Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બિલ્ડિંગનાં આઠ ઝાડ કપાયાં તો આ યુવતીએ બીજાં ૪૮ વાવ્યાં

બિલ્ડિંગનાં આઠ ઝાડ કપાયાં તો આ યુવતીએ બીજાં ૪૮ વાવ્યાં

23 November, 2021 07:51 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આ ઝાડની ભરપાઈ કરવા પોતાના જ વિસ્તારમાં જ્યાં જગ્યા મળી ત્યાં ઝાડ વાવ્યાં અને બધાને એક બાળકની જેમ સાચવે પણ છે

બિલ્ડિંગનાં આઠ ઝાડ કપાયાં તો આ યુવતીએ બીજાં ૪૮ વાવ્યાં

બિલ્ડિંગનાં આઠ ઝાડ કપાયાં તો આ યુવતીએ બીજાં ૪૮ વાવ્યાં


આપણા બિલ્ડિંગના પરિસરનાં ૭-૮ ઝાડ કપાઈ જાય તો તમે શું કરો? કદાચ અફસોસ. પણ બોરીવલીમાં રહેતી પરિતા વડેરાના બિલ્ડિંગનાં ઝાડ કપાયાં ત્યારે તેને હૃદય કપાયા જેટલું દુઃખ થયું. આ ઝાડની ભરપાઈ કરવા પોતાના જ વિસ્તારમાં જ્યાં જગ્યા મળી ત્યાં ઝાડ વાવ્યાં અને બધાને એક બાળકની જેમ સાચવે પણ છે

બોરીવલીના શિંપોલીમાં સુન્દરમ બિલ્ડિંગમાં રહેતી પરિતા વોરાની સોસાયટીમાં રીડેવલપમેન્ટ થવાનું છે. બાજુનાં બે બિલ્ડિંગને ભેગાં કરીને ત્યાં મોટું ટાવર બનાવવા બન્ને બિલ્ડિંગ વચ્ચે આવેલાં ઝાડ કાપવા પડ્યાં. જોકે ઝાડ કપાવવાનું શરૂ થયું અને ૩૮ વર્ષની પરિતાની બેચેની વધી ગઈ. નાનપણથી તમે જે જગ્યાએ રહ્યા હો એ જગ્યાનો બદલાવ તમને અસર ચોક્કસ કરી જાય છે. પછી ભલે એ બદલાવ સારા માટે કેમ ન હોય. જોકે પરિતાનો નજરિયો વધુ સંવેદનાસભર હતો. તે કહે છે, ‘મને થયું કે આપણે એક સારા ઘરમાં રહી શકીએ, રીડેવલપમેન્ટ કરીને એક રૂમ વધુ મેળવી શકીએ એના માટે આપણે આસપાસનાં પંખીઓનું, ખિસકોલીઓનું ઘર છીનવી લઈએ! આપણે કેટલા સેલ્ફિશ છીએ! અમારી આજુબાજુ આઠ ઝાડ હતાં જે કાપવા જ પડ્યાં. હું માનું છું કે આ એક પ્રૅક્ટિકલ બાબત હતી એટલે એનો વિરોધ ન જ હોય, પરંતુ હૃદય ન દ્રવે એટલા નિષ્ઠુર પણ આપણે ન બની શકીએ. આ ગિલ્ટ મને અંદરથી ખાતું હતું કે આપણા સ્વાર્થનો ભોગ બિચારાં ઝાડ બન્યાં. પણ મહત્ત્વનું એ હતું કે મારે આ અપરાધભાવમાંથી છૂટવું જ હતું.’


પર્યાવરણપ્રેમી 

નિયમ મુજબ એક ઝાડ કાપવા સામે તમારે બે ઝાડ ઉગાડવાનાં. આ નિયમોનું પાલન દરેક બિલ્ડરે કરવું જ પડે છે. એટલે જે ઝાડ સોસાયટીમાંથી કપાયાં હતાં એની ભરપાઈ તો થવાની જ હતી પરંતુ એ બિલ્ડિંગમાં એ પોતે રહે છે એટલે એક નાગરિક તરીકેની તેની પણ જવાબદારી બને છે એવો અપરાધભાવ પરિતાને હતો. આમ તેણે વિચાર્યું કે કંઈક તો કરવું જ પડશે. પણ શું, એનો જવાબ શોધવાનો હતો. ઝાડ તમે જેટલાં કાપો છો એટલાં નહીં, એનાથી વધુ તમારે ઉગાડવા રહ્યાં, કારણ કે જરૂરી નથી કે જે ઝાડ તમે વાવો છો એ ઝાડ ઊગી જ જશે. વળી એક મોટું ઝાડ તમે વાવો, એની સામે બે નાના છોડ રોપો તો એને બૅલૅન્સ થયું ન કહેવાય, કારણ કે પર્યાવરણ માટે જે એક મોટું ઝાડ કરી શકે એ બે નાના છોડ કેવી રીતે કરવાના? વળી એ છોડને ઘેઘુર ઝાડ થવામાં જે સમય લાગશે એનું શું? આ બધા ગણિતથી પરિતા વાકેફ હતી. પરિતા હંમેશાંથી પર્યાવરણપ્રેમી રહી હતી. પર્યાવરણની રક્ષા માટે પોતાનાથી થાય એ બધું જ કરી છૂટે એવી માનસિકતા એની પહેલેથી જ હતી. ઘરમાં પ્લાસ્ટિક ન જ વાપરવું અને પાણીનો બગાડ ન કરવો જેવા મૂળભૂત સિદ્ધાંતોનું તો તે ઘણાં વર્ષોથી પાલન કરે અને કરાવડાવે છે. આરેને બચાવવાની લડાઈ વિશે સમગ્ર મુંબઈ જાણે છે. એ વખતે પણ એમાં તેણે ઍક્ટિવ રીતે ભાગ લીધો હતો. 
ઝાડ ઉગાડવાં ક્યાં?

મોટા ભાગના મુંબઈકર આરે જઈને પ્લાન્ટેશન કરતા હોય છે પરંતુ મને એ ફાવે એમ નહોતું એમ જણાવતાં પરિતા કહે છે, ‘હું રહું છું બોરીવલી અને આરે જઈને પ્લાન્ટેશન કરવું એ એટલું સરળ નહોતું. બીજું એ કે ઝાડ ફક્ત વાવી દઈએ એટલે એની જવાબદારી પતી ગઈ એમ નથી હોતું. એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. એ ઝાડ વ્યવસ્થિત ઊગ્યાં કે નહીં એની દેખરેખ તો કરવી જ પડે. એ માટે હું બોરીવલીથી આરે જાઉં તો પણ કેટલી વાર જઈ શકું? એટલે એ શક્ય નહોતું બને એમ.’
વળી પરિતાને છોડ નહીં, ઝાડ રોપવાં હતાં. એટલે એના માટે જગ્યા વધુ જોઈએ. જૂન મહિનામાં શરૂ થઈ પરિતાની ખોજ. તેના ઘરની આજુબાજુ ફરી-ફરીને તેણે જગ્યાઓ શોધવાનું શરૂ કર્યું. એ જગ્યાએ ઝાડ વાવી શકાય કે નહીં, ત્યાં એ ઊગી શકે કે નહીં એ બધાની શોધખોળ શરૂ કરી એટલું જ નહીં, જેની એ જગ્યા છે એ જગ્યા પર પરમિશન લેવાની પણ જહેમત ઉઠાવી જે ધારીએ એટલું સહેલું કામ તો નથી. મુંબઈ મહાનગરીમાં માણસને પગ મૂકવાની પણ જ્યાં જગ્યા નથી ત્યાં એક ઝાડ ઉગાડવાની જગ્યા શોધવી મુશ્કેલ છે. જે ઝાડ વાવે છે એ વ્યક્તિઓ આ મુસીબતને સમજે છે. 
લોકલ ઝાડ 
પરંતુ હિંમતે મર્દા તો મદદે ખુદા એમ પરિતાને ધીમે-ધીમે જગ્યાઓ મળવા લાગી. નૅશનલ પાર્કની નર્સરીમાંથી પરિતા રિક્ષામાં બેસીને સ્થળે-સ્થળે ફરતી અને એક માળીની મદદ લઈને તેણે એક નહીં, બે નહીં પૂરાં ૪૮ ઝાડ વાવી દીધાં. વીસ-પચીસ દિવસના અથાગ પરિશ્રમે આ કાર્ય સફળ થયું. તેણે લોકલ વરાઇટીનાં દેશી ઝાડ વાવ્યાં છે અને એની પાછળનું કારણ પણ છે. એ વિશે પરિતા કહે છે, ‘દેખાવમાં સુંદર લાગતાં અને સરળતાથી મોટાં થઈ જતાં ઝાડ મારે વાવવાં નહોતા. જો લોકલ જાતિનાં ઝાડ વાવીએ તો ત્યાં જીવસૃષ્ટિ પણ વિકસે છે. એમાં ફળ આવે છે, પક્ષીઓ માળો બનાવે છે અને 
સૃષ્ટિને અનુકૂળ રહે એવો માહોલ બનતો જાય છે. એટલે મેં લીમડો, આમળા, બકુલ, કૈલાશપતિ, જાંબુ, આંબો, બીલીપત્ર, પલાશ, સીતાફળ જેવાં ઝાડ ઉગાડ્યાં છે. એ સરળતાથી ઊગશે પણ ખરાં અને અહીંની ધરતીને ફાયદો પણ કરશે.’

ભવિષ્યમાં પણ પરિતા આ રીતે ઝાડ ઉગાડશે એવી તેની ઇચ્છા છે, પરંતુ આ વર્ષે પહેલાં તે જોવા ઇચ્છે છે કે તેણે જે ઝાડ વાવ્યાં છે એ વ્યવસ્થિત ઊગે છે કે નહીં. પરિતા કહે છે, ‘માત્ર  ઝાડ વાવી દેવા પૂરતું નથી. મહત્ત્વનું એ છે કે એ મોટાં થાય અને એમનું અસ્તિત્વ પર્યાવરણનો એક ભાગ બનીને સામે આવે. જો એવું થયું તો આવતા વર્ષે એ ફરી આ કામને આગળ વધારીશ.’

વાવણી સાથે માવજત પણ
બોરીવલીમાં પરિતાએ કસ્તુર પાર્ક, સોનીવાડી, સત્યનગર, એક્સર રોડ જેવા એરિયામાં અને આજુબાજુનાં ત્રણ બિલ્ડિંગમાં મળીને કુલ ૪૮ ઝાડ વાવ્યાં છે. છેલ્લા ત્રણ મહિનામાં એણે એની દેખરેખ પણ કરી છે જેમાંથી હજી સુધી લગભગ બધાં જ ઝાડ સલામત રીતે મોટાં થઈ રહ્યાં છે.   

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 07:51 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK