° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


શિવજીને ચડાવાતાં બીલીપત્ર તાવ ઉતારવામાં અકસીર છે

08 August, 2022 03:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રાવણમાં શિવલિંગની પૂજામાં ત્રિદળ બીલીપત્ર વાપરવામાં આવે છે. આ પાન આમ તો બારે માસ ઔષધની ગરજ સારે એવાં છે. વાઇરલ ફીવરથી લઈને ડાયાબિટીઝ કે કૉલેસ્ટરોલ જેવાં લાઇફસ્ટાઇલ ડિસીઝમાં પણ એના ઔષધીય પ્રયોગો થઈ શકે છે

બીલીપત્ર પૌરાણિક વિઝડન

બીલીપત્ર

શ્રાવણમાં શિવલિંગની પૂજામાં ત્રિદળ બીલીપત્ર વાપરવામાં આવે છે. આ પાન આમ તો બારે માસ ઔષધની ગરજ સારે એવાં છે. વાઇરલ ફીવરથી લઈને ડાયાબિટીઝ કે કૉલેસ્ટરોલ જેવાં લાઇફસ્ટાઇલ ડિસીઝમાં પણ એના ઔષધીય પ્રયોગો થઈ શકે છે

આપણી પ્રત્યેક પૌરાણિક પરંપરા સાયન્સના બેઝ પર ઊભી છે અને એ વાતની પ્રતીતિ આપણને ત્યારે નથી થતી જ્યારે એને પરંપરાના સ્વરૂપે રજૂ કરવામાં આવે. શ્રાવણમાં આપણે ઘણા ઉપવાસો, વિધિઓ અને દૈનિક ક્રિયાઓ કરતા આવ્યા છીએ. એ દરેકની પાછળ સ્વસ્થવૃત્તનો સિદ્ધાંત કોઈક ને કોઈક રીતે સંકળાયેલો છે. શ્રાવણમાં સૌથી વધુ ડિમાન્ડમાં રહેતાં અને શિવજીની પૂજાવિધિમાં અનિવાર્ય કહેવાય એવાં બીલીપત્રની આજે વાત કરીએ. સંસ્કૃતમાં બિલ્વપત્ર અને મરાઠીમાં બેલ તરીકે જાણીતાં આ ત્રિદલ અનેક રીતે શિવજીના સિમ્બૉલ સાથે જાય છે. આ વૃક્ષનાં પાન, ફળ અને મૂળ ત્રણેય ઉપચારમાં વપરાતાં આવ્યાં છે અને ચોમાસામાં તો એ ખાસ ઉપયોગી છે. 
કોઈ પણ ચીજ ઔષધ તરીકે શામાં કામ લાગે એ સમજવા માટે જે-તે ચીજના ગુણ સમજવા પડે. બીલીનાં પાન મધુર, રુચિકર, દીપન, ઉષ્ણ અને રુક્ષ છે અને જ્વરનાશક ગુણ ધરાવે છે. આ પાનના નિયમિત સેવનથી વાત અને કફને કારણે થતા રોગોનો નાશ થાય છે. ખાસ કરીને ફ્લુનો વાયરો હોય ત્યારે એનું સેવન કરવું જોઈએ. 
તાવમાં બીલીનો ઉપયોગ
એવી માન્યતા છે કે જ્યારે સમુદ્રમંથન વખતે નીકળેલું ઝેર શિવજીએ પીને ગળામાં અટકાવી દીધું ત્યારે એને કારણે તેમના શરીરનું તાપમાન ખૂબ વધી ગયેલું. તેમના ધગધગતા શરીરને ઠંડું પાડવા માટે બીલીપત્રનાં પાન ખવડાવીને જળનો સ્રાવ કરવાનું શરૂ કરેલું. બીલીનાં પાનથી તેમના શરીરમાં ઠંડક થઈ હતી. આયુર્વેદ અનુસાર બીલીનાં પાન પરસેવો લાવે છે એટલે જો તાવ દરમ્યાન લેવામાં આવે તો શરીરનું ટેમ્પરેચર નીચું આવે છે. શ્રાવણમાં સીઝનલ ચેન્જ તેમ જ વાઇરલ ફ્લુના તાવમાં બીલીનાં પાનનો કાઢો લઈ શકાય અથવા તો એનાં પાનનો રસ પી શકાય. દોઢથી બે ગ્લાસ પાણીમાં અડધી ચમચી છીણેલું આદું, બેથી ત્રણ વાટેલાં કાળાં મરી, એક ચમચી શેકેલા જીરાનો પાઉડર નાખીને પાણી ઉકાળવું. એમાં મુઠ્ઠીભર બીલીપત્રનો રસ નાખવો. એમાં ચપટીક સિંધવ ઉમેરીને એ હૂંફાળું પીણું ઘૂંટડે-ઘૂંટડે પીવું. એનાથી ઝીણા તાવનું નિવારણ થાય છે અને પરસેવો વળીને તાવ ઊતરી જાય છે. 
આપણા કેટલાક આયુર્વેદાચાર્યોએ કમળામાં પણ બીલીપત્રનો ઉપયોગ કર્યો છે. બીલીનાં તાજાં પાનનો રસ કાઢી એમાં ચપટીક કાળાં મરીનું ચૂર્ણ નાખીને સવાર-સાંજ દસથી પંદર મિલીલિટર જેટલું લેવામાં આવે તો કમળાને કારણે ઊલટી, પેટમાં ચૂંક અને તાવ ત્રણેયમાં ફરક પડે. ફ્લુ તાવમાં બીલીનાં પાંદડાનાં રસમાં મધ નાખીને પણ લઈ શકાય. 
કેટલાક ઔષધ પ્રયોગો
મૉડર્ન સાયન્સે પણ બીલીનાં પાન હાઇપોગ્લાઇસેમિક એટલે કે શુગર ઘટાડનારાં હોવાનો અભ્યાસ કર્યો છે. ડાયાબિટીઝના દરદીઓને જો યુરિનમાં શુગર જતી હોય તો રોજ બેથી ત્રણ કુમળાં બીલીનાં પાન ચાવવાથી પેશાબ વાટે જતી શુગર ઘટી શકે છે.
બીલીનાં પાનનો અર્ક બાળકને રોજ એક ચમચી આપવામાં આવે તો ઝાડા અને કફનો નાશ કરે છે. 
એનાં પાંદડાંની પેસ્ટ સુતરાઉ કપડામાં ભરીને એની પટ્ટી આંખો પર લગાવી રાખવાથી કન્જક્ટિવાઇટિસની લાલાશ અને બળતરા શમે છે. 
પરસેવાને કારણે બૉડીમાંથી સ્મેલ આવતી હોય તો બીલીનાં પાનનો રસ કાઢી ત્વચા પર લેપ કરીને અડધો-પોણો કલાક રહેવા દેવું અને પછી હૂંફાળા પાણીથી નાહી લેવું. 

કોણે ન લેવું?
વધુ માત્રામાં બીલીનાં પાનનું સેવન કરવાથી હરસ થઈ શકે છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ બીલીનાં પત્રનું સેવન ટાળવું જોઈએ. 

08 August, 2022 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

તુમ્હારે લિએ હી પૈદા હુએ દુનિયા કે નઝારે ચમકતે હૈં તુમ્હારી રોશની સે ચાંદ

સોહરાબ મોદી એટલે ભારતીય ફિલ્મજગતની શરૂઆતનું સન્માનજનક નામ, સિનેમાજગતની શરૂઆતનો સ્તંભ, તેમના નામ વગર ભારતીય ફિલ્મજગતનો ઇતિહાસ અધૂરો ગણાય. તેઓ ફિલ્મજગતના પહેલા ‘શોમૅન’ ગણાતા.

05 October, 2022 02:45 IST | Mumbai | Pravin Solanki

શબ્દોં કે ઇત્તેફાક મેં યૂં બદલાવ કરકે દેખ, તૂ દેખકર ન મુસ્કુરા, બસ મુસ્કુરા દે

કોઈ પણ વિષમ પરિસ્થિતિ એ સમસ્યા છે જ નહીં, માણસનું વિષમ મન જ મોટામાં મોટી સમસ્યા છે.

28 September, 2022 05:23 IST | Mumbai | Pravin Solanki

આપ કી કદરદાની કો ઇસ તરહ ના છિપાઇએ અગર પ્રસ્તુતિ પસંદ આઇ હો તો તાલિયાં બજાઇયે!

આજનો લેખ વાંચીને સમગ્ર નાટ્યજગત અને પ્રેક્ષકો મનોમન તાળીઓના ગડગડાટથી વધાવી લેશે એવી મને ખાતરી છે

21 September, 2022 05:09 IST | Mumbai | Pravin Solanki

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK