તમારા મનના મહેલમાં માત્ર તમારું જ સિંહાસન હોવું જોઈએ અને ત્યાં તમારી આજુબાજુ તમને ગમતી વ્યક્તિઓ, તમને ગમતી ઘટનાઓ, તમને ગમતા અનુભવો જ હોવાં જોઈએ

પ્રતીકાત્મક તસવીર
તમારી શાંતિની લગામ તેના હાથમાં ત્યારે જ આવે છે જ્યારે તમે પોતે સામે ચાલીને તેના હાથમાં પકડાવી દો છો, તમે તમારી માનસિક સ્વસ્થતા તેના હવાલે કરી દો છો. આનો અર્થ એ થયો કે તે વ્યક્તિ, તે ઘટના, તે અનુભવ તમારા માટે પોતાની જાત કરતાં પણ મહત્ત્વનાં થઈ ગયાં છે. શાંતિથી વિચારો, તેઓ બધાં એટલું મહત્ત્વ આપવા જેવાં છે ખરાં?
એક સાધુ પાસે એક યુવાન આવ્યો અને પોતાની ગરીબી વર્ણવી. સાધુને દયા આવી. તેણે તેને પોતાના આશ્રમમાં પોતાના પટ્ટશિષ્ય સાથે રાખ્યો, તેને થોડું વાંચતાં-લખતાં શીખવ્યું, આશ્રમની દાનપેટીમાંથી તેને થોડું ધન આપ્યું અને પોતાના શિષ્ય એવા એક શેઠને કહીને ધંધો ગોઠવી આપ્યો. ધંધામાં જરૂર પડે એટલે તે યુવાન આવીને સાધુ પાસે ગળગળો થઈ જાય, તેમના પગમાં પડીને પૈસા માગે. સાધુ દયાથી પ્રેરાઈને આપી દે. ધીમે-ધીમે તે યુવાનનો ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો. તે ખૂબ પૈસા કમાયો. હવે તે સાધુના આશ્રમમાં નહોતો જતો.
એક દિવસ સાધુનો પટ્ટશિષ્ય તે યુવાનની વિશાળ દુકાન પર ગયો અને જણાવ્યું કે આશ્રમને પૈસાની જરૂર છે. પેલા યુવાને પૈસા આપવા નહોતા અને હવે સાધુ કે આશ્રમની મદદની કોઈ જરૂર રહી નહોતી એટલે તેણે પટ્ટશિષ્યને હડધૂત કરીને કાઢી મૂક્યો. આશ્રમ પર આવીને પટ્ટશિષ્યએ સાધુને ફરિયાદ કરી એટલે સાધુ પોતે તે યુવાનને સમજાવવા ગયા. યુવાને સાધુને પણ ગાળો ભાંડી. સાધુ શાંત રહ્યા એટલે વધુ ઉશ્કેરાઈને તેણે સાધુ પર હુમલો કરી દીધો. ગામના સત્સંગીઓએ વચ્ચે પડીને માંડ-માંડ સાધુને બચાવ્યા. છતાં થોડી ઈજા તો થઈ જ. આશ્રમમાં આવીને સાધુ તો જાણે કશું જ બન્યું ન હોય એમ પોતાની મસ્તીમાં લીન થઈ ગયા. જોકે તેમના સૌથી પ્રિય શિષ્યનું ચેન હરાઈ ગયું. પેલા યુવાને કરેલા અપમાનની જ્યારે પણ યાદ આવે ત્યારે તે શિષ્ય ગુસ્સામાં તમતમી ઊઠતો. તેનાં રૂંવાડાં ક્રોધથી ઊભાં જ થઈ જતાં. તેની ઊંઘ હરામ થઈ ગઈ. કોઈના મોંથી તે યુવાનનો ઉલ્લેખ સુધ્ધાં થાય એટલે તે શિષ્ય મગજ પરનો કાબૂ ગુમાવી દે અને આક્રમક થઈ જાય. તે સતત બેચેન અને વિક્ષિપ્ત રહેવા માંડ્યો. અન્ય શિષ્યોએ સાધુને જાણ કરી કે પટ્ટશિષ્યની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સાધુએ તે શિષ્યને બોલાવ્યો અને પૂછ્યું, ‘કેમ આવું થાય છે?’ શિષ્યએ દુ:ખી સ્વરે ઉત્તર આપ્યો, ‘પેલી ઘટના મારા મનમાંથી જતી નથી. ગામમાં આપણે કેવા બેઆબરૂ થયા. લોકોની નજર સામે તે માણસે તમને માર માર્યો, ગાળો આપી. આપણને એ દુષ્ટે કેવા દુ:ખી કર્યા. તેના પર આપે કરેલા ઉપકારનો બદલો આ રીતે અપકારથી આપ્યો. જો કોઈ અજાણ્યાએ આવું કર્યું હોત તો મને આટલું માઠું ન લાગ્યું હોત, પણ આ તો સાવ નગુણો નીકળ્યો. આપણે દૂધ પાઈને સાપ ઉછેર્યો. તે આવું કરશે એ તો સ્વપ્નેય ધાર્યું નહોતું.’
સાધુ શિષ્યની સ્થિતિને સમજી ગયા. તેમણે શિષ્યને પૂછ્યું, ‘જ્યારે પણ તને તે યુવાન યાદ આવશે ત્યારે તું આમ જ દુ:ખી થઈશ, ઉશ્કેરાઈ જઈશ. એનાથી તે માણસને કશું નુકસાન થવાનું છે?’
શિષ્યએ ઉત્તર આપ્યો, ‘ના, તેને તો શું નુકસાન થાય.’
‘તે દુ:ખી થવાનો છે?’
‘તે તો દુ:ખી થાય એવો જ ક્યાં છે? બીજાને દુ:ખી કરે એવો છે.’
સાધુએ પૂછ્યું, તે માણસ અત્યારે અહીં છે? નથીને? છતાં તે દૂર રહીને તને દુ:ખી કરી રહ્યો છે. વાસ્તવમાં તે તને દુ:ખી કરી રહ્યો નથી. તે તો તને ભૂલી પણ ગયો હશે. તેં એ અપમાન, એ પીડાને પકડી રાખ્યાં છે એટલે તું દુ:ખી થાય છે. એક જ ઘટના તને વારંવાર દુઃખી કરે છે. તેં તારા મનમાં એને જગ્યા આપી છે જ્યાં રહીને તે તને પીડા આપે છે. તેને એ ભાડાની જગ્યામાંથી હાંકી કાઢ, તને શાંતિ થઈ જશે.’
પીડા નાસૂર બનવી ન જોઈએ
મારા એક પ્રિય દોસ્તની સ્થિતિ પણ આવી જ છે. જિંદગીભર તેણે બીજાઓ માટે ઘણું કર્યું. પોતાની જાત ઘસી નાખી. પોતાની સગવડ અને સુવિધાની પરવા કર્યા વગર અન્યને સાચવ્યા. એમાંના કોઈએ તેનો ઉપકાર યાદ રાખ્યો નથી. એ બધાનો વ્યવહાર પણ આ મિત્ર તરફ સારો નહીં. બધા પોતપોતાની જિંદગીમાં સેટ થઈ ગયા અને આ મિત્રને ભૂલી ગયા. નાના-મોટા પ્રસંગે પણ યાદ ન કરે. આ મિત્ર એનાથી દુ:ખી રહે. એ તમામ લોકો તેના માટે નાસૂર જેવા બની ગયા. જરા યાદ આવે કે તરત જ પીડાનો ઊભરો આવે. આ સ્થિતિ મિત્રના મન પર પણ અસર કરવા માંડી. તેને ઍન્ગ્ઝાઇટીના હુમલા આવવા માંડ્યા. એમાંના એક પણનો ઉલ્લેખ થાય એટલે ગુસ્સો આવે, મગજ ગરમ થઈ જાય, શરીર તણાઈ જાય, ચિત્ત ભમવા માંડે. માનસિક અસરો કરતાં શારીરિક અસરો વધુ ખરાબ રીતે બહાર આવે.
સુખની ચાવી પોતાના હાથમાં
તે મિત્રની પીડા માટે એ બધા માણસો જવાબદાર છે જે તેના ઉપકારો ભૂલી ગયા છે, જેમણે તેના ઉપકારોનો બદલો વાળવાને બદલે નુકસાન કર્યું છે. જોકે તે દોસ્તને સમજાતું નથી કે પેલા નઠારાઓ નહીં, તે પોતે જ પોતાને દુ:ખી કરી રહ્યો છે. પેલા સાધુએ કહ્યું એ મુજબ નગુણાઓ તો પોતાની જિંદગી મોજથી જીવી રહ્યા છે, તેઓ દુ:ખી નથી. આ મિત્ર પોતાની જાતને પીડા આપે છે અને એમ કરવામાં પેલા લોકોને કોઈ નુકસાન થતું નથી. તેણે એ ઘટનાઓને, એ લોકોને પોતાના મનમાં સાચવીને રાખ્યાં છે. કોઈ પણ વ્યક્તિ કે ઘટના કે અનુભવને તમારા મનમાં આવીને અડ્ડો જમાવવાની છૂટ ન હોવી જોઈએ. કોઈને અધિકાર નથી તમારી શાંતિ અને સ્વસ્થતાની લગામ પોતાના હાથમાં લેવાનો. તમારી શાંતિની લગામ તેના હાથમાં ત્યારે જ આવે છે જ્યારે તમે પોતે સામે ચાલીને તેના હાથમાં પકડાવી દો છો, તમે તમારી માનસિક સ્વસ્થતા તેના હવાલે કરી દો છો. આનો અર્થ એ થયો કે એ વ્યક્તિ, એ ઘટના, એ અનુભવ તમારા માટે પોતાની જાત કરતાં પણ મહત્ત્વનાં થઈ ગયાં છે. શાંતિથી વિચારો કે તેઓ બધાં એટલું મહત્ત્વ આપવા જેવાં છે ખરાં? તમે તેમનાં કૃત્યોને યાદ કરીને દુ:ખી થતા રહેશો ત્યાં સુધી એનું મહત્ત્વ રહેશે. આવું કરવાથી તેમને કશું જ નુકસાન નથી. સંપૂર્ણ નુકસાન તમને પોતાને જ છે.
તમને પીડા આપનાર ઘટનાને, અનુભવને પાળી ન રાખો. ગલીમાં રખડતા દરેક કૂતરાને તમે ઘરમાં સ્થાન નથી આપતા એ જ રીતે આ ઘટનાઓને પણ સ્થાન ન આપો. પીડા માટે કારણભૂત તમામ બાબતોને છોડી દો. શરૂઆતમાં તમને થશે કે આ ગુનેગારોને શા માટે છોડી દઉં? તેમને સજા મળવી જ જોઈએ. પણ જરા અંદર જુઓ. સજા તમે તેમને નહીં, તમને પોતાને આપો છો. એટલે છોડી દો તેમને. મુક્ત થઈ જાઓ તેમનાથી. વાસ્તવમાં તમે એ બધાને છોડી રહ્યા નથી, તમે તેમનાથી મુક્ત થઈ રહ્યા છો.
મનમાં સ્વર્ગ વસાવવું તમારા હાથમાં
છોડી દો એવી વ્યક્તિને, ઘટનાને, અનુભવને જેઓ તમારી શાંતિમાં પલીતો ચાંપતાં હોય. છોડી દો. આગળ વધી જાઓ. એ વ્યક્તિ મળે ત્યારે તમને જે યોગ્ય લાગે એ કહી દેજો, તમને જે યોગ્ય લાગે એ વર્તન કરજો; પણ તેની ગેરહાજરીમાં તેનું ભૂત તમને નડવું જોઈએ નહીં. તે હાજર ન હોય ત્યારે તેનાથી મુક્ત રહો, મસ્ત રહો. એ બધાને ખંખેરી નાખો. પેલા દોસ્તને પણ એ જ સલાહ છે કે છોડી દો એ તમામને. તમારા મનના મહેલમાં માત્ર તમારું જ સિંહાસન હોવું જોઈએ અને ત્યાં તમારી આજુબાજુ તમને ગમતી વ્યક્તિઓ, તમને ગમતી ઘટનાઓ, તમને ગમતા અનુભવો જ હોવાં જોઈએ. તમારા મનને બગીચો બનાવવો કે ઉકરડો એ તમારે નક્કી કરવાનું છે. તમારા મનને સ્વર્ગ બનાવવાનું છે કે નરક એ તમારા હાથમાં છે. તમે ગમતા લોકોને તમારા મનોરાજ્યમાં વસાવશો તો એ સ્વર્ગ બનશે. તમને દુ:ખી કરતા લોકોને એમાં ઘૂસવા દેશો તો એ નરક બનશે. એ લોકો તમને તમારા મનના મહેલમાં પણ શાંતિથી રહેવા દેશે નહીં. તેમને ત્યાં પ્રવેશ જ ન આપો. અત્યાર સુધીમાં જેટલા અણગમતાને પ્રવેશવા દીધા હોય તેમને હાથ ઝાલીને હાંકી કાઢો. જરૂર પડ્યે લાત મારીને કાઢી મૂકો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)