Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ આગને બુઝાવા દેશો નહીં

એ આગને બુઝાવા દેશો નહીં

17 July, 2022 08:23 AM IST | Mumbai
Kana Bantwa

દુનિયાથી ઉફરા ચાલવાની, નવી કેડી કંડારવાની, ભીડમાં નહીં ભળવાની આગ તમારામાં હજી પ્રદીપ્ત છે?

એ આગને બુઝાવા દેશો નહીં Come On જિંદગી!

એ આગને બુઝાવા દેશો નહીં


એક કંપનીમાં મહત્ત્વના એક પદ માટે કર્મચારીઓમાંથી એકની પસંદગી કરવાની હતી. કંપનીના ચૅરમૅન પાસે ઘણા કર્મચારીઓની ઉમેદવારી આ પોસ્ટ માટે આવી. દરેક કર્મચારીની જૉબ પ્રોફાઇલ, તેની કામ કરવાની રીત, તેનું સાથી કર્મચારીઓ સાથેનું વર્તન, તેણે મેળવેલી સિદ્ધિઓ, તેનું કૌશલ્ય, તેની પસંદગી, તેના ગમા-અણગમા વગેરે બાબતોનું પૃથક્કરણ કરીને માત્ર બે જ સૌથી યોગ્ય કર્મચારીઓનાં નામ પોતાની પાસે લાવવાની સૂચના ચૅરમૅને પસંદગી સમિતિને આપી. લાંબા ઇન્ટરવ્યુ અને દિવસોની મહેનત પછી પસંદગી સમિતિએ બે કર્મચારીઓનાં નામ ચૅરમૅનને આપ્યાં. એક કર્મચારી આ પદથી બરાબર નીચેના પદ પર હતો. તેની પાસે આ પદના કામનો લાંબો અનુભવ હતો. તેણે કંપનીમાં અનેક અચીવમેન્ટ મેળવી હતી. નિષ્ઠાવાન કર્મચારી તરીકે તેની ખ્યાતિ હતી. પોતાની ટીમ પાસેથી કામ લેવાની તેની આવડત પણ વખાણવાલાયક હતી. બીજો કર્મચારી આ પદ જે વિભાગનું હતું એનો નહોતો, પણ તેને મળતા આવતા કામના વિભાગમાં કામ કરતો હતો. તેને કંપનીમાં આવ્યાને હજી થોડો સમય જ થયો હતો. એમાં તેણે સારું કામ કર્યું હતું અને સિદ્ધિઓ મેળવી હતી. ચૅરમૅને નિર્ણય કરવાનો હતો કે કોને પદ આપવું? ચૅરમૅને બન્ને ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા. ઇન્ટરવ્યુ તો શું; સાથે બેસીને કૉફી પીધી, વાતો કરી. બન્નેના આ ઇન્ટરવ્યુ પછી ચૅરમૅને બીજા ઉમેદવારની પસંદગી કરી. ચૅરમૅનનો પુત્ર જે ધંધાનું કૌશલ્ય શીખી રહ્યો હતો તેણે પિતાને પૂછ્યું, ‘તમે આ જ ઉમેદવારની પસંદગી શા માટે કરી? બન્ને વચ્ચે પસંદગી કરવી ભલે મુશ્કેલ હતી, પરંતુ પ્રથમ નામ હતું એ ઉમેદવારની પ્રોફાઇલ વધુ મજબૂત હતી. તેને પસંદ ન કરવા પાછળનું કારણ મને સમજાવો.’ ચૅરમૅને કહ્યું, ‘બન્ને કર્મચારીઓના કામથી હું પહેલેથી માહિતગાર છું જ. બન્નેના ઇન્ટરવ્યુ કર્યા પછી નિર્ણય લેવામાં મને એક બાબતે મદદ કરી. પ્રથમ ઉમેદવાર વધુ લાયકાત ધરાવતો હતો, તેને કામની વધુ જાણકારી હતી એ સાચું; પણ જ્યારે મેં નવું કરવા બાબતે તેની સાથે વાત કરી ત્યારે મને લાગ્યું કે તેના મનમાં કશુંક અલગ કે નવું કરવા અંગે થોડો ડર, થોડો ખચકાટ છે. તેની અંદર જોખમ લેવાની આગ ધીમી પડવા માંડી હોય એવું મને લાગ્યું. એ કર્મચારી જ્યારે કંપનીમાં આવ્યો ત્યારે તેનામાં આ આગ પ્રજ્વલિત હતી. બીજા કર્મચારીમાં મને એ અહેસાસ થયો કે તેનામાં જોખમ લેવાની, નવું કરવાની જે આગ તે કંપનીમાં આવ્યો ત્યારે હતી એટલી જ છે, ઊલટી થોડી વધી છે. તે કમ્ફર્ટ ઝોનની કેદમાં પુરાયો નથી, હજી મુક્ત છે એટલે મેં તેને પસંદ કર્યો છે.’
અન્ય કોઈ આવી રીતે ક્ષમતાને જજ કરી આપે એ પહેલાં માણસે પોતે પોતાની અંદર નજર કરી લેવી જોઈએ કે એ અલગ કરવાની, દુનિયાથી નોખા પડીને કશુંક અનોખું કરવાની, જગતના રંગે નહીં રંગાઈ જવાની જીદની, ટોળામાં નહીં ભળી જવાની મક્કમતાની, નવું કરીને પોતાના જીવનની રંગોળી પોતે જ પૂરવાની જે આગ હતી એ બુઝાઈ ગઈ છે, ધીમી પડી ગઈ છે કે હજી એટલી જ પ્રદીપ્ત છે? વધુ તેજ થઈ છે? ઉંમરની સાથે માણસ ઠંડો પડવા માંડે છે. તે જોખમને બદલે સલામતીની છત્રી વધુ પસંદ કરે છે અને આવું કરવાને, આવું થવાને સ્થિરતાના નામે, ડહાપણના નામે, શાણપણના નામે, સંતોષના નામે, વ્યવહારપણાના નામે છુપાવવામાં આવે છે, બુઝાઈ ગયેલી આગને જસ્ટિફાઈ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. એ સ્વીકારી શકાતું નથી કે હવે જોખમ લેવાની હિંમત નથી રહી, એ સ્વીકારી શકાતું નથી કે હવે ડર લાગે છે જોખમ ઉઠાવતાં, એ સ્વીકારી શકાતું નથી કે નવું કરવાનો વિચાર આવતાં જ ભય પેદા થાય છે કે જો નિષ્ફળ જઈશ તો મારી આબરૂ જશે. આ કમ્ફર્ટ ઝોનથી થોડું અલગ છે. ખિસ્સામાં એક ફદિયું પણ ન હોવા છતાં કારોબાર કરવાની જે હામ જીવનની શરૂઆતમાં હતી એ તગડા બૅન્ક-બૅલૅન્સ પછી રહેતી નથી. ત્યારે ડર લાગે છે કે કમાણી અટકી જશે તો? ઘટી જશે તો? એટલે સંતોષ કે શાણપણના અંચળા હેઠળ એ ભયને ઢાંકી દેવાની કોશિશ થાય છે. કયારેક કોઈ વળી ધાર્મિક વૃત્તિની વાત આડે ધરે છે. કોઈ કહે છે કે સાથે શું લઈ જવાના છીએ તે હાયવોય કરીએ? આ બધાં જ છળ છે. જોખમ લીધા વગર કશું મળી જતું હોય ત્યારે કોઈને સંતોષ યાદ આવતો નથી. નવું કર્યા વગર જો ફાયદો થઈ જતો હોય તો કોઈ ફિલૉસૉફીની વાત કરતું નથી. આવી સંતોષની રેકૉર્ડ વગાડનારને જો કહેવામાં આવે કે તમારા પરિવારની પૈતૃક સંપતિમાંથી ભાગ ઉઠાવી લો તો એવું નહીં કરે. કોર્ટમાં જઈને પણ તે પોતાનો ભાગ લેશે જ.
કેમ માણસનું મન આવું ડરપોક થઈ જાય છે? કેમ જે માણસ અગાઉ નવું કરતો હતો, ઇનોવેટિવ કરતો હતો, જોખમ ઉઠાવતો હતો એ આગ બુઝાઈ જાય છે? કેમ તેનું મન ભાગેડુ બની જાય છે? આવું થવા પાછળ ઘણાં પરિબળો કામ કરે છે. કમ્ફર્ટ ઝોન, નિષ્ફળતાનો ડર, પોતાની મર્યાદા જાહેર થઈ જવાનો ડર વગેરે દેખીતાં કારણો છે; અંદરનાં કારણો અલગ છે. જેમ-જેમ માણસનો અનુભવ વધતો જાય તેમ-તેમ તેની નવું કરવાની ક્ષમતા ઘટતી જાય એનું કારણ તેનું મન છે. માણસનું મન પોતાના અનુભવોનું પૃથક્કરણ કરીને તારણો આપતું મશીન છે. જ્યારે અનુભવ નહીંવત્ હોય કે ઓછો હોય ત્યારે જોખમોનો પરિચય પણ ઓછો હોય. ત્યારે જેટલા અનુભવ હોય એમાં પૉઝિટિવ અનુભવોની સંખ્યા ઘણી હોય છે. જેમ-જેમ જીવનની થપાટો લાગતી જાય તેમ-તેમ નેગેટિવ અનુભવો પણ વધવા માંડે. મન પણ પૉઝિટિવ બાબતો કરતાં નેગેટિવ બાબતોને વધુ યાદ રાખે છે. મનનું સેટિંગ જ એવું છે કે એ નેગેટિવને વધુ પ્રાધાન્ય આપે. આનું કારણ એ છે કે નેગેટિવ બાબતો જોખમી હોય છે અને મનનું પ્રાથમિક કામ જોખમોથી બચતા રહેવાનું છે. આ મનનું આદિમ સેટિંગ છે, હજારો વર્ષના અનુભવોથી બનેલું સેટિંગ છે. એટલે જેમ-જેમ માણસ અનુભવી થતો જાય તેમ વધુ ને વધુ સલામતી શોધતો થઈ જાય.
જેણે આ સ્પર્ધાત્મક જગતમાં આગળ વધતા રહેવું છે, સફળ થવું છે, સફળ રહેવું છે તેણે પોતાની જાતે ઑડિટ કરતા રહેવું જોઈએ કે મેં નવું કરવાનું, કોઈ કામ પહેલી વખત કરવાનું ક્યારથી બંધ કરી દીધું છે? તમે આ ઑડિટ કરશો તો સમજાશે કે તમારું મન નાહક ગભરાય છે અને તમને પણ ખોટા જ બીવડાવે છે. મનની પ્રવૃત્તિને માત્ર જોવાથી જ, નિરીક્ષણ કરવાથી જ મન સીધું ચાલવા માંડે છે. પણ મન તમને આવું કરવા દેશે ખરું? એ તો અનેક પ્રકારે વિરોધ કરશે, અનેક રીતે તમને અટકાવશે. જ્યારે ઓછા અનુભવો હોય, મનનો ઘડો ખાલી હોય ત્યારે એ અનુભવોનું ભાથું બાંધી લેવા તત્પર હોય છે. ત્યારે એને જાણી લેવું હોય છે, અનુભવી લેવું હોય છે. એ નવું-નવું કરવા માટે પ્રોત્સાહિત કરતું રહે છે. અનુભવી મન હંમેશાં ઘરેડમાં રહેવાનું પસંદ કરે છે. જેમ-જેમ મનના અનુભવો વધતા જાય તેમ-તેમ એ નવું કરવાથી દૂર ભાગતું થઈ જાય છે. દરેક સફળ માણસ નવું કરવા બાબતે પોતાની જાતનું ઑડિટ કરતો રહે છે અને જ્યાં સુધી આ ઑડિટ ચાલુ રહે ત્યાં સુધી તે માણસ નવાં સાહસો કરતો રહે છે, ત્યાં સુધી જ તે નવી સફળતાઓ મેળવતો રહે છે.

કોઈ કહે છે કે સાથે શું લઈ જવાના છીએ તે હાયવોય કરીએ? આ બધાં જ છળ છે. જોખમ લીધા વગર કશું મળી જતું હોય ત્યારે કોઈને સંતોષ યાદ આવતો નથી. નવું કર્યા વગર જો ફાયદો થઈ જતો હોય તો કોઈ ફિલૉસૉફીની વાત કરતું નથી. આવી સંતોષની રેકૉર્ડ વગાડનારને જો કહેવામાં આવે કે તમારા પરિવારની પૈતૃક સંપત્તિમાંથી ભાગ ઉઠાવી લો તો એવું નહીં કરે


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2022 08:23 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK