Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાઅદબ, બામુલાયજા હોશિયાર...ફરી સજીવન થઈ રહી છે ડબલ-ડેકર

બાઅદબ, બામુલાયજા હોશિયાર...ફરી સજીવન થઈ રહી છે ડબલ-ડેકર

22 November, 2020 08:39 PM IST | Mumbai
Bhakti D. Desai

બાઅદબ, બામુલાયજા હોશિયાર...ફરી સજીવન થઈ રહી છે ડબલ-ડેકર

બાઅદબ, બામુલાયજા હોશિયાર...ફરી સજીવન થઈ રહી છે ડબલ-ડેકર

બાઅદબ, બામુલાયજા હોશિયાર...ફરી સજીવન થઈ રહી છે ડબલ-ડેકર


ગયા વર્ષે જૂની ડબલ-ડેકર વેચીને એનાથી છુટકારો મેળવવા માગતી બેસ્ટે ૨૦૨૧ સુધીમાં નવી આધુનિક ડબલ-ડેકર લાવવાની જાહેરાત કરીને મુંબઈની સાંસ્કૃતિક ધરોહર ગણાતા આ વારસાને ટકાવવાનું બીડું ઝડપ્યું છે. હવે ફરી એક વાર મુંબઈના રસ્તાઓ પર ડબલ-ડેકર સારીએવી સંખ્યામાં દોડતી જોવા મળે એવી સંભાવના છે ત્યારે જાણીએ આ વારસાના ઇતિહાસ વિશે અવનવું. ટ્રાન્સપોર્ટના માધ્યમ ઉપરાંત પણ ડબલ-ડેકર હવે કેવી-કેવી રીતે લોકોના જીવનનો હિસ્સો બની રહી છે એની વાતો પણ મજાની છે...

લાલ ડબલ-ડેકર બસો ‘૮૦ અને ’૯૦ના દાયકાની મુંબઈની આન, બાન અને શાન હતી. યસ, હતી એટલા માટે કહેવું પડે, કેમ કે છેલ્લા લગભગ દોઢ-બે દાયકાથી એના અસ્તિત્વ વિશે અનેક સવાલ ઊભા થયા છે.
રોડ પરના ટ્રાફિક, ઊંચા ફ્લાયઓવર્સ, સાંકડા રસ્તાઓ પર બેઉ તરફ ઊંચાં વૃક્ષો એમ અનેક કારણસર પહેલાં ડબલ-ડેકરનો રૂટ સીમિત થયો અને પછી માત્ર ટૂરિસ્ટ રૂટ્સ પર જ મર્યાદિત સેવાઓ ચાલુ રહેતાં ડબલ-ડેકરના પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી ગઈ. પરવડતી ન હોવાથી અને મેઇન્ટેનન્સ ખર્ચ વધુ હોવાથી આ લાલ હાથીને કેમ પાળવો એની ચિંતા બેસ્ટ (બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ) માટે માથાનો દુખાવો બની ગઈ. ધીમે-ધીમે કરતાં ડબલ-ડેકર બસની સંખ્યા ઘટતી જ ગઈ અને ભંગારમાં જતી બસોની સંખ્યામાં વધારો થતો ગયો. મુંબઈ માટે હેરિટેજ વૅલ્યુ ધરાવતી ડબલ-ડેકર એ બ્રિટિશ સામ્રાજ્યની દેણ છે અને ૧૯૪૭માં આઝાદી મળી એ વખતે મુંબઈ પાસે લગભગ ૧૪૧ ડબલ-ડેકર બસો હતી. એ વખતે રેડ ડબલ-ડેકર એ દુનિયાભરમાંથી માત્ર લંડન અને મુંબઈ એમ જ બે જ શહેરમાં ફરતી દેખાતી હોવાથી શરૂઆતમાં એનું આકર્ષણ પણ ખાસ્સું હતું. ડબલ-ડેકરની દુનિયાનો સૂરજ મધ્યાહ્‍ન પર આવ્યો ૧૯૯૩માં. આ સમયે મુંબઈમાં ડબલ-ડેકર્સની સંખ્યા વધીને કુલ ૮૮૨ સુધી પહોંચી ગયેલી. જોકે એ પછી કયા કારણસર એનાં વળતાં પાણી થયાં એ સમજાયું જ નહીં. વધતો જતો ટ્રાફિક, વસ્તી, ફ્લાયરઓવર બ્રિજિસ પર સેફ્ટીના કારણસર ડબલ-ડેકરના રૂટ્સ સીમિત થવા લાગ્યા. ૨૦૧૯માં ડબલ-ડેકરની સંખ્યા ૧૨૦ જેટલી જ બચી હતી અને એમાંથી ૭૨ બસોને સ્ક્રૅપમાં કાઢવાનું નક્કી થયું અને બચેલી ૪૮ બસોની હાલત પણ ૨૦૨૩ સુધીમાં ખખડધજ થઈ જશે અને એ પછી મુંબઈમાંથી ડબલ-ડેકર સાવ જ ગાયબ થઈ જશે એવી સંભાવના ચર્ચાવા લાગી.
અલબત્ત, બેસ્ટના અધિકારીઓ ભલે લાલ હાથીથી છુટકારો મેળવવા માગતા હોય, પણ પરિવહન નિષ્ણાતો અને મુંબઈના સાંસ્કૃતિ વારસાના રખેવાળો બન્નેનું માનવું હતું કે દુનિયાભરમાં જે ડબલ-ડેકરે મુંબઈને આગવું સ્થાન અપાવ્યું છે એનો આમ જ સાવ ખાતમો ન બોલાઈ જવો જોઈએ. ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ્સનું કહેવું રહ્યું છે કે જો બેસ્ટને ડબલ-ડેકર દોડાવવાનું પોસાય એમ ન હોય તો ભલે એ જનરલ ટ્રાન્સપોર્ટેશન માટે એનો વપરાશ સીમિત કરવામાં આવે, પણ ટૂરિસ્ટો માટે તો કેટલાક ચોક્કસ રૂટ્સ પર એને ચાલુ રાખવી જ જોઈએ. સારી વાત એ છે કે કોરોનાકાળે કદાચ ડબલ-ડેકર બસોની અહેમિયત સમજાવી છે. ‘મિશન બિગિન અગેઇન’ અંતર્ગત ઘણા ભીડવાળા રૂટ્સ પર ડબલ-ડેકર શરૂ કરવામાં આવી છે. આ કપરા સમયે સમજાવ્યું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે તો સિંગલ ડેકર બસો કરતાં ડબલ-ડેકર બસોમાં વધુ પૅસેન્જરોની અવરજવર સંભવ બની શકે છે. કદાચ આ જ કારણસર જે ડચકાં ખાતી ડબલ-ડેકરના આખરી દિવસો ગણાઈ રહ્યા હતા એને નવો ઑક્સિજન મળ્યો છે. મુંબઈના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની ભાવના પણ એમાં ઘણે અંશે કારણભૂત હશે.
ડબલ-ડેકર બહુ ઓછા દેશોમાં ફેમસ બની છે અને એમાંય લાલ પરીનો દબદબો તો માત્ર લંડન અને મુંબઈમાં જ રહ્યો છે ત્યારે આ ધરોહરને જાળવી રાખવી જરૂરી બને છે. કેટલાય દેશોમાં ભલે ડબલ-ડેકર ટ્રાન્સપોર્ટનું માધ્યમ ન રહ્યું હોવા છતાં એના કલ્ચરને જાળવી રાખવા માટે જાતજાતનાં ગતકડાં થઈ રહ્યાં છે. ડબલ-ડેકરના ઇતિહાસને લગતી કેટલીક રોચક વાતો, એના અવનવા ઉપયોગો અને એને ટકાવી રાખવા માટે વિશ્વભરમાં થઈ રહેલાં ગતકડાંઓની દુનિયામાં એક લટાર મારી લઈએ.
પહેલી ડબલ-ડેકર ઘોડાગાડીવાળી
મુંબઈમાં જ નહીં, વિશ્વમાં પહેલી ડબલ-ડેકર ઘોડાગાડીવાળી હતી. ઘોડાગાડીના પાછળના કૅરિયરમાં ડબલ ડેક્સ બેસાડવામાં આવેલા અને એમાં ઉપરનો ડેક ખુલ્લો રહેતો જેને ડબલ-ડેકર કહેવામાં આવી. બૉમ્બેમાં આ ડબલ-ડેકર બ્રિટિશરો દ્વારા લાવવામાં આવી, પરંતુ હકીકતમાં આ કન્સેપ્ટનો જન્મ તો પૅરિસમાં થયેલો. ફ્રેન્ચ બિઝનેસમૅન સ્ટેનિસ્લેસ બાઉડ્રીએ ૧૮૨૮ની સાલમાં ઘોડાગાડીને ડબલ-ડેકરમાં તબદિલ કરી હતી. આ સર્વિસ ટૂંક સમયમાં જ સ્થાનિકોમાં બહુ લોકપ્રિય બની ગઈ. એમાંથી પ્રેરણા લઈને લંડનના જ્યૉર્જ શિલિબિયરે અદ્દલ આવી જ ડબલ-ડેકર ૧૮૨૯માં શરૂ કરી હતી. આવી ગાડીઓ કોઈ પણ માલેતુજાર પોતાના માટે બનાવી શકતું અને એમાં એક સમયે લગભગ બાવીસ લોકો સાથે સવારી કરી શકતા.
એન્જિનથી ચાલતી બસ ૧૯૨૩માં‍
પહેલી એન્જિનથી ચાલતી ડબલ-ડેકર બસ છેક વર્લ્ડ વૉર ફર્સ્ટ પછી ૧૯૨૩માં શરૂ થઈ. ઘણી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ડબલ-ડેકર માર્કેટમાં મૂકવામાં આવેલી, પરંતુ લંડન જનરલ ઓમ્નીબસ કંપનીએ પહેલી વાર એને લાલચટાક રંગ આપ્યો અને એ હિટ થઈ ગયો. લંડનમાં ડબલ-ડેકર અને ઓમ્નીબસ એકબીજાનાં પૂરક બની ગયાં. મુંબઈમાં આ ડબલ-ડેકરનો પ્રવેશ થયો ૧૯૩૭ના ડિસેમ્બર મહિનામાં.



ભારતની પહેલી ડબલ-ડેકર મુંબઈમાં કે ત્રિવેન્દ્રમમાં?
જેમ રસગુલ્લા બંગાળના કહેવાય કે આસામના? એવી લડાઈ દાયકાઓથી ચાલી આવે છે એવું જ કંઈક ડબલ-ડેકરની બાબતમાં પણ મુંબઈ અને ત્રિવેન્દ્રમ દ્વારા સરખી દાવેદારી કરવામાં આવે છે. અલબત્ત, બ્રિટિશરોને કારણે મુંબઈમાં પહેલી ડબલ-ડેકર ૧૯૩૭ના ડિસેમ્બર મહિનામાં આવી હોવાની પાકી નોંધ મળે છે, જ્યારે ત્રિવેન્દ્રમમાં પહેલી ડબલ-ડેકરના પુરાવા ૧૯૩૮ની સાલના શરૂઆતના મહિનાઓના જોવા મળે છે.
ત્રિવેન્દ્રમના એ વખતના રાજા ચિથિરા તિરુમલ બલરામ વર્માને પબ્લિક ટ્રાન્સપોર્ટની સિકલ બદલવાની હોવાથી તેમણે લંડન પૅસેન્જર ટ્રાન્સપોર્ટ બોર્ડમાં કામ કરતા ઇંગ્લિશમૅન ઇ. જી. સેલ્ટરની નિમણૂક કરી. આ અંગ્રેજભાઈએ લંડનની જ ડબલ-ડેકરમાંથી પ્રેરણા લઈને લાકડાના બૉડીવાળી ઇમ્પોર્ટેડ એન્જિન અને ડબલ-ડેકરની ચેસીવાળી નવી ડબલ-ડેકર બનાવી. આ બસ ૧૯૩૮ની ૨૦ ફેબ્રુઆરીએ રાજાએ ખુદ સવારી કરીને લૉન્ચ કરી હતી. બૉમ્બેમાં શરૂ થયેલી ડબલ-ડેકર લંડનથી આયાત થયેલી હતી, જ્યારે ત્રિવેન્દ્રમની ડબલ-ડેકર લંડનમાંથી પ્રેરણા પામીને બનેલું મૉડિફાઇડ વર્ઝન હતી.
પહેલી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર આવી ગઈ છે સ્કૉટલૅન્ડમાં
પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વાહનો દ્વારા પણ ઓછામાં ઓછું પૉલ્યુશન થાય એના ભાગરૂપે ગ્રીન વેહિકલ્સને પ્રમોટ કરવામાં આવે છે. આ જ ઝુંબેશના ભાગરૂપે સ્કૉટલૅન્ડના એબર્ડીનમાં તાજેતરમાં હાઇડ્રોજન પાવર્ડ વિશ્વની સૌપ્રથમ ઇલેક્ટ્રિક ડબલ-ડેકર લૉન્ચ કરવામાં આવી છે. આ ઝીરો એમિશન બસ હોવાનું કહેવાય છે અને એટલે એ ઇકો અથવા તો ગ્રીન બસ તરીકે પણ પ્રમોટ થઈ રહી છે.


કેરળ ટ્રાન્સપોર્ટ વિભાગે કમર કસી છે ડબલ-ડેકરને બચાવવાની
કેએસઆરટીસી એટલે કે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને તાજેતરમાં ડબલ-ડેકર બસને રિવાઇવ કરવા માટે અને ડબલ-ડેકર બસમાંથી આવક મેળવવા માટે બસો ભાડે આપવાનું શરૂ કર્યું છે. હાલમાં આ રેન્ટલ સર્વિસ મોટા ભાગે વેડિંગ, પ્રી-વેડિંગ ફોટોશૂટ કે સિમ્બૉલિક વેડિંગ ટૂર સુધી જ સીમિત છે. ૪૦૦૦ રૂપિયામાં ૮ કલાક માટે તમને ડબલ-ડેકર મળી શકે. આ સમય દરમ્યાન ૫૦ કિલોમીટરનું ટ્રાવેલિંગ ફ્રી થાય. જો નિયત ડિસ્ટન્સ કરતાં વધુ લાંબો આંટો મારી આવ્યા હો તો વધારાનાં કિલોમીટર દીઠ તમારે રૂપિયા ચૂકવવાના રહે. નવાઈની વાત એ છે કે કેરળના રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા બહાર પડેલી આ ઑફરને લોકોએ જબરી વધાવી લીધી છે. ગયા મહિને જ પહેલું વેડિંગ ફોટોશૂટ થયું અને એ પછી તો લગભગ નિયમિતપણે ડબલ-ડેકરની રેન્ટલ સર્વિસનો લોકો ઉપયોગ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ વિભાગને એમાંથી આવક પણ થાય છે. આવી તો ટૂરિઝમની પણ ઘણી ઑફરો બહાર પાડવામાં આવી છે.
હવે સવાલ એ થાય કે આટલી નાની રકમથી રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગને શું ફાયદો થાય? યસ, નાણાકીય ખાધની વાત કરીએ તો કોઈ ફાયદો ન થાય, પણ જેમ મુંબઈની શાન લાલ ડબલ-ડેકર છે એવું જ કેરળના ત્રિવેન્દ્રમ સૉરી, હવેના તિરુવનંતપુરમનું છે. જેમ આપણે માનીએ છીએ કે ઇન્ડિયામાં ડબલ-ડેકરનું પહેલું ડગ મુંબઈમાં મંડાયેલું, એમ કેરળનું ત્રિવન્દ્રમ પોતે આ કામમાં પ્રથમ હોવાનો દાવો કરે છે. લાલ બૉડી અને સફેદ છતવાળી ડબલ-ડેકરને કેરળ પોતાની સાંસ્કૃતિક ધરોહર માને છે અને એટલે આ હેરિટેજનું અસ્તિત્વ એમ જ ભુંસાઈ ન જાય એ માટે જબરદસ્ત પ્રયત્નશીલ છે.

આ નવ મિત્રો ડબલ-ડેકરમાં દુનિયા ફરી આવેલા
ઇંગ્લૅન્ડના ટિચફીલ્ડ નામના નાનકડા ગામમાં રહેતા અને ‘ધ ડિયર્સ હટ’ નામના પબમાં કામ કરતા ૯ યુવાનોએ ૧૯૬૯માં અરાઉન્ડ ધ વર્લ્ડ ટૂર એક બસમાં કરવાનું સાહસ ખેડેલું. વાત એમ હતી કે પબમાં મ્યુઝિક પીરસતા કેટલાક અલ્લડ અને અલગારી મિજાજ ધરાવતા આ યુવાનોને તેના પબના માલિક બેર્ટ ઓરામે ચૅલેન્જ આપેલી કે તમે બસ લઈને વિશ્વભ્રમણ કરી જ ન શકો. આ ચૅલેન્જનાં ઘણાં કારણો હતાં. એક તો બસ તેમની પાસે નહોતી. દુનિયાનું ભ્રમણ કરવા જેટલા પૈસા પણ તેમની પાસે નહોતા એમ છતાં ૯ જુવાનિયાઓએ આ પડકાર ઉપાડી લીધો અને એ પડકાર પૂરો પણ કર્યો. ૯માંથી ૧ એવા રિચર્ડ કિંગ નામના જુવાને તો આ પડકાર પર એક આખું પુસ્તક પણ લખ્યું છે. ૧૯૬૯ની સાલમાં આ જુવાનિયાઓએ ૧૦૦ પાઉન્ડમાં લેલૅન્ડ ૧૯૪૯ની બસ ખરીદી અને બસ લઈને નીકળી પડ્યા. યુરોપના દેશોમાં ફરીને ટર્કી, ઈરાન, અફઘાનિસ્તાનના ખૈબર ઘાટ થઈને પાકિસ્તાન અને ઇન્ડિયા પણ આવ્યા. જોકે તેઓ તેહરાન પહોંચ્યા ત્યાં સુધીમાં તમામનાં ખિસ્સાંમાં બચેલી પાઈએ પાઈ ખર્ચાઈ ગઈ. એટલે પૈસા કમાવા માટે તેમણે જ્યાં જાય ત્યાં મ્યુઝિકના જલસા કરવાનું શરૂ કરી દીધું અને એમ કરતાં-કરતાં તેમને ‘બસ ઑન ધ બૅન્ડ’ના નામે ખ્યાતિ મળવા લાગી. પૂરાં બે વર્ષ અને દસ ‌મહિના બાદ લગભગ ૭ લાખ માઇલની સફર પૂરી કરીને આ ટોળકી પાછી તેમના ગામ લિપહૂક એ જ બસમાં પહોંચી અને તેમને હીરો જેવા આદર-સત્કાર મળ્યા.
ડબલ-ડેકર બસમાં વિશ્વભ્રમણ કરવાનું આવું સાહસ બીજા કોઈએ હજી સુધી કર્યું નથી. 

મુંબઈમાં આવનારી નવી ૧૦૦ અપગ્રેડેડ ડબલ-ડેકર કેવી હશે?
૦ આ બસની કૅપેસિટી લગભગ ૭૦ પૅસેન્જર્સની હશે.
૦ પૉલ્યુશન કન્ટ્રોલ માટે એનું એન્જિન બીએસ-6 ગ્રેડનું ઑટોમૅટેડ મૅન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવતું હશે.
૦ એમાં બે ડોર હશે. એક ફ્રન્ટમાં અને બીજું પાછળ. આગળ અને પાછળ બન્ને જગ્યાએથી ઉપરના ડેક પર જવા-આવવા માટેના દાદરા હશે. આ સવલતને કારણે ચડનારા પૅસેન્જર અને ઊતરનારા પૅસેન્જરનો ટ્રાફિક કન્ટ્રોલ કરવામાં ઓછો સમય લાગશે. હાલમાં ડબલ-ડેકરમાં માણસોને ચડવા-ઊતરવા માટે લાંબા સમયનો હોલ્ડ આપવો પડે છે.
૦ ઇમર્જન્સી એક્ઝિટ ડોર બૅકસાઇડમાં હશે જ્યાં સીસીટીવી કૅમેરા પણ લાગેલા હશે.
૦ ઇલેક્ટ્રૉનિક બસમાં હોલ્ટ ડેસ્ટિનેશન બોર્ડ તેમ જ ઇન્ટર-કમ્યુનિકેશન સિસ્ટમ લાગેલી હશે જે બસ-ડ્રાઇવર અને કન્ડક્ટર વચ્ચેનું કમ્યુનિકેશન માટે ઉપયોગી બનશે. 


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2020 08:39 PM IST | Mumbai | Bhakti D. Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK