Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > આ ડેન્ટિસ્ટ છે ઘોડાના દાંતની રખેવાળ

આ ડેન્ટિસ્ટ છે ઘોડાના દાંતની રખેવાળ

13 June, 2024 03:44 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ડૉ. આકૃતિ ચોકસી-કાપડિયા દેશની પહેલી અને એકમાત્ર ડૉક્ટર છે જે માત્ર અશ્વોના દાંતની સારવાર કરે છે

આકૃતિ ચોકસી-કાપડિયા

આકૃતિ ચોકસી-કાપડિયા


જો ડેન્ટલ સર્જ્યનને પણ પૂછવામાં આવે કે એક્વાઇન ડેન્ટિસ્ટ એટલે શું તો દસમાંથી પાંચ ડેન્ટલ સર્જ્યન ગોટે ચડી જાય એવી ઘોડાના દાંત માટે ખાસ ડિઝાઇન થયેલી આ સ્પેશ્યલ બ્રાન્ચમાં એક્સપર્ટ એવી ડૉ. આકૃતિ ચોકસી-કાપડિયા દેશની પહેલી અને એકમાત્ર ડૉક્ટર છે જે માત્ર અશ્વોના દાંતની સારવાર કરે છે


એક તો ગુજરાતી અને એમાં પણ સ્કૉલર. ધાર્યા માર્ક્સ લાવી શકવાની ક્ષમતા અને એ પછી પણ ધરતી પર શાના માટે આવ્યા છીએ એવી સ્પિરિચ્યુઅલ માનસિકતા. આર્થિક પ્રશ્ન નથી, શારીરિક વિટંબણા નથી અને દરેક કામ કરવાની માનસિક તૈયારી છે; પણ માત્ર જીવનનો હેતુ સ્પષ્ટ નથી થયો એ વાતની કનડગત છે અને આ કનડગતે જ દેશને પહેલી અને એકમાત્ર એક્વાઇન ડેન્ટિસ્ટ આપવાનું કામ કર્યું. એક્વાઇન એટલે અશ્વસંબંધી. આપણે વાત કરીએ છીએ ડૉ. આકૃતિ ચોકસી-કાપડિયાની, જે માત્ર ઘોડાના દાંતની સારવાર કરે છે. ઘોડાના જ દાંત શું કામ? એવો પ્રશ્ન સહેજે મનમાં જન્મે પણ મનમાં જન્મેલી એ મૂંઝવણને દૂર કરવાનું કામ આકૃતિ સહજ રીતે કરે છે. આકૃતિ કહે છે, ‘વેટરિનરીની દૃષ્ટિએ આપણો દેશ હજી પણ બહુ પછાત છે. મેં પંદર વર્ષ પહેલાં જ્યારે હૉર્સ ડેન્ટલ ટ્રીટમેન્ટની બ્રાન્ચમાં એટલે કે એક્વાઇન ડેન્ટિસ્ટ બનવાનું નક્કી કર્યું ત્યારે બધાને એવું હતું કે હું શું આવું ગાંડપણ કરું છું? પણ તમે માનશો નહીં, આપણે ત્યાં વેટરિનરી એટલે કે પ્રાણીઓના ડૉક્ટર બન્યા પછી કોઈ આગળ કશું વિચારતું નથી, જ્યારે અમેરિકા અને ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડમાં પક્ષીઓના દાંતથી લઈને વાઇલ્ડ ઍનિમલના ટીથના પણ એક્સપર્ટ્સ છે અને બહુ સરસ પ્રૅક્ટિસ કરે છે.’ડેન્ટલ સર્જ્યન બન્યા પછી થતા આ માસ્ટર કોર્સ સુધી પહોંચવાની આકૃતિની જે જર્ની છે એ ઇન્ટરેસ્ટિંગ તો છે જ અને સાથોસાથ એમાં જીવનને શોધવાનું ધ્યેય પણ છુપાયેલું છે. પચાસ અને સાઠ વર્ષ પછી જે સ્પિરિચ્યુઆલિટી માણસના મનમાં જન્મે એ ભાવ આકૃતિના મનમાં નાનપણથી સાવ જુદી જ રીતે આકાર લેતો કેવી રીતે થઈ ગયો એ લોઅર પરેલમાં રહેતી વૈષ્ણવ પરિવારની ૪૦ વર્ષની આકૃતિ ચોકસી-કાપડિયા પાસેથી જાણવા જેવું છે.


ગાર્ડન અને મારી જંગલ બુક

આકૃતિનું નાનપણ લોખંડવાલામાં વીત્યું છે. બિઝનેસમૅન અજિત ચોકસી અને કલ્પનાબહેનનાં બે બાળકોમાં આકૃતિ મોટી. આકૃતિ કહે છે, ‘કૉલેજના દિવસો શરૂ થતાં સુધીમાં તો મને ઍનિમલ સાથે ગજબનાક લગાવ થઈ ગયો. મેં સ્ટ્રે ડૉગ્સથી અને કૅટ્સને છોડાવવાનું પણ બહુ કામ કર્યું છે.’


એક વખત આકૃતિએ અંધેરી-ઈસ્ટમાં સસલાં વેચાતાં જોયાં ત્યારે તેણે પ્રાણીઓ માટે કામ કરતી એક સામાજિક સંસ્થા અને સ્થાનિક લોકોની મદદથી એ સસલાંઓ છોડાવ્યાં. એ દિવસો યાદ કરતાં આકૃતિ કહે છે, ‘સસલાં છોડાવી તો લીધાં પણ કંઈ રાતોરાત તો એને જંગલમાં છોડવા ન જઈ શકાય એટલે એને હું મારા ઘરે લાવી. છ સસલાં હતાં એ. અમારા ઘરે એમને એવું તે ફાવી ગયું કે જ્યારે અમે એને છોડવા ગયા ત્યારે પણ એ મારાથી દૂર નહોતાં જતાં. મૂંગા જીવમાં કેવો ગજબનાક પ્રેમ હોય અને એ કેવી રીતે વ્યક્ત કરે એનો મારો એ પહેલો જીવતોજાગતો અનુભવ હતો. એ વખતે મેં મનોમન નક્કી કર્યું કે હું પ્રાણીઓ માટે કંઈક કરીશ.’

ઈશ્વરે આપણને માણસ તરીકે જન્મ આપ્યો છે તો તેનો કોઈ તો હેતુ હશે.

ઇલેવન્થ અને ટ્વેલ્થમાં જ્યારે છોકરીઓને ડ્રીમમૅનનાં ખ્વાબ આવતાં હોય એ ઉંમરે આકૃતિ આ સવાલના જવાબ શોધવામાં મચેલી રહેતી તો સાથોસાથ કરીઅર વિશે પણ સ્પષ્ટતા નહોતી એટલે આકૃતિ બે વર્ષ માટે અમેરિકા ભણવા ગઈ. આકૃતિ કહે છે, ‘મને દુનિયા એક્સપ્લોર કરવી હતી, પણ અમેરિકા ગયા પછી મને ત્યાંનો ભૌતિકવાદ વધારે પડતો નડવા માંડ્યો એટલે હાઈ સ્કૂલનાં બે વર્ષ પૂરાં કરીને હું ફરી ઇન્ડિયા આવી.’

ટ્વેલ્થ અને મેડિકલ વર્લ્ડ

ટ્વેલ્થ પછી આકૃતિની ઇચ્છા સાઇકોલૉજિસ્ટ બનવાની હતી, પણ એ સમયની માનસિકતા મુજબ પેરન્ટ્સને લાગતું હતું કે એ કોઈ એવું પ્રોફેશન નથી જેનું ભવિષ્ય હોય. આકૃતિ કહે છે, ‘હું વાત કરું છું પંદરેક વર્ષ પહેલાંની. આજે લોકો સાઇકોલૉજિસ્ટ પાસે આસાનીથી જાય છે, પણ ત્યારે તો ભાગ્યે જ કોઈને સમજાતું કે તે ડિપ્રેશનમાં છે અને તેને સાઇકોલૉજિકલ થેરપીની જરૂર છે. પેરન્ટ્સના ગાઇડન્સથી મેં નવી મુંબઈની ડી. વાય. પાટીલ મેડિકલ કૉલેજમાં ડેન્ટિસ્ટ્રીનું ભણવાનું શરૂ કર્યું. તમે કહી શકો કે દાંતનું મહત્ત્વ શું છે એ વાતની મને પહેલી વાર ત્યારે સમજણ પડી હશે અને એ વાત પણ પહેલી વાર સમજાઈ હશે કે પૃથ્વી પરના ૮૦ ટકા જીવ પાસે દાંત છે અને એને કારણે જ એ પોતાનો વિકાસ કરે છે.’

આકૃતિને એ સમયે ડેન્ટિસ્ટ્રીનું ભણવામાં તો રસ હતો પણ તકલીફ ક્યાં હતી એની વાત કરતાં તે કહે છે, ‘અમેરિકાથી ઇન્ડિયા આવી એટલે ભણવાનું કલ્ચર બદલાઈ ગયું જેને લીધે અમુક સબ્જેક્ટ્સમાં કંઈ પલ્લે ન પડે. આ જ કારણ હતું કે હું એક સબ્જેક્ટમાં ફેલ થઈ. આ ગાળામાં હું અંદર ને અંદર જાતને શોધવાની કોશિશ કર્યા કરું. આ જ પિરિયડમાં હું મારી ફ્રેન્ડને કારણે સોકા ગકાઈ ઇન્ટરનૅશનલ બુદ્ધિઝમ ગ્રુપ સાથે સંકળાઈ અને મને બહુ ફાયદો થયો. મંત્રોચ્ચારથી મારો કૉન્ફિડન્સ વધ્યો અને મને સમજાયું કે તમે જ્યાં છો એ જ જગ્યા તમારા માટે બની છે એટલે હવે તમારી જવાબદારી છે કે તમે એ જ જગ્યાએ રહીને તમારી લાયકાત, તમારી ટૅલન્ટને પુરવાર કરો.’

બસ, એ પછી આકૃતિ ક્યાંય અટકી નહીં અને લગાતાર ચાર વર્ષ સુધી તે મેડિકલ કૉલેજમાં ટૉપ કરતી રહી. બૅચલર્સ પૂરું કર્યા પછી એક્સ્પીરિયન્સ માટે આકૃતિએ મુંબઈના બેત્રણ ડેન્ટિસ્ટને અસિસ્ટ પણ કર્યા; પણ ફરી એ જ વાત, મજા આવતી નથી; કરવું છે એ કરવા મળતું નથી અને શું કરવું છે એની સ્પષ્ટતા નથી થતી. આકૃતિ કહે છે, ‘મેં ત્રણેક વર્ષ એ બધામાં સેટ થવાની ટ્રાય કરી અને સાથોસાથ મેં માનસિક રીતે દિવ્યાંગ બાળકોની સંસ્થા ઉડાન માટે પણ કામ કરવાનું શરૂ કર્યું, વીકમાં ત્રણ દિવસ હું ઉડાન માટે કામ કરતી.’

એ જ સંસ્થા સાથેના અનુભવોના કારણે આકૃતિને થયું કે તે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ બને, પણ મનમાંથી આવેલા જવાબને કારણે તે અટકી ગઈ. આકૃતિ કહે છે, ‘બાળકોને જો સૌથી વધારે ડર લાગતો હોય તો એ ડૉક્ટરનો અને ડેન્ટિસ્ટ પાસે તો તેને જવું જ ન હોય. એવા સમયે તે આવીને રડે એ મને ગમે નહીં એટલે મેં જ વિચાર માંડી વાળ્યો તો સાથોસાથ મારી આસપાસના લોકોએ પણ એ ફીલ્ડમાં ફ્યુચર નથી એવું બોલીને મારું મન તોડી નાખ્યું. ઇન રિયલ સેન્સ હું ફીલ્ડના ફ્યુચરનું તો વિચારતી જ નહોતી જે મને આજે સમજાય છે, પણ બનતું એવું હોય છે કે તમે જેની સાથે વધારે રહો તેની થૉટ-પ્રોસેસ તમારા પર હાવી થઈ જાય.’

બૌદ્ધ ફિલોસૉફી અને ઇચ્છાઓ

આ સમય દરમ્યાન પણ આકૃતિએ બૌદ્ધ ફિલોસૉફીને સમજવાનું તો ચાલુ જ રાખ્યું હતું અને એના આધારે જ તેને જીવનનો નવો હેતુ મળ્યો. આકૃતિ કહે છે, ‘તેમના માટે કામ કરવું જે પોતાની ફરિયાદ પણ ન કરી શકતા હોય અને તમારો આભાર પણ ન માની શકતા હોય. એક દિવસ મેં બસ એમ જ ડેન્ટિસ્ટને અસિસ્ટ કરવાનું છોડી દીધું અને આગળ શું કરવું એના રિસર્ચ પર લાગી, જેમાં મને ખબર પડી કે ન્યુ ઝીલૅન્ડમાં હૉર્સ ડેન્ટિસ્ટ્રી એટલે કે એક્વાઇન ડેન્ટિસ્ટ્રીનો કોર્સ શીખી શકાય છે. બસ, મને હેતુ મળી ગયો. બાળકો નહીં તો હું એના માટે કામ કરું જે થૅન્ક્સ પણ પોતાની આંખોથી કહેવાના છે.’

આકૃતિએ ન્યુ ઝીલૅન્ડ જઈને કોર્સ કર્યો. આકૃતિ કહે છે, ‘વાત ૨૦૦૮ની છે. મેડિકલની બૅચલર ડિગ્રી પછી થતો આ કોર્સ ત્રણ મહિનાનો અને પછી પ્રૅક્ટિકલ્સ. હું ન્યુ ઝીલૅન્ડ ગઈ ત્યારે મને સૌથી મોટો ફાયદો થયો દુનિયામાં ચાલતી મંદીનો. મંદીના કારણે આખા બૅચમાં હું એક જ સ્ટુડન્ટ! અને મને પ્રૅક્ટિકલી ૮૦૦ ઘોડાને તપાસવાની તક મળી, જેમાં દુનિયાની ૮૦ ટકા બ્રીડ આવી ગઈ. પ્રૅક્ટિકલ્સની શરૂઆતમાં તો ઘોડાઓ મારે, તમને નજીક ન આવવા દે; પણ તમારે એને પ્રેમથી મનાવવા પડે, નાના બાળકની જેમ સમજાવવા પડે. અરે, લિટરલી પટાવવા પડે. પણ એ જે આખી પ્રોસેસ હતી એ અદ્ભુત હતી. આજે પણ દરેક નવા કેસની સાથે મારી સામે એ ચૅલેન્જ આવે છે. ફરક એટલો છે કે હવે મને એને પ્રેમ કરતાં આવડી ગયું છે, એ સમયે તો હું પણ નવી-નવી હતી.’

૨૦૧૨માં આકૃતિ ઇન્ડિયા પાછી આવી અને તેની સાચી સ્ટ્રગલ શરૂ થઈ. આકૃતિ કહે છે, ‘હું ઇન્ડિયા આવી ત્યારે પણ મને ખબર નહોતી કે ઇન્ડિયામાં હું કેવી રીતે આ વાતને પ્રમોટ કરીશ. મુંબઈ આવીને મેં પહેલું કામ કર્યું જસ્ટ ડાયલમાં ફોન કરવાનું અને એની પાસેથી

સ્ટડ-ફાર્મ અને મહાલક્ષ્મી રેસકોર્સના નંબર્સ લઈ બધાનો કૉન્ટૅક્ટ કરવાનું શરૂ કર્યું. ઓછામાં ઓછી પાંચસો ઈ-મેઇલ કરી હશે અને એટલા જ બીજા લોકોને ફોન કર્યા હશે પણ તમે માનશો નહીં, મને ફક્ત એક વ્યક્તિએ મેઇલનો રિપ્લાય આપ્યો.’

બસ, તૂ કભી રુકના નહીં...

આકૃતિ પાસે ઑપ્શન હતો કે તે પોતાની આ એક્સપર્ટીઝ ભૂલીને ફરીથી નૉર્મલ ડેન્ટિસ્ટ્રીમાં દાખલ થઈ જાય. આકૃતિ કહે છે, ‘બહુ લોકોએ મને એ સલાહ આપી હતી. તેમનું કહેવું હતું કે નથી તું વેટરિનરી ડૉક્ટર એટલે કે પ્રાણીઓની ડૉક્ટર કે નથી તું માણસની ડૉક્ટર, તો એવું કામ કરવાનું? તું તારી નૉર્મલ પ્રૅક્ટિસ ચાલુ કરી દે. પણ મને હવે એ કરવું જ નહોતું. મને હવે એ દિશામાં જવું હતું જે દિશામાં આપણો ઇતિહાસ રચાયો છે. તમે જુઓ, આપણી વાર્તાઓમાં અને આપણી હિસ્ટરીમાં પણ ઘોડાનો કેટલો ઉલ્લેખ છે તો પછી એ જ ઘોડાની સંભાળ હું શું કામ ન લઉં?’

વાત આગળ વધારતાં પહેલાં મનમાં થયેલા એ પ્રશ્નનું નિરાકરણ કરી લઈએ કે ઘોડાના જ ડેન્ટિસ્ટ બનવાનું આકૃતિને શું કામ અગત્યનું લાગ્યું. આકૃતિ સમજાવે છે, ‘ઘોડાને દુધિયા દાંત આવે, ઘોડાના દાંતનો ગ્રોથ બહુ વધારે હોય છે. એ જેટલા બહાર વધે એટલા જ અંદર પણ વધે, પણ જો એને બહારથી યોગ્ય રીતે ઘસવામાં આવે તો એનો અંદરની બાજુનો ગ્રોથ પણ ઘટી જાય. આ દાંત એટલા ધારદાર હોય છે કે ઍડલ્ટ ઘોડો ધારે તો માણસનો હાથ સુધ્ધાં કાપી શકે અને જો એની ધાર કાઢવામાં ન આવે તો એ ઘોડાનું જડબું ચીરીને એનો પણ જીવ લઈ લે. આપણે ત્યાં લગામ પહેરાવવાની સ્ટાઇલ પણ ખોટી છે. આપણે લોખંડના દાંતાવાળી ખીલી સાથે લગામ ઘોડાના જડબાની અંદરના ભાગમાં ફિટ કરીએ છીએ. જરા વિચારો કે કેવી ક્રૂરતા કહેવાય, પણ આપણે ત્યાં મોટા ભાગના ગરીબ લોકો આ જ લગામ રાખે છે અને એને લીધે ઘોડાના આયુષ્ય પર પણ અસર થાય છે.’

આવી કેટલીયે વાતો આકૃતિ ઘોડા વિશે લગાતાર બોલી શકે છે.

પડકારો ઘણા છે

ઘોડા પાળનારાઓ પણ ક્યારેય એના દાંતના ડૉક્ટર વિશે જાણતા નથી એવું હું આજે પણ કહું છું એમ જણાવીને આકૃતિ કહે છે, ‘ફૉરેનમાં તો ઘોડાના ફિઝિયોથેરપિસ્ટ હોય છે, આપણે તો એવું વિચારી પણ ન શકીએ. મારી ટ્રાય રહે છે કે વધુમાં વધુ લોકો આ બાબતમાં અવેર થાય, પણ છતાંય કહેવું રહ્યું કે મેટ્રો શહેરોના ભણેલાગણેલા લોકો સિવાય કોઈને પણ એના વિશે ખબર નથી.’

ઘોડાએ માત્ર આકૃતિને જીવનનું ધ્યેય આપ્યું એટલું જ નહીં  જીવનસાથી સાથેનો પરિચય પણ કરાવી આપ્યો. આકૃતિના હસબન્ડ અમિત કાપડિયા બિઝનેસમૅન હોવાની સાથે હૉર્સ રાઇડર પણ છે. તેમને પણ ઘોડાઓ પ્રત્યે અતિશય લગાવ છે અને આજે આ કપલ ઘોડાઓને જ પોતાનું અનેરું વિશ્વ બનાવીને જીવી રહ્યું છે.

આકૃતિની જ મહેનતના કારણે આજે એવું બન્યું છે કે મુંબઈ, પુણે, દિલ્હી, બૅન્ગલોર, હૈદરાબાદ, કલકત્તા જેવા મેટ્રો સિટીમાં રહેતા અને ફાર્મહાઉસ પર ઘોડા રાખતા લોકો આકૃતિની એક્સપર્ટીઝનો લાભ લે છે તો ઘોડાને ટ્રેઇન કરનારાઓ પણ એનો લાભ લે છે. પોલીસપાર્ટીમાં વપરાતા ઘોડા માટે આકૃતિ મહારાષ્ટ્ર સહિતનાં ત્રણ રાજ્યોમાં પોતાની સેવા આપે છે તો આકૃતિ સમયાંતરે ઘોડો રાખનારા અને ઘોડા પર આજીવિકા રળતા લોકો માટે પણ કૅમ્પ કરે છે. આજ સુધીમાં આકૃતિએ ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડના પ્રાણીઓના ડૉક્ટર્સની સાથે ટેક્નિશ્યન્સ, નર્સ, ડેન્ટિસ્ટને ઇન્ડિયા બોલાવીને ઘણા કૅમ્પ કર્યા છે. જેમાં આગરા, બૅન્ગલોર, મથુરાથી માંડીને માથેરાનમાં ઘોડાના દાંતનું સમારકામ કરેલું.

પેટ રળવા માટે ઘોડા રાખતા હોય તેમના પડકાર વિશે આકૃતિ કહે છે, ‘પ્રાઇવેટ ઘોડાના માલિકો ઘોડાનું ખૂબ ધ્યાન રાખે, પણ ગરીબ લોકો અને ઘોડાનો ઉપયોગ પોતાનું પેટ રળવા કરતા હોય તે આ બધું કેવી રીતે કરી શકે? આ હેતુસર અમે ગામડાંઓમાં જઈને આવા ઘોડાની સારસંભાળ લીધી. આપણે ત્યાં માથેરાનમાં ઘોડાની હાલત બહુ ખરાબ હોય છે. એમના મોઢામાં તમે આંગળી મૂકો ત્યાં લોહી હાથમાં આવે. એમને બરાબર ખાવાનું ન આપે, મારવામાં આવે. એ જોઈને કંપારી છૂટી જાય. એમની સ્થિતિ સુધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા હું વધુ ને વધુ અવેરનેસ પ્રોગ્રામ કરવાની છું.’

દવા કરતાં પહેલાં દોસ્તી જરૂરી છે

પ્રાણીઓની વાત આવે કે તરત જ આંખ સામે પુરુષોનું આધિપત્ય આવી જાય પણ એમાં જો કોઈ બાજી મારી ગયું હોય તો એ આકૃતિ છે. શોખથી ઘોડા રાખનારાઓ આજે આકૃતિની અપૉઇન્ટમેન્ટ લેવા આવે છે. મજાની વાત એ છે કે એવું કરવાનું ખાસ કારણ એ છે કે આકૃતિ પોતાનું કામ કરતી વખતે ઘોડાને ઇન્જેક્શન સુધ્ધાં નથી આપતી. આકૃતિ કહે છે, ‘હું પહેલાં દોસ્તી કરું છું. શોખને કારણે આજે ઘણા લોકો ઘોડા રાખતા થયા છે. ઘોડા પણ ડૉગી જેટલા જ ફ્રેન્ડ્લી અને ફૅમિલી-મેમ્બર સમાન છે. ઘોડાનાં ઇમોશન્સના મારી પાસે સેંકડો કિસ્સા છે. નવી-નવી દોસ્તી થઈ હોય તો ક્યારેક એ મારી પણ દે, પણ એમ છતાં હું કહીશ કે માણસો કરતાં ઘોડા બહુ એટલે બહુ જ સારા છે.’

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2024 03:44 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK