Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈમાં ક્રેસન્ટ નામની જગ્યા ક્યાં હતી?

મુંબઈમાં ક્રેસન્ટ નામની જગ્યા ક્યાં હતી?

08 January, 2022 08:21 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય ઊભું છે એ હતી ક્રેસન્ટની જગ્યા. બ્રિટનના રાજકુમારની મુલાકાતની યાદમાં અહીં મ્યુઝિયમ બંધાયું, પણ તૈયાર થયા પછી મ્યુઝિયમના મકાનમાં પહેલાં લશ્કરી હૉસ્પિટલ શરૂ થયેલી

પ્રખ્યાત ફોટોગ્રાફર રાજા દીનદયાળે લીધેલી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમની શિલારોપણવિધિની તસવીર

પ્રખ્યાત ફોટોગ્રાફર રાજા દીનદયાળે લીધેલી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમની શિલારોપણવિધિની તસવીર


ઑલ ઇન્ડિયા રેડિયોની વાત જરા બાજુએ મૂકીને આજે આપણે ક્રેસન્ટ ફરવા જવાના છીએ. તમે કહેશો કે મુંબઈમાં આવું નામ તો સાંભળ્યું નથી. કોઈ બીજા શહેરની વાત હશે. ના, સાહેબ, શનિવારની સવારે મુંબઈની બહાર આપણે પગ જ ક્યાં મૂકીએ છીએ! આજના મુંબઈમાં મકાનોના ઝુંડ વચ્ચે ક્યાંક-ક્યાંક ખુલ્લી જગ્યા હોય છે, પણ ૧૦૦-૧૨૫ વર્ષ પહેલાં મુંબઈમાં ખુલ્લી જગ્યાઓ વચ્ચે થોડાં-થોડાં મકાનો હતાં. આવી એક ખુલ્લી જગ્યા એ ‘ક્રેસન્ટ.’ અંગ્રેજીના આ શબ્દનો અર્થ થાય છે અર્ધચંદ્ર. એટલે અર્ધગોળાકાર ખુલ્લી જગ્યાને પણ ક્રેસન્ટ કહેવાય. કોટ કહેતાં ફોર્ટ વિસ્તારમાં આવી હતી આ ક્રેસન્ટ નામની જગ્યા, ક્યાં? 
એની વાત જરા પછી. ૧૯૦૫માં પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈ આવવાના છે એવી જાહેરાત થઈ. એ પહેલાંથી મુંબઈમાં એક સારા મ્યુઝિયમની જરૂર જણાતી હતી. આને માટે શું કરી શકાય એ વિશે વિચાર કરવા માટે મુંબઈ સરકારે એક કમિટી બનાવી. એના સભ્યોમાં સર ફિરોઝશાહ મહેતા, ઇબ્રાહિમ રહિમતુલ્લા, વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસી અને કેટલાક અંગ્રેજ અધિકારીઓનો સમાવેશ હતો. આ સમિતિએ મુંબઈમાં એક નવું મ્યુઝિયમ ઊભું કરવાની ભલામણ કરી. કદાચ આ ભલામણ કાગળ પર જ રહી હોત, પણ લગભગ એ જ વખતે પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાતની જાહેરાત થઈ. તેમના આગમન વખતે શું-શું કરી શકાય એ વિશે વિચાર કરવા માટે ટાઉન હૉલમાં એક પબ્લિક મીટિંગ મળી. એમાં હાજર રહેલાઓમાં સર ફિરોઝશાહ મહેતા, જસ્ટિસ ચંદાવરકર, જસ્ટિસ બદરુદ્દીન તૈયબજી, નરોત્તમદાસ ગોકુળદાસ, ડેવિડ સાસૂન, સર જમશેદજી જીજીભાઈ, કિકાભાઈ પ્રેમચંદ વગેરે હાજર રહ્યા હતા. પ્રિન્સ જ્યૉર્જ અને પ્રિન્સેસ મૅરી ઑફ વેલ્સની મુલાકાતની ઉજવણીના ભાગરૂપે એક કાયમી સ્મારક ઊભું કરવું જોઈએ એવું સૌને લાગ્યું. અને આવા સ્મારક તરીકે મ્યુઝિયમ અને લાઇબ્રેરી કરતાં વધુ સારું બીજું શું હોઈ શકે? સૌને આ વાત પસંદ પડી ગઈ અને એ કામ માટે એક સમિતિ પણ બની ગઈ. 
ડિઝાઇનની વિશેષતા
મ્યુઝિયમ બાંધવા માટે ફાળો ઉઘરાવવાનું શરૂ થયું. કરીમભાઈ ઇબ્રાહિમે ત્રણ લાખ, જૂનાગઢના નવાબે ૧૨,૦૦૦, સર કાવસજી જહાંગીરે ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ૩,૫૮,૦૦૦ રૂપિયાની ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ ભેટ આપી અને મુંબઈ સરકારે ૩ લાખ રૂપિયા આપ્યા, પણ આ મ્યુઝિયમ માટેનું મકાન બાંધવું ક્યાં? સરકારે આ માટે ‘ક્રેસન્ટ’ની જગ્યા ફાળવવાનું નક્કી કર્યું. એટલે કે આજે જ્યાં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ – સૉરી, છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય – ઊભું છે એ જગ્યા એ જ ક્રેસન્ટ. એ જગ્યાએ બાંધવાના મકાનની ડિઝાઇન માટે સરકારે જાહેર હરીફાઈ યોજી. એમાં જી. વિટેટની ડિઝાઇન પાસ થઈ હતી. એમાં બહુ કુશળતાપૂર્વક સ્થાપત્યની જુદી-જુદી શૈલીઓનો સમન્વય થયો છે. આઠ માળના મકાન જેટલી ઊંચાઈ ધરાવતો એનો મહાકાય ઘુમ્મટ બીજાપુરના ગોળ ગુંબજની પ્રતિકૃતિ જેવો છે. તો અમુક અંશો માઉન્ટ આબુ પરના વિમલસિંહ દેરાસર પરથી લેવામાં આવ્યા છે. નાશિકના વાડા (હવેલી)ઓની અસર પણ અહીં જોવા મળે છે.   
મ્યુઝિયમનો પાયો
૧૯૦૫ની ૧૯ ઑક્ટોબરે શાહી કાફલો લંડનથી રવાના થયો. ૨૦ ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યે જિનોઆથી એચએમએસ રિનાઉન નામની સ્ટીમર દ્વારા પ્રવાસ શરૂ થયો. રસ્તામાં જુદી-જુદી જગ્યાએ રોકાયા પછી ૨૯ ઑક્ટોબરે રવિવારે બપોરે ૧૨ વાગ્યે શાહી સ્ટીમર સુએઝથી મુંબઈ આવવા નીકળી. ગુરુવાર ૯ નવેમ્બરે સ્ટીમર મુંબઈ આવી પહોંચી. બ્રિટિશ નેવીના કમાન્ડર-ઇન-ચીફ ઍડમિરલ પો, વાઇસરૉય લૉર્ડ કર્ઝન, ગવર્નર લૉર્ડ લૅમિંગ્ટન વગેરેએ સ્ટીમર પર જઈને પ્રિન્સ અને પ્રિન્સેસનું સ્વાગત કર્યું. બપોરે ૪ વાગ્યે શાહી મહેમાનો અપોલો બંદર ઊતર્યા હતા. બીજાં ઘણાં રોકાણ પછી શનિવાર ૧૧ નવેમ્બરે બપોરે સાડાચાર વાગ્યે મહેમાનોએ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ માટેના મકાનનો પાયો નાખ્યો. 
પ્રિન્સ ઑફ વેલ્સ વખત જતાં બન્યા સમ્રાટ પાંચમા જ્યૉર્જ. ૧૯૧૧માં દિલ્હી દરબાર માટે આવ્યા ત્યારે એ જ અપોલો બંદર પર ઊતર્યા હતા, પણ એ વખતે હજી મ્યુઝિયમના મકાનનું બાંધકામ ચાલતું હતું. એ બાંધકામ શરૂ થયું છેક ૧૯૦૯માં સરકારે પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ ઍક્ટ પસાર કર્યો એ પછી. બાંધકામ પૂરું થાય એ પહેલાં આલ્બર્ટ ડેવિડ સાસૂને કાળા પથ્થરના ઘોડા પર બેઠેલા પ્રિન્સ ઑફ વેલ્સનું પૂતળું ભેટ આપ્યું, જે મ્યુઝિયમની બંધાઈ રહેલી ઇમારત સામેના બગીચામાં મૂકવામાં આવ્યું હતું. એને કારણે આ વિસ્તાર આજે પણ કાલા ઘોડા તરીકે ઓળખાય છે. ૧૯૬૫માં બ્રિટિશ સમયનાં બીજાં પૂતળાં સાથે કાળા ઘોડાને પણ ત્યાંથી દૂર કરીને વિક્ટોરિયા ગાર્ડન મોકલી દેવામાં આવ્યું. ૨૦૧૭માં કાળા ઘોડાનું નવું પૂતળું એ જ જગ્યાએ મૂકવામાં આવ્યું છે, પણ એના પર કોઈ સવાર નથી! મ્યુઝિયમના મકાનનું બાંધકામ શરૂ થયું એ સાથે જ એમાં મૂકવા માટેની વસ્તુઓ ભેગી કરવાનું કામ પણ શરૂ થયું. એ વખતે એ બધી વસ્તુઓ બૉમ્બે બ્રાન્ચ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી (આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈ)ના ભંડકિયામાં રખાઈ હતી. 
મ્યુઝિયમ બન્યું હૉસ્પિટલ
૧૯૧૪માં મકાનનું બાંધકામ તો ૯ લાખ રૂપિયાના ખર્ચે પૂરું થયું, પણ એ મકાનમાં મ્યુઝિયમ શરૂ થયું નહીં. કેમ એમ? કારણ પહેલું વિશ્વયુદ્ધ! એ લડાઈમાં ઘવાયેલા સૈનિકો માટેની લશ્કરી હૉસ્પિટલ એ મકાનમાં શરૂ કરવી પડી. એટલું જ નહીં, તાજમહલ હોટેલને પણ લશ્કરી હૉસ્પિટલ બનાવી દેવામાં આવી. જોકે એ વર્ષો દરમ્યાન પણ મ્યુઝિયમમાં મૂકવા માટેની વસ્તુઓ ભેગી કરવાનું કામ તો ચાલુ જ હતું. ૧૯૧૫માં શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીના સંગ્રહનો મોટો ભાગ મ્યુઝિયમ માટે મેળવ્યો. આ સંગ્રહ મૂળ તો નાના ફડણવીસ પાસે હતો. છેવટે ૧૯૨૧ના એપ્રિલમાં સરકારે મ્યુઝિયમના ટ્રસ્ટીઓને મકાન પાછું આપ્યું. નાનું-મોટું સમારકામ કરવામાં, એકઠી કરેલી વસ્તુઓ ગોઠવવામાં થોડો સમય ગયો અને છેવટે ૧૯૨૨ની ૧૦ જાન્યુઆરીએ સાંજે સવાપાંચ વાગ્યે બૉમ્બેના ગવર્નર લૉર્ડ લૉયડનાં પત્ની લેડી લૉયડના હાથે મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું. આ સોમવારે, ૧૦ જાન્યુઆરીએ, એ ઘટનાને ૧૦૦ વર્ષ પૂરાં થશે. ૧૯૯૮માં આ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય રાખવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં લગભગ ૫૦,૦૦૦ વસ્તુઓ આકર્ષક રીતે ગોઠવવામાં આવી છે. એને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી નાખવામાં આવી છે ઃ આર્ટ, આર્કિયોલૉજી અને નૅચરલ હિસ્ટરી. આપણા દેશના વહાણવટાનો ઇતિહાસ આલેખતી મૅરિટાઇમ હેરિટેજ ગૅલરી આપણા દેશમાંની આવી સૌથી પહેલી ગૅલરી છે. ૨૦૦૮માં બે નવી ગૅલરી ખુલ્લી મુકાઈ. એક, ‘કાર્લ ઍન્ડ મેહેરબાઈ ખંડાલાવાલા કલેક્શન’ અને બીજી ‘ધ કૉઇન્સ ઑફ ઇન્ડિયા.’ 
શતાબ્દીના અવસરને ધ્યાનમાં રાખીને આ મ્યુઝિયમની ઇમારતને સમીનમી કરીને જાળવવાનું કામ છેક ૨૦૧૯થી શરૂ થયું. યુનેસ્કો તરફથી અવૉર્ડ મેળવનાર કન્ઝર્વેશન આર્કિટેક્ટ વિકાસ દિલાવરીને આ કામ સોંપવામાં આવ્યું. ૯ લાખ રૂપિયામાં બંધાયેલી ઇમારતને સમીનમી કરવા માટે ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો. આ કામ હવે પૂરું થવાને આરે છે. અલબત્ત, હાલના સંજોગોમાં શતાબ્દીની ઉજવણી ધામધૂમથી કરવાનું શક્ય નહીં બને એ દેખીતું છે.     
સૌથી જૂનું મ્યુઝિયમ
ક્રેસન્ટની જગ્યાએ બંધાયેલું મ્યુઝિયમ એ મુંબઈનું સૌથી મોટું અને જાણીતું મ્યુઝિયમ ખરું, પણ એ સૌથી જૂનું મ્યુઝિયમ નહીં એ માન તો મળ્યું છે વિક્ટોરિયા ગાર્ડનની અંદર આવેલા મ્યુઝિયમને. મુંબઈમાં મ્યુઝિયમ બાંધવાનો સૌથી પહેલો વિચાર છેક ૧૮૫૦માં આવ્યો હતો. ૧૮૫૧માં લંડનના ક્રિસ્ટલ પૅલેસ ખાતે દુનિયાઆખીના ઉદ્યોગ-વ્યવસાય, કળાકારીગરી વિશેનું પ્રદર્શન ભરવા માટેની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. એ વખતે મુંબઈમાં પણ એક મ્યુઝિયમ હોવું જોઈએ એવો વિચાર આવ્યો. પછી ૧૮૫૫માં પૅરિસમાં યુનિવર્સલ એક્ઝિબિશન ભરાયું ત્યારે એમાં મોકલેલી વસ્તુઓની ‘કૉપી’ મુંબઈમાં ‘ટાઉન બૅરેક્સ’ ખાતે રાખવામાં આવી અને એને નામ અપાયું ‘સેન્ટ્રલ મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટરી, ઇકૉનૉમી, જિયોલૉજી, ઇન્ડસ્ટ્રી, ઍન્ડ આર્ટ્સ.’ પણ બે જ વર્ષમાં ૧૮૫૭માં એ બંધ થયું અને એમાંની વસ્તુઓને ટાઉન હૉલમાં રાખવામાં આવી. સાથોસાથ મ્યુઝિયમ માટે નવું મકાન બાંધવા માટે એક સમિતિ બનાવાઈ. ડૉ. ભાઉ દાજી લાડ અને જગન્નાથ શંકરશેટ જેવા બે અગ્રણી ‘દેશી’ઓ એના સભ્યો. ૧૮૬૨માં મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ મકાનનો પાયો નાખ્યો, વિક્ટોરિયા ગાર્ડનની નજીક. આ મકાનનું બાંધકામ ૧૮૬૨માં શરૂ થયું અને ૧૮૭૧માં પૂરું થયું. ૧૮૭૨ની બીજી મેએ વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું. વખત જતાં મુંબઈનાં ઘણાં જાહેર સ્થળોનાં અંગ્રેજોનાં નામ કાઢીને આપણા દેશના અગ્રણીઓનાં નામ અપાયાં. એ રીતે ૧૯૭૫માં આ મ્યુઝિયમને નામ અપાયું ઃ ‘ડૉ. ભાઉ દાજી લાડ મુંબઈ સિટી મ્યુઝિયમ.’ ૨૦૦૩થી પાંચ વર્ષ મ્યુઝિયમ લોકો માટે બંધ રહ્યું, કારણ, એનું સમારકામ મોટા પાયે કરવાનું અનિવાર્ય બન્યું હતું. ૨૦૧૬માં આ મ્યુઝિયમને ‘ઇન્ટરનૅશનલ ક્વૉલિટી ક્રાઉન અવૉર્ડ ઇન ધ ગોલ્ડ કૅટેગરી’ મળ્યો હતો. 
ખેર, ઑલ ઇન્ડિયા રેડિયોની વાત અધૂરી મૂકીને શતાબ્દીને કારણે આજે મ્યુઝિયમ જવું પડ્યું. પણ એ જ તો એ જમાનાના રેડિયોની ઓળખ હતી – જ્યાં જરૂર હોય ત્યાં હાજરાહજૂર થઈ જાય. સમાચાર એકઠા કરે અને પછી ઘરેઘરમાં સંભળાય : “This is All India Radio. Here is the news read by Melville de Mellow.” પણ હવે આવતા શનિવારે ફરી મળીશું ઑલ ઇન્ડિયા રેડિયોની કેટલીક યાદગાર વ્યક્તિઓને.

છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયમાં લગભગ ૫૦,૦૦૦ વસ્તુઓ ગોઠવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2022 08:21 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK