Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈની પહેલી મેડિકલ કૉલેજના પહેલા ડૉક્ટર કોણ?

મુંબઈની પહેલી મેડિકલ કૉલેજના પહેલા ડૉક્ટર કોણ?

23 July, 2022 11:43 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

માત્ર મુંબઈ કે માત્ર હિન્દુસ્તાનની નહીં; આખા એશિયાની પહેલવહેલી મેડિકલ કૉલેજ તે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજ. ૧૮૪૫માં એ સ્થપાયેલી જેમાં અભ્યાસ કરીને પહેલવહેલા છ ડૉક્ટરો બહાર પડ્યા તેમાંના એક ડૉ. ભાઉ દાજી લાડ

ગ્રાન્ટ મેડિકલ કૉલેજ, ૧૮૬૦માં જેવી હતી ચલ મન મુંબઈનગરી

ગ્રાન્ટ મેડિકલ કૉલેજ, ૧૮૬૦માં જેવી હતી


મોટા ડૉક્ટર બન્યા, પણ ભાઉ પોતાના ગરીબ બાંધવોને ભૂલ્યા નહોતા. ડોસાભાઈ ફરામજી કામાની મદદથી તેમણે ગરીબો માટે ધર્માદા દવાખાનું શરૂ કર્યું અને નાનાભાઈ ડૉક્ટર નારાયણ દાજી સાથે મળીને ત્યાં ગરીબોની સારવાર કરતા રહ્યા. 

બચાવપક્ષનો વકીલ (સાક્ષીને) : આ ઇસમને તમે ઓળખો છો, ડૉક્ટર?
સાક્ષી : હાજી સાહેબ.
કઈ રીતે?
મેં ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવેલી છે અને હવે હું એક ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરું છું. અને એવનને હું એક ડૉક્ટરની રૂએ ઓળખું છું.
એમનું નામ?
લોકો જદુનાથજી મહારાજ તરીકે ઓળખે છે.
એવન તમુને મળવા શા માટે આવેલા?
દવા-ઉપચાર કરાવવા.
એમ? તેઓ કયા રોગથી પીડાય છે?
ફરિયાદીનો વકીલ : ઑબ્જેક્શન મિ લૉર્ડ. મારા અસીલ અંગે આવો અંગત સવાલ કોઈ ડૉક્ટરને પૂછી શકાય નહીં.
સાક્ષી (જજને) : નામદાર, આપ તો જાણો જ છો કે ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ શરૂ કરતાં પહેલાં અમારે એક શપથ લેવાના હોય છે. એ પ્રમાણે અમારા કોઈ પણ દરદીની અંગત વાત અમે જાહેર કરી શકતા નથી.
જજ : ડૉક્ટર, તમારી વાત સાચી છે. પણ કેટલાક સંજોગોમાં આવી વાત જાહેર કરવાનું જરૂરી હોય છે. આ કેસમાં બચાવ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે આ મહારાજ અમુક ચોક્કસ રોગથી પીડાય છે અને તેમનો આખો કેસ એ માહિતી પર ઊભો છે. 
(વિરોધ પક્ષના વકીલને) યૉર ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ. અને ડૉક્ટર, હું તમને તમારા શપથના બંધનમાંથી કામચલાઉ રીતે મુક્ત કરું છું. અને તમને આદેશ આપું છું કે બચાવ પક્ષના વકીલના સવાલનો તમો સાચો જવાબ આપો.
સાક્ષી : તેઓ પરમો અથવા ચાંદી અથવા સિફિલિસની દવા માટે મારી પાસે આવેલા.
જજ : કેટલી વાર?
સાક્ષી : એક વાર. ફરી આવીશ એમ કહીને ગયેલા, પણ આવ્યા નહીં. હા, દવા લેવા તેમના માણસને બે-ત્રણ વાર મોકલેલો.
ફરિયાદ પક્ષનો વકીલ : બસ નામદાર. બીજું કાંઈ મારે પૂછવાનું નથી.



ઓગણીસમી સદીમાં માત્ર મુંબઈમાં જ નહીં, આખા દેશમાં ખૂબ ગાજેલા ‘મહારાજ લાયબલ કેસ’ના ૧૪મા દિવસે, ૧૮૬૨ના ફેબ્રુઆરીની ૧૪મી તારીખે નોંધાયેલી આ જુબાનીએ આખા કેસની દિશા બદલી નાખી. ‘સત્યપ્રકાશ’ સામયિકના સ્થાપક-અધિપતિ કરસનદાસ મૂળજી અને યુનિયન પ્રેસમાં એ છાપનાર નાનાભાઈ રુસ્તમજી રાણીના બન્ને લાયબલ–માનહાનિના કેસમાં બેકસૂરવાર ઠર્યા. મુંબઈની સુપ્રીમ કોર્ટ (હાઈ કોર્ટનું અગાઉનું નામ)ના મુખ્ય ન્યાયાધીશે જે નિર્ણય આપ્યો એમાં આ સાક્ષીની જુબાનીનો મહત્ત્વનો ભાગ. એ સાક્ષી તે એ જમાનાના મુંબઈના પ્રખ્યાત તબીબ ડૉક્ટર ભાઉ દાજી લાડ.    


માત્ર મુંબઈ ઇલાકાની નહીં, માત્ર હિન્દુસ્તાનની નહીં; આખા એશિયાની પહેલવહેલી મેડિકલ કૉલેજ તે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજ. ૧૮૪૫માં સ્થાપના. એમાં અભ્યાસ કરીને પહેલવહેલા છ ડૉક્ટરો બહાર પડ્યા તેમાંના એક ડૉ. ભાઉ દાજી લાડ. ૧૮૫૧થી તેમણે પોતની પ્રૅક્ટિસ શરૂ કરી. આવા પ્રતિષ્ઠિત ડૉક્ટરની નિખાલસ જુબાનીએ કરસનદાસ મૂળજી અને નાનાભાઈ રુસ્તમજી રાણીનાને કેસ જિતાડવામાં દેખીતી રીતે જ ઘણો ભાગ ભજવ્યો હોય.

આખું નામ રામચંદ્ર વિઠ્ઠલ લાડ. પણ એ નામે ન ઓળખાયા ત્યારે કે નથી ઓળખાતા અત્યારે. ડૉક્ટર ભાઉ દાજી કહો તો ઝટ ઓળખાય. ૧૮૨૨માં જન્મ. એમનું કુટુંબ મૂળ તો ગોવાનું. ગૌડ સારસ્વત બ્રાહ્મણ. નાનપણમાં ચેસ રમવામાં એક્કા. એક અંગ્રેજે એ વાત નોંધી. ભાઉના પિતાને સમજાવ્યા, મનાવ્યા : આ છોકરો ઘણો હોશિયાર છે, પણ અહીં રહેશે તો તેની આવડતની કદર નહીં થાય. એને મુંબઈ મોકલો, ત્યાં અંગ્રેજી પદ્ધતિની સ્કૂલમાં ભણવા મૂકો. પછી જુઓ, કેવો બધાની આંખ આંજી નાખશે!


પિતાને ગળે વાત ઊતરી. એટલે પછી કુટુંબ આવ્યું મુંબઈ. પહેલાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશનમાં ભણ્યા. ત્યાં જ ‘માસ્ટર’ બન્યા. ત્યાં તો શરૂ થઈ ગ્રાન્ટ મેડિકલ કૉલેજ. એટલે એમાં જોડાયા અને બન્યા ડૉક્ટરના વ્યવસાયના અગ્રયાયી. આવા મોટા ડૉક્ટર બન્યા, પણ ભાઉ પોતાના ગરીબ બાંધવોને ભૂલ્યા નહોતા. ડોસાભાઈ ફરામજી કામાની મદદથી તેમણે ગરીબો માટે ધર્માદા દવાખાનું શરૂ કર્યું અને નાનાભાઈ ડૉક્ટર નારાયણ દાજી સાથે મળીને ત્યાં ગરીબોની સારવાર કરતા રહ્યા. 

રક્તપિત્તના દરદીઓની દશા આજે પણ કાંઈ બહુ સારી તો નથી પણ એ વખતે તો આ રોગ માટેનો કોઈ ઇલાજ જ નહોતો અને સમાજ તો હડધૂત કરે જ. ડૉક્ટરે સતત છ વરસની મહેનત પછી આ રોગની સારવાર શી રીતે કરવી એ શોધી કાઢ્યું, પણ સાથોસાથ એ પણ જાણતા કે આવી સારવારના અખતરા એકલા હાથે ન કરાય. એટલે તેમણે કેટલાક મિત્રોને એકઠા કર્યા : પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ મિસ્ટર રાઇટ, ઓનરેબલ જસ્ટિસ ન્યુટન, અરદેશર ફરામજી મૂસ, ડૉક્ટર સિલ્વેસ્ટર, ડૉ. નારાયણ દાજી. ઉપરાંત પોતે જેમની સારવાર કરેલી એવા કેટલાક રક્તપિત્તના દરદીઓને પણ બોલાવેલા. અને સારવારની હકીકત રજૂ કરવા કહ્યું હતું. બધા દરદીઓએ કહ્યું કે અગાઉ કરતાં તેમની હાલતમાં ઘણો સુધારો છે. ત્યાર બાદ આ સારવાર વિશેનો ફોટો સાથેનો વિગતવાર અહેવાલ સેક્રેટરી ઑફ સ્ટેટને ૧૮૭૧ના ઑગસ્ટમાં મોકલી આપ્યો. 

પણ ગ્રેટ બ્રિટનમાં તો આ ખબરથી ખળભળાટ મચી ગયો અને ડૉક્ટર ભાઉ દાજીની આકરી ટીકા થવા લાગી. પૂરતા પ્રયોગો કર્યા વગર, પ્રયોગશાળામાં દવાની ચકાસણી કર્યા વગર, કોઈ દવા દરદીને અપાય જ કઈ રીતે? આ તો લોકોની જિંદગી સાથે રમવા જેવું થયું. પોતે સાજા થયાનાં નિવેદન જેમણે આપ્યાં છે એ નિવેદનોની ખરાઈ કોઈએ કરી નથી. એ બનાવટી નહીં હોય એની શી ખાતરી. વળી પોતે જે ઔષધ વાપરે છે એ વિશે તો ડૉક્ટરે કશું જ કહ્યું નથી. એનું નામ સુધ્ધાં છુપાવે છે. લોકોના પૈસા ખંખેરવા માટેનું આ તરકટ નહીં હોય એની શી ખાતરી?  લાન્સેટ જેવા પ્રતિષ્ઠિત સામયિકે પણ તેના ૧૮૬૮ના એક અંકમાં આકરી ટીકા કરી અને લખ્યું કે આ ડૉક્ટર જ્યાં સુધી દવાનું નામ જાહેર ન કરે ત્યાં સુધી તેમની વાતનો ભરોસો કરી શકાય નહીં. વળી ડૉક્ટર કહે છે કે તેમની સારવારથી ૭૦ જણ સાજા થયા છે. પણ એમાંનો એક પણ કિસ્સો મેડિકલ સાયન્સને સ્વીકાર્ય હોય એવી રીતે પુરવાર થયો નથી. 

પણ અહીં તો ડૉક્ટરે આવી બધી ટીકાની અવગણના કરીને પોતાનું કામ ચાલુ રાખ્યું. જોકે પછીથી ૧૮૭૩ના જાન્યુઆરીમાં પોતે લકવાનો ભોગ બન્યા અને એટલે જાતે સારવાર કરી શકે તેમ ન રહ્યું ત્યારે તેમણે એ કામ નાનાભાઈ ડૉ. નારાયણ દાજીને સોંપ્યું. પોતાના પૈસે રક્તત્તિયાઓ માટે દવાખાનું અને હૉસ્પિટલ શરૂ કરાવ્યાં. ત્યાં દરદીઓની વ્યવસ્થિત નોંધ, ફોટો વગેરે રાખવાનું શરૂ કર્યું. ૧૮૭૪ના મે મહિનાની ૩૦મી તારીખે ડૉક્ટર ભાઉ દાજી લાડનું અવસાન થયું. 

મરતાં પહેલાં ભાઉએ પોતાના અંગત મિત્ર એવા ત્રણ યુરોપિયનોને એ દવાનું નામ જણાવેલું. પણ એ શરતે કે એ નામ તેઓ ક્યારેય જાહેર નહીં કરે. પણ જ્યારે મૃત્યુ પછી પણ બ્રિટનમાં ભાઉની ટીકા ચાલુ રહી ત્યારે તેમાંના એક મિત્રને લાગ્યું કે ભાઉને અન્યાય ન થાય એટલા ખાતર પણ હવે એ દવાનું નામ જાહેર કરવું જોઈએ. એટલે તેમણે ડૉક્ટર ભાઉ દાજીના વંશવારસો પાસેથી એ વિશે મંજૂરી લીધી. પછી લંડનની ચેરિંગ ક્રૉસ હૉસ્પિટલના સર્જ્યન ડૉ. સ્ટૅનલી બૉય્ડને એ નામ જણાવ્યું એટલું જ નહીં, એનો નમૂનો પણ મોકલ્યો. સાથે મોકલ્યાં ભાઉની અંગત નોંધ, દરદીઓના ફોટો કે સ્કેચ, હિન્દુસ્તાનનાં અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો, સાજા થયેલા દરદીઓના પત્રો અને ખુદ ભાઉના પત્રો પણ. સાથોસાથ શરત પણ મૂકી કે આ બધી માહિતી મોકલનારનું નામ જાહેર ન કરવું. 

પછી તો ડૉ. બૉય્ડે પોતે પણ બીજી માહિતી મેળવી. મુંબઈના પોલીસ કમિશનર કર્નલ વિલ્સન પાસેથી પણ કેટલીક વિગતો મેળવી. ભાઉ જે ઔષધ વાપરતા હતા એ વિશે વધુ માહિતી મેળવતાં જણાયું કે એ એક આયુર્વેદિક ઔષધિ હતી. સારવારમાં એનો ઉપયોગ કઈ રીતે થતો હતો એ પણ જાણ્યું. છતાં એક સવાલ તો ઊભો જ હતો. ભાઉએ દવાનું નામ છુપાવ્યું શા માટે? ડૉ. બોય્ડને બે કારણ શક્ય લાગે છે. એક, તબીબી દૃષ્ટિએ સફળતા પુરવાર કરી ન શકાય ત્યાં સુધી નામ જાહેર ન કરવું એમ માનતા હોય. અથવા એ ઔષધ આયુર્વેદિક હોવાથી ઍલોપૅથીવાળા એનો સ્વીકાર નહીં કરે એવી બીક હોય. જે હોય તે, બ્રિટિશ જર્નલ ઑફ ડર્મેટોલૉજીના વર્ષ ૫, અંક ૫૭માં તેમણે ભાઉ દાજીની રક્તપિત્તની સારવાર વિશે વિસ્તૃત લેખ લખ્યો અને ભાઉને થયેલો અન્યાય દૂર કરવાનો પ્રયત્ન કર્યો.  

ભાઉ દાજી મોટા ગજાના ડૉક્ટર. પણ માત્ર ડૉક્ટર નહીં. નર્મદ, કરસનદાસ, નાનાભાઈ જેવા અનેક સુધારકોના મિત્ર, મદદગાર. આંખનો ઇલાજ કરાવવા કવિ દલપતરામ અમદાવાદથી મુંબઈ આવ્યા ત્યારે ઑપરેશન કરીને દલાપતરામને દૃષ્ટિ પાછી આપનાર ભાઉ દાજી. પુરાતત્ત્વ, ઇતિહાસ, સંશોધન વગેરેમાં પણ ઊંડો અને સાચો રસ. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા સંશોધકોના સહાયક. સંસ્કૃત સાહિત્ય વિશેના તેમના લેખોનું પુસ્તક ૧૮૮૭માં પ્રગટ થયેલું.

૧૮૬૫માં અમેરિકાનું આંતરયુદ્ધ એકાએક પૂરું થતાં મુંબઈમાં આર્થિક પાયમાલીનું જે મોજું ફરી વળ્યું એમાં ભાઉ પણ તણાયા. જેમને પોતાના માનેલા તેવા કેટલાક દુશ્મન બની ગયા. બીજા ઉપેક્ષા કરતા થયા. ભાઉ એકલા પડતા ગયા. એમાં પક્ષાઘાતે તેમને લગભગ અપંગ બનાવ્યા. એક વખતનો મુંબઈનો સિંહ હવે પાંજરે પુરાયો હતો, સૂતો-સૂતો લાચાર આંખે બધું જોતો હતો. અને એમના અવસાન પછી અર્વાચીન મુંબઈના ઘડવૈયાઓમાંના એક એવા ડૉક્ટર ભાઉ દાજી લાડ ધીમે-ધીમે ભુલાતા ગયા.

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2022 11:43 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK