Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમે હંમેશાં કહો છો, યસ બૉસ...

શું તમે હંમેશાં કહો છો, યસ બૉસ...

23 May, 2022 07:29 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કોઈ પણ નોકરિયાતની ઇચ્છા હોય છે કે તેના બૉસ કે તેના કલીગ તેનાથી ખુશ રહે. તેમને ખુશ રાખવા માટે અને તેમના મુજબ વર્તવા માટે દરેક વ્યક્તિ કેટલાક અંશે હામાં હા મેળવતી જ હોય છે

શું તમે હંમેશાં કહો છો, યસ બૉસ...

વર્ક કલ્ચર

શું તમે હંમેશાં કહો છો, યસ બૉસ...


કોઈ પણ નોકરિયાતની ઇચ્છા હોય છે કે તેના બૉસ કે તેના કલીગ તેનાથી ખુશ રહે. તેમને ખુશ રાખવા માટે અને તેમના મુજબ વર્તવા માટે દરેક વ્યક્તિ કેટલાક અંશે હામાં હા મેળવતી જ હોય છે. પરંતુ જ્યારે લોકોને ખુશ રાખવામાં તમે એટલા તલ્લીન થઈ જાઓ કે જાતને ભૂલી જાઓ ત્યારે તકલીફ ઊભી થાય છે એટલું જ નહીં, જે કરીઅર માટે તમે આ કરી રહ્યા છો એમાં પણ ભારે નુકસાન થવાની શક્યતા રહે છે

અંગ્રેજીમાં એક ટર્મ છે પીપલ પ્લીઝર. લોકોને ખુશ કરવાવાળી વ્યક્તિ. આમ તો એ ખૂબ પૉઝિટિવ ટર્મ પણ હોઈ શકે છે, કારણ કે આજના યુગમાં જો આપણે કોઈ પણ વ્યક્તિને ખુશી આપી શકતા હોય તો એનાથી રૂડું શું? પણ આ ટર્મનો બહોળો અર્થ જોઈએ તો એ નકારાત્મક પણ છે. ઑફિસમાં ચાપલૂસ, હામાં હા મેળવવાવાળી વ્યક્તિઓ તો તમે જોઈ જ હશે. આ પ્રકારના લોકો પણ આ ટર્મમાં ફિટ થાય છે. સહજ વાત એ છે કે પોતાના ગ્રોથ માટે બૉસની હામાં હા મેળવવી જ પડે છે. એમાં કોઈ ઑપ્શન નથી એવું દરેક નોકરિયાતને ફીલ થાય છે. ઑફિસના પૉલિટિક્સમાં ન ઇચ્છવા છતાં એક બાજુએ ઢળવું જ પડે છે. એ બાબતે કંઈ કરી શકાતું નથી કે પછી સિનિયર હોય કે જુનિયર, કોઈ આપણી પાસે કામની અપેક્ષાએ આવે તો ઑફિસનો માહોલ સારો રહે અને લોકો તમારી સાથે કોઈ પૉલિટિક્સ ન કરે એ માટે પણ એમને મદદ કરવી જ પડે છે. એમાં ખોટું શું છે? આજે એ સમજવાનો પ્રયાસ કરીએ. 
સ્વભાવગત 
મહત્ત્વનો મુદ્દો એ છે કે પીપલ પ્લીઝર કહી શકાય એ કૅટેગરીમાં કોણ લોકો આવે છે? એક તો એવા લોકો જે સ્વભાવગત જ એવા હોય છે. એમનો સ્વભાવ જ એવો છે જે એની આજુબાજુના લોકોને હંમેશાં ખુશ રાખવામાં માનતા હોય. વગર કોઈ અપેક્ષાએ એ બસ, બીજાની મદદ જ કરવામાં લાગેલા હોય. કોઈ વ્યક્તિ પાસે કામ વધુ હોય તો એમનાથી જોવાય નહીં અને પોતે એની મદદે દોડી જાય. કે પછી પોતાની પાસે પણ અઢળક કામ હોય પણ કોઈ મદદ માગે તો પોતાનું કામ છોડીને પણ એની પાછળ લાગી જાય. આવા લોકો સામેવાળા પાસેથી કશું ઇચ્છતા નથી. બસ, સેલ્ફલેસ થઈને મદદે દોડ્યા કરે છે. જો તમે આ કૅટેગરીમાં હો તો તમને ભગવાનના માણસ તો કહી શકાય પરંતુ શું આ સ્વભાવને લીધે તમને કોઈ તકલીફ નથી પડતી? જો તમે આ જ કૅટેગરીમાં આવતા હશો તો તમે આ પ્રશ્નનો જવાબ સારી રીતે જાણતા હશો. 
ખુદ પર અસર 
ઘણા લોકો એવા પણ હોય છે કે હામાં હા મેળવી દેવાની કે ન ગમ્યું હોવા છતાં એનાં વખાણ કર્યા કરવાની આદત એટલી કોઠે પડી હોય છે કે ક્યારેક એ લોકો ભૂલી જાય છે કે એમને ખરેખર શું ગમે છે. એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ અને ટ્રાન્સફૉર્મેશન કોચ વિધિ પારેખ કહે છે, ‘એમને સતત એ ડર રહેતો હોય છે કે લોકો એમને અપનાવશે કે નહીં. એટલે ઍન્ગ્ઝાયટીની તકલીફ તો છે જ. વળી જ્યારે આવું સતત થયા કરે ત્યારે વ્યક્તિને આઇડેન્ટિટી ક્રાઇસિસ થઈ જાય છે. લોકોની સામે એટલું બધું ફેક જીવન જીવે છે કે પોતે કોણ છે, એમના વિચારો શું છે, એમને શું ગમે છે એ જ એ ભૂલી જાય છે. વળી આવા લોકો બીજાને ખુશ કરવાની પેરવીમાં એટલે ઊંડા ઊતરી જાય છે કે પોતે દુખી રહ્યા કરે છે, કારણ કે એમને જે ગમે છે અને જેમ જીવવું છે એમ એ કરી નથી શકતા. આમ કેટલાક લોકો ડિપ્રેશનમાં સરી પડતા હોય છે.’
લાલચ અને સ્વીકારની ઇચ્છા 
કોઈ જાતની લાલચ હોય, પ્રમોશન જોતું હોય, જલદી આગળ વધવું હોય, બીજા કરતાં વધુ સારી પોસ્ટ જોઈતી હોય કે કોઈ મનગમતી બ્રાન્ચમાં ટ્રાન્સફર જોઈતી હોય એવા કોઈ પણ કારણસર જો આપણે લોકોને ખુશ રાખવાની કોશિશ કરતા હોઈએ એવું બની શકે. આ કારણો ઘણાં સામાન્ય છે. આ સિવાયનાં કારણો સમજાવતાં વિધિ પારેખ કહે છે, ‘ઉત્ક્રાન્તિવાદમાં એક મહત્ત્વનો પૉઇન્ટ છે કે દરેક વ્યક્તિને એ ચાહ હોય છે કે બીજા લોકો એને અપનાવી લે. એનો સ્વીકાર કરે. એ રીતે જ એને સમાજ દ્વારા કે બીજા લોકો દ્વારા પ્રોટેક્શન મળે છે. એમ થવું ખૂબ સહજ પણ છે. આમ જ્યારે વ્યક્તિની અંદર ચાહ હોય કે લોકો એને અપનાવી લે, એને પોતાની હોવાનો સ્વીકાર ત્યારે એ આસપાસના લોકોને ખુશ કરવામાં લાગી જાય છે.’ 
નુકસાન શું? 
આવા લોકો શું સારો ગ્રોથ કરે છે? કદાચ શૉર્ટ ટર્મ જોઈએ તો કહી શકાય હા, ગ્રોથ તો એમનો થાય છે. પ્રમોશન હોય કે પછી સારા પ્રોજેક્ટ કે પછી માન આપે એવું ડેઝિગ્નેશન, એ લોકોને મળતું જ હોય છે. પરંતુ લૉન્ગ ટર્મમાં ઘણું નુકસાન પણ છે. એ વિશે વાત કરતાં અચીવ ધાયસેલ્ફના ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ કોચ અરવિંદ ખિંવસરા કહે છે, ‘સૌથી પહેલાં તો એ સમજવું પડે કે ઑફિસ એક એવી જગ્યા છે જ્યાં તમે દિવસના ૮-૧૨ કલાક વિતાવતા હો છો. એટલે લોકો શરૂઆતમાં તમને ન ઓળખતા હોય પણ સમય જતાં ઓળખી જતા હોય છે. જે લોકો હામાં હા મેળવતા હોય એમના ઓપિનિયનની કોઈ વૅલ્યુ નથી હોતી, કારણ કે એનો ખુદનો કોઈ ઓપિનિયન હોઈ શકે છે એવું લોકો માનતા જ નથી. જે લોકોને ના બોલતાં નથી આવડતું એ લોકો શરમના માર્યા હા બોલી દે છે પરંતુ કામ પૂરું કરી નથી શકતા એટલે એમની પરિસ્થિતિ વધુ વણસે છે. કામની જગ્યાએ આ પરિસ્થિતિમાં તમારા પર કોઈ વિશ્વાસ કરી નથી શકતું, કારણ કે તમે ખાલી મીઠાબોલા છો કે ફક્ત હા પાડી દો છો પણ કામ કરી નથી શકતા. આમ ઇમ્પ્રેશન વધુ બગડે છે, કારણ કે વર્ક-પ્લેસ પર લોકોને સારા માણસો કરતાં કામ સમય પર અને યોગ્ય રીતે કરનારા માણસો જોઈએ છે.’
ઉપાય શું કરી શકાય?
સૌથી પહેલાં તો એ મહત્ત્વનું છે કે તમે જાતને ઓળખો કે તમે જે કરો છો એ પીપલ પ્લીઝિંગની કૅટેગરીમાં આવે છે કે નહીં. લોકોને ખુશ કરવા એ સદ્ગુણ છે, પરંતુ એ માટે તમે કેટલી હદે મંડાયેલા રહો છે એ પણ સમજવું જરૂરી છે. એ વિશે સમજાવતાં અરવિંદ ખિંવસરા કહે છે, ‘આ કોઈ રાતોરાત બદલી શકાય એવી આદત નથી. ધીમે-ધીમે નાના-નાના ઉપાયોથી મોટા બદલાવ શક્ય બને છે. જેમ કે પહેલાં તો ના બોલતાં શીખો. તમારે એ માટે તોછડા બનવાની જરૂર નથી. જે પરિસ્થિતિ છે એને સ્પષ્ટ રીતે નમ્રતાપૂર્વક વર્ણવો. જો ન થઈ શકે એમ હોય તો એનાં કારણો સાથે કહો કે શક્ય નથી. કોઈ પણ વાતને કહેવાની હજારો જુદી-જુદી રીત હોઈ શકે છે. જો તમે તમારા બૉસના આઇડિયા સાથે સહમત નથી તો સમજાવો કે કયા મુદ્દા પર તમે શું વિચારો છો. આવું નહીં અને આમ કરી જોઈએ તો? એવી અરજીઓથી લોકો ખરાબ નહીં લગાડે અને ઊલટું તમારા માટે એમને માન થશે અને તમને સાંભળવા માટે પણ એ લોકો તૈયાર થશે.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 07:29 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK