Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લીલા જૈસી કોઈ નહીં અને ગોલ્ડન રેશિયો

લીલા જૈસી કોઈ નહીં અને ગોલ્ડન રેશિયો

23 October, 2022 02:46 PM IST | Mumbai
Kana Bantwa

સૌંદર્યને ગણિતથી માપવાની ગુસ્તાખી : યુરોપિયન અને ભારતીય માપદંડોમાં આભ-જમીનનો ફેર છે

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


ગણિત વિના કોઈ ચીજ સાબિત કરવી મુશ્કેલ છે એટલે સૌંદર્યને પણ માપવાના પ્રયાસો થયા અને એમાં ગણિત ઘૂસ્યું. ગોલ્ડન રેશિયો ઑફ બ્યુટી વિશે તમે જાણો છો? લગભગ ૨૪૦૦ વર્ષ પહેલાંના સમયમાં ગ્રીસમાં ગણિતશાસ્ત્રીઓનો એક એવો વર્ગ ઊભો થયો હતો જે રહસ્યવાદી હતો. 

‘લીલા જૈસી કોઈ નહીં...’ એવો ડાયલૉગ ‘રામલીલા’ ફિલ્મમાં છે. ફિલ્મ ભલે રોમિયો જુલિયેટની કથા પર આધારિત હોય, આ ડાયલૉગ લૈલા મજનૂની વાર્તા પર આધારિત છે. ‘રામલીલા’ ફિલ્મમાં લીલા જૈસી કોઈ નહીં એમ રણવીર સિંહ બોલ્યો હશે ત્યારે તેને સપનેય ખબર નહીં હોય કે એ જ લીલા, દીપિકા પાદુકોણની ગણના એક દિવસ વિશ્વની પરફેક્ટ બ્યુટી ગણાતી સુંદરીઓમાં થશે. હમણાં વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓની એક યાદીમાં ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ આવ્યું એટલે ભારતભરમાં સૌથી સુંદર સ્ત્રીઓનું આ લિસ્ટ ચર્ચામાં આવી ગયું. આમ તો આ લિસ્ટ બહાર પાડનાર કૉસ્મેટિક સર્જ્યન જુલિયન ડિ’સિલ્વા વારે-વારે આ યાદી બહાર પાડતા રહે છે, પણ દીપિકાને કારણે આપણું પણ ધ્યાન ખેંચાયું.



સૌંદર્ય જોનારની આંખમાં હોય છે કે ચીજમાં? જે કૃષ્ણમૂર્તિ કહેતા, ધ ઑબ્ઝર્વર બિકમ્સ ધ ઑબ્ઝર્વ્ડ. જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે આપણા મનમાં પડેલી છાપ સાથે એને સરખાવતા હોઈએ છીએ. કોઈ પુરુષ કે સ્ત્રી કે વસ્તુ સુંદર ત્યારે લાગે જ્યારે આપણા મનમાં પડેલી સુંદરતાના માપદંડો મુજબ હોય. જ્યારે અંગ્રેજો પ્રથમ વખત આફ્રિકાનાં જંગલોમાં ગયા ત્યારે ત્યાંના આદિવાસીઓ ગોરી સ્ત્રીઓને બદસૂરત કહેતા. ગોરી સ્ત્રીઓનાં તીણા નાક, પાતળું શરીર, નાના નિતંબ, ગોરો વાન વગેરેને તેઓ કદરૂપા ગણાતાં. અંગ્રેજો આવ્યા એ પહેલાંના સ્ત્રીની સુંદરતાના ભારતીય માપદંડો પણ અલગ હતા. વિશાળ સ્તનવાળી, મોટા ગોળ નિતંબવાળી, ભરાવદાર સ્ત્રીને ભારતમાં સુંદર ગણવામાં આવતી. દ્રૌપદી કાળી હતી એટલે કૃષ્ણા અને શ્યામા કહેવામાં આવતી. તે બહુ કાળી નહીં હોય એવું યુધિષ્ઠિરે કરેલા દ્રૌપદીના વર્ણન પરથી સંજય છે. યુધિષ્ઠિરે જુગારસભામાં દાવમાં મુક્તિ વખતે પત્નીનું વર્ણન કર્યું છે જે ધર્મરાજ માટે જ નહીં, કોઈ પણ પુરુષ માટે શરમજનક ગણાય. વાંચો આ વર્ણન :  ‘જે અતિ ઊંચી નથી કે અતિ નીચી નથી. જે શ્યામ નથી કે અતિ રતુંબડી નથી. જેનાં નેત્રો રાગને લીધે રક્તવર્ણાં છે. શરદ કમળની સુગંધ ધારણ કરતી જેનું સૌંદર્ય સાક્ષાત્ લક્ષ્મી સમાન છે. કોઈ પણ પુરુષ કામના કરે તેવી છે. તેની કેડ વેદિ સમાન છે. કેશ લાંબા છે. શરીર પર આછી રુવાંટી છે. પ્રસ્વેદબિંદુઓથી મુક્ત જેનો ચહેરો મોગરાની જેમ શોભે છે તે સુંદર કેડવાળી ચારુગામી દ્રૌપદીને હું દાવમાં મુકું છું.’  દ્રૌપદીને  નીલોત્વસસમો ગન્ધો, તનુમધ્યમા કહેવામાં આવી છે. રામાયણમાં ઋષિ વાલ્મીકિએ સીતાજીનું વર્ણન આ રીતે કર્યું છે : સ્વયં લક્ષ્મી સમાન, જેના દાંત સ્નિગ્ધ શુભ્ર છે, કાળાં નેત્રો જાણે મુખરૂપી કમળ પર ભ્રમણ કરતા ભમરા જેવાં છે, સુપુષ્ટ સ્તન એકબીજાને સ્પર્શી જાય છે, સાથળ હાથીની સૂંઢ જેવા છે, નિતંબ ગોળ તથા વિપુલ છે અને કેડ પાતળી છે. આ ભારતીય માપદંડો છે સ્ત્રીના સૌંદર્યના. યુરોપિયન અને બાકીના વિશ્વના સૌંદર્યના માપદંડો સાવ અલગ છે એટલે જ્યારે ડિ’સિલ્વા જેવા કોઈ પરફેક્ટ સુંદર સ્ત્રીની યાદી જાહેર કરે ત્યારે ભારતીય કે ચીની કે જપાની કે થાઈ કે આફ્રિકન કે આરબ કે બ્રાઝિલિયન કે દક્ષિણ અમેરિકન મહિલાઓ મોટા ભાગે આવી યાદીઓમાં આવતી નથી.


ર્સૌંદર્ય ચીજ શું છે? બ્યુટી કઈ બલાનું નામ છે? એને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ દ્વારા માપી શકાય? સુંદરતા માપવા માપપટ્ટી ચાલે? ન જ ચાલે. સૌંદર્ય ગણિતથી પર છે. સૌંદર્યને ગણિતથી માપો તો એની સુંદરતા ખતમ થઈ જાય. એ અનુભૂતિની ચીજ છે, ગણવા બેસવાની નહીં. જોકે ગણિત વિના કોઈ ચીજ સાબિત કરવી મુશ્કેલ છે એટલે સૌંદર્યને પણ માપવાના પ્રયાસો થયા અને એમાં ગણિત ઘૂસ્યું. ગોલ્ડન રેશિયો ઑફ બ્યુટી વિશે તમે જાણો છો? લગભગ ૨૪૦૦ વર્ષ પહેલાંના સમયમાં ગ્રીસમાં ગણિતશાસ્ત્રીઓનો એક એવો વર્ગ ઊભો થયો હતો જે રહસ્યવાદી હતો. તેઓ માનતા કે અમુક આંકડાઓ ગૂઢ હોય છે, રહસ્યમય હોય છે. વાસ્તવમાં આવા અનેક રહસ્યમય આંકડાઓ છે. જેમ કે પાઈ. પાઈની કિંમત ૩.૧૪ છે એવું તમે ભણતી વખતે શીખી ગયા હશો. પાઈની મજા એ છે કે એની પૂર્ણ કિંમત સુપર કમ્પ્યુટર પણ મેળવી શકયું નથી. બાવીસને સાતથી ભાગો એટલે પાઈનું મૂલ્ય મળે, પણ આ ભાગાકાર અબજો સ્ટેપ સુધી ચાલતો રહે છે. છેલ્લે શૂન્ય આવતું જ નથી. પાઈ જેમ ગ્રીક વર્ણમાળાનો ૧૬મો અક્ષર છે એમ ૨૪મો અક્ષર ફાઈ અથવા ફી છે, જેનું ગાણિતિક મૂલ્ય ૧.૬૧૮ થાય છે. ગોલ્ડન રેશિયો અથવા દિવ્ય અનુપાત, દિવ્ય પ્રમાણનું ગાણિતિક મૂલ્ય પણ ફાઈ છે, ૧.૬૧૮ છે. ગ્રીક ગણિતશાસ્ત્રીઓએ ચહેરામાં આંખ કેવડી હોવી જોઈએ, નાક અને મોં કેટલા પ્રમાણમાં હોવાં જોઈએ, કપાળ કેટલું પહોળું હોવું જોઈએ, ચહેરાની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એના માપદંડો નક્કી કર્યા હતા. એ પ્રમાણ ફાઈના મૂલ્ય જેટલું થતું હતું. ગ્રીક ગણિતશાસ્ત્રીઓનું કહેવું હતું કે આ દિવ્ય અનુપાત મુજબનો ચહેરો હોય તે સૌથી સુંદર ગણાય.

પાઇથાગોરસ પરથી પાઇથાગોરિયન તરીકે ઓળખાતા આ ગણિતજ્ઞોએ ગણિત જેવા શુષ્ક વિષયમાં પણ સૌંદર્ય શોધી કાઢ્યું હતું. તેમનાથી પ્રભાવિત થઈને મહાન ફિલસૂફ પ્લેટોએ કહ્યું હતું કે આ વિશ્વ સત્ય અને આઇડિયાના સર્વાંગ સુંદર રૂપનું અધૂરું પ્રતિબિંબ માત્ર છે. સાચી સુંદરતાની તો માત્ર ઝાંખી જ જોવા મળે છે. મોનાલિસાના ચિત્રથી મશહૂર થયેલા મહાન ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્ચીએ વટ્રુવિયન મૅનનું વિખ્યાત રેખાંકન બનાવ્યું હતું જેમાં માનવશરીરના ચિત્રણ વખતે કેવું પ્રમાણ રાખવું એ દર્શાવાયું હતું. આ રેખાંકન પણ ગોલ્ડન રેશિયો મુજબનું જ હતું.


જોકે મોનાલિસાનો ચહેરો ગોલ્ડન રેશિયો મુજબ નથી છતાં એ ચિત્ર વિશ્વવિખ્યાત છે. ગ્રીક ગોલ્ડન રેશિયોનો ધીમે-ધીમે પ્રચાર થવા માંડ્યો એટલે એને સ્ત્રીના સૌંદર્ય સાથે જોડી દેવામાં આવ્યો. ગોલ્ડન રેશિયો માત્ર માણસના ચહેરા કે શરીરની સપ્રમાણતા માટે જ નહીં, અન્ય ચીજોના સૌંદર્ય માટે પણ મહત્ત્વનો હોવાનું સાબિત થવા માંડ્યું. કુદરત, કલા, સંગીત વગેરેમાં પણ આ જ અનુપાત સૌંદર્યને દર્શાવે છે એવું પણ મનાવા માંડ્યું. માન્યતા એવી બની ગઈ કે ગ્રીક લોકો ગોલ્ડન રેશિયો અપનાવતા હતા એટલે તેમનાં શિલ્પો, ચિત્રો વગેરે સુંદર હોય છે. વાસ્તવમાં એવું ખાસ નથી.

ગોલ્ડન રેશિયોનો સૌથી વધુ ઉપયોગ કર્યો કૉસ્મેટોલૉજિસ્ટોએ. કેવો ચહેરો સૌથી સુંદર કહેવાય એ નક્કી કરવા માટે તેમણે ગોલ્ડન રેશિયોનો ઉપયોગ શરૂ કર્યો. સ્ટીફન માકટિર્ર્ નામના કૉસ્મેટિક સર્જ્યને એક ભૌમિતિક મુખવટો તૈયાર કર્યો જે ગોલ્ડન રેશિયો મુજબ બનાવાયો હતો. એ મુખવટો બરાબર ફાઈના મૂલ્ય મુજબના જ અનુપાતમાં બનાવાયો હતો જેમાં ચહેરાનાં ફીચર્સ કયા માપ અને પ્રમાણ મુજબ હોવાં જોઈએ એ દર્શાવાયું હતું. એ માસ્કમાં કપાળની હેરલાઇનથી બે આંખ વચ્ચેના કાલ્પનિક બિંદુ, ત્યાંથી નાકનો છેડો અને નાકના છેડાથી હડપચીના છેડા સુધીના ત્રણ ભાગનું પ્રમાણ દર્શાવાયું હતું. આ માસ્કનો વિશ્વભરમાં કૉસ્મેટિક, રીકન્ટ્રક્ટિવ સર્જરી કરનારાઓ, દાંતના ડૉક્ટરો દ્વારા વિસ્તૃત ઉપયોગ થાય છે. હવે તો ગોલ્ડન રેશિયો મુજબ તમારો ચહેરો કેટલો સુંદર છે એનું માપ કાઢી આપતી અનેક ઍપ પણ આવે છે, જેમાં તમે તમારો ફોટોગ્રાફ અપલોડ કરો એટલે પરિણામ જણાવી દેવામાં આવે.

પણ અરીસા સામે તમે ઊભા રહો છો ત્યારે તમને તમારું ખરું સૌંદર્ય દેખાય છે ખરું? માણસ પોતે પોતાની સુંદરતાને પૂરેપૂરી ક્યારેય ઓળખી શકતો નથી. મોટા ભાગે તો એમાં એને અધૂરપ જ દેખાય છે. જ્યાં સુધી અરીસો છે ત્યાં સુધી અધૂરપ છે અને ત્યાં સુધી કૉસ્મેટોલૉજિસ્ટોનો ધંધો ચાલતો રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2022 02:46 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK