Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દરેકમાં એક સ્વાર્થી માણસ વસે છે તો દરેકમાં એક નિઃસ્વાર્થ સેવાભાવી પણ હોય છે

દરેકમાં એક સ્વાર્થી માણસ વસે છે તો દરેકમાં એક નિઃસ્વાર્થ સેવાભાવી પણ હોય છે

06 May, 2021 11:54 AM IST | Mumbai
JD Majethia

આ બે બિલકુલ ડિફરન્ટ એવા વ્યક્તિત્વમાંથી તમે કોને બહાર લાવો છો એ તમારા પર નિર્ભર કરે છે પણ એટલું યાદ રાખજો, જેને બહાર લાવશો એ જ તમારી આસપાસના લોકોમાં તમારી ઓળખાણ ઊભી કરશે

દરેકમાં એક સ્વાર્થી માણસ વસે છે તો દરેકમાં એક નિઃસ્વાર્થ સેવાભાવી પણ હોય છે

દરેકમાં એક સ્વાર્થી માણસ વસે છે તો દરેકમાં એક નિઃસ્વાર્થ સેવાભાવી પણ હોય છે


ઓળખાણ.
જાત સાથે ઓળખાણ કરવાની દિશામાં શરૂ કરેલી વાતને આપણે આજે ફરીથી આગળ વધારવાની છે. આપણે કહેતા હોઈએ છીએ કે કે હું તો તેને ઓળખું છું પણ શું, સાચે જ આપણે સાચી રીતે કોઈને ઓળખતા હોઈએ છીએ ખરા? તમે જુઓ, મોટા ભાગના અચંબાઓ અને આઘાત આપણને એવી જ વ્યક્તિઓ તરફથી મળે જેની આપણે કલ્પના પણ ન કરી હોય, મનમાં ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિ આપણને આંચકો આપે ત્યારે આપણે વિચારતા થઈ જઈએ કે ખરેખર તમે તમારી આસપાસની વ્યક્તિને ખરા અર્થમાં ઓળખો છો, ઓળખી શકો છો? અરે પારકા તો ઠીક, બીજા તો સમજ્યા, આપણે પોતે આપણને પણ સાચી રીતે ઓળખતા હોઈએ છીએ? તમે જુઓ, આપણે શું હતા અને કેવા બનવા માગતા હતા અને આજે આપણે કેવા છીએ. શરૂઆતમાં સૌ સારા જ રહેતા હશે અને બધાનો ભરોસો કરતા હશે એવું હું માનું છું પણ એકાદ-બે કડવા અનુભવ થાય એટલે તમારી આંખો ખૂલે અને આંખો ખૂલ્યા પછી માણસ પોતે બીજા પર, ભલે એ સારો માણસ હોય તો પણ તેના પર ભરોસો મૂકવાનું ઓછું કરવા માંડો અને આમ ધીમે-ધીમે થોડા-થોડા તમે પોતે પણ બદલાવા માંડો, કારણ ભૂતકાળના અનુભવો. 
આપણે પોતે જે માનતા હોઈએ, જે કરવા ઇચ્છતા હોઈએ પણ આસપાસની પરિસ્થિતિ અને વ્યક્તિઓને કારણે આપણે બદલાતા જઈએ છીએ અને પછી એક ચોક્કસ સમયાંતરે આપણે પાછું વળીને જોઈએ ત્યારે ખબર પડે કે આપણે એ વ્યક્તિ નથી રહ્યા જે આપણે હતા.    
ઘણી વાર તમે એવા નિર્ણય લેશો જે તમારે લેવા નથી પણ તમારે લેવા પડી રહ્યા છે તો આવી દ્વિધા વખતે મનને તકલીફ થઈ શકે, નાખુશી રહી શકે પણ જો તમે તમારી જાત સાથે એની ચર્ચા કરશો તો તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખી શકશો. આપણે ખરા-ખોટા સ્વાર્થી નિર્ણયો લેતા હોઈએ છીએ. ઘણી વાર જાણવા છતાં ભૂલ કરતા હોઈએ છીએ પણ જાણ અને અજાણ વચ્ચે હોવાનો આ ડોળ પછીથી આપણને પજવી શકે છે એટલે જ્યારે જે કરો એને અમલમાં મૂકતાં પહેલાં મન સાથે વાત કરીને પછી એને અમલમાં મૂકો. તમારાથી તમારી જાતને ન છુપાવો. ખોટું કરો છો, જે ન કરવું જોઈએ પણ થાય છે કે પછી કરવું પડે છે તો એનો સ્વીકાર કરો. જો ભૂલને સમજશો નહીં, સ્વીકારશો નહીં તો એ ક્યારેય ખોટી નહીં લાગે. 
હું ઘણી વાર મારી જાત સાથે પણ વાતો કરું. મેં અગાઉ પણ આ વાત તમને કહી છે. ઘણી વાર લખતી વખતે પણ મને એવું થાય કે હું આ લખું છું અને મારા વાચકોને કહું છું પણ જે કહું છું એમાંથી કોઈ વાત તો હું પોતે પણ કરવાની ચૂકી જાઉં છું કે પછી હું એ કરતો જ નથી તો શું મને હક છે, અધિકાર છે કોઈને કહેવાનો? મારે એ કહેવું જોઈએ કે આમ કરો કે તેમ જીવો. આ દલીલ ચાલતી હોય એ દરમ્યાન બીજો જેડી, જે મારા મનમાં રહે છે અને મને હંમેશાં સાચી અને સારી દિશામાં રાખવા માગે છે એ જેડી, જવાબ આપે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ, જેની ચિંતા હોય આપણને તેને આદર્શ સાથે કેવી રીતે જીવવું એ સમજાવવું અને કહેવું જ પડે અને સાચી સલાહ આપવી જ જોઈએ.
આ વાતને સરળ રીતે સમજાવવા તમને ઉદાહરણ આપું.
આપણાં માતાપિતા.
માબાપે પોતે ભલે અજાણતાં જ ખોટું કર્યું હોય, ભૂલો કરી હોય કે પછી આજે પણ કરતાં હોય પણ તે સંતાનોને તો સારી અને સાચી રીતે જિંદગી જીવવાની જ સલાહ આપે. પોતાને વ્યસન હોય તો પણ એ પોતાનાં સંતાનોને તો એવું વ્યસન નહીં રાખવાની જ સલાહ આપે અને એવું કરવા પણ ન દે. સારાઈ અને સચ્ચાઈ આપણી અંદર હશે તો એને બહાર લાવવામાં વાર નહીં લાગે અને એટલે જ કહું છું કે આપણી અંદરની વ્યક્તિને ઓળખો અને એમાંથી પોતાના, તમારા એ વ્યક્તિત્વને બહાર કાઢો જેના પર કાટ લાગી ગયો છે કે પછી ધૂળ ચડી ગઈ છે. વ્યક્તિત્વના એ મૂળભૂત સ્વભાવને બહાર લાવવાનું કામ કરવાનું છે અને સાથોસાથ એ જે ખોટું વ્યક્તિત્વ બહાર આવી ગયું છે એને દૂર પણ કરવાનું છે. એક વખત એને દૂર કરો અને જુઓ કે તમે જે વ્યક્તિને ઓળખતા હતા અને હવે તમે જે છો એની વચ્ચે કેવો અને કેટલો ફરક છે. સમજવામાં જો આ બહુ અઘરું લાગતું હોય તો બીજી અને જરા સરળ રીતે સમજાવું.
મોટા ભાગના લોકો બાળપણ અને યુવાનીમાં અલ્લડ જીવન જીવે. પછી તેનાં લગ્ન થાય અને સંતાનો આવે એટલે જવાબદારી આવે, આ જવાબદારી નિભાવી પચાસ-સાઠની આસપાસ જ્યારે શરીર ધીમે-ધીમે જવાબ આપવાનું શરૂ કરે એટલે પ્રભુમાં ધ્યાન, ધર્મની વાતો અને જીવનની ફિલોસૉફી શરૂ થાય; કારણ કે આ ઉંમરે ઘણા અંશે જીવનનો સાચો મર્મ સમજાયો હોય, અનુભવ ઘણું શીખવાડી ચૂક્યો હોય. મોટા ભાગના લોકો જે કામ બધામાંથી પરવારીને કરે છે એ જ કામ હું તમને એ ઉંમરે પહોંચવાની રાહ જોયા વગર અત્યારે કરવાનું કહું છું. જેટલા પોતાની જાતને ઓળખશો એટલું તમને પોતાને બદલવાની મજા આવશે અને બદલાવ લાવવાનો અત્યારનો સમય શ્રેષ્ઠ છે. સારું અને સાચું અને ખોટું સમજીને જીવનને સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ સાથે ઓળખાણ કરવાનો એટલે કે પોતાની જાત સાથે ઓળખાણ કરવાનો. દરેક વ્યક્તિની અંદર એક લંપટ, એક સ્વાર્થી માણસ જીવતો જ હોય છે તો સાથોસાથ દરેક વ્યક્તિની અંદર એક ઉદાર, સાચો, સેવાભાવી અને પરોપકારી વ્યક્તિ પણ વસતો જ હોય છે. આ બેમાંથી તમે પોતાનામાંથી કોને બહાર લાવો છો એ તમારા પર નિર્ભર છે. તમે જેને બહાર લાવશો એ જ તમારી આસપાસના તમારા પોતાના લોકોમાં તમારી ઓળખાણ ઊભી કરશે. તમને સૌને કહું છું, ઓળખો તમારી જાતને અને બ્રિંગ ધ બેસ્ટ આઉટ ઑફ યુ.
સ્વાર્થી હોવું એ ખોટું કે ખરાબ છે એ તમે કેવા પ્રસંગ અને પરિસ્થિતિમાં થયા છો, થાઓ છો એના પર નિર્ભર છે. એક વાર પોતાની ઓળખાણ વિશે વિચારવાનું શરૂ કરશો એટલે તમારી અંદરની એટલી બધી વિવિધતા તમને દેખાવા માંડશે કે તમને લાગશે કે એ વ્યક્તિત્વને તો તમે પહેલી વાર મળી રહ્યા છો, પહેલી વાર તમારી ઓળખાણ થાય છે અને બસ, એ જ કરવાનું છે અને મને ખાતરી છે, તમે એ કરશો. જો કરશો તો આજથી તમારી નવી ઓળખાણ શરૂ થશે, તમારી પોતાની જાત સાથે. 

 
માબાપે પોતે ભલે અજાણતાં જ ખોટું કર્યું હોય, ભૂલો કરી હોય કે પછી આજે પણ કરતાં હોય પણ તે સંતાનોને તો સારી અને સાચી રીતે જિંદગી જીવવાની જ સલાહ આપે. પોતાને વ્યસન હોય તો પણ એ પોતાનાં સંતાનોને તો એવું વ્યસન નહીં રાખવાની જ સલાહ આપે અને એવું કરવા પણ ન દે


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2021 11:54 AM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK