Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોવિડ પણ અટકાવી ન શક્યો આ યુવકની સફરને

કોવિડ પણ અટકાવી ન શક્યો આ યુવકની સફરને

17 June, 2021 12:02 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કોરોનામાંથી સાજા થયા બાદ ગણતરીના દિવસોમાં હિમાલયના બ્રહ્મતાલ શિખરની ટોચ સુધી ટ્રેકિંગ કરનાર કાંદિવલીના કિશનદાસ મજીઠિયાએ વર્લ્ડની સેકન્ડ હાઇએસ્ટ સાઇટ પરથી પૅરાગ્લાઇડિંગ ને ગોવામાં મધદરિયે સર્ફિંગ જેવાં હેરતગંજ કારનામાં કર્યાં છે

કોવિડ પણ અટકાવી ન શક્યો આ યુવકની સફરને

કોવિડ પણ અટકાવી ન શક્યો આ યુવકની સફરને


કોરોનામાંથી સાજા થયા બાદ ગણતરીના દિવસોમાં હિમાલયના બ્રહ્મતાલ શિખરની ટોચ સુધી ટ્રેકિંગ કરનાર કાંદિવલીના કિશનદાસ મજીઠિયાએ વર્લ્ડની સેકન્ડ હાઇએસ્ટ સાઇટ પરથી પૅરાગ્લાઇડિંગ ને ગોવામાં મધદરિયે સર્ફિંગ જેવાં હેરતગંજ કારનામાં કર્યાં છે

કિસી મંઝિલ પર પહોંચના ચાહો તો કોઈ રોક નહીં સકતા, અપને દિલ કી સુનના ચાહો તો કોઈ રોક નહીં સકતા....’ આવો મક્કમ નિર્ધાર લઈને સફર ખેડનાર અને કુદરતની રચનાને કવિતામાં ઢાળનાર કાંદિવલીના ૨૭ વર્ષના કિશનદાસ મજીઠિયા માટે પ્રવાસ એટલે સાહસ, આધ્યાત્મિક અનુભૂતિ અને ખુદ સાથે મુલાકાત કરવાની પળો. આ વર્ષે કોવિડમાંથી સાજા થયા બાદ બ્રહ્મતાલ સમિટ સર કરનાર આ યુવકે માત્ર સાડાત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ઉત્તરાખંડ, ગઢવાલ ક્ષેત્ર, હૃષીકેશ, દેહરાદૂન, મસૂરી, કુમાઉ પ્રદેશ, મુક્તેશ્વર, કૌસની, ભીમતાલ, નલકુચ્યાતલ, નૈનીતાલ, બિન્સર, રાનીખેત, કેદારકંઠા સહિત અનેક સ્થળોએ સોલો ટ્રિપ એક્સપ્લોર કરી છે. વિશ્વની સેકન્ડ હાઇએસ્ટ સાઇટ પરથી પૅરાગ્લાઇડિંગ કરનાર તેમ જ ગોવાના મધદરિયે જઈને સર્ફિંગનો આનંદ ઉઠાવનાર કિશનદાસને રખડપટ્ટીનો શોખ ક્યારથી જાગ્યો અને કેવા અનુભવો થયા છે એ જાણવા ચાલો શબ્દોની સફર ખેડીએ... 
કોરોનામાંથી સાજા થયા બાદ બ્રહ્મતાલ શિખરની ટોચ સુધી પહોંચનાર કિશનદાસ આ સાહસભરી મુસાફરી વિશે જણાવતાં પહેલાં ફર્સ્ટ અનલૉક બાદ એટલે કે ઑક્ટોબર ૨૦૨૦ની ટ્રિપની વાત કરતાં કહે છે, ‘લૉકડાઉનમાં ઘરમાં કેદ થઈને મગજ કાટ ખાઈ ગયું હતું. ફર્સ્ટ અનલૉક બાદ ઑફિસમાંથી પરમિશન લઈને સોલો ટ્રિપ પ્લાન કરી. વાસ્તવમાં વર્ક વિથ વેકેશન ટાઇપની ટ્રિપ હતી એ. હિમાચલ પ્રદેશમાં બીર અને બીલિંગ અમેઝિંગ જગ્યા છે. અહીં ઘણીબધી એવી પ્રૉપર્ટી છે જ્યાં ઇન્ટરનેટનો ઇશ્યુ નથી. બીરથી આગળ ટૂ-પૉઇન્ટ-ઓ પર વિશ્વની બીજા નંબરની ઊંચાઈએ આવેલી પૅરાગ્લાઇડિંગ સાઇટ છે. લાઇફમાં પહેલી વાર ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી કરી. આ વિસ્તારમાં કૅફે લાઇફનો લુત્ફ ઉઠાવવા જેવો છે. સોમથી શુક્રવાર કૅફેમાં બેસીને લૅપટૉપ પર ઑફિસનું કામ કરતો અને વીક-એન્ડમાં ફરવા નીકળી જતો. અઠવાડિયાની રજા લઈને આવ્યો હતો, પરંતુ એટલું ગમી ગયું કે ટ્રિપ લંબાવી નાખી. 
પોસ્ટ કોવિડ એક્સપ્લોરેશન
નવેમ્બરમાં ટ્રિપ કરીને મુંબઈ આવ્યા પછી કિશનદાસને હિમાલય શિખર સર કરવાની ઇચ્છા થઈ. જોકે ક્વૉરન્ટીનમાંથી બહાર આવ્યા બાદ ચાર જ દિવસમાં તબિયત ખરાબ થઈ ગઈ. કોવિડ પૉઝિટિવ આવતાં ફરી આઇસોલેટ થવું પડ્યું. કિશનદાસ કહે છે, ‘ફૅમિલી સાથે દિવાળીનો તહેવાર ઊજવ્યા બાદ મારો અને મમ્મીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ૧૪ દિવસના આઇસોલેશનમાં ન્યુમોનિયા થઈ જતાં મારી તબિયત વધુ લથડી. ફેફસાંને અસર થતાં ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ. વીકનેસ લાગતી હતી અને ચક્કર આવતાં હોવાથી ડિસેમ્બરમાં બ્રહ્મતાલ સમિટ ટ્રેકિંગ કરવાનો પ્લાન કૅન્સલ કરવો પડ્યો. જોકે કોઈ પણ સંજોગોમાં સમિટ સર કરવાની પ્રબળ ઇચ્છા હતી. શિખરની ટોચ સુધી જવા માટે ૩૦ મિનિટમાં અમુક કિલોમીટર રન કરીને બતાવવું પડે એવો ક્રાઇટેરિયા હોવાથી રૂટીન ફિટનેસ સ્ટાર્ટ કર્યું.’
ફેબ્રુઆરી ૨૦૨૧માં સમિટના એક દિવસ પહેલાં તબિયત ફરીથી બગડી. તે કહે છે, ‘આગલા દિવસે સાંજે માથા અને પેટમાં દુખાવો થતો હતો. આંખો લાલ થઈ ગઈ હતી. અહીં મોબાઇલનાં નેટવર્ક નથી પકડાતાં એથી મને વૉકીટૉકી આપવામાં આવ્યું. આવી હાલતમાં આગળ વધવાની લીડરે ના પાડી દીધી. ‘કુછ ભી હો જાએ, સમિટ તક જાના હી હૈ, યહ મેરા ડ્રીમ હૈ’ એવી જીદ પકડી ત્યારે તેમણે કહ્યું, સવારે જોઈશું.’ મને આખી રાત નિંદર ન આવી. 
હિમાલયને રીતસરની પ્રાર્થના કરવા લાગ્યો કે મને ચડવા દેજે. સવાર સુધીમાં તબિયત એવી સરસ થઈ ગઈ કે બધાની આગળ-આગળ ચાલવા લાગ્યો. સમિટ પરથી નજારો જોઈને ભાવવિભોર થઈ ગયો. બ્રહ્મતાલની સામે ત્રિશૂલ અને નંદાઘૂંટી પર્વત જોતાં સાક્ષાત્ શિવ-પાર્વતીનાં દર્શન કર્યાનો આધ્યાત્મિક આનંદ થયો. આ ટ્રિપમાં જીવનનો સૌથી મહત્ત્વનો બોધપાઠ શીખ્યો. મનુષ્ય ગમે એટલો ઈગો રાખે કે ‘હું આ કરી લઈશ, મેં આ કરી બતાવ્યું,’ પરંતુ પ્રકૃતિની આગળ નતમસ્તક થવું જ પડે. પર્વતારોહકો માઉન્ટન ચડતા નથી, માઉન્ટન તેમને ચડવા દે છે એવું હું દૃઢપણે માનવા લાગ્યો છું. હિમાલય ચાહે તો તમને એના શિખર સુધી આવવા દે, નહીંતર બે સેકન્ડમાં ખાઈમાં ધકેલી દે. કુદરત સામે આપણે બધા વામણા પુરવાર થઈએ છીએ. સમિટથી પાછા ફર્યા પછી બીજી ટ્રિપ અનાયાસ પ્લાન થઈ ગઈ. હાથમાં દિવસો હોવાથી હરિદ્વારથી દિલ્હી અને ત્યાંથી ગોવા પહોંચી ગયો. નાનપણમાં એક કાર્ટૂન કૅરૅક્ટરને સર્ફિંગ કરતું જોઈને દરિયામાં સ્ટન્ટ કરવાનું સપનું જોયું હતું. ગોવા જઈને આ સપનાને સાકાર કરી આવ્યો. ચાર દિવસમાં મધદરિયે સર્ફિંગ કરતાં શીખીને મુંબઈ પાછો ફર્યો.’
આમ થઈ શરૂઆત
સોલો ટ્રાવેલિંગમાં ઇન્ટરેસ્ટ ક્યારથી પડ્યો? એનો જવાબ આપતાં કિશનદાસ કહે છે, ‘કૉલેજમાં ફ્રેન્ડ્સ સાથે ટ્રાવેલિંગના પ્લાન બનતા, પણ કોઈક કારણસર કૅન્સલ થઈ જતું. એક વાર વિચાર આવ્યો કે દસ જણને પૂછવાનું, પ્લાનિંગ કરવાના અને કોઈની રાહ જોવી એના કરતાં દિલની વાત સાંભળીને સફર શરૂ કરી દેવી જોઈએ. ડિસેમ્બર ૨૦૧૭માં જીવનની પ્રથમ સોલો ટ્રિપમાં દિલ્હી એક્સપ્લોર કર્યું હતું. ઐતિહાસિક સ્થળો અને દિલ્હીની નાઇટલાઇફ જોઈ. લાઇફમાં પહેલી વાર પોતાની જાત સાથે ટાઇમ સ્પેન્ડ કર્યા બાદ અનુભવ્યું કે જ્યારે આપણે ખુદ સાથે કનેક્ટ થઈને દુનિયાને સ્વિચ્ડ-ઑફ કરી દઈએ છીએ ત્યારે જીવનનો સાચો આનંદ માણી શકીએ. ત્યારથી વર્ષમાં બે વાર એકલા મુસાફરીનો ચસકો લાગ્યો. ખાસ કરીને હિમાલયના શિવાલિક પર્વતોનું આકર્ષણ થતાં એક ટ્રિપ ટ્રેકિંગ સાથે કનેક્ટેડ હોય છે.’



હૉરર એક્સ્પીરિયન્સ


ઉત્તરાંખડની એક ટ્રિપમાં થયેલા અનુભવો શૅર કરતાં કિશનદાસ કહે છે, ‘નૈનીતાલ જતાં રસ્તામાં બિન્સર નામની જગ્યા આવે છે. અહીં ઝીરો પૉઇન્ટ વાઇલ્ડ લાઇફ એરિયામાં સરકારી કૉટેજમાં રહેવું પડે. આ સ્થળે સાંજે ૬.૩૦થી ૯ વાગ્યા સુધી વીજળી હોય, બાકીના સમયે મીણબત્તીમાં રહેવાનું. લાઇટ હતી ત્યારે તો સારું લાગ્યું, પરંતુ જેવી વીજળી ગઈ એટલે ડર લાગવા માંડ્યો. ગમે ત્યારે જંગલી જાનવર આવી જાય એવું સ્થાનિક લોકો પાસેથી સાંભળ્યા બાદ હૉરર ફિલ્મનાં દૃશ્યો જેવી હાલત થઈ ગઈ. રાતે ૧૨ વાગ્યાની આસપાસ કોઈકે દરવાજાને નોક કરતાં ગભરામણ થવા લાગી. મીણબત્તીના અજવાળે હિંમત કરીને દરવાજો ખોલ્યો તો સામે ઊભેલી વ્યક્તિએ પાર્ટી માટે ઇન્વાઇટ કર્યું. વાસ્તવમાં કૉટેજમાં બીજું ગ્રુપ આવ્યું હતું એમાં એક જણનો બર્થ-ડે હતો. બ્રેડની લેયર પર જૅમ લગાવી અંધારામાં સેલિબ્રેટ કરેલો અજાણી વ્યક્તિનો જન્મદિવસ મેમોરેબલ ઘટના હતી.’ 

થોડું અંગત-અંગત


એમબીએનો અભ્યાસ પૂર્ણ કરનાર કિશનદાસ એન્ટરટેઇનમેન્ટ ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં કૉર્પોરેટ જૉબ કરે છે. કૉલેજકાળમાં અનેક નાટકોમાં કામ કર્યું છે. મજાની વાત એ છે કે તેની ફૅમિલીમાં આજ સુધી કોઈને પર્વતની મુસાફરી કરવાની તક મળી નથી. કિશનદાસ કહે છે, ‘વાસ્તવમાં અમારી ફૅમિલીમાં ફરવાનો કોઈને શોખ નથી, પણ મને દુનિયા જોવી હતી. મારા પેરન્ટ્સ મુંબઈ, ગુજરાત અને મથુરાથી આગળ ફરવા ગયા નથી. સ્ટડી કમ્પ્લીટ કરીને જૉબ સ્ટાર્ટ કરી ત્યાં સુધી હું પણ આ ત્રણ જગ્યાએ જ ફર્યો હતો. મુંબઈની નજીક હોવા છતાં ક્યારેય લોનાવલા કે માથેરાનના ડુંગરા નહોતા જોયા. હિલ સ્ટેશન અને પર્વતો કોને કહેવાય એની ઉત્તરાખંડ જઈને ખબર પડી. હવે બધા પૂછે છે કે તારામાં સોલો ટ્રાવેલિંગનો શોખ ક્યાંથી જાગ્યો? મારી ઇચ્છા છે કે લાઇફમાં ઘણીબધી સ્ટોરી હોય અને એ સ્ટોરીના દરેક ચૅપ્ટરમાં જુદા પ્રવાસનો અનુભવ હોય.’

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2021 12:02 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK