડ લુક આજના સમયમાં સૌથી ઇનથિંગ છે. એ લુકમાં ટફનેસ છે અને સ્ટ્રૉન્ગનેસ આજના સમયની સૌથી મહત્ત્વની જરૂરિયાત છે.’
વાત ખોટી નથી. તમે જુઓ, છેલ્લા થોડા સમયથી ક્લીનશેવ માટે જરૂરી શેવિંગ ક્રીમની કે પછી આફ્ટર શેવ લોશનની ઍડ દેખાવાની રીતસર બંધ થઈ ગઈ છે અને એના સ્થાને બિયર્ડ વધારવા માટે ઉપયોગી બનતાં કૉસ્મેટિક્સની ઍડ કેવી વધી ગઈ!

નિર્વિકાર નાગાબાવાઃ જૂનાગઢમાં રહેતા નાગાબાવાઓ પણ ક્યારેય કેશવિધિ કરતા નથી. કેશવિધિ નહીં કરી હોવાને કારણે જ પોતે સંપૂર્ણ નગ્ન હોવા છતાં તેમનામાં કોઈ પ્રકારનો ‌વિકાર જોવા મળતો નથી.

શિખાની શક્તિઃ શિખાસંવન નામના ગ્રંથમાં આવરાયેલી વાર્તા મુજબ રાજસ્થાનના એક રાજવીના રાજપુરોહિતે છેક રાણીવાસ સુધી પહોંચી ગયેલા સૈનિકોની હત્યા પોતાની ‌શિખાથી કરી હતી. આ વાર્તા દર્શાવે છે કે ક્યારેય નહીં ઊતરેલા કેશ હથિયાર જેવી દિવ્ય તાકાતથી સભર બનતા હોય છે.

વધેલા વાળ કુદરત સાથે સીધું અનુસંધાન જોડે છે. તમે જુઓ, આપણા ઋષિમુનિઓ પણ વાળ ઉતરાવતા નહોતા. પરમાત્મા સાથે જોડવાનું કામ વાળ અને દાઢી કરે. જૂના જમાનામાં બ્રાહ્મણ પણ મસ્તક પરથી બધા વાળ ઉતારી નાખતા, પણ શિખા અકબંધ રાખતા. આ ચોટી શું હતી, ઍન્ટેના. ઈશ્વર સાથે અનુસંધાન જોડવાનું, ઈશ્વરીય સંકેત ઝીલવાનું કામ આ ઍન્ટેના કરે.
-સાંઈરામ દવે

વધી રહેલા વાળ સતત એ વાત યાદ દેવડાવ્યા કરે છે કે તમારો કોઈ સંકલ્પ છે અને એ સંકલ્પ પૂરો કરવા માટે તમારે મહેનત કરવાની છે, તમારે મચેલા રહેવાનું છે. જેને લીધે એ વિચારને એક પ્રાયોરિટી મળે છે અને જે કામને પ્રાયોરિટીમાં મૂકવામાં આવ્યું હોય એના વિચાર સતત મનમાં રહ્યા કરે, જે તમારામાં પૉઝિટિવ એનર્જી જન્માવે અને એ એનર્જી તમને તમારી મંજિલ સુધી લઈ જવાનું કામ કરે.
- બાબા રામદેવ

22 November, 2020 08:34 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK