Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રામ તેરી ગંગા મૈલી

રામ તેરી ગંગા મૈલી

21 January, 2023 12:44 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

જેમને યુગપુરુષ કહી શકાય એવું મુઠ્ઠીઊંચેરું વ્યક્તિત્વ પ્રત્યેક સમયખંડમાં આપણને સાંપડતું નથી. જેમને મહાપુરુષ કહી શકાય એવાં પાત્રો ઇતિહાસમાં અવારનવાર મળે છે ખરાં

તસવીર/આઈસ્ટોક

ઉઘાડી બારી

તસવીર/આઈસ્ટોક


જેમને યુગપુરુષ કહી શકાય એવું મુઠ્ઠીઊંચેરું વ્યક્તિત્વ પ્રત્યેક સમયખંડમાં આપણને સાંપડતું નથી. જેમને મહાપુરુષ કહી શકાય એવાં પાત્રો ઇતિહાસમાં અવારનવાર મળે છે ખરાં. યુગપુરુષ તેમના પોતાના સમયકાળમાં તો ઠીક, સદીઓ સુધી તેમનો પ્રતાપ પાથરે છે. બને છે એવું કે આવા પ્રતાપને પોતાના તત્કાલીન હિતમાં પરિવર્તિત કરવાની લાલચ વામણા માણસો રોકી શકતા નથી. નામ રામનું હોય કે પછી કૃષ્ણનું હોય, બુદ્ધનું હોય કે પછી મહાવીરનું હોય, ઈશુનું હોય કે પછી મોહમ્મદ પયગંબરનું હોય - આ બધાં નામોનો વખત જતાં લોંટોઝોંટો કરીને પોતાનો લાભ ખોતરી કાઢનારાઓ ઢગલાબંધ હોય છે. ખાસ કરીને સાંપ્રતકાળમાં લોકશાહીના નામે ચૂંટણીઓનું જે બખડજંતર ચાલે છે એમાં આવા લાભો લેવા માટે લલચાતા અણસમજુઓ ઓછા નથી.

રામનું નામ અને આપણું કામ



હમણાં બિહારના કોઈક રાજકારણીએ રામના નામે હઈશો-હઈશો કર્યું. મૂળ વાત ચૂંટણીમાં મુઠ્ઠી ભરીને મતો મેળવવાની છેતરપિંડી કરવાની છે. જેનું નામ વટાવીને માલામાલ થવાની કોશિશ કરવી છે તેમના નામે કોઈ જાણકારી હશે કે નહીં એ તો રામ જાણે, પણ આ રાજકારણીએ કહ્યું કે રામ સમાજને જોડનારા નહીં પણ તોડનારા હતા. રામે વાલીને માર્યો, તપશ્ચર્યા કરી રહેલા શંબુક નામના શૂદ્રને માર્યો, પોતાની સગર્ભા પત્નીને હડધૂત કરીને રાજ્યમાંથી હાંકી કાઢી. આ બધું સમાજને જોડવા માટે નહીં પણ તોડવા માટે જ કર્યું હતું. તુલસીદાસે આ બધી વાતો લખીને લોકોમાં પ્રચલિત કરી એટલે તુલસીદાસ પણ સમાજને તોડનારા જ કહેવાય.


રામાયણ અને રામકથા સેંકડો વર્ષોથી દેશના કરોડો માણસો માટે એક આદર્શ ગ્રંથ છે. એ ધર્મગ્રંથ નથી પણ જીવનગ્રંથ છે. જીવનમાં બધું જ આપણને ગમતું હોય એવું નથી બનતું. આપણને અણગમતું હોય એવું પણ કેટલુંક બને છે. કેટલીક વાર એવું પણ બને છે કે જીવનયાત્રામાં જે અણગમતું જોવા મળે એને આપણે વચ્ચે ચડાવી દેતા હોઈએ છીએ. આપણને ગમતી હોય એવી કેટલીક વાતો પણ આમાં ભેળવી દેતા હોઈએ છીએ. આના પરિણામે પેલી જીવનયાત્રામાંથી સચ્ચાઈ કે સંકેતાર્થ તારવવાને બદલે ગૂંચવાડાઓ વધારી દઈએ છીએ.

સત્ય સમજવું સહેલું નથી


રામકથા તુલસીદાસે નથી આલેખેલી. તુલસીદાસ પૂર્વે થયેલા વાલ્મીકિએ સૌપ્રથમ આ કથન આલેખ્યું છે. ત્યાર પછી કાળના અનંત પ્રવાહમાં જેકોઈએ આમાંથી મેળવવું હતું એ મેળવવા માટે ઉમેરાઓ થતા રહ્યા. મૂળ કથાનક રામના વનવાસની સમાપ્તિ સાથે જ પૂરું થાય છે. આજની પરિસ્થિતિ એવી છે કે લગભગ ત્રણસોએક જેટલા જુદા-જુદા લેખકોએ જુદી-જુદી ભાષામાં રામકથાઓ રામાયણના નામે જ આલેખી છે. જ્યારે આમ ઢગલાબંધ આવૃત્તિઓ થાય ત્યારે એમાં પોતપોતાના ગમા કે અણગમાનાં સરવાળા કે બાદબાકી થવાનાં જ છે. બૌદ્ધ રામાયણ, જૈન રામાયણ અને ઇસ્લામ રામાયણ સુધ્ધાં લખાયાં છે. આ બધામાં રામ જુદી-જુદી રીતે દર્શાવાયા છે. રામને અનેક પત્નીઓ હતી, હનુમાન પરિણીત હતા અને રાવણે અંત સમયે ધર્મપરિવર્તન કર્યું હતું એવી પાર વિનાની બેહૂદી વાતો લખાયેલી છે. સેંકડો વરસો પૂર્વેનાં કથાનકોમાં આવી ઘાલમેલ કરવી અઘરી નથી હોતી.

રામ સેંકડો વર્ષો પૂર્વે થયા, ગાંધી હજી હમણાં જ આપણી નજર સામે થયા છે અને આમ છતાં તેમના વિશેના જુદા-જુદા ગ્રંથોમાં જુદી-જુદી વાતો લખાયેલી છે. દાખલા તરીકે ગાંધીજી તેમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં સાવ બહેરા હતા એવું એક વિદ્વાન લેખકે જાણકારી સાથે લખ્યું છે. ગાંધીજી સાથે છેલ્લાં વર્ષોમાં ચોવીસે કલાક રહેનારા તેમના કોઈ સાથીદારે આવી વાત લખી નથી. ત્રીસમી જાન્યુઆરીએ મૃત્યુ પૂર્વે ગાંધીજીએ જે ભોજન લીધું એ ભોજનનાં જુદાં-જુદાં વ્યંજનો વિશે જુદા-જુદા લેખકોએ જુદું-જુદું લખ્યું છે. કોઈએ બાફેલાં શાક અને ફળ એવું લખ્યું છે તો કોઈએ ફૂલકા રોટલી સુધ્ધાં લખી છે. હવે જો ગાંધીજીના નામે આવાં સરવાળા-બાદબાકી થઈ શકતાં હોય તો રામના નામે શું ન થાય એ જ કલ્પનાનો વિષય છે.

રામ તેરી ગંગા મૈલી

ગંગા સૌથી પવિત્ર નદી છે અને આમ છતાં એને આપણે સૌથી અપવિત્ર કરી નાખી છે. ગંદકી અને કચરો આપણામાં છે, ગંગામાં નથી. રામના કથાનકમાં જ નહીં, અન્ય યુગપુરુષના જીવનમાંથી પણ જેને જે જોઈતું હોય એ મળી શકે છે. ગંગાલોટીનું જળ સદાય જાળવી શકાય છે, પણ એ લોટીમાં નિર્મળ જળને બદલે ગંદું અને ડહોળું પાણી ભર્યું હોય તો એ ભરનારની કક્ષા છે. રામના જીવનમાં ગુહ રાજા હોય કે પછી શબરી, રાવણ કે વાલી હોય - આ બધાં આર્ય સંતાનો જ છે. કથનકોમાં રામ હોય કે રાવણ - આ બધા પરસ્પરને આર્ય તરીકે જ સંબોધે છે. શૂદ્ર એટલે અશિક્ષિત અને અસંસ્કારી, બ્રાહ્મણ એટલે કોઈ જન્મ નહીં પણ વિદ્યા અને સંસ્કાર. હવે તમારે શું લેવું છે એ તમારા શિક્ષણ અને સંસ્કાર પર આધારિત છે. દોષ રામને, તુલસીદાસને કે વાલ્મીકિને આપવાની જરૂર નથી.

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 12:44 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK